૧૬. ધર્મ-ભકિતને હનુમાનજી દ્વારા આશ્વાસન, સંવત્ ૧૮૩૭ ચૈત્ર સુદ-૯ રાત્રે શ્રીહરિનું પ્રાગ્ટ્ય તથા

Submitted by swaminarayanworld on Mon, 04/07/2011 - 7:12pm

પૂર્વછાયો-

એવું શ્રવણે સાંભળીને, અતિ ધર્મ થયા ઉદાસ ।

ઘણા દહાડાનો દાખડો, તે વૈરિએ કર્યો વિનાશ ।।૧।।

વિઘ્ન પડ્યું તે વિલોકિને, સમર્યા જે દેવ દુંદાળ ।

વિઘ્નનાયકના નામની, પછી ફેરવવા માંડી માળ ।।૨।।

એમ કરતાં વહી ગયા, જામનિના ત્રણ જામ ।

સમીરસુત વિપ્ર વેષે, આવિયા એહ ઠામ ।।૩।।

ધર્મને ઓળખાણ આપી, કહ્યું હું તે છું હનુમાન ।

કૃષ્ણ જયારે પ્રગટશે, ત્યારે શીદ રહો શોકવાન ।।૪।।

ચોપાઇ-

જયારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે ।

અષ્ટસિદ્ધિ નવ નિધિ જેહ રે, તમારે ઘેર વસશે તેહ રે ।।૫।।

દુઃખ દારિદ્ર્ય નહિ રહે રતિ રે, અતિ પામશો સુખ સંપતિ રે ।

કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત રે, કરશે બુદ્ધિએ દૈત્યનો અંત રે ।।૬।।

એને નહિ પડે શસ્ત્રનું કામ રે, કળે ટાળશે દૈત્યનું ઠામ રે ।

એમ ધીરજ દઇ હનુમાન રે, પછી થયા છે અંતર્ધાન રે ।।૭।।

પછી ત્યાંથી ચાલ્યાં છે દંપતિ રે, ઘર પોતાના પર કરી ગતિ રે ।

વાટે જતાં તે પુછે છે ભક્તિ રે, કેમ અમર હનુમાન જતિ રે ।।૮।।

સ્વામી છે એ રામના સેવક રે, કેમ ચરણજીવી કહો વિવેક રે ।

પછી બોલ્યા છે એમ ધર્મ રે, ભક્તિ સાંભળો કહું એનો મર્મ રે ।।૯।।

રઘુવીર પ્રસાદ કૃપાય રે, ચરણજીવી રહ્યા છે સદાય રે ।

પણ જોને સમરતાં ગણેશ રે, આવ્યા હનુમાન લઇ વિપ્ર વેશ રે ।।૧૦।।

માટે આપણું કારજ થાશે રે, આજ થકી દુઃખ સર્વે જાશે રે ।

પછી રાજી થઇ આવ્યાં ઘેર રે, આવી મળ્યાં સગાં રૂડી પેર રે ।।૧૧।।

શત્રુ હતા તેજ મિત્ર થયા રે, દુઃખ દારિદ્ર્ય સરવે ગયાં રે ।

તેતો કૃષ્ણ તણો પ્રતાપ રે, જાણ્યો ધર્મ ને ભક્તિએ આપ રે ।।૧૨।।

પછી જીવના કલ્યાણ કાજ રે, ઇચ્છ્યા જન્મ લેવા મહારાજ રે ।

ધર્મ હૃદામાં શ્રીહરિ આવી રે, શોભા કાંતિ અતિ ઉપજાવી રે ।।૧૩।।

પામ્યા શ્રીહરિ તણો પ્રસાદ રે, લોક બોલાવે છે કરી સાદ રે ।

કહી હરિપ્રસાદ એ નામ રે, એમ બોલાવે પુરૂષ ને વામ રે ।।૧૪।।

એવા પવિત્ર હરિપ્રસાદ રે, રમે બાળાશું કરી આહ્લાદ રે ।

પછી એવા સમામાંહિ સતિ રે, રહ્યો ગર્ભ ને શોભિયાં ભક્તિ રે ।।૧૫।।

જેમ સૂર્ય ને ઉગવે કરી રે, પૂર્વ દિશા રહી શોભા ધરી રે ।

એમ શોભી રહ્યાં પ્રેમવતી રે, કૃષ્ણ પ્રવેશે કરીને અતિ રે ।।૧૬।।

દિન દિન પ્રત્યે અતિ પ્રસન્ન રે, જાણ્યા ગર્ભમાં આવિયા કૃષ્ણ રે ।

તેણે કરી આનંદ અપાર રે, પામ્યાં નિત્ય નવો નરનાર રે ।।૧૭।।

એવા સમામાં અસુર જન રે, ચાલ્યા દેવીનું કરવા પૂજન રે ।

ચારે વર્ણમાં હતા જે દૈત્ય રે, ચાલ્યાં સહુ બાળ ત્રિયા સહિત રે ।।૧૮।।

આવ્યાં વિંધ્યાવાસિની દેવીદ્વારરે, પાડા ઘેટાં અજા લઇ અપારરે ।

બીજાં બોકડાં કુકડાં કઇ રે, આવ્યા મદિરાના ઘડા લઇ રે ।।૧૯।।

મારી દેવી આગે ઝેર કીધો રે, ખાધું માંસ ને મદિરા પીધો રે ।

તેણે થયાં કામાતુર અંગ રે, કર્યા ત્રણ્ય ત્રિયાના ત્યાં સંગ રે ।।૨૦।।

કરી અસુરે પૂજા જો એવી રે, તેને દેખીને કોપી છે દેવી રે ।

કહે આવાં કામ કરનારો રે, કહું છું જાશે તે વંશ તમારો રે ।।૨૧।।

વળી તમારી પક્ષે જે થાશે રે, હશે રાજા તોય રાજય જાશે રે ।

વળી આવું પૂજન જે કરશે રે, જાશે વંશ પોતે પણ મરશે રે ।।૨૨।।

આજ થકી થોડે દિને જાણો રે, થાશે નાશ તમારો પ્રમાણો રે ।

તમારો કરવાને સંહાર રે, હમણાં થાશે હરિ અવતાર રે ।।૨૩।।

તમ જેવા જે અસુર હશે રે, તેને પ્રભુ શોધીને મારશે રે ।

એમ દેવી તે સ્વપ્નમાં કહી રે, પછી તરત અંતર્ધાન થઇ રે ।।૨૪।।

એમ સાંભળી સર્વે અસુર રે, સહુ થયા છે ચિંતા આતુર રે ।

પછી દૈત્યે વિચાર્યું મન રે, એની કરવી કાંઇ જતન રે ।।૨૫।।

કરો જન્મતાં હરિનો નાશ રે, તો થાય સર્વે સુખ સમાસ રે ।

દેવી રૂઠી તેને રાજી કરશું રે, એકવાર કરો એનું નરસું રે ।।૨૬।।

જયારે શ્રીહરિનો જન્મ થાય રે, ત્યારે કરવો એ નિશ્ચે ઉપાય રે ।

હમણાં સૌ સૌને ઘેર જાઓ રે, પણ ભુલશો માં એહ દાવો રે ।।૨૭।।

એમ કહી ગયા નિજ ઘેર રે, હરિ સાથે બાંધી બહુ વેર રે ।

હવે ધર્મ ભક્તિએ શું કર્યું રે, વ્રત ગણપતિનું આદર્યું રે ।।૨૮।।

રક્ષા ગર્ભની કરવા માટ રે, કરે ગણપતિ મંત્રનો પાઠ રે ।

ગર્ભવડે શોભે છે બહુ ભક્તિ રે, જેમ અદિતિ ને દેવહૂતિ રે ।।૨૯।।

તેને જોઇને સર્વેજન રે, પામે આશ્ચર્ય પોતાને મન રે ।

એમ કરતાં થયા માસ નવ રે, થયા દશમે હરિ ઉદ્ભવ રે ।।૩૦।।

સંવત્ અઢારસો જે અનુપ રે, વર્ષ સાડત્રિસો સુખરૂપ રે ।

સંવત્સર વર્તે વિરોધિ રે, અર્ક ઉત્તરે વસંત પ્રસિદ્ધિ રે ।।૩૧।।

ચૈત્ર સુદી નવમી દિન જાણો રે, વાર તે સોમવાર પ્રમાણો રે ।

પુષ્ય નક્ષત્ર શુક્રમાં યોગ રે, કૌલવ કરણ હરણ ભવરોગ રે ।।૩૨।।

જાતાં જામિની ઘટિકા દશ રે, પ્રભુ પ્રકટ્યા પુરણ જશ રે ।

હતાં માતા ત્યારે નિદ્રાવાન રે, પછી જાગી થયાં સાવધાન રે ।।૩૩।।

દીઠા પુત્રને મનુષ્ય સરિખા રે, તેને હેતે કરીને નિરખ્યા રે ।

ત્યાં તો જણાણો તેજઅંબાર રે, દીઠા ઘનશ્યામ તે મોઝાર રે ।।૩૪।।

તેહ મૂર્તિ શોભે છે ઘણી રેે, શી કહીએ શોભા તેહ તણી રે ।

હેમવસ્ત્ર વાંસળી છે હાથે રે, નંગ જડિત મુગટ છે માથે રે ।।૩૫।।

મુખ પૂરણ શશિસમાન રે, નયણાં કમળદળને વાન રે ।

કનક ભૂષણ જડિયાં નંગ રે, એવી મૂર્તિ દીઠી માયે દ્રગ રે ।।૩૬।।

કહે તમે છો કૃષ્ણ કૃપાળ રે, વ્રજે મળ્યા હતા તે તમે બાળ રે ।

એવું જાણી પછી પ્રેમવતી રે, કરી સ્તુતિ બાળકની અતિ રે ।।૩૭।।

કહે ધન્ય કૃષ્ણ રાધાપતિ રે, ધન્ય આનંદ રૂપ મૂરતિ રે ।

તમે શ્રીકૃષ્ણ બ્રહ્મ પૂરણ રે, સર્વે કારણના છો કારણ રે ।।૩૮।।

અનંત કોટી બ્રહ્માંડ જે કૈયે રે, આદ્યે અંત્યે મધ્યે તેને લૈયેરે ।

સત્યજ્ઞાનાદિ શક્તિએ કરી રે, ભુવન કોેટિ પ્રત્યે વ્યાપ્યા હરિ રે ।।૩૯।।

વળી અળગા રહો અક્ષરધામ રે, જેમ મહાભૂત પૂરણકામ રે ।

તમે પુરૂષોત્તમ પરબ્રહ્મ રે, તમને નેતિ નેતિ કહે નિગમ રે ।।૪૦।।

તમે ભૂમિ ઉતારવા ભાર રે, લીધો યદુકુળે અવતાર રે ।

તમે વસુદેવ દેવકી ઘેર રે, પ્રગટ્યા મથુરાં કરી મેર રે ।।૪૧।।

કંસ ભયથકી વસુદેવ રે, મેલ્યા ગોકુલમાં તતખેવ રે ।

આપ ઇચ્છાએ નિજજન સાથ રે, આવ્યા વ્રજમાંહિ વ્રજનાથ રે ।।૪૨।।

ધન્ય નંદ યશોદા ભાગ્યવાન રે, જેને ઘેર રમ્યા તમે કાન રે ।

પ્રથમ આણ્યો તમે માશી અંત રે, માર્યો અસુર તમે તૃણાવંત રે ।।૪૩।।

શકટ ભાંગી પગે તમે પાડ્યું રે, વિશ્વ માતાને મુખમાં દેખાડ્યું રે ।

ગોળી ભાંગીને ઢોળ્યાં ગોરસ રે, કર્યાં માતાને ક્રોધ વિવશ રે ।।૪૪।।

યમલાર્જુન મૂળ ઉખાડી રે, માર્યો બક ગ્રહિ ચાંચ ફાડી રે ।

કર્યો તમે વત્સાસુર કાળ રે, મારી અઘાસુર રાખ્યાં બાળ રે ।।૪૫।।

તમે થયા વત્સ બાલરૂપ રે, ભાળી ભૂલી ગયો બ્રહ્મા ભૂપ રે ।

કાલી નાથી કીધો દવ પાન રે, દીધું ઇષ્ટ કન્યાવ્રત દાન રે ।।૪૬।।

ઋષિપત્નિયોની પૂજા લીધી રે, તેને શ્રુતિસમાન તે કીધી રે ।

કર્યું હેત નિજજન કાજ રે, ધર્યો કર ઉપર ગિરિરાજ રે ।।૪૭।।

સપ્ત વર્ષ માંહી ભગવાન રે, તમે મોડ્યું મઘવાનું માન રે ।

વરૂણભવનથી છોડાવ્યા નંદ રે, આપ્યો વ્રજજનને આનંદ રે ।।૪૮।।

વ્રજજનને દેખાડ્યું ધામ રે, કર્યાં સહુને પૂરણ કામ રે ।

તમે રમિયા યુવતિ સંગ રે, કર્યો કિંકર તમે અનંગ રે ।।૪૯।।

અજગરથી છોડાવ્યા નંદ રે, તમે માર્યો શંખચુડ મંદ રે ।

વૃષભને વ્યોમાસુર દ્વેષી રે, માર્યો તમે બળે ખળ કેશી રે ।।૫૦।।

એવાં અપાર ચરિત્ર કીધાં રે, વ્રજવાસીને બહુ સુખ દીધાં રે ।

અક્રૂરને આનંદ પમાડ્યું રે, નિજજનને ધામ દેખાડ્યું રે ।।૫૧।।

તમે પર્યટ પાપીને માર્યો રે, સઇ સુદામા માળીને તાર્યો રે ।

ટાળી કુબજયા તન ટેડાઇ રે, માગ્યું તેણે જે હતું મનમાંઇ રે ।।૫૨।।

ભાંગ્યું ધનુષ તમે કર ધરી રે, રંગદ્વારે માર્યો મત્ત હરિ રે ।

મલ્લ હણ્યા અખાડામાં હાથ રે, કેશે ગ્રહિ કંસ માર્યો નાથ રે ।।૫૩।।

વસુદેવ દેવકી દુઃખ હર્યું રે, ઉગ્રસેન શિર છત્ર ધર્યું રે ।

તમે કીધો ગુરુ ઘેર વાસ રે, તમે પુરી છે દ્વિજની આશ રે ।।૫૪।।

તમે ગયા કુબજયા ભવન રે, સત્ય કીધું પોતાનું વચન રે ।

તમે ગયા અક્રૂરને ધામ રે, તેને મોકલ્યો ગજપુર ગામ રે ।।૫૫।।

પછી મથુરામાંથી દ્વારા મતિ રે, આવ્યા પ્રેમે કરી પ્રાણ પતિ રે ।

માર્યો કાળયવન કળ કરી રે, મુચુકુન્દને જગાડ્યો હરિ રે ।।૫૬।।

તમે માર્યો પ્રભુ જરાસંધ રે, વિશ સહસ્ર છોડ્યા નૃપબંધ રે ।

નૃપ જીતીને સારંગપાણિ રે, તમે પરણ્યા અષ્ટ પટરાણી રે ।।૫૭।।

મારી ભોમાસુરને મોરારી રે, લાવિયા સોળ સહસ્ર નારી રે ।

છેદ્યા બાણાસુર ભુજદંડ રે, રાખ્યો પાર્થ યજ્ઞ અખંડ રે ।।૫૮।।

તમે માર્યો શાલવ શિશુપાળ રે, કર્યો દંતવક્રનો તમે કાળ રે ।

દેખી દુર્બળ દ્વિજ સુદામ રે, કર્યું કંચનમય તેનું ધામ રે ।।૫૯।।

સ્વજન કુરુક્ષેત્રે ભેળાં કીધાં રે, જયેષ્ઠભ્રાત માતે માગી લીધાં રે ।

પાર્થ જનક ને શ્રુતદેવ રે, તેને સુખ આપ્યું તતખેવ રે ।।૬૦।।

એમ અનંતનાં કર્યાં કાજ રે, નિજજન જાણી મહારાજ રે ।

જે જે આવિયા તમારે શરણ રે, તેને સુરતરુ તમ ચરણ રે ।।૬૧।।

તમે દીનના બંધુ દયાળ રે, કૃપા કરીને આવ્યા કૃૃપાળ રે ।

કરી સ્તુતિ એમ માયે જયારેરે, સુણી બોલ્યા સુંદર શ્યામ ત્યારેરે ।।૬૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રેમવતી સ્તુતિ નામે સોળમું પ્રકરણમ્ ।।૧૬।।