૫૭. અમદાવાદમાં સંતોને માર્યાના ખબર મળતા શ્રીહરિ કોપાયમાન થયા, ચારસો સંતોને સુરત મોકલ્યા, પછી માર

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:43pm

રાગ સિંધુકડખો-

એવું સાંભળીને આવીયું, વળી દુષ્ટજનનું દળ ।

સાધુને માંડ્યા સંતાપવા, બહુ બહુ દેખાડે છે બળ ।।૧।।

સંત શ્રીનગર માંહિ, નિત્ય જાતાતા ભિક્ષાઅર્થ ।

તેને અસુરે આવી આંતર્યા, મારે કરે અતિ અનરથ ।।૨।।

ગેડી ધોકા પડે લાકડી, વળી કંદે ભાંગી કટિયું ।

કર્યા પ્રહાર કડિયાળીએ, તેતો સંતે સરવે સહ્યું ।।૩।।

તપસી ઋષિ કૃશ તનમાં, તેને માથે મોટ ચડાવિયા ।

મનગમતો માર દેતા, ઉતારાપર લઇ ગિયા ।।૪।।

તિયાં જઇ તાડન કરી, ફરી બાંધિયા બહુપેર ।

અસુરને હાથ આવી પડ્યા, જેને જરાયે ન મળે મેર ।।૫।।

કોઇ કહે કાન નાક કાપો, કોઇ કહે કરો ઘાત જીવની ।

કોઇ કહે ભુજ ચરણ ભાંગો, એમ બોલે સેના શિવની।।૬।।

ભાખે ભૂંડી ગાળો મુખથી, તેતો જેજે બોલે તે થોડીયું ।

જાણું મસ્તક પાંચમું, કાપી બ્રહ્માનું ચોડીયું ।।૭।।

કોઇક સંત કલે વકલે, અસુરહાથ આવ્યો નહિ ।

તેણે ખબર ખોખરે વળી, આવીને સવેર્કહી ।।૮।।

સુણી શ્રીહરિ શ્રવણે, અંગે ઉભી થઇ રોમાવળી ।

એવો કોણ અવનિ ઉપરે, જે મારા સંતને મારે વળી ।।૯।।

કરી નજર અતિ કરડી, થયાં લોચન લાલ વિશાળ ।

ભ્રકુટિભ્રંગ ચડાવિયો, દેખી કંપવા લાગ્યો કાળ ।।૧૦।।

શશિ સૂરજ ઝાંખા પડ્યા, વળી ઉઠિયો અજ અકળાઈ ।

શિવ કહે સંહાર વળશે, આજ નથી રહેવાનું કાંઈ ।।૧૧।।

ઇંદ્ર સુરને ભય ઉપજયો, વળી દલે ડર્યા દિગપાળ ।

જોઇ કોપ મહારાજનો, તેણે કંપ્યો પન્નગ પયાળ ।।૧૨।।

વળતા પ્રભુજી બોલીયા, સુણી સંત માનજયો સત્ય ।

આ રાજયમાં રહેવું નહિ, તમે જાઓ શહેર સુરત્ય ।।૧૩।।

અધર્મી અધિપતિ અતિ, જીયાં ધર્મની વાત ગઇ ।

તિયાં તમ જેવા સંતને, પળ એક પણ રહેવું નઇ ।।૧૪।।

ચાલો સંત તમે ચોપશું, વળી અતિ ઉતાવળા આંહિથી ।

સાધુ સર્વે સધાવજો, અમે રહેશું આંહિ ધોકાપંથી ।।૧૫।।

પછી ચરણે લાગી ચાલીયા, વળી સંત સર્વે મંડળી ।

સંત ચારશે સામટા થઇ, ગઇ સુરત મુક્તમંડળી ।।૧૬।।

પછી રહ્યા પોતા પાસળે, વળી ખરી તે ક્ષત્રિજાત ।

તેને તે આગળ શ્રીહરિ, કરવા તે લાગ્યા વાત ।।૧૭।।

કહો ભાઇ કેમ કરશું, આતો અસુરે ઉપાડિ ઝાલિયું ।

સંતને તૈયે શીખ આપી, જયારે આપણું નવ ચાલિયું ।।૧૮।।

એવું સુણિ ક્ષત્રિ ખણશિયા, પ્રભુ પાછા વાળો સંતને ।

તમારા પ્રતાપ થકી, જુઓ અમારી રમત્યને ।।૧૯।।

આજ અવસર આવિયો, જેને માગે મોટા સુર ।

અમારા ઇષ્ટને પીડિયા, તેને જોશું અમે જરૂર ।।૨૦।।

પડ્યે કામે પુઠ્ય ફેરવે, વળી કરગરે કાયર હુઇ ।

ધિકધિક તેના જીવતને, એની જનેતા ભારે મુઇ ।।૨૧।।

ગામ ગરાસ કોટ કારણે, વળી રણે ચડે ચડિચોટ ।

ભૂપભડે શિર પડિ રહે, એમ લડી થાય લોટપોટ ।।૨૨।।

એહ રીત્ય ક્ષત્રિતણી, તેની જાણે સહુ કોઇ વાત ।

ખોટાસારૂં વેખે ધનમુકે, આતો સાચું છે સાક્ષાત ।।૨૩।।

આપો અમને આગન્યા, જે જોઇએ એનું અમે જોર ।

શું થાશે બિચારા શ્વાનથી, છે પ્રભુ અમારી કોર ।।૨૪।।

પછી પ્રભુજી બોલીયા, આજ જાળવો સહુ આપણે ।

કાલ્ય જાશું કાંકરીએ, પછી બણવું હોય તે મર બણે ।।૨૫।।

એમ વાત કરતા વહી ગઇ, રહી નહિ રંચ રાત્ય ।

પહોર એક પોઢી જાગીયા, પોત્યે પ્રભુજી પરભાત્ય ।।૨૬।।

કહે થાઓ સહુ સાબધા, નાવા કાંકરીએ સર ।

બાળ વૃધ્ધ ને બાઇ માત્ર, તેતો રહેજયો સવેર્ઘર ।।૨૭।।

આપે અશ્વને ઉપરે, તરત થયા અસવાર ।

સવેર્સખા સજજ થઇ, સંગે ચાલીયા અપાર ।।૨૮।।

અશ્વે અસવાર ઓળખી, અને ધીરજ નવ શકે ધરી ।

પગ ન માંડે પૃથ્વી, જાણું ઉડશે પાંખુ કરી ।।૨૯।।

પછી નાહિ નાથ પાછા વળ્યા, અને આવીને ઉતર્યા બાર ।

પોતે પધાર્યા પુરમાં, ત્યાં આવ્યા અસુર અપાર ।।૩૦।।

મુછ મરડે કાંડાં કરડે, વળી ભર્યા બરડે ભાથ છે ।

કૈક ભૂરા અતિલંબુરા, પૂરા પાંચ તે હાથ છે ।।૩૨।।

ખડગ ખાંડાં હાથ પબેડાં, સમશેર સાંગ્ય કર ગ્રહિ ।

બંદુક બરછી ખરિ ખરચી, અસુર ભૂર આવ્યા લઇ ।।૩૩।।

ડાઢાં મોટાં પહેરી લંગોટાં, ડોટું દિયે મારવા ।

ચાર દશા આવ્યા ધશા, ઠાઉકો કર ઠારવા ।।૩૪।।

વડા વૈરી લીધા ઘેરી, જમતા હતા જીવન વળી ।

મોટી ડાઢી ખડગ કાઢી, મારવાને ત્રુટ્યા મળી ।।૩૫।।

વિપ્રે માંડ્યા વળી વારવા, પણ માને નહિ મદેભર્યા ।

કાઢી ખડગ કરમાં, હરિજન પર ઘાવ કર્યા ।।૩૬।।

હરિજન કહે હવે પાપીયો, ઉભા રહેજયો એહ પગે ।

અમપર તમે ઘાવ કીધા, અમે ન બોલ્યા ત્યાં લગે ।।૩૭।।

સિંહ સરીખા શોભતા, વળી યુધ્ધમાં જાણે ઘણું ।

ધાયા ધણેણી મારવા, ખમે ખડગ કોણ ક્ષત્રિતણું ।।૩૮।।

ચાર પાડ્યા ચોકમાં, જે હતા અસુરમાં અધિપતિ ।

બીજા ભણેણી ભાગિયા, ભાઇયો આપણી પણ આ ગતિ ।।૩૯।।

વણઠલ વેરાગા ફરતાં નાગાં, ભાગ્યા ભૂર ભૂલી દિશા ।

રહેતાં મરડતાં અતિઠરડતાં, ખાસડાં ખાતાં ખૂબ ખશ્યા ।।૪૦।।

અતિ અસોયા બહુ બફોયા, કોઇ કોઇને ભેળું નઇ ।

માર્યા માર્યા કહે મુખથી, એમ રિયોપિયો રહ્યું થઇ ।।૪૧।।

જાણીને મુકયા જીવતા, બહુ લાગી મહારાજની બીક ।

નહિતો એકે એકને, કરવા તે હતા ઠીક ।।૪૨।।

પછી આવ્યા પાછા વળી, કર્યા પ્રભુને પ્રણામ ।

ત્યારે નાથ કહે આપણે, હવે રહેવું નહિ આઠામ ।।૪૩।।

હરિ હરિજન હેતુ સહુના, કલ્પવૃક્ષ સમ કહેવાય ।

તેમાં જે જન જેવું ચિંતવે, તેને તે તેવું થાય ।।૪૪।।

નરતન ધરી નાથજી, વળી સૂર્ય સમ શોભે ઘણું ।

પણ પાપીને ન પડે પાધરૂં, નડે પાપ પોતાતણું ।।૪૫।।

એમ ભાર ઉતાયોર્ભૂમિનો, વૈશાખવદિ ચતુર્દશી ।

તેદિ પાપી મારીયા, જે આવ્યાતા મારવા ધશી ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અસુરનો નાશ કર્યો એ નામે સત્તાવનમું પ્રકરણમ્ ।।૫૭।।