૧૩૦. વ્યાપકાનંદસ્વામીને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:14pm

પૂર્વછાયો- દિયે પરચા દાસને, દિનબંધુ દીનદયાળ ।

જોઇ સામર્થી શ્યામની, મન મગન રહે મરાળ ।।૧।।

જણજણ પ્રત્યે જુજવા, આપી પરચા અપાર ।

તેણે ખુમારી તનમાં, મન મસ્ત રહે નરનાર ।।૨।।

વળી કહું એક વારતા, વિધવિધ કરી વખાણ ।

સાંભળજયો સહુ શ્રવણે, સત્યવાદી જન સુજાણ ।।૩।।

મોટા સંત મહારાજના, વંદુ હું વ્યાપકાનંદ ।

તેની ર્કીિત સુણતાં, આવે ઉરમાં આનંદ ।।૪।।

ચોપાઇ- ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવૃંદ ।

ત્રિશ સંતગુણે તેતો શોભે, કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે ।।૫।।

અષ્ટ સિધ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચિત્ત ન ચળે ।

એવા સંત શિરોમણી સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા ।।૬।।

થઇ જે દિની સહજ સમાધ્ય, દીઠી સામર્થી હરિની અગાધ્ય ।

સર્વે લોક ધામ ધામધણી, જાણી સામર્થી મહારાજ તણી ।।૭।।

સર્વે કારણના જે કારણ, દેખે હરિને કરી ધારણ ।

આપે વર્તે પંડે અંડપાર, નહિ દેહદશા તે લગાર ।।૮।।

અણઇચ્છાએ ઉતર્યા ઝાડી, આવ્યો આગળ દેશ અનાડી ।

તિયાં આવ્યું શહેર એક જાણો, તેનો રાજા મલેચ્છ પ્રમાણો ।।૯।।

તેનો દિવાન વણિક જન, કર્યું રાજકાજ બહુ દન ।

એક દિન આવ્યો વાંકમાંઇ, કર્યો બંધિવાન રાયે ત્યાંઇ ।।૧૦।।

બહુ દિન બંધિખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો ।

ઠેરાવિયા રૂપિયા કરોડી, લઇ જામીન ને મૂક્યો છોડી ।।૧૧।।

માસ એકનો કર્યો ઠેરાવો, ભરે રૂપિયા તો નહિ દાવો ।

નહીં તો કરીએ મુસલમાન, એવી રીત્યના લીધા જમાન ।।૧૨।।

મોટા શેઠના ગળામાં નાખી, છોડ્યો વણિક સાયદી રાખી ।

પછી તેણે દંડ દેવા કાજ, વેચ્યો ઘરનો સરવે સમાજ ।।૧૩।।

ઘણા રૂપિયા ઘરના દીધા, બીજા ઉછિ ઉધારે તે લીધા ।

તોય દંડ પૂરો નવ થયો, દેતાં દેતાં અધૂરો જ રહ્યો ।।૧૪।।

પછી વણિક મરવા વિચાર, આવ્યો શિવાલયે પુરબાર ।

દિયે પ્રદક્ષિણા ને પોકારે, આવાં કષ્ટથી કોણ ઉગારે ।।૧૫।।

હાયહાય હિન્દુધર્મ જાશે, હાય મનખો હરામ થાશે ।

એમ શોકમાં કરે પોકાર, દીઠા સાધુ દોય તેહ ઠાર ।।૧૬।।

તેમાં વડેરા વ્યાપકાનંદ, દેખી વણિક પામ્યો આનંદ ।

આવી લાગ્યો સંત દોય પાય, રુવે નયણે નીર ન માય ।।૧૭।।

તેને ધીરજ દઇ પૂછે સંત, કહે વણિક તારૂં વ્રતંત ।

કહી વણિકે પોતાની વાત, સુણી સંતે તે સર્વે વિખ્યાત ।।૧૮।।

પછી વ્યાપકાનંદજી કહે, સ્વામિનારાયણ નામ લહે ।

ધાર નિયમ કર સતસંગ, થાઇશ સુખિયો સર્વે અંગ ।।૧૯।।

પછી તેણે તેમજ કર્યું, સુત નારી સહિત નિયમ ધર્યું ।

આવ્યો વણિક સંતને ચરણે, ત્યારે વિચાર્યું અશરણ શરણે ।।૨૦।।

હવે કરવું એહનું કાજ, થયા સાબદા પોતે મહારાજ ।

વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોળિડું બાંધિયું શિશ ।।૨૧।।

પહેરી અંગરખી લાંબી બાંય, ચાળ વિશાળ લડસડે પાય ।

બાંધ્યો કમરે કસુંબી કણો, સોનેરી છેડે શોભે છે ઘણો ।।૨૨।।

તેમાં ખોશી છે સુંદર દોત, કાંધે દુશાલ ઝીણેરે પોત ।

હસે મુખે પડે ખાડા ગાલ, મોટા ધનાઢ્ય ઝળકે ભાલ ।।૨૩।।

કાંઇ બોલે મુખેથી તોતળિયું, લીધા રૂપૈયા ભરી કોથળિયું ।

લીધા સેવક સંગે બેચાર, આવ્યા શ્યામળો શહેર મોઝાર ।।૨૪।।

આવી પૂછિયું શેઠનું હાટ, કહે આવ્યા દામ દેવા માટ ।

માગો નાણું તે તમારૂં લિયો, ખત નાથ કહે પાછું દિયો ।।૨૫।।

ખત દૈશ હું દાસને જયારે, અન્ન જળ લઇશ હું ત્યારે ।

દામ વિના જે પિડાય દાસ, એવો લોભ નહિ અમ પાસ ।।૨૬।।

કહે વેલ્ય મ કરો લગાર, લિયો રૂપૈયા કહે વારંવાર ।

આપી રૂપૈયા ને ખત લીધું, લઇ વણિકને કર દીધું ।।૨૭।।

એમ પરચો પૂરી દયાળ, ચાલ્યા નાથ ત્યાંથી તતકાળ ।

વ્યાપકાનંદજીનું વચન, કર્યું સત્ય પોત્યે ભગવન ।।૨૮।।

પૂરી પરચો ચાલ્યા દયાળ, ભક્તાધીન દીનપ્રતિપાળ ।

વળી વ્યાપકાનંદની વાણી, કરી સત્ય તે સારંગપાણી ।।૨૯।।

તેની વર્ણવીને કહું વાત, વ્યાપકાનંદજીની વિખ્યાત ।

પછી ત્યાંથી ચાલ્યા દોય સંત, આવ્યા બુદેલખંડે મહંત ।।૩૦।।

તિયાં આવ્યું શહેર એક સારૂં, ઉતરવાનું તો નિત્ય બહારૂં ।

જોઇ જાયગા સુંદર સૂનિ, તિયાં ઉતરીયા બેઉ મુનિ ।।૩૧।।

તિયાં આવ્યો દ્વિજ એક ભાવી, કહે કરો ભોજન ઘેર આવી ।

બોલ્યા વ્યાપકાનંદ વિચારી, સારૂં કરાવો ભોજન ત્યારી ।।૩૨।।

પછી સુંદર રસોઇ કરી, આવ્યો વિપ્ર તેડવાને ફરી ।

તેડી લાવિયો નિજ અગારે, કરી પૂજા ષોડશોપચારે ।।૩૩।।

પછી પિરશું પનવાડે અન્ન, તિયાં વિપ્રસુતે તજયું તન ।

પછી વિપરે કર્યો વિચાર, આવ્યો ધર્મસંકટ આવાર ।।૩૪।।

મુવે મનુષ્યે નહિ જમે સંત, ભૂખ્યા જાશે એ દોષ અત્યંત ।

પછી હાથ જોડી લાગ્યો પાય, કરે સ્તવન મન અકળાય ।।૩૫।।

કહે વિપ્ર હું મોટો અભાગી, ઘણે દને મળ્યા તમે ત્યાગી ।

તેને જમાડી લાવો ન લીધો, થયો વ્યર્થ મનોરથ કીધો ।।૩૬।।

આ સમે પામ્યો પુત્ર તે મરણ, કેમ કરૂં હું અશરણ શરણ ।

પછી બોલિયા સંત સુજાણ, તર્ત મનુષ્ય તજે નહિ પ્રાણ ।।૩૭।।

જાઓ જીવ હશે દેહમાંઇ, જોઇ કહેજયો પછી આવી આંઇ ।

કહે વિપ્ર જોયું વળી વળી, જીવ નિશ્ચે ગયો છે નિકળી ।।૩૮।।

કહે સંત તું જા તિયાં સહિ, સ્વામિનારાયણ નામ લહિ ।

વિપ્ર કરી વચન વિશવાસ, આવ્યો મૃતક સુતને પાસ ।।૩૯।।

આવી જોયું ત્યાં આશ્ચર્ય પામ્યો, જીવ્યો સુત શોક સર્વે વામ્યો ।

પછી વિપ્ર પડ્યો સંતચરણે, આજથી હું છું તમારે શરણે ।।૪૦।।

તમે નહિ મનુષ્ય છો દેવ, આવ્યા મુજસારૂં તતખેવ ।

એમ પ્રકટ પરચો આપી, ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી ।।૪૧।।

એમ વ્યાપકાનંદજી વળી, પામ્યા પરચા બહુ હરિ મળી ।

એમ દીનબંધુ જે દયાળુ, કરે સંતનાં કાજ કૃપાળુ ।।૪૨।।

બહુ પરચા પળે પળે થાય, કવિ કોટ્યે પણ ન કહેવાય ।

ઘણી વાવરે સામર્થી શ્યામ, કરે બહુ નિજજનનાં કામ ।।૪૩।।

દિઠું સાંભળ્યું સતસંગ માંય, પળે પળે કરે હરિ સાય ।

તેણે વર્તે અખંડ આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ।।૪૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ-મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને પરચા પૂર્યા એ નામે એકસો ને ત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૦।।