ગઢડા અંત્ય ૩૨ : માહાત્મ્યને ઓથે પાપ કર્યાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:53am

ગઢડા અંત્ય ૩૨ : માહાત્મ્યને ઓથે પાપ કર્યાનું

સંવત્ ૧૮૮૫ના મહા શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળમુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને ગવૈયા પરમહંસ વસંતનાં કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજે મુકતાનંદસ્વામી આદિક સાધુને કહ્યું જે, ‘વિષયા વિનિવર્તન્‍તે નિરાહારસ્‍ય દેહિન:’ એ શ્લોકનો અર્થ કરો.” ત્‍યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્‍યાર પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો તો અમે એમ નિશ્વય કર્યો જે, યુવા અવસ્‍થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુકતાહાર વિહારપણે રહેવું ને આહાર ક્ષીણ થાય ત્‍યારે દેહનું બળ ક્ષીણ થાય, અને ત્‍યારે જ ઈન્‍દ્રિયો જિતાય, તે વિના ઈન્‍દ્રિયો જિતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભકિતને વિષે રૂચિ સહિત રાખે ને ભકિતમાં પ્રીતિ રાખે એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્‍સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્‍યારે જરૂર ઈન્‍દ્રિયોને વશ થઈ ને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્‍ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્‍યારે બમણો વાળે, માટે એ તો ધીરે ધીરે આહારને ધટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેધ ઝીણી ઝીણી બુંદે વર્ષ છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો. ને એમ કરે ત્‍યારે ઈન્‍દ્રિયો નિયમમાં આવે, ને ભકિતમાં પ્રીતિ હોય તો એ પાર પડે એ નિશ્વિત વાર્તા છે. ”

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું માહાત્‍મ્‍ય સમજ્યાની કેવી રીત છે તો જે, ભગવાન છે. તે તેજોમય એવું જે. પોતાનું અક્ષરધામ તેને વિષે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્‍ય સુખમય મૂર્તિ છે, ને માયાના ગુણથકી રહિત છે એવી રીતે પ્રત્‍યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજાં સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્‍છ ને નાશવંત સમજે, ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે, ને નવ પ્રકારની ભકિતને કરે. અને વળી એમ સમજે જે, એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઈત્‍યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે. એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિષે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મ મર્યાદાનો કયારેય લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે. એવી રીતે માહાત્‍મ્‍યનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ, એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ કયારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૩૨|| ૨૬૬ ||