ગઢડા મઘ્ય ૬૬ : સદ્ગુરુના પ્રશ્નોનું – ગોળો ઝાલ્યાનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:17am

ગઢડા મઘ્ય ૬૬ : સદ્ગુરુના પ્રશ્નોનું – ગોળો ઝાલ્યાનું

સંવત્ ૧૮૮૧ના પોષ વદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા, ને પીળા પુષ્પનો તોરો પાઘને વિષે વિરાજમાન હતો,અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને પોતાની આગળ સરોદા ને દુકડ લઇને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તનભકિત થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ર્ન પુછવા છે.” એમ કહીને પ્રથમ આનંદસ્વામીને પુછતા હવા જે, “કોઇક એવો પુરૂષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેનેજ દેખે અને બીજો જે પુરૂષ છે તેને તો બુદ્ધિ ઘણી છે, તોપણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્‍યાગ કરીને કેવળ દોષ જ દેખે છે, એનું શું કારણ હશે ? જે, થોડી બુદ્ધિવાળોહોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સુઝતા નથી ?” એ પ્રશ્ર્ન છે. પછી આનંદસ્વામીને જેવો સુઝયો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર એમ છે જે, આ જન્‍મે અથવા કોઇક જન્‍માંતરને વિષે એણે કોઇક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે. માટે એને હરિભક્તના દોષ સુઝે છે ને પોતાના દોષ સુઝતા નથી. એ જ એનો ઉત્તર છે.”

એમ કહીને પછી શ્રીજીમહારાજ નિત્‍યાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછતા હવા જે, “ભગવાનને પામ્‍યાનું એક જ સાધન છે, કે ધણાંક સાધને કરીને ભગવાન પમાય છે ? ત્‍યારે તમે એમ કહેશો જે, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત અને ધર્મ, એ ચાર સાધને કરીને પમાય છે. તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્‍તિ થાય છે, ત્‍યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્‍યાણ થાય એવા અનન્‍ય ભાવનો નિધર્ાર રહ્યો નહિ.” પછી નિત્‍યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો પણ પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે; “કલ્‍યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે. પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે. તથા કાળ માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ, તે પણ ભગવાનના ભયથકી સાવધાન થઇને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે તે દૃઢ કરીને માનવી, એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે, તે સારૂં સાધન સર્વે અતિ દૃઢ કરીને રાખવાં. એટલે એક ભગવાન વતે જ કલ્‍યાણ છે. અને એ સાધન છે, તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ જ એ પ્રશ્ર્નનો ઉત્તર છે.”

પછી શ્રીજીમહારાજ બ્રહ્માનંદસ્વામીને પુછતા હવા જે, આ “દેહને વિષે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે ?” પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “જીવ તો સાકાર છે.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “જો જીવ સાકાર હોય તો તે કરચરણાદિકેયુક્ત થયો. ત્‍યારે દશમ સ્‍કંધને વિષે વેદસ્‍તુતિના અઘ્‍યાયમાં એમ કહ્યું છે જે, ‘ભગવાન જે તે જીવના કલ્‍યાણને અર્થે તે જીવનાં બુદ્ધિ, ઇંદ્રિય, મન ને પ્રાણ તેને સૃજતા હવા.’ તે જો જીવ સાકાર જ હોય, તો તેને અર્થે બુદ્ધિ, ઇંદ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે ? માટે એવી રીતનાં શાસ્ત્રનાં વચનને જોતાં એમ જ નિધર્ાર થાય છે જે, જીવ જે તે સ્‍વરૂપ સ્‍વભાવે કરીને તો સત્તામાત્ર છે. ને ચૈતન્‍ય વસ્‍તુ છે, અને અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે. અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોટી રહે છે, તેમ એ જીવનો પણ ચોટવાનો સ્‍વભાવ છે, તે માયિક એવાં જે સ્‍થૂલ ને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોટે છે, અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિષે પોતાપણું માને છે, પણ વસ્‍તુગતે તો એ જીવ શરીર જેવો નથી.”

પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “જ્યારે ભગવાનની ભકિતએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્‍યારે એ જીવને સ્‍થૂલ, સૂક્ષ્મ ને કારણ એ માયિક ત્રણ દેહનો સંબંધ રહેતો નથી. ત્‍યારે એ જીવ ભગવાનના ધામમાં જઇને કેવી રીતના આકારે યુક્ત થકો રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્‍યારે એને માયિક ત્રણ દેહનો સંગ છુટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્‍ય સત્તામાત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃત્તિ તે થકી જુદી જે ચૈતન્‍ય પ્રકૃતિ તેનો ભગવાનની ઇચ્‍છાએ કરીને દેહ બંધાય છે, ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિષે રહે છે. એ રીતે એ પ્રશ્ર્નનો ઉત્તર છે.”

પછી ગોપાળાનંદસ્વામીને  શ્રીજીમહારાજ પુછતા હવા જે, અષ્‍ટાંગયોગ સિદ્ધ થાય છે, અથવા આત્‍મદર્શન થાય છે, તે તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે.૨ તે એ યોગ ને આત્‍મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત, તેને વિષે વૃત્તિ ગૌણ થઇ જાય છે અને અષ્‍ટાંગયોગ ને આત્‍મદર્શન એને વિષે વધુ લગની થાય છે. તેનું શું કારણ હશે ? પછી ગોપાળાનંદસ્વામીએ કહ્યું જે, એને યોગાભ્‍યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે તેનું કાંઇક માન આવે છે, તેણે કરીને ભગવાનની કોરે કાંઇક વૃત્તિ ગૌણ થઇ જાય છે.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્યારે સિદ્ધદશાને પામે ત્‍યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઇ જાતનું માન હોય નહિ.” માટે ઉત્તર સંભવે નહિ. પછી ગોપાળાનંદસ્વામી બોલ્‍યા જે “હે મહારાજ ! એ તો કાંઇ સમજાતું નથી; માટે તમે કૃપા કરીને કહો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ તો એમ સમજવું જે, ૪જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્‍યારે તેને મોટાઓના વચનની સાખ્‍ય લઇને કાઢવી. જેમ કોઇક વ્‍યવહારિક કામ હોય, ને તે કામને અતિશે સિદ્ધ કરવું હોય ત્‍યારે સારાં સારાં માણસની સાઇદી કરવી, તેમ આંહી પણ એ સાઇદી છે જે, શુકદેવજી બ્રહ્મસ્‍વરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કરીને શ્રીમદ્ભાગવત ભણ્‍યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભકિતને જ કરે છે અને શૌનકાદિક અઠયાશી હજાર ઋષિ તે બ્રહ્મસ્‍વરૂપ છે, તો પણ સુતપુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની સાખ્‍ય ભકિતની દૃઢતાને અર્થે લેવી અને જે ખોટ પોતાના જાણ્‍યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી જે હે મહારાજ ! મારામાં જે જે ખોટ હોય તે કૃપા કરીને નાશ કરજ્યો. જેમ કોઇક પુરૂષને માથે કલંક આવ્‍યું હોય ને તે કલંક ટાળ્‍યાનો કોઇ સાઇદી ન હોય ત્‍યારે તે લોઢાનો ગોળો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે. તેમ જે દોષ ન ઓળખાતો હોય, ત્‍યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્‍તુતિ કરવી. એ તે લોઢાનો ગોળો ઝાલ્‍યા જેવી છે. એમ કરીને પોતાની ખોટને ટાળવી, એ તમારા પ્રશ્ર્નનો ઉત્તર છે.

પછી શ્રીજીમહારાજ મુકતાનંદ સ્વામીને પુછતા હવા, જે; “ભગવાનને યથાર્થ જાણ્‍યા હોય ને ભગવાન તો કાંઇ ચમત્‍કાર ન દેખાડતા હોય, ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઇ ડગે કે ન ડગે ?” પછી મુકતાનંદ-સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો યથાર્થ નિશ્વય હોય તેને તો ભગવાન વિના બીજે કયાંઇ પ્રતીતિ આવે જ નહિ. અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને ભગવાનનો નિશ્વય જ નથી. એ તો ગુણબુદ્ધિવાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એજ એનો ઉત્તર છે.

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પુછયું જે, “ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્‍કાર પામ્‍યો તેને જીવતાં શી પ્રાપ્‍તિ થાય છે, અને મુવા કેડે શી પ્રાપ્‍તિ થાય છે ?” પછી શુકમુનિ બોલ્‍યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમો કરશો ત્‍યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્‍તિ થઇ છે તેને જીવતે તો ભગવાનનાં કથા, કીર્તન કરતાં થકાં જ દિવસ ને રાત્રિ વીતે છે, અને ત્રણે અવસ્‍થાથી પર જે પોતાનો જીવાત્‍મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય છે. અને ભગવાન વિના અન્‍ય પદાર્થ માત્રને વિષે વૈરાગ્‍ય થાય છે, અને અધર્મનો ત્‍યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે, અને દેહ મુકે ત્‍યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે જે, ‘હે બ્રહ્મા ! જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે તેવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાઓ.’ એવું જે બ્રહ્માને કહ્યું છે, તેમ જે પોતાના અનન્‍ય ભક્ત હોય તે સર્વેને ભગવાન એેવી પ્રાપ્‍તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ, કર્મ ને માયા થકી રહિત છે, તેમજ ભગવાનના ભક્ત પણ કાળ, કર્મ ને માયા થકી રહિત થાય છે, ને અખંડ ભગવાનની સેવાને વિષે રહે છે, એવી દેહ મુકયા કેડે પ્રાપ્‍તિ થાય છે, એજ એ પ્રશ્ર્નનો ઉત્તર છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૬૬|| ૧૯૯ ||