૪૯. શ્રીહરિએ માગંરોળમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું, સદાવ્રતો બંધાવ્યા, મુક્તાનંદ સ્વામીને નિશ્ચય કર

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 11:29am

પૂર્વછાયો-

શુભમતિ સહુ સાંભળો, અતિપ્રતાપી કૃષ્ણદેવ ।

ત્યાર પછીની વારતા, કહું સાંભળો સહુ તતખેવ ।।૧।।

અતિસાર્મિથ વાવરે, જનમન મનાવા કાજ ।

લોકમાં અલૌકિકપણું, દેખાડે છે મહારાજ ।।૨।।

જે સુખ ન સુણ્યું શ્રવણે, નયણે ન દિઠું નિરધાર ।

તેહ સુખ આ ભૂમિમાં, ભોગવે છે નર ને નાર ।।૩।।

તેહ પ્રતાપ શ્રીહરિતણો, જાણે જન સહુ કોય ।

ત્યાર પછીની કથા કહું, સહુ સાંભળજયો ચિત્તપ્રોય ।।૪।।

ચોપાઇ-

પ્રભુ સમર્થ સુખના ધામ, બેઠા સંતમાંહિ ઘનશ્યામ ।

કરે ધ્યાન ધારણાની વાત, સુણી જન થાય રળિયાત ।।૫।।

પછી થયા થોડાઘણા દન, બેસે સંત ને કરે ભજન ।

ત્યાં તો ધ્યાનમાં દીઠા દયાળ, સહજાનંદ જનપ્રતિપાળ ।।૬।।

જેના એકેક અંગે નિદાન, કોટિ સૂરજ શશિ સમાન ।

નિસરે છે તેજના સમોહ, ઘનશ્યામ મૂરતિ છે સોહ ।।૭।।

અંગે પહેર્યાં પીતાંબર નાથે, મોરમુગટ ધર્યો છે માથે ।

કૌસ્તુભમણિ વૈજયંતિમાળા, દિવ્ય ઘરેણે શોભે રૂપાળા ।।૮।।

બેઉ હાથે વજાડે છે વેણ, એવા કૃષ્ણ દિઠા સુખદેણ ।

થયું એવું સાક્ષાતકાર દ્રષ્ણ, જાણ્યા પૂર્ણ પુરૂષોત્તમ કૃષ્ણ ।।૯।।

પછી કરી પરસ્પર વાત, થયા સંત રાજી રળિયાત ।

સહેજે સહેજે આપે છે આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।।૧૦।।

સહજે સહજે થાય છે સમાધ્ય, જે કોઇ દેવને છે જો દુરાધ્ય ।

પછી ચલાવ્યું એજ પ્રકરણ, થાય સમાધિ હોય સ્મરણ ।।૧૧।।

બાળ જોબન ને વૃધ્ધ વળી, થાય ધારણા ને પડે ઢળી ।

દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર ચાર, હોય કોઇ નર વળી નાર ।।૧૨।।

પડે નજરે થાય પ્રાણ લીન, મર હોય કોઇ જો મલિન ।

રામઉપાસી રામને દેખે, કૃષ્ણઉપાસી કૃષ્ણને પેખે ।।૧૩।।

નૃસિંહઉપાસી દેખે નૃસિંગ, દેખે ઇષ્ટ થાય દલે દંગ ।

શિવઉપાસી દેખે શિવને, થાય દર્શન બહુ જીવને ।।૧૪।।

દેવીઉપાસક દેખે દેવી, આવે ધ્યાનમાં મૂરતિ એવી ।

આવે જૈન દેખે તીર્થંકર, વળી મ્લેચ્છ દેખે પેગાંબર ।।૧૫।।

પીરઉપાસી દેખે પીરને, વીરઉપાસી દેખે વીરને ।

દેખે બ્રહ્મને બ્રહ્મઉપાસી, એકરસ ચિદ્ઘનરાશિ ।।૧૬।।

વામનઉપાસી દેખે વામન, લછમનના દેખે લછમન ।

દેખે હનુમાનના હનુમાન, થાય માર્ગીને ધણીનું ધ્યાન ।।૧૭।।

સૂર્યઉપાસી સૂર્ય નિહાળે, ભૈરવઉપાસી ભૈરવ ભાળે ।

એમ આપ આપણા જે દેવ, દેખે ધ્યાનમાંહિ તતખેવ ।।૧૮।।

હોય પાપી તે દેખે કૃતાંત, જેવું દેખે તેવું કહે વૃતાંત ।

કોઇ દેખે છે શેષ ગણેશ, થાય ધારણા એમ હમેશ ।।૧૯।।

દેખે સુરપુર ને કૈલાસ, કોઇ સત્યલોક વૈકુંઠવાસ ।

કોઇ ગોલોક બ્રહ્મનગરી, એમ દેખાડે ધ્યાનમાં હરિ ।।૨૦।।

કોઇ દેખે દેહનું સ્વરૂપ, મહા મલિન જાણે નરકકૂપ ।

દેખે પોતાનું પારકું મન, જેમ દેખે તેમ કહે જન ।।૨૧।।

એમ દેખાડ્યો પ્રતાપ ઘણો, સહુ જાણે આ મહારાજ તણો ।

દેખે નાથને નાડી તણાય, નિરખી સ્વામીને સમાધિ થાય ।।૨૨।।

પછી સહુને વાત સાચી લાગી, થયા સત્સંગી સ્વમત ત્યાગી ।

ચારી સંપ્રદાયના સંત આવ્યા, જાણી કલ્યાણ સ્વામીના કાવ્યા ।।૨૩।।

તેને શિખવે છે યોગકળા, શિખે જન મળી તે સઘળા ।

જે જે દેખે સમાધ્યે સાક્ષાત, સુણો સહુ કહે તેની વાત ।।૨૪।।

રાધા પાર્ષદાદિ વ્રજપતિ, દેખે ગોલોકમાં કરી ગતિ ।

વૈકુંઠ રમા ને પારષદ, દેખે સમાધિમાં હરિ સદ્ય ।।૨૫।।

કોઇ દેખે મહાપુરૂષ અભેવ, શ્વેતદ્વીપમુક્ત વાસુદેવ ।

રમા પાર્ષદ ભૂમાપુરૂષ, દેખે તેજ મંડળ સુજસ ।।૨૬।।

કોઇ નરનારાયણ ઋષિ, દેખે વિશાલા ને થાય ખુશી ।

કોઇને યોગેશ્વર ભગવાન, તેનું કરાવે જનને ધ્યાન ।।૨૭।।

ક્ષીરસાગરે કમળા સાથ, દેખે શેષપર સુતા નાથ ।

કોઇ દેખે હિરણ્યમય શ્યામ, અર્કબિંબ સહિત સુખધામ ।।૨૮।।

યજ્ઞપુરૂષરૂપ જન જોય, માને સહુનું કારણ હરિ સોય ।

કોઇ નાડી પ્રાણને સંકેલી, દેખે પ્રગટ મૂર્તિ રસિલી ।।૨૯।।

પ્રાણ રાખવા ત્યાગવા તર્ત, થવા સ્વતંત્ર જન સમર્થ ।

કોઇ સિધ્ધાસન પદ્માસન, જાણે વીર વજ્રાસન જન ।।૩૦।।

સ્વસ્તિ શબાસને રાખી પ્રાણ, થાય તન સમ કાષ્ટ પાષાણ ।

બાળ યુવા વૃધ્ધ ત્રિયા જેહ, ધ્યાનમાંથી ન નીસરે તેહ ।।૩૧।।

તેમાંથી કેને પ્રહરે જગાડે, કેને બે પોરે કેને બે દાડે ।

કેને પક્ષ માસ માસે દોય, જાગે ત્રણ ચાર માસે કોય ।।૩૨।।

થોડે કાળે બહુ કાળે ઉઠાડે, શબ્દ સંકલ્પે જોઇ જગાડે ।

કોઇ ન જાગે નાવે દેહમાં, તેને જોરે લાવે તન તેમાં ।।૩૩।।

કોઇ બ્રહ્મપુર વૈકુંઠ જેહ, કરે ગોલોકની વાત તેહ ।

શ્વેતદ્વીપ ત્રિલોક નિહાળી, કહે સુરાસુર સ્થાન ભાળી ।।૩૪।।

કહે સ્થાન અજ હરિ હરનું, કહે લોકાલોકથી પરનું ।

ભૂગોળ ખગોળ કે પાતાળ, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયકાળ ।।૩૫।।

એવા જોઇ પાકી સ્થિતિવાળા, તેને શિખવે છે યોગકળા ।

શિખવે નાડી ખેંચિને મેલે, સવેર્અંગેથી પ્રાણ સંકેલે ।।૩૬।।

એક અંગે લાવે જીવ પ્રાણ, એમ શિખવે સહુને સુજાણ ।

પછી અંગ કાપે બાળે કોય, તેની પીડા પંડે લેશ નોય ।।૩૭।।

કોઇ રહ્યા અંતર્દૃષ્ટિ કરી, કોઇ દેખે દૃષ્ટિ આગેહરિ ।

કોઇ એકનેત્રે મૂર્તિ લાવે, કોઇ દોય દ્રગમાં ઠેરાવે ।।૩૮।।

કોઇ ઉલટાં પલટાવે નેણ, એમ શિખવે છે સુખદેણ ।

તેમાં મૂર્તિ મિટેથી ન જાય, અક્ષિવિદ્યા એ નામ કહેવાય ।।૩૯।।

ફેરિ નેત્ર તાણે નાડી પ્રાણ, એહ અક્ષિવિદ્યાનું એંધાણ ।

અનિમેષ રહે દ્રગ દોય, એવું શિખવે શ્રીહરિ સોય ।।૪૦।।

ષટ ચક્રમાંથી ચક્ર એક, શિખાવે પ્રાણ રૂંધવા વિવેક ।

એકચક્રે રહી સુણે બહુરવ, એક ચક્રે રહી ગણે પ્રણવ ।।૪૧।।

ઇડા પિંગલા સુષુમ્ણા નાડી, તેને મારગે ચલાવે દાડી ।

રવિ ચંદ્રનું લોક પમાડે, કોઇને સુરપુર દેખાડે ।।૪૨।।

કરાવે અન્ય તનમાં પ્રવેશ, જાણે પરના મનની અશેષ ।

વળી પરના પ્રાણ કરે રૂંધ, એવું શિખવે જનને સુબુદ્ધ ।।૪૩।।

જાણે પરના અંતરની આપે, તેતો શ્રીહરિને પરતાપે ।

એવો પ્રતાપ ન જાય કૈયે, સહુ વિચારી રહ્યા છે હૈયે ।।૪૪।।

પછી વાત ચાલી ગામોગામ, કહે પ્રકટ્યા પૂરણકામ ।

વળી બાંધ્યાં સદાવ્રત બહુ, સુણો સહુ નામ તેનાં કહું ।।૪૫।।

માણાવદ્ર લોજ માંગરોળે, થાય તીર્થવાસી ત્યાં ટોળે ।

અગત્રાઇ ભાડેર ધોરાજી, તિયાં જમે સાધુ થાય રાજી ।।૪૬।।

જામવાળિ ભુજ ને નગર, ફણેણી સાંકળી જેતપર ।

કોટડું ગઢડું કારિયાણી, આવે તીર્થવાસી તિયાં તાણી ।।૪૭।।

જેતલપુર ને શ્રીનગર, એહ આદિ બીજાં બહુ પુર ।

દિયે સદાવ્રત દેદેકાર, સર્વે જન કરે જેજેકાર ।।૪૮।।

એમ આનંદ ઉત્સવ થાય, ગુણ શ્રીહરિજીના ગવાય ।

પછી મહારાજ કહે મુનિરાય, અમે જાશું સતસંગમાંય ।।૪૯।।

તમે રાજી આનંદમાં રહેજયો, રૂડી રીત્યે સદાવ્રત દેજયો ।

એમ કહી સ્વામી સહજાનંદ, ચાલ્યા જનને દેવા આનંદ ।।૫૦।।

ત્યાંથી આવ્યા મેઘપુરમાંય, મળ્યા મુક્તાનંદ સ્વામી ત્યાંય ।

તેતો ગયા હતા કચ્છદેશ, દેવા સહુને સારો ઉપદેશ ।।૫૧।।

તેણે સુણીતિ સમાધિ કાને, નોતી મનાણી માયાને ભાને ।

તેના વ્યોમમાં ફોમ ન રઇ, બોલ્યા સત્સંગનો પક્ષ લઇ ।।૫૨।।

કહે સહુની સમજણ કાચી, માની જુઠી સમાધિને સાચી ।

આટલા દિન સત્સંગ કરી, ઘડીકમાં મતિ કેમ ફરી ।।૫૩।।

મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી ।

સમાધિ કાંઇ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી ।।૫૪।।

તેતો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય ।

પછી હરિ બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી ।।૫૫।।

કહે સહુ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન ।

તેમાંથી એને જણાતું હશે, તેતો વારશો પણ તેમ કહેશે ।।૫૬।।

એમ વાત કરી બહુવાર, પણ મનાણી નહિ લગાર ।

પછી પાસે હતા સંતદાસ, જેને અંતરે છે પરકાશ ।।૫૭।।

તેને બેસાર્યા ધારણામાંઇ, નાડી પ્રાણ રહ્યા નહી કાંઇ ।

કહે મુક્તાનંદને શ્રીહરિ, જુવો ધારણા ધીરજયે કરી ।।૫૮।।

જુવો હાથ ને પગની નાડી, જો જાગે તો ઉઠાડો જગાડી ।

મુક્તાનંદજીએ કર્યો વિચાર, નથી વાત ખોટી નિરધાર ।।૫૯।।

આવું નથી દિઠું ને સાંભળ્યું, તેતો કેમ કરી જાય કળ્યું ।

પછી મહારાજે તેને જગાડી, કહ્યું વાત કરો વ્યક્તિ પાડી ।।૬૦।।

સંતદાસના છે સત્ય બોલ, કહે દિઠો મેં બ્રહ્મમહોલ ।

તેમાં મૂરતિ દિઠી મેં દોય, ઉધ્ધવને શ્રીકૃષ્ણની સોય ।।૬૧।।

ઉધ્ધવ તે રામાનંદરૂપ, શ્રીકૃષ્ણ તે આ હરિસ્વરૂપ ।

શિવ બ્રહ્માને સનકાદિક, બીજા ઋષિ મુનિ ત્યાં અનેક ।।૬૨।।

એહાદિ બહુ મુક્તસમોહે, તેણે વિંટ્યા દિઠા એહ દોહે ।

એહ દોય છે તેજનો પુંજ, કોટી અગ્નિ અર્ક શશિ સૂર્જ ।।૬૩।।

તેજ તેજ તેજ તિયાં અતિ, તેમાં દિઠી એ દોય મૂરતિ ।

સ્વામી રામાનંદ બોલ્યા એમ, મુક્તાનંદે માન્યું નહિ કેમ ।।૬૪।।

સાચી વાત જુઠી કેમ થાશે, અંત્યે સાચું હશે તે મનાશે ।

વળી બીજા જે સમાધિવાન, તેણે એનું એ કહ્યું નિદાન ।।૬૫।।

વળતા મુંઝાણા ન સુઝ્યું કાંઇ, પછી જોયું છે અંતરમાંઇ ।

હતો પોતાને જેનો વિશ્વાસ, તે દિઠા જેઠો માધવદાસ ।।૬૬।।

માધવદાસે કરી વાત મોટી, માનો મુક્તાનંદ નથી ખોટી ।

મુક્તાનંદ સંશયવંત થયા, ત્યાંથી સહુ કાલવાણીએ ગયા ।।૬૭।।

આવ્યા સાંભળીને સહુ જન, નિર્ખિ નાથ ને થયા મગન ।

બીજાં આવ્યાં બાળાં ભોળાં બહુ, તેતો સુખી સમાધિએ સહુ ।।૬૮।।

થાય ધારણા ન રહે નાડી, મેલે કોરે ઉપાડી ઉપાડી ।

એવી સામર્થી સહુને દેખાડી, કહ્યું એક ને આવ્ય જગાડી ।।૬૯।।

તૈયે સર્વે ઝટોઝટ જાગ્યાં, આવી પ્રભુજીને પાયે લાગ્યાં ।

કહે મહારાજ મળે જો કોટી, કેમ કરશે સમાધિને ખોટી ।।૭૦।।

સુણી મુક્તાનંદે મેલ્યું માન, પ્રભુ તમે પૂરણ ભગવાન ।

પછી નમ્રતાએ પાય નમ્યા, પ્રભુ કરજયો અમપર ક્ષમા ।।૭૧।।

પછી પ્રેમેશું પૂજીયા નાથ, કરી સ્તુતિ ને જોડિયા હાથ ।

ત્યારે પ્રભુજી પ્રસન્ન થયા, કરી મુક્તાનંદજીને દયા ।।૭૨।।

પછી મુક્તાનંદને વચને, થાય સમાધિ બહુ જનને ।

દેખે સ્વર્ગ કૈલાશ વૈકુંઠ, તેમાં જરાય ન મળે જુઠ ।।૭૩।।

દેખે ગોલોક શ્વેતદ્વીપને, જોઇ બ્રહ્મપુર હર્ષ મને ।

એહ આદિ બીજાં બહુ ધામ, જાગી જન લિયે તેનાં નામ ।।૭૪।।

પછી એજ પ્રકરણ ચલાવ્યું, સવેર્જનતણે મન ભાવ્યું ।

જેજે સંત બેસારે ભજને, થાય સમાધિ તેને વચને ।।૭૫।।

સંત વિના બીજાં જન જેહ, થાય સમાધિ કરાવે તેહ ।

તે પ્રતાપ છે મહારાજતણો, શું કહીએ વળી વર્ણવી ઘણો ।।૭૬।।

ત્યારપછી ગયા ગુજરાત્ય, કહું તેહની સાંભળો વાત ।

જઇ અમદાવાદમાં આપ, તિયાં દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ ।।૭૭।।

આવે દર્શને કોઇ નરનાર, તેના હૃદયમાં દિશે મોરાર ।

થાય સમાધિ ન રહે નાડી, નાથ ઉઠાડે તેને જગાડી ।।૭૮।।

સવેર્લોક આશ્ચર્ય પામિયાં, નાથ ચરણે શિશ નામિયાં ।

જન મળી કરે જેજેકાર, પ્રભુ પ્રકટ્યા થયો અવતાર ।।૭૯।।

એવી વાત શ્રવણે સાંભળી, ઉઠ્યા ભેખ અંતરમાં બળી ।

આવ્યા મારવા મળી અસુર, જેમ ઊલુકને ઉગ્યો સુર ।।૮૦।।

પછી નાથે નિર્માનને ગ્રહ્યું, આપે સમર્થ પણ સર્વે સહ્યું ।

એમાં કરવું હતું જે કાજ, કરી ચાલ્યા ત્યાંથી મહારાજ ।।૮૧।।

સંત જોઇને પામિયા સુખ, થયું દુષ્ટ પાપિયાને દુઃખ ।

દિવ્યચરિત્ર કરી મુરારી, આવ્યા સોરઠમાં સુખકારી ।।૮૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મહારાજે સમાધિનું પ્રકરણ ચલાવ્યું એ નામે ઓગણપચાસમું પ્રકરણમ્ ।।૪૯।।