૫૮. કચ્છમાં જઇ અસુરોને માર્મિક પત્ર લખ્યો, ડભાણમાં યજ્ઞની તૈયારી કરાવી હાથરોલીનાં ભીલ રાજાને યજ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:44pm

ચોપાઇ-

પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ, જોઇ અસુર નરનો નાશ ।

ગયા વેલાલ્ય સલકિ ગામ, પછી કચ્છમાં સધાવ્યા શ્યામ ।।૧।।

ત્યાંથી કાગળ મોકલ્યો નાથે, એવું શીદ કર્યું અમ સાથે ।

અમારે નોતું કરવું એમ, તમારે પણ ઘટે એ કેમ ।।૨।।

એતો થયું છે અજાણમાંઇ, તેનો ધોખો કરશોમાં કાંઇ ।

એતો કરાવનારા છે કોક, તેનો શીદને રાખવો શોક ।।૩।।

અમે તમે તો એકજ છીએ, ઘણું ઘણું શું મુખથી કહીએ ।

અમે કરશું જગન ડભાણ, તિયાં આવજો સવેર્સુજાણ ।।૪।।

થાશે તે અમે ચાકરી કરશું, તમે કરશો માં તમારૂં નરશું ।

ત્યાંતો એકાએક હતા અમે, તેવા સમામાં આવિયા તમે ।।૫।।

એવો પત્ર લખ્યો અવિનાશે, આવ્યો અસુરાધિશને પાસે ।

સામ દામ દંડ ભેદે ભયોર્ , વાંચી કાગળ વિચાર કર્યો।।૬।।

ન કરો નુગરાની યાં વાત, જેણે માર્યા સાધુ સાક્ષાત ।

એમ સમજી મનમાં વિચારી, પછી બેસી રહ્યા જખ મારી ।।૭।।

પછી શું શું કર્યું ભગવાને, કહું સાંભળજયો સહુ કાને ।

આદર્યો છે ડભાણે જગન, આવ્યા ચૌદિશેથી હરિજન ।।૮।।

શાળ દાળ ને દળાવ્યા ઘઉં, લીધાં ઘી ગોળ મિસરી બહુ ।

છોયે રસના ભર્યા કોઠાર, તેનો કહેતાં તે ન આવે પાર ।।૯।।

પછી પોતે પધાર્યા મહારાજ, પૂરો કરવો જગન એ કાજ ।

રહ્યા દન દોય એહ ઠામ, પછી ગયા ઘોડાસર ગામ ।।૧૦।।

ત્યાંથી નાથ ગયા હાથરોળી, ત્યાં તેડાવી સંત મંડળી ।

આવ્યા ભીલ ને ભીલભૂપતિ, હાથ જોડીને કરી વિનતિ ।।૧૧।।

ભલે આવ્યા તમે ભગવાન, દીધાં અમને દર્શન દાન ।

ઉભા આગળ જોડીને પ્રાણ, અમે છીએ તમારા વેચાણ ।।૧૨।।

કાંઇક સોંપજયો અમને કાજ, એવું સુણીને બોલ્યા મહારાજ ।

આવા સાધુ હોય નિરમાન, તેની રક્ષા કરવી નિદાન ।।૧૩।।

ડભાણમાંહિ થાશે જગન, તેમાં કરવા ઇચ્છે છે વિઘન ।

મહામદે ભર્યા જે અભાગી, તેને કેમ ગમે આવા ત્યાગી ।।૧૪।।

માટે એનું કરો ઉપરાળું, થાય તો કરજયો રખવાળું ।

ત્યારે બોલ્યો ભીલનો ભૂપતિ, એનો ભાર નથી મારે રતિ ।।૧૫।।

મર આવે પૃથ્વીપતિ રાય, માનું તરણા જેવો મનમાંય ।

પણ માગું છું જોડી હું હાથ, મારે ઘેર પધારીયે નાથ ।।૧૬।।

પછી બેસાર્યા પાલખી પર, રાય તેડી ચાલ્યો નિજઘર ।

બહુ હેતે કરી પધરાવ્યા, ભરી થાળ મોતીડે વધાવ્યા ।।૧૭।।

પછી સુરતથી સત્સંગી આવ્યા, પ્રભુ સારૂં પોશાગ તે લાવ્યા ।

શોભે સુરવાળ જામો જરી, શિર બાંધી છે પાઘ સોનેરી ।।૧૮।।

બાંધી કમરે કસુંબી શાલ, નિરખી જન થયા છે નિહાલ ।

ચમર છતર અબદાગરી, તે રહ્યા છે હરિપર ધરી ।।૧૯।।

ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ ।

જોઇ રાજી થયો રળિયાત, પ્રભુ સાંભળજયો એક વાત ।।૨૦।।

અમપર મહેર અતિ કીજે, આવું સહુને દર્શન દીજે ।

પછી બેઠા પાલખીએ હરિ, દિધાં શહેરમાં દર્શન ફરી ।।૨૧।।

નિર્ખિ નાથને થયો સનાથ, સહુ કહે ધન્ય ધન્ય નાથ ।

પછી પ્રભુ કહે સુણો રાજન, જાયે ડભાણે કરવા જગન ।।૨૨।।

સવેર્સજજ થાઓ તમે શૂર, જાવું જોશે આપણે જરૂર ।

પછી રાજા કહે સુણો નાથ, કહોતો લાખ ભીલ લઉં સાથ ।।૨૩।।

ત્યારે બોલીયા એમ મહારાજ, નથી આપણે એવડું કાજ ।

કાંઇ થોડા ઘણા લિયો સંગ, બીજા છે અમસંગે તોરંગ ।।૨૪।।

સજજ થઇ ચાલ્યો ભીલરાજ, બેઠા પાલખી પર મહારાજ ।

વાજે ઢોલ દદામા નિશાણ, શોભા બહુ શું કહું વખાણ ।।૨૫।।

આવ્યા ડભાણ ઢુંકડા જયારે, થયા ઘોડે અસવાર ત્યારે ।

ઘોડો શોભે છે ઘણું રૂપાળો, માંડ્યો સાજ ઉપર શોભાળો ।।૨૬।।

કોટે કોટિયું હૂલર હાર, પગે ઝાંઝરનો ઝમકાર ।

ચાંદી ચોકડે મોંવડે જડી, માથે કરી છે કલંગી ખડી ।।૨૭।।

શોભે તાવિથે ઘુઘરી સાર, કેડ્યે કનક ભૂષણની હાર ।

કાઠું જીન કનકનું રાજે, દોય પાઘડે મોર બિરાજે ।।૨૮।।

અંગોઅંગ શોભા સઇ ભણું, શોભે ઘોડો ઘરેણાંમાં ઘણું ।

સારાં શીલ સોયામણો લાગે, ચાલે ઘમકે ઘુઘરીયો વાગે ।।૨૯।।

ધીરો ચાલે ને લીયે વારકી, ધ્રોડ્યે પહોંચાય નહિ કોઇ થકી ।

એવે અશ્વે ચડ્યા મહારાજ, દેવા દાસને દર્શન કાજ ।।૩૦।।

લીધી સવેર્સંઘની સંભાળ, કરે ચોકી રૂડિ રખવાળ ।

પછી અશ્વ પરથી ઉતરી, બેઠા પાલખીએ પોત્યે હરિ ।।૩૧।।

ધીરે ધીરે દિયે છે દર્શન, ઘણું જનપર છે પ્રસન્ન ।

પછી આવ્યા પાકશાળામાંય, ઘડી એક પોત્યે બેઠા ત્યાંય ।।૩૨।।

પૂછી પાકની ખબર ખરી, કહ્યું મોદક મૂક્યા છે કરી ।

પછી મોટો કરાવ્યો માળ, તિયાં બેઠા છે દીનદયાળ ।।૩૩।।

નિખેર્નરનારી મળી વૃંદ, જેમ ચકોર ચિંતવે ચંદ ।

એમ કરતાં વીતિ ગઇ રેણ, પહોર એક પોઢ્યા કમળનેણ ।।૩૪।।

પછી જાગીયા પ્રાણઆધાર, તર્ત ઘોડે થયા અસવાર ।

ફરી જોઇ છે સીમ સઘળી, પછી આવિયા મંડપે વળી ।।૩૫।।

તિયાં બ્રાહ્મણ હતા હજાર, કરતા વેદનો મુખે ઉચ્ચાર ।

ભણે મંત્ર ને આહૂતિ દીએ, વહે પરનાળાં અખંડ ઘીએ ।।૩૬।।

હોમે હવિષ્યાન્ન જવ તલ, નિરદોષ જગન અવલ ।

નાલી કેળી લવિંગ સોપારી, હોમે એલા સ્વાદી શાળ સારી ।।૩૭।।

બહુવિધની લઇ સામગરી, હોમે છે વેદવિધિએ કરી ।

બેઠા પોત્યે તિયાં ઘડી ચાર, પછી આવ્યા પંગત્ય મોઝાર ।।૩૮।।

બેઠી પંગત્ય બ્રાહ્મણતણી, કોઇ થકી તે ન જાય ગણી ।

જમે બ્રાહ્મણ ભાવ ભરીને, જુવે પોતે પંગત્ય ફરીને ।।૩૯।।

પછી જમીને ઉઠ્યા વિપર, ગયા દ્વિજ ઉતારા ઉપર ।

એમ જમ્યા દન દશ સુધી, પછી આવી એકદિ કુબુધી ।।૪૦।।

આવી અસુરે કર્યો પ્રવેશ, ત્યારે દ્વિજે આદર્યો છે દ્વેષ ।

કહે કાંઇક કરો ઉપાય, શું વિચારી રહ્યા મનમાંય ।।૪૧।।

આતો પુરો થયો તે જગન, તેમાં કાંઇ ન પડ્યું વિઘન ।

સીધાં ખરચ્યામાં ન રાખી ખામી, કરીએ વિઘ્ન તો આપણે વામી ।।૪૨।।

પહેલા આપણાં મનુષ્ય જમાડો, બીજાં કળે કરીને ખમાડો ।

પછી કરીએ કતોહલ ભારી, પડશે ભંગાણ થાશે ખુવારી ।।૪૩।।

પછી કોણ કેને ઓળખે છે, ઘણા વિપ્ર આપણી પડખે છે ।

લોટ લાડવા લુંટીજ લેશું, બીજા તળાવમાં નાખીદેશું ।।૪૪।।

ગોળ ઘી કુડલાં લેશું હાથે, જાશું અંધારે ઉપાડી માથે ।

એકએક લઇ જાશું મોંટલી, જમશું ઘી ગોળ ને રોટલી ।।૪૫।।

એમ પરિયાણીયા વળી વામી, તે તો જાણે છે અંતરજામી ।

જોજયો જીવ તણી અવળાઇ, કેવું વિચારીયું ખાઇખાઇ ।।૪૬।।

એવું જાણીને હસિયા હરિ, પછી જીવને જુગતિ કરી ।

આવ્યા પાકશાળાને મોઝાર, કરી કળ કાઢ્યા વામી બાર ।।૪૭।।

આડા ઉભા રાખ્યા આણી પાળા, હાથ કરી લીધી પાકશાળા ।

દઇ ડારો હાથ લીધી અસિ, ડરી દુષ્ટ ઉભા દૂર ખસી ।।૪૮।।

કરવું હતું અવળું અપાર, હોંસ રહી તે હૈયામોઝાર ।

બેઠા હાથ ઘસી પછી હેઠા, બહુ સમર્થ શ્રીહરિ દિઠા ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે યજ્ઞનો આરંભ કર્યો એ નામે અઠ્ઠાવનમું પ્રકરણમ્ ।।૫૮।।