૧૧૨. શ્રીહરિ સાથે રહેનારા પાર્ષદોનાં તથા સાંખ્યયોગી અને કર્મયોગી સ્ત્રી-પુરૂષોનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:53pm

ચોપાઇ-

હવે સાંખ્યયોગી કહું ભાઇ, જેને પ્રીત પુરૂષોત્તમમાંઇ ।

સદા રહેછે પ્રભુજી પાસ, થઇ ચરણકમળના દાસ ।।૧।।

હરિપાસે રહે છે હમેશ, અતિત્યાગી ને ઉજવળ વેષ ।

રાખી મુનિ જેવાં વ્રતમાન, ભાવે ભજે છે શ્રીભગવાન ।।૨।।

સર્વ જક્તના જીવશું તોડી, જેણે પ્રીત પ્રભુજીશું જોડી ।

દેહગેહતણાં સુખ ત્યાગી, થયા પ્રભુપદ અનુરાગી ।।૩।।

ઉઠે બેસે ચાલે જુવે જમે, કરે તેહ જે નાથને ગમે ।

નિત્ય જોઇ મહારાજની મરજી, વર્તે મનની મમતા વરજી ।।૪।।

આજ્ઞાકારી છે જેહનાં અંગ, કેદિ ન કરે વચનનો ભંગ ।

જાણે દેશ કાળ વળી સમે, કરે તેજ જે નાથને ગમે ।।૫।।

મરજી વિના પગલું ન ભરે, અંતરમાં નિરંતર ડરે ।

અતિ સમજુ ને સંત સ્વભાવ, પ્રેમી નિયમી ને ભક્તિભાવ ।।૬।।

દામ વામ જાણી દુઃખદાઇ, અતિ અભાવ છે મનમાંઇ ।

એવા સાંખ્યયોગીનો સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૭।।

લોભ લાલચ સ્વાદ સનેહ, આશા તૃષ્ણા તે તજીછે તેહ ।

હર્ષ શોક નહિ વૃધ્ધિ હાણ્ય, જેણે મેલી તનમન તાણ્ય ।।૮।।

પંચ વ્રતમાનમાંહિ પૂરા, અંતર સાધુ ને ઉપર શૂરા ।

અતિસમર્થ ને સાવધાન, વળી નિરસ્નેહી નિરમાન ।।૯।।

એવા સાંખ્યયોગી જે સુજાણ, કરૂં તેનાં હું શિયાં વખાણ ।

બીજાં ગૃહી ઘણાં બાઇ ભાઇ, જેને પ્રીત્ય છે પ્રભુજીમાંઇ ।।૧૦।।

ચોરી અવેરી મદિરા માંસ, તેની કરે નહિ કેદિ આશ ।

પડ્યું દ્રવ્ય પારકું ન હરે, ખોટી સાંખ્ય ભૂલે નવ ભરે ।।૧૧।।

ગાંજા ભાંગ્ય લસણ ડુંગળી, કેફ મફર માજમ વળી ।

કરી કેફ સરવેનો ત્યાગ, રાખે પ્રભુસાથે અનુરાગ ।।૧૨।।

એવાં ગૃહસ્થ ઘણાં નરનારી, જેને મળ્યા છે દેવ મુરારી ।

અતિ પવિત્ર ને પુણ્યવાન, તેનાં નામ સાંભળો નિદાન ।।૧૩।।

પ્રથમ કહું સાંખ્યયોગી ભાઇ, પછી કહું સાંખ્યયોગી બાઇ ।

ગૃહસ્થ હરિભક્ત નરનાર, કરૂં કિંચિત નામ ઉચ્ચાર ।।૧૪।।

સાંખ્યયોગી માંહિ શિરોમણિ, ભાવે નામ કહું તેનાં ભણી ।

મુખ્ય માંચો સોમલો મુગત, સુરો માતરો અલૈયો ભક્ત ।।૧૫।।

કાળો વાલેરો ને રાણસુર, લાખો નાન નાજો સંતસુર ।

એહ આદિ કાઠિજન કહીએ, સાંખ્યયોગી શ્યામસંગે લહીએ ।।૧૬।।

ભક્ત વેરોજી આતમારામ, ડુંગરજી ભગુજી અકામ ।

માનસિંહ ને કેશરીસિંઘ, ખરા ક્ષત્રિ એ ભક્ત અનઘ ।।૧૭।।

ભક્ત ભાણો હમીર ભણીજે, ઉમોજી ઉભે ભક્ત ગણીજે ।

રવોજી રતનજી ગંભીર, લાખો કસલો ભીમ હમીર ।।૧૮।।

વીરો દેવો માન ગુમાનજી, કમો કાજુ નાથુજી કાનજી ।

લાધોજી નાનજી નારાયણ, એહ ક્ષત્રિ પ્રભુ પરાયણ ।।૧૯।।

ભક્ત મુળજી જાતિ લુવાણો, સદા સખા એ શ્યામના જાણો ।

એહ આદિ સાંખ્યયોગી કહીએ, છે અપાર પાર કેમ લહીએ ।।૨૦।।

ઉકો હરજી રામજી દોય, કૃષિકર કરમશી સોય ।

જોધો જેઠો મેઘો હરિનાથ, ભગો અર્જણ બિજલો સાથ ।।૨૧।।

રાઠોડાદિ પ્રભુજીના દાસ, લાલો બાદર બે પ્રભુ પાસ ।

મિયાં કરિમ રયો હસન, રાજા ભૂલા નાથાદિ યવન ।।૨૨।।

એહ રહે છે પ્રભુજી પાસ, સવેર્તોડી જગતની આશ ।

એહ સાંખ્યયોગી સહુ જન, ભાવે કરે હરિનું ભજન ।।૨૩।।

કહું પ્રભુતણા પારષદ, જેને કામ ક્રોધ નહિ મદ ।

મોટા મુક્ત છે મુળજી નામ, વરણિરાટ જન જેરામ ।।૨૪।।

એહ આદિક બીજા જે ઘણા, સદા પારષદ પ્રભુતણા ।

દીનાનાથ પ્રાગજી પુરાણી, જેની સુધાસમાન છે વાણી ।।૨૫।।

રહે હરિપાસે હમેશ, જેના મનમાં મોહ ન લેશ ।

એવા બહુ રહે હરિપાસ, થઇ ચરણકમળના દાસ ।।૨૬।।

હવે સાંખ્યયોગી બાઇઓ જેહ, જેને પ્રભુ સાથે છે સનેહ ।

અતિ ત્યાગી ને વળી અકામ, કહું તેનાં સાંભળજયો નામ ।।૨૭।।

મુખ્ય રાજબાઇની એ રીતિ, પ્રભુ વિના નહિ કિયાં પ્રીતિ ।

જીવુબાઇ જીવનાં ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર ।।૨૮।।

લાડુબાઇ પ્રભુજીને પ્યારાં, સુબુધ્ધિ સુલક્ષણે સારાં ।

મીણબાઇ જેવા મુનિરાજ, જેણે રાજી કર્યા મહારાજ ।।૨૯।।

અમરબાઇ દ્વિજ મર્મવાન, હરિસેવામાં જે સાવધાન ।

રામબાઇ બેઉ હરિભક્ત, ભજયા હરિ તજયું જેણે જક્ત ।।૩૦।।

અતિ વિરક્ત અમૃતબાઇ, જેણે ત્રોડિ સંસાર સગાઇ ।

ઝાઝો ઝમકુબાઇને વૈરાગ, કર્યું પ્રભુસારૂં સુખ ત્યાગ ।।૩૧।।

રતિબા ફુલિબા રૂડાં જન, કયુર્ં કુળ પોતાનું પાવન ।

રાજુબાઇ કાજુ હરિદાસ, જેને ન લાગ્યો નાસ્તિક પાસ ।।૩૨।।

અમરબાઇ ને અમુલાંબાઇ, અદિબાને પ્રીત્ય પ્રભુમાંઇ ।

તન મનનાં સુખને ત્યાગી, પ્રભુચરણે પ્રીત્ય જેની લાગી ।।૩૩।।

એહ આદિ સાંખ્યયોગી જેહ, કહ્યાં એક ગઢડાનાં તેહ ।

સોમદેબાઇ ને સુરબાઇ, થઇ સોમાબાઇની ભલાઇ ।।૩૪।।

હવે કહું બીજાં હરિજન, જેનાં પ્રભુ પરાયણ મન ।

કહેવામાત્ર કર્મયોગી નામ, અતિ અંતરમાંહિ અકામ ।।૩૫।।

કહું નામ તેનાં નિરધાર, જેને પ્રભુજી સાથે છે પ્યાર ।

અતિ પ્રીત્ય જેને પ્રભુમાંઇ, તેહ વિના બીજું દુઃખદાઇ ।।૩૬।।

ખરાં ખીમબાઇ પાંચુબાઇ, જેની કહી ન જાય મોટાઇ ।

નાનબાઇ ને કુંવરબાઇ, જસુબાઇની થઇ ભલાઇ ।।૩૭।।

સાંખ્યયોગીનાં સેવક જન, તેનાં પણ ભાગ્ય ધન્ય ધન્ય ।

બેની કલુ હિરૂ ને રતન, પ્રેમાં કરે પ્રભુનું ભજન ।।૩૮।।

ડોસી ગંગામા ને બાઇ દેવ, વિરૂ વળી કરે હરિસેવ ।

રામબાઇ નાથી કંકુ કૈયે, હરિસેવા વહાલી જેને હૈયે ।।૩૯।।

માનું મઘુ અવલ ઇત્યાદિ, હરિજન જીવી વાલી આદિ ।

એહ સાંખ્યયોગીનાં સેવક, જાણે સર્વે વિધિએ વિવેક ।।૪૦।।

મન કર્મે કરે સેવકાઇ, એવો નિરધાર અંતરમાંઇ ।

વળી જાણે છે રાજી મહારાજ, એવું જાણીને કરે છે કાજ ।।૪૧।।

બીજાં ગઢડામાંહિ છે ઘણાં, નિજસેવક મહારાજતણાં ।

પ્રાણજીવન પ્રભુને જાણી, ભજે ભાવ ભિંતરમાં આણી ।।૪૨।।

પુરપતિ છે અતિ અવલ, કાઠી અનૂપ નામ એભલ ।

તેના પુણ્ય તણો નહિ પાર, જેનો અતિ પવિત્ર પરિવાર ।।૪૩।।

તેનો સુત તે ઉત્તમ નામ, સર્વે શુભગુણનું છે ધામ ।

કહીએ મોટ્યપ શું એની અતિ, કેદિ ન ચળે ધર્મથી મતિ ।।૪૪।।

સોંપી સર્વે હરિને સુજાણ, વતેર્પ્રભુની મરજી પ્રમાણ ।

જેને ઘેર નિત્ય મુનિજન, લિયે પ્રસાદ કરે ભજન ।।૪૫।।

જીવોખાચર આદિક જાણો, તેપણ ભક્ત પ્રભુના પ્રમાણો ।

વળી ઉત્તમ સુત જે બાવો, ર્સ્પિશ પ્રભુ લીધો જેણે લાવો ।।૪૬।।

ધન્ય ભક્ત તે ધાંધલ ઘેલો, અતિનિર્મળ નહિ મન મેલો ।

માલો માણશિયો નાગદાન, જેને વહાલા છે શ્રીભગવાન ।।૪૭।।

ભક્ત ઉકો અતિનિર્માન, સંત ટેલમાંહિ સાવધાન ।

એહાદિ કાઠી ભક્ત અપાર, ભજી હરિ થયા ભવપાર ।।૪૮।।

ભટ્ટ ગોપી પ્રભુજીને પ્યારા, તેના સુત તે ત્રણ છે સારા ।

રઘુનાથ ને લાલજી નામ, ત્રીજો સુત વારૂ જીવરામ ।।૪૯।।

દ્વિજ મકન કુરજી નામ, ભગો બેચર ને લખીરામ ।

રામચંદ્ર ને રતનેશ્વર, હરજીવન ડોસો જાગેશ્વર ।।૫૦।।

નાગરાદિ છે વિપ્ર અનેક, ભજે હરિ તજે નહિ ટેક ।

જુઠા લખા જુગલ વણિક, દો અમરશી ને ડાયો એક ।।૫૧।।

માલજી હીરો કૃષ્ણજી દોય, કાનજી ને રૂગનાથ સોય ।

કમળશી સુરચંદ્ર દોય, હરિભક્ત વણિક એ સોય ।।૫૨।।

શવો ખીમો ને કૃષ્ણ પ્રેમજી, વાલો વસતો મેઘો મુળજી ।

એહ આદિ છે ભક્ત સુતાર, જેઠા ભગાદિ કહીએ સોનાર ।।૫૩।।

જગા ગાંગા આદિ જે આહીર, સુણો ક્ષત્રિભકત શૂરવીર ।

સબલોજી જેસોજી પૂંજોજી, બેચર ને ગોવિંદ કાનજી ।।૫૪।।

એહાદિ ક્ષત્રિ ભક્ત અપાર, બીજા પણ અતિશે ઉદાર ।

ખીમો કુંભાર રૂગનાથ સઇ, દેવા આદિ દલવાડી કઇ ।।૫૫।।

નાથો હકો મુળજી રામજી, આંબો ખોડો ભાવસાર હરજી ।

રાજો જગો ને કેશવ કહીએ, રૂડા ભક્ત રાજગર લહીએ ।।૫૬।।

નકિ ભક્ત નાગાજણ રાણો, લખમણાદિ રાવલ જાણો ।

લાધો પ્રેમજી મેઘો કુરજી, હરજી ગાંગજી તેજો મનજી ।।૫૭।।

કલ્યાણ જીવો ડોશી જાનબાઇ, રાજુબાઇ ખરાં ખોજામાંઇ ।

કણબી કેશવ જેઠો સુંદર, ભાટ રાવજી ડોસો સાગર ।।૫૮।।

વાઘો માવજી રામો લુહાર, દેવો પંુજા દો ભીમો કુંભાર ।

કોળી માલો વાણંદ ગોવિંદ, દેવજી સાંગો કાળો સ્વછંદ ।।૫૯।।

એહાદિ જન ગઢડાવાસી, પ્રકટ પ્રભુજીના ઉપાસી ।

બીજા બહુ જન પ્રભુ પાસ, જેનો દેશ પ્રદેશમાં વાસ ।।૬૦।।

કહું તેનાં હવે ગામ નામ, જેણે પ્રભુ ભજયા તજી કામ ।

સાંખ્યયોગી કર્મયોગી જેહ, કહું સર્વે સાંભળજયો તેહ ।।૬૧।।

છે તો અપાર ને અગણિત, કહું તેમાં થકી હું કિંચિત ।

સમુદ્રમાં સકુન સુજાણ, પીવે પાથ તે ચાંચ પ્રમાણ ।।૬૨।।

પૂર્વછાયો-

આગળ બહુ અવતારના, જન કહ્યા કવિએ વિચાર ।

પણ આજ જે ઓધરશે, તેનો નહિ થાય નિરધાર ।।૬૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગઢડાનાં સાંખ્યયોગી હરિજન તથા સાંખ્યયોગી બાઇયો તથા મહારાજના પારષદનાં નામ કહ્યાં એ નામે એકસો ને બારમું પ્રકરણમ્ ।।૧૧૨।।