તરંગ - ૧૦૬ - શ્રીહરિએ ભક્તિમાતાને દિવ્યગતિ પમાડ્યાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:48pm

 

પૂર્વછાયો

રામશરણજી બોલિયા, સુણો ગુરૂ વિખ્યાત । શ્રીહરિએ માતા પ્રત્યે કહી, હરિગીતા રળિયાત ।।૧।।

તેમાં વૈરાગ્યનું રૂપ જે, તે સમજાવો શિરતાજ । એવું સુણી કહેવા લાગ્યા, આચાર્યશ્રી મહારાજ ।।૨।।

તેહ સમે હરિ બોલ્યા, સુણો તમે મુજ માત । સ્થિર કરો મન તમારું, કહું વૈરાગ્યની વાત ।।૩।।

સગાં કુટુંબી સહોદર, સુત વિત્ત ગેહને દેહ । માયિકમાં તો હેત નહિ, મુજમાં ઘણો સનેહ ।।૪।।

એહ ઉત્તમ વૈરાગ્ય જાણો, ઉપજે જેને મન । સંસારને તે સેજે તરે, સફલ તેનું જીવન ।।૫।।

જે પ્રકારે વૈરાગ્ય થાય, એનો કહું છું ઉપાય । ધ્યાન દઇ તમે સાંભળો, માતાજી સુખદાય ।।૬।।

 

 

ચોપાઇ

સર્વે દેહધારી છે જે જન, વિચારીને જુવે નિજ મન । માતા પિતા પુત્રપરિવાર, લોક ભોગ સહિત સંસાર ।।૭।।

કાલચક્રનું ભક્ષણ જાણી, તેમાં પ્રીતિ કરે નહિ પ્રાણી । તુચ્છરૂપ જણાય છે જ્યારે, તેમાં વૈરાગ્ય થાય છે ત્યારે ।।૮।।

નિત્ય નૈમિત્ય પ્રાકૃત જાણો, આત્યંતિક એ પ્રલયપ્રમાણો । પ્રકૃતિ ને પ્રકૃતિનું કાજ, સર્વે બ્રહ્માંડનું સુખસાજ ।।૯।।

સ્થાવર જંગમ બ્રહ્માદિ જેહ, જોગી જતી સતી કૈએ તેહ । એતો સર્વે છે કાળનું ભક્ષ, પ્રાણીમાત્ર જુવે છે પ્રત્યક્ષ ।।૧૦।।

કાળ વિક્રાળની મોટી ઝાળ, ભાળી ભય પામે તતકાળ । ભીમભૂપાળ ને શિશુપાળ, દિગપાલ મોટા મહીપાલ ।।૧૧।।

સારથી ભારથી મહારથી, કાળ કોઇને મુકતો નથી । જંગી ભંગી રોગી ને ઉમંગી, કાળને વશ થયા અટંગી ।।૧૨।।

જોગી ભોગી ને વળી વિયોગી, કાળે ભક્ષણ કર્યા ઉદ્યોગી । શૂરા પુરા અધુરા અસુરા, કૃતાંતે કર્યા છે ચકચુરા ।।૧૩।।

મેળા ખેળા ને વેળા કવેળા, તેમાંથી કૈ પકડાયા ભેળા । બારોબાર ગયા બળવંત, કૈક ઉડી ગયા ઉનમત ।।૧૪।।

આવી રીતે જે કાળને જાણે, મિથ્યાસુખને તે ન વખાણે । તેને થાયછે તીવ્ર વૈરાગ્ય, તનતૃષ્ણા કરી દે છે ત્યાગ ।।૧૫।।

દુઃખમય જોવે કોઇ જન, તેને વૈરાગ્ય લાગે છે મન । પણ પાપીનો કરતાં સંગ, હૃદયમાં ચડે છે ખોટો રંગ ।।૧૬।।

દુષ્ટ કર્મથી થાય છે દુઃખ, તેનું ફળ આવે છે સન્મુખ । અસત જનને સંગે કરી, જીવની મતિ જાય છે ફરી ।।૧૭।।

મનસ્વીપણે કરે છે કર્મ, તજે છે ધર્મજ્ઞાનની શર્મ । વિષયાસક્ત થૈને ફરે છે, પ્રાણી પાપથી પેટ ભરે છે ।।૧૮।।

પાપી પાપમાં તણાયા જાય, દુઃખદાયક પ્રવૃત્તિ થાય । મતિ ધર્મમાં થાય છે નષ્ટ, કુસંગે કરી પામે છે કષ્ટ ।।૧૯।।

જ્ઞાન આદિક ગુણ છે જેહ, તુરત નાશ પામે છે તેહ । દેહ ને દેહના જે સંબંધી, તેમાં મમતાની કરે છે વૃધ્ધિ ।।૨૦।।

એને અર્થે ફરે છે આપ, કરે છે વણવિચારે પાપ । થાપણ ઓળવી દે છે આપ, કરે વિશ્વાસઘાતનું પાપ ।।૨૧।।

ચાડી ચુગલીને કરે દંભ, અસત્યવાદ રાખે આરંભ । મુકે અન્યમાં ખોટો આરોપ, કરે પરદ્રોહ બહુકોપ ।।૨૨।।

હિંસા ચોરી અનીતિ અન્યાય, એથી કરે કુટુંબની સાય । કુટુંબીમાં આસક્ત અભાગ, કરે છે નિજ ધર્મનો ત્યાગ ।।૨૩।।

ધેનુ વિપ્ર સાધુ તીર્થ વેદ, દેવતાનો ધરે નહિ ભેદ । નિરંકુશપણે કરે દ્રોહ, વિષ્ણુભક્તિનો રાખે ૧વિછોહ ।।૨૪।।

કરે ૨આમિષ ભક્ષ અભાગી, મદ્યપાન કરે ધર્મ ત્યાગી । પરસ્ત્રીઓ ને વિધવા નારી, એમાં આસક્ત રે છે વિકારી ।।૨૫।।

જ્યાં ત્યાં કરે છે અભક્ષાભક્ષ, અવાચ્ય શબ્દ બોલે સમક્ષ । મદાંધ કરે છે ઉદ્ધતાઇ, ખોટા મત તાણે મનમાંઇ ।।૨૬।।

એવા દુરાચારી મતિ દુષ્ટ, અંતકાળે પામે મહાકષ્ટ । અવસાન સમે મજબૂત, તેને પકડે છે યમદૂત ।।૨૭।।

અંતકાળે એ તેડવા આવે, પાપીને નિજરૂપ બતાવે । જાણે પ્રત્યક્ષ આવ્યો શું કાળ, ભયંકર અતિ વિકરાળ ।।૨૮।।

પર્વતપ્રાય છે જેનું અંગ, કાજળથી કાળો ઘણો રંગ । દેખીને તો છુટી જાય ધીર, ત્રાસ પામે મોટા શૂરવીર ।।૨૯।।।

શુળી અગ્ર સમાન છે કેશ, વજ્ર સમ કઠણ વિશેષ । ગિરીશિખર સરખાં શીષ, દિગ્ગજ દેખીને પાડે ચીસ ।।૩૦।।

વાંકાં કુબડાં મુખ વિશાળ, નેત્ર તો જાણે અગ્નિની ઝાળ । જેવી જિહ્વા કાળની લળકે, એેવી દાઢ્યો તો મોટી ઝળકે ।।૩૧।।

બોલે મુખે ભયંકર વાણી, ભાળીને સ્તબ્ધ થૈ જાય પ્રાણી । દાઢ્યો કકડાવે સામે આવી, પાપી પ્રાણીને દે છે બતાવી ।।૩૨।।

લોહના પાશ ગ્રહ્યા છે હાથ, બીજાં શસ્ત્ર ઘણાંછે જેસાથ । ભયંકરછે જેનાં દર્શન, દેખીને પાપી કંપે છે મન ।।૩૩।।

છુટી જાય છે દેહના બંધ, ઘણો ત્રાસ પામે મતિઅંધ । અંગોઅંગ તે ધ્રુજવા લાગે, હવે કોણ મારો ભય ભાંગે ।।૩૪।।

અતિ આકુળ થૈ અકળાય, નાખે નિઃશ્વાસ નાસવા જાય । પણ યમના દૂત કઠોર, ઝડપી લેછે કરીને જોર ।।૩૫।।

તેના સૂક્ષ્મદેહે યમદૂત, પાપીને બાંધે છે મજબૂત । તજી જેણે દિલથી દયાય, યમપુરી વિષે લઇ જાય ।।૩૬।।

મહાવિકટ મારગ મોટો, ભયાનક દેખિતો છે ખોટો । વૈતર્ણી નદી શિવાય જેહ, સોળ સહસ્ર યોજન તેહ ।।૩૭।।

યમપુરી વિષે જાતાં અગ્ર, ભયંકર આવે છે સોળ નગ્ર । એનાં આપું છું હું હવે નામ, ગરુડપુરાણે છે તમામ ।।૩૮।।

સૌમ્યપુર સૌરીપુર નુર, નગેન્દ્ર અને ગાંધર્વપુર । શૈલાગમ કૌંચ ક્રૂરપુર, વિચિત્ર તે દુઃખદાતા સુર ।।૩૯।।

બદ્ધાપદ નાનાક્રંદ નામ, સુતસભવરૌદ્ર તે ઠામ । પયોવર્ષણ સીતાઢ્ય સાર, ધર્મપુર યામ્ય નિરધાર ।।૪૦।।

સોળ નગ્ર આવે છે એ આગે, પાપીને દુઃખદાયક લાગે । યમના દૂત મારે છે માર, પાડે પોકાર ને હાહાકાર ।।૪૧।।

વજ્રપાશે બાંધીને ચલાવે, ભયંકર માર્ગમાં ભમાવે । દાવાનળ અગ્નિની જ્વાલાયે, પૃથ્વીતળ તપેલું દેખાયે ।।૪૨।।

તેસમે મારીને ઘણો માર, ચલાવે છે તે માર્ગ મોઝાર । દુઃખેથી પણ ચાલ્યું ન જાય, પાપીને બહુ પીડાઓ થાય ।।૪૩।।

કાંટા કાંકરા વાગે છે ચરણે, થાય બે પગે લોહિતવર્ણે । આખા અંગમાં ઉઠે છે આગ, નથી વિશ્રામ લેવાનો લાગ ।।૪૪।।

અસિપત્ર નામે મોેટું વન, તેમાં ચલાવે છે યમજન । ક્ષુધાતુર તૃષાતુર થાય, શોકાતુરથી અંગ સુકાય ।।૪૫।।

ગતિભંગ થઇ પડે ધરણ, નથી મળતું ત્યાં કોઇ શરણ । તીખી તરવાર જેવી ધાર, એવાં પત્ર લાગે છે તેઠાર ।।૪૬।।

અંગોઅંગ તેનાં ભિન્ન થાય, નખથી શિખા સુધી છેદાય । તોય નિર્દય જમડા જેછે, એ પ્રમાણે પાપીને મારે છે ।।૪૭।।

યમમારગનો નથી પાર, કહ્યો સંક્ષેપે કરી વિચાર । વળી ગ્રંથ ઘણો વધી જાય, તેનો સંકોચ મનમાં થાય ।।૪૮।।

અગાડી કહ્યાં જે સોળ નગ્ર, ઉલ્લંઘન કરાવે સમગ્ર । પછે વૈતરણી નદી છે જ્યાંય, પાપીને લેઇ જાય છે ત્યાંય ।।૪૯।।

શતયોજન પોળો છે પટ, દેખાડી દીધો છે તેનો તટ । અસ્થિ આમિષ શોણિત જેહ, ઇત્યાદિકથી ભરેલી તેહ ।।૫૦।।

પાપીના બાંધીને બેઉ પાય, નાખે છે વૈતરણીના માંય । ઉંધે મસ્તકે તાણીને જાય, મહાકષ્ટનો પાર ન થાય ।।૫૧।।

એમ કરતાં પુગે યમપુર, યમરાજાની પાસે જરુર । ચિત્રગુપ્ત પ્રધાન ત્યાં પુછે, દુષ્ટ કર્મ કહે તારાં શું છે ।।૫૨।।

પ્રાણી થાય પૂરણ લાચાર, કરી શકતો નથી ઉચ્ચાર । એના કર્મતણે અનુસાર, યમ શિક્ષા કરે તેણીવાર ।।૫૩।।

નર્કના કુંડ છે ત્યાં અપાર, તેને ભોગવાવે છે તેઠાર । તામિસ્ર અંધતામિસ્ર સત્ય, રૌરવ મહારૌરવ વિપત્ય ।।૫૪।।

કાળસૂત્ર કુંભીપાક નામ, અસિપત્ર વન છે તે ઠામ । શૂકરાસ્ય અને અંધકૂપ, સદંશ ક્રમિભોજનરૂપ ।।૫૫।।

વૈતરણી શાલ્મલી તપ્તસુર્મિ, વજ્રકંટક છેદેછે ઉર્મિ । શાર્મેયાદન ને પ્રાણરોધ, પુયોદ લાલાભક્ષ વિરોધ ।।૫૬।।

વૈશસ અયઃપાન વિચીકા, ક્ષારકર્દમ આદિ અધિકા । હજારો નર્ક છે બીજા એવા, પાપીને ભોગવાવવા જેવા ।।૫૭।।

બીજાં ઘણી જાત્યનાં છે દુઃખ, ભોગવે છે તેને ત્યાં વિમુખ । પાપીનાં અંગ કુહાડે કાપે, છેદી છેદી મહાદુઃખ આપે ।।૫૮।।

એને એજ કરાવે ભોજન, પાપી જનને પોતાનું તન । હોય પ્રદીપ્ત અગ્નિ પ્રકાશ, તેમાં નાખીને આપે છે ત્રાસ ।।૫૯।।

હે માતા એવાં પ્રાણિનાં દુઃખ, વિચારીને જોવે સનમુખ । તેને વૈરાગ્ય ઉદય થાય, સેજે સંસારને તરી જાય ।।૬૦।।

શ્રીહરિનાં સુણીને વચન, થયાં એકાગ્ર માતાજી મન । શ્રીઘનશ્યામનું ધ્યાન ધર્યું, સ્થિર વૃત્તિ કરી મન ઠર્યું ।।૬૧।।

પ્રભુજીની મૂર્તિના પ્રતાપે, તદાકાર થયાં માતા આપે । ધ્યાન ધરે છે ધારીને મન, શ્રીહરિએ દીધાં દરશન ।।૬૨।।

કોટિ કોટિ મુક્તોએ સેવિયા, અક્ષરધામમાં એવા દેખિયા । મળવા ગયાં હરખે તેઠામ, ત્યાંતો પાસે દીઠા ઘનશ્યામ ।।૬૩।।

પ્રભુને દેખ્યા છે બેઉ રૂપે, સ્તુતિ કરવા લાગ્યાં અનૂપે । પુરુષોત્તમને જાણી લીધા, નિજ ચૈતન્યમાં ધારી દીધા ।।૬૪।।

બ્રહ્મરૂપ થયાં ધરી ધીર, ત્યારે શીતળ થયું શરીર । તે દેખીને મોટાભાઇ આવ્યા, મોતી વશરામને બોલાવ્યા ।।૬૫।।

સંબંધી સર્વે બેઠા તેસ્થાન, ગંગાજળથી કરાવ્યું સ્નાન । શુદ્ધ પૃથ્વી કરી વિધિસાર, એમાં સુવાડ્યાં છે તેણીવાર ।।૬૬।।

પછે વૃત્તિ શ્રીહરિમાં જોડી, પ્રભુના સમીપે દેહ છોડી । અલૌકિક અખંડ અનૂપ, માતાજી પામ્યાં દિવ્ય સ્વરૂપ ।।૬૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભક્તિમાતાને દિવ્યગતિ પમાડ્યાં એ નામે એકસો ને છઠ્ઠો તરંગઃ ।।૧૦૬।।