૬૭. ભગવાન કૃપાસાધ્ય છે કે ક્રિયાસાધ્ય તેની ચર્ચા, કર્જીસણમાં જન્માષ્ટમી ઉત્સવ કર્યો પછી જતે લપર

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:55pm

ચોપાઇ-

કરી લીળા પધારીયા લાલ, ગયા દેશપ્રદેશ મરાલ ।

પછી સત્સંગી સહુ મળી, જોઇ લીળા ગયા ઘેર વળી ।।૧।।

ફરે સંત કરે બહુ વાત, સંભારી લીલા રહે રળિયાત ।

કહે સંત મળી વાત જયારે, ત્યારે હરિનાં ચરિત્ર સંભારે ।।૨।।

કહે આપણાં ભાગ્ય અપાર, પ્રકટ મળ્યા પ્રાણ આધાર ।

જેને ઇચ્છે મોટા મુનિજન, તેનાં આપણે થાય દર્શન ।।૩।।

જેને ઇચ્છે અતિઘણું અજ, પ્રભુ ચરણની પામવા રજ ।

જેને ઇચ્છે અતિ ઘણું ઇશ, તે આપણે મળ્યા જગદીશ ।।૪।।

જેને ઇચ્છે છે શેષ સુરેશ, શશિ સૂર્ય શારદા ગણેશ ।

જેને ઇચ્છે છે ક્રોડ તેત્રિશ, જેને ઇચ્છે છે મોટા મુનીશ ।।૫।।

જેને ઇચ્છે છે રૂડા ઋષિરાય, તે મળ્યા આપણે અણઇચ્છાય ।

માટે આપણાં પુણ્ય અપાર, ભલે આવ્યો આ સમે અવતાર ।।૬।।

અતિ આપણાં ભાગ્ય અતોલ, ત્રિલોકે નહિ આપણી તોલ ।

ધન્ય અહો મોટું એ આશ્ચર્ય, એવું શું આપણું તપશ્ચર્ય ।।૭।।

આતો મહેર કરી છે મહારાજ, કરી કૃપા તે આપણે કાજ ।

એમ પરસ્પર કહે છે દાસ, એમ કરતાં વીત્યા પંચ માસ ।।૮।।

પછી પોતે પધારીયા હરિ, દાસને દયા દર્શનની કરી ।

પશ્ચિમ દેશથી પધાર્યા નાથ, સાંખ્યયોગી સખા લઇ સાથ ।।૯।।

ગુજરધર ચડોતર દેશ, ગામ સંજાયે કર્યો પ્રવેશ ।

પધાર્યા બામરોલી ગામ, જઇ ડભાણે કર્યો વિશ્રામ ।।૧૦।।

ત્યાંથી ચાલી ઉમરેઠ ગયા, તિયાં રાત્ય પોતે એક રહ્યા ।

વળતા વળી આવ્યા વરતાલ, તિયાં તેડાવ્યા મુનિ મરાલ ।।૧૧।।

દયા કરીને દિધાં દર્શન, પછી મુનિને પુછ્યું પ્રશન ।

કૃપાસાધ્ય ક્રિયાસાધ્ય વળી, કીયો પક્ષ માન્યો તમે મળી ।।૧૨।।

એ પ્રશ્ન પુછીએ છીએ અમે, જેમ જણાય તેમ કહેજયો તમે ।

તૈયે એક કહે કૃપા સાધ્ય હરિ, એક કહે ક્રિયા પણ ખરી ।।૧૩।।

એમ પરસ્પર ચર્ચા કરે, એકબીજામાં આશંકા ધરે ।

સુણી સંવાદ જનનો જીવન, કરે પડકારા થાય પ્રસન્ન ।।૧૪।।

દિન દોે ચાર રહ્યા ત્યાં રાજ, પછી ડાકોરે ગયા મહારાજ ।

પછી ઉમરેઠે આવ્યા અલબેલ, ત્યાં વુઠો ઘન ઘણી ચાલી રેલ ।।૧૫।।

ફરી દિયે દરશન દાન, અતિ સોંઘા થયા ભગવાન ।

મોટા મુનિના ધ્યાનમાં નાવે, તે અણતેડે આંગણે આવે ।।૧૬।।

ફરી હરિ આવ્યા વરતાલ, ત્યાંથી ગયા જેતલપુર લાલ ।

તિયાંથી પછી સધાવિયા શ્યામ, આવ્યા કૃપાળુ ર્કિજસણ ગામ ।।૧૭।।

તિયાં આવીને તેડાવ્યા જન, અતિરાજી છે દેવા દર્શન ।

આવ્યા સતસંગી ને સંત વળી, જીવનમુક્ત મુનિની મંડળી ।।૧૮।।

સ્પર્શી ચરણ બેઠા સનમુખ, જોઇ જીવન પામીયા સુખ ।

હેત સમેતે કરે હરિ વાત, સાંભળી સંત થાય રળીયાત ।।૧૯।।

કાજુ ગરબી ગવરાવે કીર્તન, દિવસ આખો દિયે દર્શન ।

જમે રમે સંત કરે કિલોલ, આપે અલબેલો સુખ અતોલ ।।૨૦।।

આસપાસ ગામે હરિજન, પધરાવે પોતાને ભુવન ।

ભોજન વ્યંજન હેતે કરાવી, જમાડે હરિને ભાવ લાવી ।।૨૧।।

પછી જમાડીયા સર્વે સંત, લિયે લાવ અલૌકિક અત્યંત ।

એમ કરતાં આવી અષ્ટમી, પુછ્યું નાનેભાયે ચરણે નમી ।।૨૨।।

મહારાજ આવ્યો ઉત્સવ દન, કરીએ ઉત્સવ જો હો પ્રસન્ન ।

પછી હરિએ હસી કરી વાત, કરો ઉત્સવ છીએ રળીયાત ।।૨૩।।

પછી હીંડોળો કરાવ્યો હેતે, બેઠા પ્રભુજી જનની પ્રીત્યે ।

મહારાજની પછી પૂજા કરી, લાવ્યા ચંદન ભાજન ભરી ।।૨૪।।

ર્ચિચ ચંદન કુંકુમે પાય, તે છાપ્યા જને રૂદિયામાંય ।

જે ર્સ્પિશ થયો કાળી નિઃશંક, તે પદનો થયો ઉરમાં અંક ।।૨૫।।

જે પદરજે તરી ઋષિનાર, તે પદ લીધાં છાતિ મોઝાર ।

થયા જન મગન મન ઘણાં, કોઇ રીત્યની ન રહી મણા ।।૨૬।।

પછી સંતને શીખજ દીધી, એવી લીલા શ્રીમહારાજે કીધી ।

થયા જન સરવે મગન, શ્રાવણવદી અષ્ટમીને દન ।।૨૭।।

તેદિ લીલા ર્કિજસણે કરી, હવે કહું જે કરીયું હરિ ।

પછી કાંઇક છાના તે રહ્યા, નાથ પછી નારદીપુર ગયા ।।૨૮।।

મેઉ ગામ લાંગણોજ આવ્યા, નિજજન મને ઘણું ભાવ્યા ।

પછી ત્યાંથી પ્રભુ પાછા વળ્યા, જેતલપુર જનને મળ્યા ।।૨૯।।

શ્વેત વસ્ત્ર અંગે શોભા ઘણી, કંઠે માળા પહેરી ફુલતણી ।

કરે કંકણ ફુલના કાજુ, તોરા ગજરા ફુલના બાજુ ।।૩૦।।

રેણિ સમે આવ્યા ભગવાન, દિધાં દાસને દર્શન દાન ।

દેઇ દર્શન ને વાત કરી, સાકાર રૂપ સમઝાવા હરિ ।।૩૧।।

પછી જન કહે પધારો મહારાજ, કરો રસોઇ તે જમવા કાજ ।

ચાલ્યા સખા સંગે વનમાળી, કરતા ધુન્ય વજાડતા તાળી ।।૩૨।।

જન ઘેર જઇ જમ્યા જીવન, પછી બોલાવ્યા પાસે મુનિજન ।

સંકીર્ણ ઘર જન ન સમાય, થયા સઘન મળી મુનિરાય ।।૩૩।।

એમ ઉભા જમાડીયા જન, પિરશ્યું પોતે થઇ પ્રસન્ન ।

જેને જોઇ પડ્યો ભૂલો બ્રહ્મન, એમ જમાડ્યું જનનું અન્ન ।।૩૪।।

પછી ત્યાં થકી ચાલીયા નાથ, સખા સર્વે હતા હરિ સાથ ।

એકે આવી કરી છત્રછાંય, તે હરિને ન ગમ્યું મનમાંય ।।૩૫।।

ચાલે ચટકતા ચાલ્ય ગજગતિ, સ્વેદબિંદુએ શોભે ભાલ અતિ ।

આવી બેઠા આસોપાલવ છાંયે, નિર્ખિ નાથ હૈયે હર્ખ ન માયે ।।૩૬।।

પછી પૂજા કરવાને જન,પોત્યે હાથે ઉતાર્યાં ચંદન ।

કરી પૂજા ને પહેરાવ્યા હાર, નખશિખ કર્યા ફુલ શણગાર ।।૩૭।।

ધૂપ દીપ ઉતારી આરતી, પછી કરી કરજોડી વિનતિ ।

વળતા નાવા ચાલીયા નાથ, સર્વે સખા નાહ્યા શ્યામસાથ ।।૩૮।।

પછી પધાર્યા હરિ પુરમાંય, મોટી વાત કરી એક ત્યાંય ।

કિયાં જન ને કિયાં ભગવન, એવું સમઝી સંકોચાય જન ।।૩૯।।

માટે હરિશું કરવો સંબંધ, તાત ગુરૂ સખા ભાઇબંધ ।

એમ કહી પછી ઉભા થયા, કરી મુનિને મળવાની દયા ।।૪૦।।

મળતાં મર્મ કરી હરિ હસ્યા, ભેટતાં જન ભૂલ્યા દેહદશા ।

એવી લીલા અલૌકિક કરી, પછી પંચાળે પધાર્યા હરિ ।।૪૧।।

પાંચાળ દેશમાં ગઢડું ગામ, તિયાં પધાર્યા સુંદરશ્યામ ।

આવી દાસને દીધાં દર્શન, નિર્ખિ નાથ થયાં સુખી જન ।।૪૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે  શ્રીહરિચરિત્ર એ નામે સડસઠ્યમું પ્રકરણમ્ ।।૬૭।।