તરંગઃ - ૩૩ - શ્રીહરિયે ભુજનગ્રમાં લાધીબાઈને સમાધિ કરાવી

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:20pm

પૂર્વછાયો

શ્રીનગ્રથી હરિ ચાલિયા, જાવા ઝાલાવાડ્ય દેશ । મનિપુરે રાત્ય રહ્યા, ત્યાંથી તે સાણંદ એશ ।।૧।।

જમીને ત્યાં થકી ચાલીયા, ગયા તે દદુકે ગામ । ત્રણ દિન ત્યાં માલીયા, ગયા દેવળીયે ઠામ ।।૨।।

ત્યાંથી જમીને તાવી ગયા, ઉતર્યા જેઠીજીને ઘેર । પય પાકાદિક જમી રહ્યા, શ્રીહરિ ત્યાં સુખભેર ।।૩।।

પછે સંતને પિર્શ્યું પોતે, મેર કરી મહારાજ । સર્વ જનોને જોતે સતે, કરવા તે રુડાં કાજ ।।૪।।

શિયાણી મેમકે થઈને, ગયા તે વઢવાણ ગામ । વિસામો કરીને ત્યાં થકી, ગયા તે લિંબડી ગામ ।।૫।।

 

 

ચોપાઈ

 

પછે જમીને છોગાળો છેલ, મુળીયે પધાર્યા રંગરેલ । રાજારામાભાઈ મહાધિર, સામૈયું કર્યું ભારે સુંદીર ।।૬।।

ગાજતે વાજતે શેરમાંય, પ્રભુ પધરાવ્યા સુખદાય । બંગલામાં ઉતારો કરાવી, હેતે જમાડ્યા થાળ ધરાવી ।।૭।।

બ્રાહ્મણ જમાડ્યા ત્રુટિકાળ, અક્ષરાદિના તે પ્રતિપાળ । શેર જમાડ્યું ધુંવાડાબંધ, સૌને થયો હરિનો સંબંધ ।।૮।।

૧તર્જની નખ એકે ઉજાસ, પોતે તેજ કર્યું છે પ્રકાશ । અધોઉર્ધ્વ પ્રમાણે રહિત, જન જોઈને થયા છે વિસ્મિત ।।૯।।

પોરવાર પછી સુખદાઈ, તેજ સમાવ્યું તે નખમાંઈ । તેજ દેખાડ્યું છે મહારાજ, બહુ જીવના કલ્યાણ કાજ ।।૧૦।।

એમ ફરેછે ધર્મદુલાર, મુળીયે આવેતે વારંવાર । વળી બીજે આવે જાય શ્યામ, ઘણું મુળીમાં રે ઘનશ્યામ ।।૧૧।।

સંવત્સર રહ્યા છે મુરારી, મુળીપુર વિષે સુખકારી । પછે ચાલ્યા છે દેવાધિદેવ, અક્ષરાધિપતિ સુખમેવ ।।૧૨।।

વાંકાનેર રહ્યા બેઉ રાત, રાજકોટ ગયા પરભાત । પાંચ દિન રહ્યા પોતે ધારી, આખે ગામ ગયા મુરારી ।।૧૩।।

બેઉ રૂપ થયા અવિનાશ, દ્વિજ ભોજને કર્યો પ્રકાશ । વિપ્રને જમાડ્યા ખટમાસ, દક્ષિણા દીધી કર્યા હુલ્લાસ ।।૧૪।।

એમ કરે છે જે બહુ કાજ, પછે ચાલ્યા ત્યાંથી મહારાજ । પોતે પધાર્યા છે કચ્છ દેશ, ભુજ નગરમાં મંજાુકેશ ।।૧૫।।

સતકાર સાથે હરિજને, સામૈયું કર્યું નિર્મળ મને । તેડી ગયા શેરમાં તતખેવ, ભાવ ભક્તિ વડે કરી સેવ ।।૧૬।।

સુંદરજીના તે ડેલામાંય, ઉતારો કરાવ્યો જૈને ત્યાંય । ત્યાં વાલિડે કર્યું છે ચરિત્ર, સુણો શ્રોતા વિવેકી પવિત્ર ।।૧૭।।

પથરની પાળી છે ત્યાં એક, તેના ઉપર ચડ્યા વિશેક । કર્યું ઘોડાની પેઠે પલાણ, બેઠા તે પર જીવનપ્રાણ ।।૧૮।।

ભુરા કેશ શોભી રહ્યા શિર, કંજલોચન શ્રીનરવીર । લાલ નેત્રમાં રેખા રસાળ, મોહ પામે મોટા લોકપાળ ।।૧૯।।

એકજ વસ્ત્ર બાંધ્યું છે શીષ, શ્વેત ચાદર ઓઢી તે જગદીશ । તપે કૃશ થયું છે રે તન, એવા રૂપે દીધાં દરશન ।।૨૦।।

હરિજન ત્યાં બેઠાછે પાસ, લીલા જાુવે છે તે સુખરાશ । એવે આવ્યા સુંદરજીભાઈ, દર્શનની ઇચ્છા મનમાંઈ ।।૨૧।।

પાળી ઉપર પ્રાણજીવન, બેઠાછે ત્યાં કર્યાં દર્શન । વ્હાલાને ઓળખ્યા નહીં ત્યાંય, કરે વિચાર તે મનમાંય ।।૨૨।।

બોલ્યા સુંદરજી શુભકાજ, કયારે આવશે શ્રીમહારાજ । ત્યારે બોલ્યા પોતે મહારાજ, હમણાં આવશે સુખસાજ ।।૨૩।।

એમ પુછી જોયું ત્રૈણ વાર, એનો એ મળ્યો ઉત્તર સાર । પણ કોઈ કેતું નથી આજ, બેઠા છે આ પોતે મહારાજ ।।૨૪।।

ઠક્કર ભગવાનજી નામ, આવ્યા દરશને તેહ ઠામ । સુંદરજીભાઈનો જોઈ મરમ, બોલ્યા ભગવાનજી એ પરમ ।।૨૫।।

સુણો સુંદરજી કહું કાજ, આ પંડે બેઠા તે મહારાજ । તમો તે શું ભુલી ગયા ભાન, તમારી પાસે છે ભગવાન ।।૨૬।।

ત્યારે સુંદરજી તણે મન, સ્મૃતિ આવી જાણ્યા ભગવન । કરી પ્રાર્થના કર જોડી, દંડવત કર્યા વળી ક્રોડી ।।૨૭।।

પછે બાથ ભીડી મળ્યા ભાવ, ઉરમાં કરી ઘણો ઉચ્છાવ । મંદ મંદ કરે પ્રભુ હાસ, મુખે રુમાલ દૈ અવિનાશ ।।૨૮।।

પછે બોલ્યા શ્રીજીમહારાજ, સુણો સત્સંગી સર્વે સમાન । જે જે અમારી આજ્ઞામાં હોય, તે સર્વે મળીને ચાલો સોય ।।૨૯।।

રામજી નામે જે રથકાર, તેને ઘેર ચાલો આણી વાર । ત્યાં આવ્યા છે રઘુનાથદાસ, આપણ સર્વ ચાલો એ પાસ ।।૩૦।।

એમ કહી સત્સંગીને સાથ, પોતે પધાર્યા શ્રીયોગિનાથ । ત્યાં જૈને કહ્યા સચ્ચિદાનંદ, પલંગે બિરાજ્યા સુખકંદ ।।૩૧।।

રઘુનાથદાસને ત્યાં સોય, પ્રશ્ન પુછ્યાં પ્રભુજીએ જોય । ઘટાકાશ મઠાકાશ જેહ, મહદાકાશ ચિદ છે એહ ।।૩૨।।

બતાવો એનાં કરીને રૂપ, જુદી જુદી રીતેથી અનૂપ । એનો ઉત્તર આપો તમે, તમારી આજ્ઞામાં રૈયે અમે ।।૩૩।।

અમારા શિષ્ય સઘળા જેહ, તમારા શિષ્ય થૈ રેશે તેહ । તમોથી જો ઉત્તર ન થાય, અમારી આજ્ઞામાં રો સદાય ।।૩૪।।

એવું સુણી રઘુનાથદાસ, બોલ્યા શ્રીહરિ પ્રત્યે પ્રકાશ । ઘટાકાશ આદિ સહુ જેહ, રામાનંદજી જાણતા તેહ ।।૩૫।।

સ્વામીને જાણું છું સર્વજ્ઞ, અહોનિશ એમાં હું છું મગ્ન । ઉઠ્યા મહારાજ તેહ વાર, સચ્ચિદાનંદ કૈ નિરધાર ।।૩૬।।

પછે શ્રીજી કહે સુણો સાર, એમાં કાંઈ નથી ભલી વાર । રૂડા રામજીભાઈ સુતાર, તેને કે છે શ્રીધર્મકુમાર ।।૩૭।।

અમને ક્ષુધા લાગી છે સાર, માટે ખાવા આપો આણી વાર । પછે રામજી ભાઈને ઘેર, ૧ક્ષિપ્રા કરાવી છે રુડી પેર ।।૩૮।।

કર્યું તૈયાર પોતે ભોજન, જમી સંતોષ પામ્યા જીવન । ત્યાંથી પધાર્યા જીવનપ્રાણ, સુંદરજીના ઘરે પ્રયાણ ।।૩૯।।

રસ્તે થયો રઘુનાથદાસ, પાછલી રાત લૈ અવકાશ । સુંદરજીને ત્યાં સુખસાજ, પાટ ઉપર પોઢ્યા મહારાજ ।।૪૦।।

પછે બીજે દિને પ્રાતઃકાળ, ઉઠ્યા સવારે દીનદયાળ । જેઠીમલ્લ ગંગારામભાઈ, તેના પ્રત્યે બોલ્યા સુખદાઈ ।।૪૧।।

તમે જાવો ગંગારામભાઈ, લાધીબાને તેડી લાવો આંઈ । એવું સુણી જેઠી ગંગારામ, લાધીબાને બોલાવ્યાં તેઠામ ।।૪૨।।

સહજાનંદજી જગદીશ, રામાનંદસ્વામીના છે શિષ્ય । લાધીબાઈ એવું જાણી મન, ત્યાં કરવા આવ્યાં છે દર્શન ।।૪૩।।

શ્રીહરિવરને જોયા નેણે, થયો જન્મ સફળજ તેણે, પામ્યાં આનંદ મન અપાર, દેખી મૂર્તિ મનોહર સાર ।।૪૪।।

લાધીબા સામું જોયું દયાલ, સમાધિ કરાવી તતકાલ । તેને મોકલ્યાં અક્ષરમાંય, પોતાનો બ્રહ્મમોલ છે જ્યાંય ।।૪૫।।

અતિ તેજસ્વી ધામ અમિત, અધો ઊર્ધ્વ પ્રમાણે રહિત । તેને વિષે દિવ્ય સિંહાસન, મહાચૈતન્યમય પાવન ।।૪૬।।

તેના ઉપર શ્રીમહારાજ, વિરાજ્યાછે પોતે સુખસાજ । કોટિ કોટિ ઇન્દુ વળી ૧ભાન, તેજ ક્ષીણ પામે ત્યાં નિદાન ।।૪૭।।

એવા વિરાજ્યા છે મહારાજ, મોટા લોકપતિ શિરતાજ । કોટિ કોટિ મુક્તોએ સહિત, સમાધિમાં જોયું બાયે હિત ।।૪૮।।

શ્રીહરિની ઉપાસના જેહ, સેવાભક્તિ કરે નિત્ય તેહ । તેમાં સ્વામીને દેખ્યા છે ત્યાંય । લાધીબા વિચારે મનમાંય ।।૪૯।।

રામાનંદસ્વામીને તે વાર, નમ્રતાથી કર્યો નમસ્કાર । ત્યારે બોલ્યા છે સ્વામી વચન, સુણો લાધીબાઈ તમે મન ।।૫૦।।

કરો શ્રીહરિને નમસ્કાર, અમારા સર્વેના છે આધાર । અમ જેવાતો મુક્ત અપાર, જુવો બેઠા આંહી એકતાર ।।૫૧।।

તમે નજરે દેખી આ વાત, સહજાનંદ સ્વામી વિખ્યાત, ભુજનગ્રમાં જૈ નિરધાર । કરજ્યો એ વાતનો વિસ્તાર ।।૫૨।।

સમઝાવજ્યો આ રૂડી રીત, શ્રીહરિમાં કરે સહુ પ્રીત । આ તો અવતારી પરબ્રહ્મ, અક્ષરમુક્ત જાણેછે મર્મ ।।૫૩।।

પછે સમાધિથી આવ્યાં બાર, શ્રીજીને કર્યોછે નમસ્કાર । બેઠાં સ્વસ્થ થઈ સનમુખ, જોઈ પ્રભુ પામ્યાં ઘણું સુખ ।।૫૪।।

મંદ મંદ હસે છે મુરાર, મુખે દૈ રૂમાલ તેણી વાર । હસતા થકા બોલ્યા વચન, લાધીબાઈ શું સમઝ્યાં મન ।।૫૫।।

અમારે પગે પડ્યાં તે કેમ, સાચી વાત કહો હોય જેમ । ત્યારે બોલ્યાં છે ત્યાં લાધીબાઈ, હવે સુણો શ્રીજી સુખદાઈ ।।૫૬।।

તમે કૃપા કરી મહારાજ, બ્રહ્મમોલમાં મોકલી આજ । ત્યાંની રચના દેખાડી નેણે, તવ દર્શન પામીછું તેણે ।।૫૭।।

તેજપુંજમાં મૂર્તિ આપ, અક્ષરમાં દેખી મેં અમાપ । રામાનંદ સ્વામી તવ પાસ, સેવામાં બેઠા છે ત્યાં હુલ્લાશ ।।૫૮।।

મુને સ્વામીયે કહ્યું વિશેક, તે પ્રમાણે કહું ધરી ટેક । પ્રભુતા આદિ તેજ પ્રતાપ, સર્વે શ્રીહરિમાં છે અમાપ ।।૫૯।।

અમે ત્યાં હતા તે વારે નિત, તમને કેતા તે કરી હિત । અમે પ્રગટ પ્રભુના જન, ડુગડુગી વગાડીયે મન ।।૬૦।।

વાલિડો વેષ ભજવનાર, વાંસેથી તેતો છે આવનાર । સત્ય વાત થઈ છે તે આજ, મારાં સફલ થયાં સૌ કાજ ।।૬૧।।

સ્વામીયે મુને કહ્યું તું જેમ, સમાધિમાં મેં જોયુંજ એેમ । તમે સ્વતંત્ર છો ભગવાન, શ્રીહરિ અવતારી નિદાન ।।૬૨।।

ઈશના ઈશ કાળના કાળ, દેવના દેવ દીનદયાળ । સ્થિતિ ઉદ્ભવ પ્રલય કર્તા, કોટિ કોટિ બ્રહ્માંડના ભરતા ।।૬૩।।

સૌને કર્મ ફળના દાતાર, વિશ્વંભર છો વિશ્વઆધાર । લાધીબાની સુણી એવી વાત, થયા પ્રસન્ન શ્રીજી સાક્ષાત ।।૬૪।।

સર્વે હરિજનો નરનાર, સાચી વાત માની છે તે વાર । પામ્યાં આશ્ચર્ય મન અપાર, દઢ નિશ્ચે થયો નિરધાર ।।૬૫।।

પછે સુંદરજી રથકાર, વળી હીરજીએ તેણી વાર । થાળ કરાવ્યો પોતાને ઘેર, તેડ્યા પ્રભુજીને રુડી પેર ।।૬૬।।

અતિમિષ્ટ કરાવ્યાં ભોજન, જમાડીને કર્યા છે પ્રસન્ન । જમીને આવ્યા નિજ આસન, રુડી લીલા કરી ભગવન ।।૬૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ભુજનગ્રમાં લાધીબાઈને સમાધિ કરાવી એ નામે તેત્રીસમો તરંગઃ ।।૩૩।।