ગઢડા મઘ્ય ૬૫ : અખતરડાહ્યાનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:16am

ગઢડા મઘ્ય ૬૫ : અખતરડાહ્યાનું

સંવત્ ૧૮૮૧ના પોષ શુદિ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્‍યારે તાલ પખાજ લઇને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવના કલ્‍યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઇ ઠેકાણે મોહ થતો નથી, અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિ:શંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભકિતને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઇને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિષે આસકિત છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે. પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી, એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્‍થ્‍િાતિને પામ્‍યા એવા જે આત્‍મદશર્ી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઇ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેને માયા ને માયાનાં કાર્ય થકી નિલર્પ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. અને આત્‍મનિષ્‍ઠાવાળા જે સંત તેને આત્‍મનિષ્‍ઠા ને તીવ્ર વૈરાગ્‍ય એ બે હોય તેણે કરીને કોઇ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભકિત ન હોય, તો જેમ બહુ પ્રકારનાં ભોજન ને બહુ પ્રકારનાં વ્‍યંજન કર્યાં હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઇ જાય છે, તેમ ભગવાનની ભકિત વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્‍ય છે તે તો નકારૂંજ છે ને સદા અકલ્‍યાણકારી જ છે, એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્‍વરૂપ થયા હતા તોપણ શ્રીમદ્ભાગવતને ભણતા હતા અને શ્રીકૃષ્ણભગવાનને વિષે દૃઢ ભકિતને કરતા હવા. માટે આત્‍મનિષ્‍ઠાવાળાને જો ભગવાનને વિષે ભકિત ન હોય તો એ એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિષે  ભકિત હોય તેને પણ જો આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય ન હોય તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઇ જાય. માટે એ ભકિતમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે અને જે આવો પરિપકવ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્‍યો છે, માટે તેને તો  પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્‍છ જણાણું છે. તે સારૂં કોઇ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્‍મનિષ્‍ઠા, વૈરાગ્‍ય ને ભગવાનને વિષે ભકિત એ ત્રણેય ભેળાં હોય ત્‍યારે કોઇ જાતની ખોટ ન કહેવાય, અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્‍ય ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૬૫|| ૧૯૮ ||