૭૯. શ્રી હરિએ સખાઓ સાથે વડતાલ પધારી પબ્ર ોધનીનો ઉત્સવ કર્યો ને સ્વમુખે પોતાનું સર્વોપરિપણું કહ્

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:09pm

ચોપાઇ-

અલબેલોજી અંતરજામી, જે કોઇ સર્વે તણા કાવે સ્વામી ।

તેણે જાણી છે જનની તાણ, ચાલ્યા ગઢડેથી શ્યામ સુજાણ ।।૧।।

આપે અશ્વે થયા અસવાર, સંગે સખા હજારો હજાર ।

તેપણ તોરંગે થયા તૈયાર, શોભે અશ્વ અતિશે અપાર ।।૨।।

મેલા મજીઠા નીલા નવરંગ, રાતા માતા ને તાતા તોરંગ ।

હરડા હાંસલા રોઝા રૂપાળા, આકળા ઉતાવળા બાવળા ।।૩।।

વળી ઘોડી ઘણી જાતવંતિ, એકએકથી ઓપે છે અતિ ।

હર્ણી માણકવર્ણી વિજળી, કપિક્યાડિ કેશર વાંગળી ।।૪।।

લખી લક્ષમી લાડકી લાલ, બેરી બોદલી ચાંદરી ઉતાલ ।

મલી માછલી રેડી રૂપાળી, પાંખાળી સોઝવાળી શિંગાળી ।।૫।।

તિખિ તાજણ્યું જવાદ્યું જાણો, ફુલમાળ પટુઇ પ્રમાણો ।

છબિલી ને છોગાળી એ આદિ, ઘણી ઘોડી રૂડી રાયજાદિ ।।૬।।

કર્યાં કાઠીએ સજજ કેકાણ, માંડિયાં શંખલાદિ પલાણ ।

ચડ્યા માણકીએ મહારાજ, તેણે માંડ્યા છે સોનેરી સાજ ।।૭।।

ચાલી ઘોડાતણી ઘણી ઘટ, શ્યામ સંગે છે સખા સુભટ ।

આવે વાટમાંહિ ગામ ઘણાં, કરે દર્શન જન હરિતણાં ।।૮।।

કોઇ કહે રહો ઇયાં રાજ, કોઇ કહે જમી ચાલો મહારાજ ।

કોઇ કહે રહો ઘડીવાર, અમે ચાલવા છીએ તૈયાર ।।૯।।

એમ આવી આડાં જન ફરે, તેને અલબેલો ઉત્તર કરે ।

કહે કેડ્યેથી આવજો તમે, છીએ આજ ઉતાવળા અમે ।।૧૦।।

એમ કહી ધ્રોડવી ઘોડી, માણ્યકવર્ણી જે માણકી રૂડી ।

જાણ્યું છુટ્યો કમાનથી તિર, ખર્યો તારો અંબરે અચિર ।।૧૧।।

જાણ્યું પાંખે ઉડ્યો પન્નગારિ, વેગ તોપ ગોળા થકી ભારી ।

સખા સહુ રહ્યા સામું જોઇ, સંગે પહોંચી શક્યા નહિ કોઇ ।।૧૨।।

પછી કેડ્યેથી કીધો છે ધ્રોડ, જોરે હાંકે ઘોડાં જોડાજોડ ।

ફરકે છોગાં માથે મોટી પાગે, કરે અમર પંખા એવું લાગે ।।૧૩।।

અતિ પર્શેવે પલળ્યાં અંગ, ઘણે શ્વાસે ભરાણા તોરંગ ।

ત્યારે પોત્યા છે પ્રભુજી પાસ, આંબાતળે દિઠા અવિનાશ ।।૧૪।।

એક કરે ગ્રહિ કેશવાળી, બીજે કરે ગ્રહિ આંબા ડાળી ।

સામું જોઇને હરિ હસિયા, કહે કેડ્યે કેમ રહી ગીયા ।।૧૫।।

ત્યારે બોલ્યા સખા કરજોડી, નાથ અમે થાક્યા ધ્રોડીધ્રોડી ।

પણ કોઇથી પહોંચાણું નહિ, તેહ સારૂં કેડ્યે ગયા રહી ।।૧૬।।

આવું ધોડશો જો તમે નાથ, તો અમે પહોંચી શકીએ ન સાથ ।

એમ કહીને જોડીયા પાણ, પછી સંગે ચાલિયા સુજાણ ।।૧૭।।

મેલી ભદ્રા આવી ભોગવતી, ત્યાંથી ઉતર્યા સાબરમતી ।

સંગે હતા સંન્યાસી ને સંત, બ્રહ્મચારી ને ભક્ત અનંત ।।૧૮।।

ત્યાંથી ચાલ્યા છે લાડીલો લાલ, આવ્યા વાલ્યમજી વરતાલ ।

તેનું સતસંગીને થયું જાણ, આવ્યા સામૈયે સર્વે સુજાણ ।।૧૯।।

તાલ મૃદંગ ત્રાંસા ને ભેરી, સુંદર સ્વરે શરણાઇ ઘેરી ।

રણશિંગા ને ઢોલ દદામાં, ગાતાં વાતાં આવ્યાં સહુ સામાં ।।૨૦।।

બાળ જોબન ને વૃધ્ધ વળી, આવી લાગ્યાં પાય સહુ લળી ।

પછી મુનિને પડીયા પાય, વળતાં મળ્યા પરસ્પર માંય ।।૨૧।।

ભાઇ મળ્યા સરવે ભાઇયોને, બાઇયો મળી સર્વે બાઇયોને ।

પછી ગાતા વાતા આવ્યા ગામ, તૈયે બોલિયા સુંદર શ્યામ ।।૨૨।।

ગામમાંતો છે ભિડ્ય ઘણેરી, સંઘ મનુષ્યે સઘન થઇ શેરી ।

ચાલો પુરથી પૂરવ દિશે, એમ જનને કહ્યું જગદીશે ।।૨૩।।

તરૂ તળાવ તટે સઘન, શોભે વિવિધ ભાત્યનાં વન ।

અતિમોટાં ને ઘાટી છે છાંય, મુનિ ઉતરીયા સર્વે ત્યાંય ।।૨૪।।

એક અતિ મોટો ત્યાં આંબલો, ઘણો ઘાટો છાંયો જેનો ભલો ।

તિયાં ઉતરીયા અવિનાશ, સર્વે બેઠા આવી દાસ પાસ ।।૨૫।।

પછી બોલિયા પ્રાણઆધાર, તમે સાંભળો સહુ નરનાર ।

આજ તો છે દશમીનો દન, તમે કરો ભોજન સહુ જન ।।૨૬।।

એમ અલબેલે આગન્યા દિધી, સર્વે દાસે તે સાંભળી લિધી ।

એક ભક્ત બ્રાહ્મણ ગંગાબાઇ, જેને ભાવ ઘણો પ્રભુમાંઇ ।।૨૭।।

રૂડી કરતાં આવડે રસોઇ, કીધાં જમણ મરજી જોઇ ।

પૂર્યો ભોજન વ્યંજને થાળ, લાવ્યા બેઠા હતા જયાં દયાળ ।।૨૮।।

પછી જીવન જમવા કાજ, ઉઠ્યા મુખે હસિને મહારાજ ।

કર્યાં ભાવ કરીને ભોજન, પછી દીધું જને આચમન ।।૨૯।।

દિધી પ્રસાદી નિજ દાસને, પછી અલબેલો આવ્યા આસને ।

બળે બહોળી મેતાબું મશાલ, બેઠા મુનિના મધ્યમાં લાલ ।।૩૦।।

કરતા પ્રશ્ન ઉત્તરની વાત, એમ વહિ ગઇ અર્ધ રાત ।

પછી પુરમાં પધાર્યા નાથ, સખા પોતાના લઇને સાથ ।।૩૧।।

તિયાં જઇ પોઢ્યા પ્રાણપતિ, થોડું સોઇ જાગ્યા જનવતિ ।

તર્ત ઘોડે થયા અસવાર, સર્વે સંઘની લીધી છે સાર ।।૩૨।।

પછી આવ્યા આંબલે મહારાજ, દાસને દેવા દર્શન કાજ ।

બાલ જોબન વૃધ્ધ વનિતા, આવ્યાં હરિ પાસે હરખતાં ।।૩૩।।

લાવ્યાં વસ્ત્ર વિવિધ ભાત્યનાં, આભૂષણ જુજવી જાત્યનાં ।

ચંદન પુષ્પ તુલસી ને ધૂપ, દીપ સમીપ નૈવેદ્ય અનુપ ।।૩૪।।

એહ આદિ અનેક સામગરી, લાવ્યાં સહુ સહુના થાળ ભરી ।

જીયાં બેઠાતા જગજીવન, તિયાં આવ્યા સહુ હરિજન ।।૩૫।।

મુનિ સહિત મહારાજને નિર્ખ્યા, નિર્ખિ જન મનમાંહિ હર્ખ્યા ।

પછી પૂજા કરી નરનારે, પૂજયા પ્રભુ ષોડશ ઉપચારે ।।૩૬।।

પુરૂષે પૂજા તે મુનિની કિધી, દંડવત પ્રદક્ષિણા દિધી ।

પછી બેઠા સામા જોડી હાથ, નયણે નિર્ખે છે નટવર નાથ ।।૩૭।।

પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજયો સહુજન ।

તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ ।।૩૮।।

અતિઅપાર અક્ષરાતીત, થઇ તમારે તેસાથે પ્રીત ।

ભક્ત જક્તમાંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા ।।૩૯।।

જેજે મૂરતિ જનને ભાવે, તે મૂરતિ નિજધામ પહોંચાવે ।

પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ ।।૪૦।।

એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય ।

સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા ।।૪૧।।

એમ બહુ દિન સુખ દીધાં, ઘણું જનને મગન કીધાં ।

પછી બોલિયા પ્રાણજીવન, જાઓ સહુ સહુને ભવન ।।૪૨।।

રહેજયો નિર્ભય સહુ નરનારી, રાખજયો વ્રતમાન વિચારી ।

ર્કાિતક શુદી એકાદશી દને, કર્યો ઉત્સવ જગજીવને ।।૪૩।।

એવી લીળા કરી વરતાલે, વાલો પધાર્યા દેશ પંચાલે ।

સહુજનને થાવા આનંદ,ગાય પ્રેમેશું નિષ્કુળાનંદ ।।૪૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે પ્રબોધનીનો ઉત્સવ કર્યો એ નામે ઓગણાએંશીમું પ્રકરણમ્ ।।૭૯।।