૨૭. અયોધ્યાવાસીઓનો કરુણ વિલાપ.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:46pm

પૂર્વછાયો-

ત્યાર પછીની વારતા, સુણજયો સહુ રૂડી પેર ।

બરોબરનાં બાળકાં, આવ્યાં હરિને મળવા ઘેર ।।૧।।

આવીને કહ્યું ભાઇને, ક્યાં ગયા હરિ મહારાજ ।

શોધું છું અમે સવારનાં, પણ મળ્યા નહિ એહ આજ ।।૨।।

જેજે સ્થળે જાતાં અમે, તે તો શોધ્યાં સર્વે ઠામ ।

ક્યાંય ન મળ્યા નીલકંઠજી, ઘણું ગોત્યા અમે ઘનશ્યામ ।।૩।।

ત્યારે ભાઇ ભોજાઇ સાંભળી, વળી પેટમાં પડી ફાળ ।

આથમ્યા લગી ન આવિયા, ક્યાં હશે હરિ દયાળ ।।૪।।

રાગ: વેરાડી

એ પછી પડી રાત્ય, ભ્રાત જોઇને રે ।

હૈયું ન રહ્યું હાથ, દીધું રોઇને રે ।।૫।।

એ ભોજાઇ તન ભાન, ભુલ્યાં સાંભળી રે ।

પ્રેમે થઇ પરવશ, પડ્યાં ભોંયે ઢળી રે ।૬।

એ પછી ઉઠી એમ બોલ્યા વાણીયે રે ।

સ્વામી શોધી શહેર એને ઘેર આણિયે રે ।।૭।।

એ સસરે ભલામણ્ય, આપીતી એહની રે ।

સાંજ સુધી ખબર ન લિધી તેહની રે ।।૮।।

એવું જાણી દોય દર્દે ડોલિયાં રે ।

ખાન પાન ખબર સર્વે ભૂલિયાં રે ।।૯।।

એ અનુજ ઇચ્છારામ, રુવે ઘરમાં રે ।

પડીયા બેઉ ભાઇ, શોકસાગરમાં રે ।।૧૦।।

એ મારા ભાગ્યની વાત, કહીએ કેહને રે ।

બાળપણામાં માયે, મુક્યો દેહને રે ।।૧૧।।

એ જાણું નીલકંઠ, લાડ લડાવશે રે ।

તે પણ ગયા ક્યાંય, કૈયેં આવશે રે ।।૧૨।।

એ પછી જોવા કાજ, સર્વે ચાલિયાં રે ।

નયણે વહે નીર, ન રહે ઝાલિયાં રે ।।૧૩।।

એ જોયું સર્વે શહેર, બજારું શેરિયું રે ।

જોયાં ગલી ઘર, ફરીફરી હેરિયું રે ।।૧૪।।

એ જોયાં ચૌટા ચોક, મંદિર માળિયાં રે ।

જોયાં મેડી મોલ જરૂખા જાળીયાં રે ।।૧૫।।

એમ અટારી અવાસ, અગાશી ફળિયાંરે ।

ગોતતાં ગઇ રાત્ય, નાથ ન મળિયા રે ।૧૬।

એ જોઇ સર્વે સીમ, વન વાડિયુંરે ।

સર સરિતા તીર, પોકારું પાડિયુંરે ।।૧૭।।

એ વીર મારા લઇ પ્રાણ, કોને ક્યાં ગયારે ।

દિધાં અમને દુઃખ,કેમ નાવી દયારે ।૧૮।

એ દશરથને દુઃખ, દીધું રઘુનાથજીરે ।

એમ કીધું તમે આજ, નીલકંઠ નાથજીરે ।।૧૯।।

એ અમારા જાશે પ્રાણ, પછી આવશોરે ।

નિંદા કરશે લોક, નમેરા કહાવશો રે ।।૨૦।।

એ એમ કલ્પે ભાઇ, વીર સાંભરે રે ।

નહિ એવા નીલકંઠ, વિસાર્યા વિસરે રે ।।૨૧।।

દિયરને વિયોગે, દુઃખે જાય પડી રે ।

નોતિ કરવી નાથ, અમ પર આવડી રે ।।૨૨।।

એ કેમ ધરૂં ધીર, મારા મનમાં રે ।

મૂર્તિ ચડી ચિત્ત, તપિયાં તનમાં રે ।।૨૩।।

એ ભોજાઇ મનમાંઇ, ચિહ્ન ચિંતવિ રે ।

હૈયે ન રહી ધીર, દુઃખી બહુ હવી રે ।।૨૪।।

એ અવલ ઉર્ધ્વરેખ, દોય પગમાં રે ।

પડતી હશે છાપ, તેની મારગમાં રે ।।૨૫।।

એ પગ અંગુઠે રેખ, ઓપે આંગળીરે ।

માનું મણી લાલ, નખ આવલી રે ।।૨૬।।

એ અંકિત લંકિત પાય, પેની પાતળિરે ।

જયારે જોઇશ નાથ, ત્યારે લઇશ કળિરે ।૨૭

એ જંઘા જાનું ઉરૂ, ઉભય જોઇને રે।

નાભિ નિરખી નેણ, નહિ પુછું કોઇને રે ।।૨૮।।

એ પડે પેટે વળ, ત્રણ તેહને રે ।

ઉર તરુતમાલ, ભુલું કેમ એહને રે ।।૨૯।।

એ ચિબુક મુખમાંય, દંત આવળી રે ।

ઓપે છે અપાર, જાણું અનારકળી રે ।।૩૦।।

એ નાસા પાસે તિલ, અવલ ગાલ છે રે ।

એ બે એધાંણે નાથ, માથે વાળ છે રે ।।૩૧।।

એ કોમળ સુંદર નેણ, છપાડ્યાં નહિ છપે રે ।

જેની ભ્રકુટિ જોઇ કાળ, મનમાંહિ કંપે રે

એ અવલ છે એક તિલ, ડાબા કાનમાં રે ।

સુંદર શોભે ભાલ, છે ભીનાવાનમાંરે।।૩૩।।

એ એવો મારો વીર, માં સંતાડજયો રે ।

મારો જીવનપ્રાણ, મને દેખાડજયો રે ।।૩૪।।

એ નાવે બીજો કોઇ એની જોડ્યમાં રે ।

અણપુછ્યે ઓળખાય, લાખો ક્રોડ્યમાં રે ।।૩૫।।

એ યોગી યતિ કોઇ રખે ભોળવો રે ।

જાણી નાનો બાળ, એને નહિ ઓળવો રે ।।૩૬।।

એ નરનારીમાંય, જેને જેને મળે રે ।

કહેજયો જાવો ઘેર, ઘરનાં કળકળે રે ।।૩૭।।

એ ન મળ્યા નીલકંઠ, થયાં બહુ દુઃખી રે ।

પછી આવ્યાં ઘેર, વિલખી વિલખી રે ।૩૮।

એ કટિ ઉપર કર, લીયે લડથડિયાં રે ।

નયણે ચાલ્યાં નીર, દુઃખડાં પડિયાં રે ।।૩૯।।

એ પછી પોત્યાં ઘેર, ગુણ ખટકે ખરા રે ।

રાંધ્યાં રહ્યાં અન્ન, નાવી નિંદરા રે ।।૪૦।।

એ જંખે સર્વે જન, સંભારી શ્યામને રે ।

ગયા ઘનશ્યામ, ઘેલું કરી ગામને રે ।।૪૧।।

એ ભાભી ભવનમાંય, જોઇ જણશું રે ।

હૈયે ન રહી ધીર, જોઇ ચિતડું ખશું રે ।।૪૨।।

એ પડી રહી પાઘ, ન પહેરી ઝુલડી રે ।

ગયા નાગે પાય, ન પહેરી મોજડી રે ।।૪૩।।

એ કાંટા ને કાંકર, વીર ખુંચશે રે ।

લાગશે જયારે ભૂખ, ત્યારે કોણ પુછશે રે ।।૪૪।।

એ એમ કલ્પે ભાઇ, ભોજાઇ મનમાં રે ।

જાણું છું જીવન, ગયા છો વનમાં રે ।।૪૫।।

એ વરુ વાનર વાઘ, વસે વનમાં રે ।

તેથી બિશો તાત, તમે મનમાં રે ।।૪૬।।

એ વળી રીંછ ભીંછ, રોઝ ચિતરા રે ।

મહિષા ને માતંગ, વરાહ વન ખરા રે ।।૪૭।।

એ ભૂત પ્રેત દૈત્ય, રાક્ષસ રાક્ષસી રે ।

વનમાં ભાવુ ભીલ, વસે હબશી રે ।।૪૮।।

એ વિકટ હશે વન, સઘન ઝાડથી રે ।

પડતી હશે ઝર, મોટા પહાડથી રે ।।૪૯।।

એ દેખી એવું વન, જન જાય ચળી રે ।

તમે બીશો બાપ, ઘેર આવો વળી રે ।।૫૦।।

એ ભાઇ ને ભોજાઇ, એમ કળ કળે રે ।

વાલો પોત્યા વન, કોણ સાંભળે રે ।।૫૧।।

એ કુટુંબ ને પરિવાર, હાર્યાં રોઇને રે ।

કેનો ન વ્યાપ્યો મોહ, મને નિરમોહિને રે ।૫૨

જાણું સગાં સેણ, નોતાં સ્વપ્ને રે ।

મેલી વિસારી વાત, વૈરાગ્ય ઉપને રે ।।૫૩।।

એ લીધી વિકટ વાટ, વાલે વનની રે ।

નિષ્કુળાનંદને નાથ, ન સુણી સ્વજનની રે ।૫૪।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજ ઘેરથી નિસર્યા ને કેડયે વિલાપ કર્યો એ નામે સત્તાવિસમું પ્રકરણમ્ ।।૨૭।।