તરંગ - ૧૦૦ - શ્રીહરિયે માતા પિતા ભાઇ ભોજાઇ નાનાબંધુ સહિત છુપૈયાપુરથી અવધપુરી ગયા ને વ્રજવિહારીને દેખતો કર્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:27pm

 

પૂર્વછાયો

ત્યાર પછી શ્રી ધર્મદેવે, કર્યો મનમાં વિચાર । છુપૈયાપુર મુકી જાવું, અવધપુરી મોઝાર ।।૧।।

રામપ્રતાપને સંગે લઇને, ગયા શરણામગંજ ગામ । બજારમાં છે લેવું દેવું, ચુકવવા તેહ કામ ।।૨।।

વણિક સર્જાુપ્રસાદ છે, ગયા છે તેહને ઘેર । હિસાબ કરી ચુકાવી દીધા, રુપિયા રૂડિ પેર ।।૩।।

પછે પોતાને ઘેર આવ્યા, છુપૈયાપુર મોેઝાર । સંબંધીને મળીને થયા, જાવા સારુ તૈયાર ।।૪।।

ગાડાંમાં ભરી સામાન સર્વે, તત્પર થયા તેહ । પુરવાસી જન વળાવવા, આવ્યા છે મળી સહુ એહ ।।૫।।

 

ચોપાઇ

નારાયણસર સુધી આવ્યા, પરસ્પર મળીને બોલાવ્યા । ત્યાંથી પાછા વળ્યા સહુજન, શ્રીહરિને સંભારે છે મન ।।૬।।

ધર્મભક્તિ સંગે પરિવાર, ગયા અવધપુરી મોઝાર । બ્રહટા શાખા નગર ઠામ, ત્યાં છે સુંદર પોતાનું ધામ ।।૭।।

સુખેથી આવી કર્યો નિવાસ, વર્તે આનંદમાં સુખરાશ । પછે એક દિન ઘનશ્યામ, વિચારે છે શ્રીપૂરણકામ ।।૮।।

નિજ ઘરથી પૂરવમાંય, ઉદેરાજનું દ્વાર છે જ્યાંય । એનું આંગણું છે પુન્યવાન, ચંદ્રશેખરનું છે ત્યાં સ્થાન ।।૯।।

એકાંતમાં છે મંદિર રમ્ય, શ્રીહરિ પધાર્યા છે અગમ્ય । ભટ્ટેશ્વર શંકરનું સ્થળ, સારું શોભાયમાન દેવળ ।।૧૦।।

કર્યું શ્રીહરિએ ત્યાં શયન, જાણી એકાંત શ્રીભગવન । તે સમે દેવીબકસ નામ, જાતે કાયથ આવ્યો તે ઠામ ।।૧૧।।

ચંદ્રશેખરનો છે ઉપાસી, મહા વિષયી મન ઉદાસી । નિત્ય કરવા આવે દર્શન, પણ ૧અનંગને વશ મન ।।૧૨।।

દર્શન કરી ગાલ બજાવે, શૈલ સુતાપતિને રિઝાવે । નૃત્ય કરી માગે નિત્ય વર, હે કૃપાળુ સુણો ગંગાધર ।।૧૩।।

તમે છો મોટા દીનદયાળ, નિજ ભક્ત તણા પ્રતિપાળ । મારા ઉપર કૃપા કરજ્યો, હર હર આ સંકટ હરજ્યો ।।૧૪।।

હવે કોઇ દિન ભગવન, નવ દેશો મનુષ્યનું તન । તમારી જો પ્રસન્નતા હોય, હું માગું છું મુને આપો સોય ।।૧૫।।

દેજ્યોે ગર્દભનો હવે દેહ, થાય પૂર્ણ મનોરથ એહ । તજી લાજ મરજાદની રીત, વિષય ભોગવું ધરી પ્રીત ।।૧૬।।

ત્રાંબુ ખાઇને હું મરી ગયો, તોય કામથી તૃપ્ત ન થયો । જન્મોજન્મ સદા સર્વદાય, મુને તો એ આપો સુખદાય ।।૧૭।।

થયો છું હવે છેક નિરાશ, માટે માગું છું હું તવ પાસ । એવું માગે છે નિત્ય વચન, વિષયમાં લુબ્ધ થયું મન ।।૧૮।।

નિત્ય એવું માગે અઘવાન, પછે કરે છે ભોજનપાન । દુષ્ટ બુદ્ધિવાળો છે તે જન, વિષયથી માન્યું એનું મન ।।૧૯।।

તે વચન સુણી જોયું પોતે, પ્રભુજીયે વિચાર્યું છે જોતે । આવા જગમાં કેટલા હશે, વિષયાંધની શી વલે થશે ।।૨૦।।

હવે તો મારા માત પિતાય, તેનેે સદ્ગતિ આપું સદાય । દિવ્ય ભાવ પમાડું હું આજ, કરું બીજાનું પછે કાજ ।।૨૧।।

એવા વિષયી જન જે હોય, તેને બોધ કરું હવે સોય । નિરવાસનિક એવાને કરવા, વળી ખોટા વિચાર હરવા ।।૨૨।।

પ્રભુુને વળી પ્રભુના સંત, તેમના દ્વેષી થયા અનંત । મહાદુષ્ટ અધર્મી અસુર, ભૂમિમાં ઘણા પ્રગટ્યા ૨ભૂર ।।૨૩।।

શોધી શોધીને કરૂં હું નાશ, એમ વિચારે છે જગવાસ । પછે ત્યાંથી ઉઠ્યા સુખકારી, નિજ ઘેર આવ્યા ભયહારી ।।૨૪।।

દ્વાર આંગણે ઝાડ અગમ, મોટો ઉત્તમ એક કદમ । તેના હેઠે બેઠા અવિનાશી, ઉરમાં કરી છે ત્યાં ઉદાસી ।।૨૫।।

બોલ્યા ધર્મદેવ તેહ ઠામ, કેમ ઉદાસી છો ઘનશ્યામ । ત્યારે બોલ્યા છે કેશવ કથી, હે દાદા કાંઇ ઉદાસી નથી ।।૨૬।।

ઇતિહાસ વિચારું છું આજ, એમ કૈને ઉઠ્યા મહારાજ । ઓશરી ઝેર ઉપર આવ્યા, માત પિતાના મનમાં ભાવ્યા ।।૨૭।।

પછે બીજે દિન શુભ કામ, ધર્મદેવ ને શ્રીઘનશ્યામ । વિદ્યાકુંડના મંદિરમાંય, ગયા દર્શન કરવા ત્યાંય ।।૨૮।।

ત્યાં હતો એક બ્રાહ્મણ અંધ, વ્રજવિહારી નામ સંબંધ । શાસ્ત્રવેત્તા તે શાસ્ત્રી કેવાય, કરે છે રામાયણ કથાય ।।૨૯।।

નેત્રથી નથી દેખતો એહ, કંઠાગ્રથી કથા કરે તેહ । કથા સાંભળવા બેઠા ત્યાંય, અતિ ઉમંગ છે મનમાંય ।।૩૦।।

વાલ્મિકી રામાયણમાં ખ્યાત, રૂડી આવી વૈરાગ્યની વાત । વાલીડો કરે મન વિચાર, સારી વાત આવી છે આ વાર ।।૩૧।।

વન ગયેલા શ્રીરઘુવીર, માટે હું પણ ધારૂં એ ધીર । માત પિતાને સદ્ગતિ આપું, શાપથી છોડાવી કષ્ટ કાપું ।।૩૨।।

પછે નિશ્ચે વને વિચરવું, કામ કરવાનું છે તે કરવું । એમ શ્રીહરિયે વિચારીને, પુછ્યા બે ચાર પ્રશ્ન શાસ્ત્રીને ।।૩૩।।

ભાગવતનાં પ્રમાણ દઇને, કરે છે વાત શાંત રહીને । ત્યારે શાસ્ત્રી બોલ્યા છે વચન, સુણો ભાઇ કહું શુભ મન ।।૩૪।।

પડે છે ભંગાણ કથામાંય, એનો ઉત્તર હાલ ન થાય । પ્રશ્ન પુછવું હોય તમારે, ઘરે આવજ્યો આપ અમારે ।।૩૫।।

ત્યારે બોલ્યા ત્રિભુવનરાય, શાસ્ત્રની વાત ખુણે ન થાય । તે સમે સભાના ઘણા જન, બોલ્યા વાલિડા સાથે વચન ।।૩૬।।

સુણો શ્રીહરિજી તમે આંઇ, એને આવડતું નથી કાંઇ । ખોટાં બાનાં બતાવે છે એહ, માટે વાત પડી મુકો તેહ ।।૩૭।।

એવું સુણીને ઉઠ્યા જીવન, કરવા દેવતણાં દર્શન । પછે ચાલ્યા પિતાએ સહિત, અખંડાનંદ અજ અજીત ।।૩૮।।

ઓલ્યા વિપ્રને કે સહુ જન, તમે શાસ્ત્રી બાવા સુણો મન । ઘનશ્યામજી તો છે વિદ્વાન, ચમત્કારી બહુ બળવાન ।।૩૯।।

એ છે ઇશ્વરનોે અવતાર, એમ માનેછે જન અપાર । એવી સુણી જ્યાં લોકની વાત, શાસ્ત્રી ઉભા થયા વિપ્ર જાત ।।૪૦।।

શિષ્યનો કર ગ્રહીને ત્યાંય, ગયા શ્રીઘનશ્યામ છે જ્યાંય । નિરમાની થયા છે તે ઠામ, પ્રેમપૂર્વક કર્યા પ્રણામ ।।૪૧।।

કરે છે પ્રાર્થના શિરનામી, પ્રભુ છો તમે અંતરજામી । હે હરિવર હરકત હરો, મુને ચક્ષુયે દેખતો કરો ।।૪૨।।

ત્યારે બોલ્યા છે લાલ વચન, સુણો શાસ્ત્રીજી નિર્મળ મન । અંધનો નહિ ઉપાય જરીયે, કેમ કરી દેખતા કરીયે ।।૪૩।।

બોલ્યા શાસ્ત્રી થઇ નિરમાન, તમે સાક્ષાત છો ભગવાન । તમારે શું લેવો છે ઉપાય, જગમાં તમારું કર્યું થાય ।।૪૪।।

તમે પ્રભુ છો પરમ પવિત્ર, જાણું છું હું તમારાં ચરિત્ર । શ્રવણ તળાવ પર આપ, સ્નાન કરવા ગયાતા અમાપ ।।૪૫।।

તિયાં કેટલાક સુરદાસ, તે સમે આવ્યાતા તવ પાસ । કર્યા દેખતા તેમને તરત, મારા હૃદિયામાં રાખી સરત ।।૪૬।।

હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, પુરૂષોત્તમ પૂરણ-કામ । હવે તો મુને દેખતો કરો, કૃપા કરી શિર કર ધરો ।।૪૭।।

એવું સુણી મુનિવર ઇશ, થયા પ્રસન્ન શ્રી જગદીશ । અમૃત દષ્ટિ પૂરણકામે, તેના સામું જોયું ઘનશ્યામે ।।૪૮।।

બેઉ ચક્ષુયે દેખતો થયો, કર જોડી આગે ઉભો રહ્યો । દીધાં શ્રીહરિયે દર્શન, રામચંદ્ર સ્વરૂપે પાવન ।।૪૯।।

ચતુરાયુધ ધારણ કીધાં, એમ શાસ્ત્રીનાં કારજ સીધાં । પામ્યા મુદ મન અભિરામ, પછે ગયા પોતાને મુકામ ।।૫૦।।

પ્રગટ પ્રભુનો આ પ્રતાપ, અયોધ્યાવાસીએ જાણ્યો આપ । પામ્યા આશ્ચર્ય જન અપાર, પ્રશંસા કરે છે કરી પ્યાર ।।૫૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે માતા પિતા ભાઇ ભોજાઇ નાનાબંધુ સહિત છુપૈયાપુરથી અવધપુરી ગયા ને વ્રજવિહારીને દેખતો કર્યો એ નામે સોમો તરંગ : ।।૧૦૦।।