ગઢડા મઘ્ય ૫૪ : સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો તેનું – ગોખરનું, આત્મબુદ્ધિનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:55am

ગઢડા મઘ્ય ૫૪ : સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો તેનું – ગોખરનું, આત્મબુદ્ધિનું

સંવત્ ૧૮૮૦ના જ્યેષ્‍ઠ શુદિ ૭ સપ્‍તમીને દિવસ ત્રીજા પહોરને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ અસવાર થઇને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્‍યાં ઘણીવાર સુધી તો ધોડી ફેરવી, પછી તે વાડી મઘ્‍યે વેદી ઉપર વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્‍તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો, અને પોતાના મુુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ‘એકાદશ સ્‍કંધના બારમા અઘ્‍યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્‍યે કહ્યું છે જે, ‘અષ્‍ટાંગયોગ, સાંખ્‍ય, તપ, ત્‍યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્‍સંગે કરીને વશ થાઉ છું.’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતાં સત્‍સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્‍સંગ અધિક જણાતો હોય તે પુરૂષનાં કેવાં લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું  પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને ભગવાનના સંતને વિષે જ આત્‍મબુદ્ધિ  છે, જેમ કોઇક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે, મુંછો તાણે, તો પણ અભાવ આવે નહિ અને કોઇકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઇ રીતે તેનો અવગુણ આવે જ નહિ, શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્‍મબુઘ્‍ધિ થઇ ગઇ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્‍મબુઘ્‍ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્‍યાણકારી સત્‍સંગને જાણ્‍યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે :-

“યસ્‍યાત્‍મબુદ્ધિ:કુણપે ત્રિધાતુકે સ્‍વધી:કલત્રાદિષુ ભૌમ ઈજ્યધી: |

યત્તિર્થબુદ્ધિ: સલિલે ન કર્હિચિજ્જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખર: ||”

એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૪||૧૮૭||