તરંગઃ - ૩૫ - શ્રીહરિયે ભુજનગરમાં બે સંતને દીક્ષા આપીને સમાધિ કરાવી

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:21pm

પૂર્વછાયો

રામશરણજી બોલિયા, સુણો ગુરુ મતિધીર । શ્રીહરિયે ભુજનગ્રમાં, શું કર્યું કો થૈ સ્થિર ।।૧।।

એવું સુણી આચાર્ય બોલ્યા, પરમ વિવેકી પવિત્ર । હે રામશરણ સુણો હવે, કહું રુડાં ચરિત્ર ।।૨।।

સુંદરજીને ત્યાં રહ્યા છે, વચન દૈ મહારાજ । રજા લેવા સુંદરજીની, કરે છે જાુક્તે કાજ ।।૩।।

નિજચરણનો જે અંગુઠો, પકવ્યો એહ વાર । સુંદરજીના ઘરવિષે, છાના રહ્યા નિરધાર ।।૪।।

એવે સમે સુંદરજીને, દેહે છે મંદવાડ । જોવા આવ્યો જગજીવન, તે કરીને ઉપાડ ।।૫।।

 

 

ચોપાઈ

 

સુંદરજીભાઈને ભુવન, આવ્યો છે મેતો જગજીવન । ત્યારે પ્રભુયે વિચાર્યું મન, આપ્યું છે અમે સત્ય વચન ।।૬।।

તે રજા લેવાનો રુડો રાગ, આજે ભલો આવ્યો છે રે લાગ । એમ વિચારીને શુભ કાજ, મેડી નીચે આવ્યા મહારાજ ।।૭।।

બેઠા સુંદરજીની રે પાસ, અલબેલોજી શ્રીઅવિનાશ । ધીરા રૈને બોલ્યા ભગવન, જગજીવન પ્રત્યે વચન ।।૮।।

સોમવલ્લી જગમાં પ્રસિદ્ધ, બ્રાહ્મણને પચે છે તે સિદ્ધ । બીજા વર્ણ જો પીવા જાય, પચે નૈ તેને વમન થાય ।।૯।।

સોેમવલ્લી દેખાડો સાક્ષાત, અમે કૈયે છૈયે સાચી વાત । ત્યારે બોલ્યો તે જગજીવન, તમે શું સમઝો એમાં મન ।।૧૦।।

તમારે વન રેવું તે ઠીક, મન ધરવી પડે નૈ બીક । એવું સુણી બોલ્યા ભગવન, તમે સુણોરે જગજીવન ।।૧૧।।

શુક સનકાદિક છે જેહ, મોટા પ્રભુ અવતાર તેહ । સાધુરૂપે હતા તે ચતુર, તેતો વસ્તીમાં રેતા જરૂર ।।૧૨।।

તે પણ રેતા નૈ વનવાસ, ત્યારે બોલ્યો તે મેતો પ્રકાશ । એતો હતા ઈશ્વર સમર્થ, તમે ક્યાં લ્યો છો એમનો અર્થ ।।૧૩।।

એ જેવાતો થયા નથી આપ, મન વિચારીને જુવો માપ । વળી બોલ્યા શ્રીજીમહારાજ, સુણો મેતા તમે શુભ કાજ ।।૧૪।।

અમે તો છૈયે ઈશના ઈશ, અનંત કોટિ બ્રહ્માંડાધીશ । એવું સુણીને જગજીવન, ઘણું બળવા લાગ્યો તે મન ।।૧૫।।

પછે ચાલ્યો ન થયું સહન, તેતો ગયો પોતાને ભુવન । હવે હીરજીભાઈ સુતાર, તેના પ્રત્યે બોલ્યા વિશ્વાધાર ।।૧૬।।

હે ભાઈ જાવો મેતાને ઘેર, સુણી આવો સહુ તેની પેર । હીરજી ગયા તેને દ્વાર, સુણી લાવ્યા તેનો સહુ સાર ।।૧૭।।

બોલ્યા વિના આવી ઉભા પાસ, શૂન્યમુન્ય થઈને રે દાસ । ત્યારે સમજ્યા શ્રીભગવાન, મેતાના મનનું અભિમાન ।।૧૮।।

હીરજીતને કે મહારાજ, તમો કો હવે કરવું શું કાજ । હવે અમે રૈયે તવ ઘેર, કે જૈયે કહો આનંદભેર ।।૧૯।।

હીરજીભાઈ કે મહારાજ, ગમે તેમ કરો સુખસાજ । પછે શ્રીહરિ સુખના ધામ, ગંગારામભાઈને કે શ્યામ ।।૨૦।।

અમને રાખો તમારે ધામ, ત્યારે કહે જેઠી ગંગારામ । ધન્ય ભાગ્ય મારું મહારાજ, સુખેથી પધારો પ્રભુ આજ ।।૨૧।।

વળી વાલિડો બોલ્યા વચન, પરીક્ષા જોવા ધારી છે મન । અમને રાખશો જો ભુવન, તો ઉપાધિ થશે કાંઈ અન્ય ।।૨૨।।

ત્યારે બોલ્યા ગંગારામભાઈ, એની ચિંતા નથી મુને કાંઈ । તમે છો મારા હૈયાના હાર, શિરને સાટેછો પ્રાણાધાર ।।૨૩।।

એવું સુણી બોલ્યા ભગવન, પ્રેમ જોઈ થઈને પ્રસન્ન । નથી ચલાતું અમારે પાય, કરો વાહનનો રે ઉપાય ।।૨૪।।

ગંગારામભાઈયે તે વાર, જગજીવનને ત્યાંથી સાર । ઉકાભાઈ ઠકર સનાથ, રથ મંગાવ્યો તેમની સાથ ।।૨૫।।

બેઠા રથમાં જગદાધાર, પધાર્યા ગંગારામને દ્વાર । કરે લીલાઓ સુંદર સાર, આપે ભક્તને સુખ અપાર ।।૨૬।।

શ્રીરામાનંદસ્વામીયે પોતે, સદાવ્રત બાંધ્યું છે તે જોતે । તેને ચલાવેછે રુડી રીત, પોતે પાળે છે પૂરણપ્રીત ।।૨૭।।

તે સદાવ્રત લેવાને સારુ, વૈરાગી બેઉ આવ્યા છે વારુ । પૂર્વદેશના છે તે રેનાર, પ્રભુયે ઓળખ્યા તેણી વાર ।।૨૮।।

શીરો પુરી કરાવ્યાં ભોજન, જમાડીને કર્યાછે પાવન । સારું લાગ્યું છે તેમને મન, ભેગા રહ્યા કેટલાક દન ।।૨૯।।

સમાધિયો આદિક અનેક, દેખ્યું ઐશ્વર્ય ત્યાંતો વિશેક । શ્રીજીમહારાજનો પ્રતાપ, વૈરાગીયે જાણ્યો આપોઆપ ।।૩૦।।

પામ્યા મનમાં શાંતિ અપાર, થયો પ્રભુનો નિશ્ચે તે વાર । પછી એક દિને શુભ કાજ, તેને પુછે શ્રીજીમહારાજ ।।૩૧।।

તમે ક્યાંથી આવ્યા સાધુજન, તેવું સાંભળીને બોલ્યા વચન । સુણો મહારાજ સાચું તમે, છૈયે સરવરિયા વિપ્ર અમે ।।૩૨।।

બાલપણથી તજ્યું છે દ્વાર, હૃદે થયો વૈરાગ અપાર । જગન્નાથવિષે રુડી રીત, રહ્યા ઘણી કરી મન પ્રીત ।।૩૩।।

અપવર્ગની ઇચ્છા સોય, ધારીને રહ્યા તેસ્થળે જોય । કરી જગદીશની ત્યાં સેવ, દાસાનુદાસ થઈને એવ ।।૩૪।।

પછી આવ્યા કોઈ બ્રહ્મચારી, બાલયોગીરૂપે સુખકારી । તેણે દીઠો અધર્મ અપાર, મતિમંદને તે અનુસાર ।।૩૫।।

માંહોમાંહી કરાવી લડાઈ, તેમાંથી કૈક મુવા વઢાઈ । કૈક ઘાયેલા થઈ પડ્યા ત્યાંય, કૈકના પ્રાણ ગયા છે જ્યાંય ।।૩૬।।

તે દેખીને અમે બેઉ સાથ, નાઠા પ્રાણ લઈ સુણો નાથ । ફર્તાથકા તીરથમાં આજ, આંહી આવ્યા છૈયે મહારાજ ।।૩૭।।

દ્વારિકા જવાનો છે વિચાર, સદાવ્રત લેવા આવ્યા આ ઠાર । આંહિ પામ્યા તવ દરશન, અમ ભાગ્ય ઉદે થયાં ધન્ય ।।૩૮।।

શાંતિ પામ્યાં છે અમારાં મન, તવ દરશનથી ભગવન । વિસ્તારીને કરી એમ વાત, મંદ મંદ હસે જગતાત ।।૩૯।।

પછી તેમના પ્રત્યે વચન, બોલ્યા બહુનામી બલવન । દ્વારિકાનાથે જાવો પાવન, મળશે ત્યાં તો શ્રીભગવન ।।૪૦।।

ત્યારે તેમણે કહ્યું છે એમ, હવે જૈયે પ્રભુ અમે કેમ । નિશ્ચે જવું નથી મહારાજ, આંહી સફળ થયાં સૌ કાજ ।।૪૧।।

સત્સંગમાં રહીશું સદાય, ભાવે કરીશું તમો સેવાય । લખચોરાશી ટળી છે આજ, હવે થયું અમારું તો કાજ ।।૪૨।।

એવું સુણી બોલ્યા મહારાજ, શું સમઝી રોછો તમે આજ । ત્યારે નિર્માની થૈ સાધુજન, બોલ્યા સ્નેહસહિત વચન ।।૪૩।।

સુણો વાલમજી સાચી વાત, જેવીછે તેવી કૈયે વિખ્યાત । આંહિ સત્સંગમાંહિં સાક્ષાત, અમે દેખ્યું છે કલ્યાણ ખ્યાત ।।૪૪।।

એવો કરી મનમાં વિચાર, તમો પાસે રહ્યા છૈયે સાર । સર્વે તીરથ છે તવ ચરણ, હવે રૈશું તમારે શરણ ।।૪૫।।

પ્રભુુ કર્યાં તમારાં દર્શન, થયાં પૂરણ સર્વે સાધન । તમે કહો તે કરીયે કાજ, પણ જાવું નથી મહારાજ ।।૪૬।।

અમે તો થયા દાસાનુદાસ, તમો સેવામાં રૈશુંજ પાસ । એવાં દીનપણાનાં વચન, સુણીને થયા પ્રભુ પ્રસન્ન ।।૪૭।।

પછે હમ્મીરસર તડાગ, ત્યાં પધાર્યા છે પોતે સોહાગ । તેમાં સ્નાન કર્યું છે ઉમંગે, ઉતારે પધાર્યા રુડે રંગે ।।૪૮।।

પૂજાપાઠ કર્યું નિત્યનેમ, સુખેથી બિરાજ્યા પ્રભુ એમ । પછે સુંદરજી સુખભેર, જમવા તેડી ગયા છે ઘેર ।।૪૯।।

પાછા જમીને આવ્યા મુકામ, સૌને સુખીકર્યા સુખધામ । રામાનંદસ્વામીની છે પાટ, તે પર બિરાજ્યા રુડે ઘાટ ।।૫૦।।

પશ્ચિમ દિશાયે કર્યું મુખ, સંતહરિજનો સનમુખ । પછે વેરાગી આવ્યા ત્યાં જેહ, તેના પ્રત્યે બોલ્યા પ્રભુ તેહ ।।૫૧।।

તમે સાધુ થાશો મારા આજ, ત્યારે તે કહે હા મહારાજ । પછે બોલાવ્યો નાપિત સાર, ક્ષૌર કરાવ્યું તેણી વાર ।।૫૨।।

આપ્યાં ભગવાં વસ્ત્ર અજીત, કર્યા શિષ્ય પોતાના અભિત । વીરભદ્રાનંદ કૃપાનંદ, બન્ને નામ પાડ્યાં સુખકંદ ।।૫૩।।

આપ્યો કર્ણમાં મંત્ર જ પોતે, તેમના પ્રત્યે બોલ્યાછે જોતે । આ સભાને કરો દંડવત, પ્રેમે પગે લાગો સદમત ।।૫૪।।

એવું સુણી ઉઠ્યા બેઉ સંત, નમ્યા પ્રેમે ગુરુને મહંત । તે દેખી પ્રગટ ભગવન, તેના ઉપર થયા પ્રસન્ન ।।૫૫।।

ત્યારે જાણી લીધું છે જરૂર, છે આ મુમુક્ષુ વિવેકી ઉર । એમ જાણીને સુંદરછેલ, રાજી થૈને બોલ્યા અલબેલ ।।૫૬।।

જગન્નાથપુરીવિષે ત્રાસ, અસુરનો કરાવ્યો તો નાશ । તેની વિસ્તારીને કરી છે વાત, સુણી બેઉ થયા રળિયાત ।।૫૭।।

થયા ગદ્ગદ્ કંઠે આપ, ટળ્યા અનેક જન્મના તાપ । હે દીનબંધુ હે કૃપાનાથ, તમે અમને કર્યા સનાથ ।।૫૮।।

જય શરણાગત હિતકાર, જય અવતારના આધાર । પૂરણ પુરૂષોત્તમ આપ, ટાળ્યા ત્રિવિધના તમે તાપ ।।૫૯।।

એમ બોલ્યા જ્યાં નમ્ર વચન, સમાધિ થઈ નિર્મળ મન । થયા બેજણ સમાધિનિષ્ઠ, પામ્યા આનંદ ઉર અભીષ્ટ ।।૬૦।।

પછે આજ્ઞા કરી મહારાજ, એકાંતે સુવાર્યા શુભ કાજ । ઓઢાડી ચાદર એક એક, તેમના ઉપર તે વિશેક ।।૬૧।।

સમાધિમાંથી બે જણ ત્યાંય, જાગીને આવ્યા શ્રીહરિ જ્યાંય । શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ, ગૌલોક વૈકુંઠ અનુક્રમ ।।૬૨।।

બ્રહ્મપુર આદિક જે ધામ, સમાધિમાં જોયાં જેજે ઠામ । દેખ્યાં અદ્ભુત ઐશ્વર્ય જ્યાંય, કર્યાં શ્રીજીનાં દર્શન ત્યાંય ।।૬૩।।

જોયો મહાપ્રભુનો પ્રતાપ, વિસ્તારીને કહ્યો સહુ આપ । સભાસદે સુણી મનમાંય, કર્યો શ્રીજીનો નિશ્ચય ત્યાંય ।।૬૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ભુજનગ્રમાં બે સંતને દીક્ષા આપીને સમાધિ કરાવી એ નામે પાંત્રીસમો તરંગ ।।૩૫।।