ગઢડા મઘ્ય ૨૩ : લૂક તથા હિમનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:52am

ગઢડા મઘ્ય ૨૩ : લૂક તથા હિમનું

સંવત્ ૧૮૭૮ના જ્યેષ્‍ઠ શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું. તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની જ કોઇક કિરણ છે પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે, જેમ ઉનાળામાં લુક હોય, તથા જેમ શિયાળામાં હિમ હોય, તેવું મનનું રૂપ દેખાયું . અને જેમ માણસના દેહમાં લુક પેસે તથા હિમ પેસે ત્‍યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્‍દ્રિયો દ્વારે થઇને જ્યારે વિષય સન્‍મુખ થાય છે ત્‍યારે તે વિષય જો દુ:ખદાયી હોય તો મન તપીને ઉનાળાની લુક જેવું થાય છે; અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુ:ખદાયી વિષયને ભોગવીને લુક સરખું ઉનું થઇને જીવના હૃદયમાં પેસે છે, ત્‍યારે જીવને અતિશે દુ:ખીયો કરીને કલ્‍યાણના માર્ગમાંથી પાડી નાખે છે, એ તે લુક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્‍યારે ટાઢું હિમ સરખું થઇને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખીયો કરીને કલ્‍યાણના માર્ગથી પાડી નાખે છે, એ તો હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું . માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ, અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઇ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્‍વભાવ છે તો, જેમ બાળક હોય તે સર્પને, અગ્‍નિને, તથા ઉધાડી તલવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઇએ તો પણ દુ:ખી થાય, અને જો ઝાલવા  દઇએ તો પણ દુ:ખી થાય, તેમ જો મનને વિષય ભોગવવા ન દઇએ તો પણ દુ:ખી થાય, ને જો ભોગવવા દઇએ તો પણ વિમુખ થઇને અતિશે દુ:ખી થાય . માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું ઉનું થતું નથી, તેને જ સાધુ જાણવા.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૨૩|| ૧૫૬ ||