તરંગ - ૭૯ - શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:07pm

 

પૂર્વછાયો

પ્રગટ લીલા સુધાસિંધુ, પ્રેમે કરે જે પાન । કોટિ જન્મનાં પાપ બળે, મળે ધામમાં માન ।।૧।।

ધર્મધુરંધર પ્રેમથી, બોલે છે અવધપ્રસાદ । હે રામશરણજી સાંભળો, હરિચરિત્ર સંવાદ ।।૨।।

એકસમે સખા સંગાથે, ચાલ્યા શ્રીઘનશ્યામ । રામસાગરે નાવા સારૂં, જ્યાં અસનારા ગામ ।।૩।।

તે સરોવરે સ્નાન કરે, રમે રમત નાના પ્રકાર । રમત રમતાં વ્હાલાને, વીતી ગઇ ઘણી વાર ।।૪।।

એવે સમે ભોઇ ગામના, ચોબા તે રાજમલ નામ । પ્રાગમલ એ બેઉ આવ્યા, અસનારા શુભ ગામ ।।૫।।

 ત્યાંના રેનારા ભિક્ષુકજી, શુભ મતિ છે સાર । જમીન માટે સામસામો, થયો બહુ તકરાર ।।૬।।

એક એકને પડે છે, લાકડીયોનો માર । પૂર્વ દેશના પુરબીયા, શરમ ન રાખે લગાર ।।૭।।

 

 

ચોપાઇ

 

તેસમે રામદત્ત તિવારી, ભિક્ષુકનો ભાઇ અવિકારી । એછે રામચંદ્રજીનો ભક્ત, પ્રભુ વિષે ઘણો છે આશક્ત ।।૮।।

નિજ ઇષ્ટની કરે છે સ્તુતિ, હે રઘુવીર સુણો વિનંતિ । પડે છે લાકડીઓના માર, તમો સાય કરો આણીવાર ।।૯।।

રક્ષા ન કરો જો પ્રભુ તમે, બેઉ ભ્રાત મરી જાશું અમે । નમ્ર મધુરી વાણી તે વાર, કર્યો આરતનાદે પોકાર ।।૧૦।।

સરોવરમાં કરે છે સ્નાન, હરિકૃષ્ણે સુણી લીધું કાન । દયા આવી છે પોતાને મન, સાય કરવા ચાલ્યા ભગવન ।।૧૧।।

પોતે થયા છે શ્રી રઘુવીર, શર ચાપ ગ્રહી રણધીર । રામદત્ત તિવારીની પાસે, આવી ઉભા છે અતિ હુલાસે ।।૧૨।।

કર્યો ધનુષતણો ટંકાર, ધરા કંપ થયો તેણીવાર । કર્યો કટાક્ષ ભરણાભરણ, થયો સૂર્ય ત્યાં ધુંધલ વરણ ।।૧૩।।

ડોલ્યા દિગ્ગજ ને દિગપાલ, શેષ ભડકી ઉઠ્યો તતકાળ । એવો વ્હાલે ભય ઉપજાવ્યો, સામાવાળાને ભય જણાવ્યો ।।૧૪।।

તે દેખીને ચોબા પામ્યા ત્રાસ, ભય પામી કરે નાસા નાસ । બચાવા પોતાના પ્રાણ એવ, નાશી ગયા ચોબા તતખેવ ।।૧૫।।

રામદત્તનું રક્ષણ કીધું, પોતામાં રૂપ સમાવી દીધું । રામદત્ત ત્રવાડી તો ત્યાંયે, વિસ્મે પામી ગયો મનમાંયે ।।૧૬।।

ઐશ્વર્ય દેખી પામ્યો આનંદ, આવ્યો જ્યાં ઉભા છે સુખકંદ । મુક્યું ચરણકમળમાં શીષ, મધુર વાણીયે દે આશિષ ।।૧૭।।

હે દયાસિંધુ હે દિનબંધુ, હવે શરણ તમારૂં મેં લીધું । સુખકારી સદા ઘનશ્યામ, ભક્તોની રક્ષા કરો છો આમ ।।૧૮।।

શત્રુના ભય થકી છોડાવ્યા, અમો બેઉ બંધુને બચાવ્યા । રક્ષા કરો રક્ષા કરો આજ, હવે સુખી કરો મહારાજ ।।૧૯।।

ત્યાર પછી સુણો સહુ જન, વ્હાલાનું તે કરૂંછું વર્ણન । છુપૈયાપુરથી વશરામ, તેહ રેવા ગયા તરગામ ।।૨૦।।

 મંછારામ કનૈયારામ જેહ, પરિવાર સાથે ગયા તેહ । કર્યો મોસાળમાં જઇ વાસ, તરગામ વિષે અવકાશ ।।૨૧।।

થોડાં વર્ષ રહ્યા તરગામે, પછે આવ્યા છુપૈયા મુકામે । ઘનશ્યામ ઇચ્છારામ સારૂં, મામાયે કર્યો પોષાગ વારુ ।।૨૨।।

ડગલી ટોપી ને સુરવાળ, પેરાવ્યા બેઉને તતકાળ । નાનાભાઇને બેસતાં આવ્યાં, મહારાજને તે નવ ફાવ્યાં ।।૨૩।।

નાના મોટાં પડ્યાં છે હરિને, મામા સાથે બોલ્યા તે ફરીને । ઇચ્છારામને બેસતાં થયાં, મારે તો જાણે અળગાં રહ્યાં ।।૨૪।।

ત્રૈણે પટ ન ગમે અમને, ખરી વાત કહું છું તમને । પોતાનો દેહ ફુલાવ્યો આપ, ત્રૈણે પટ ફાટિયાં અમાપ ।।૨૫।।

ત્યારે મામાને આવ્યું છે હાસ, તમે આ શું કર્યું અવિનાશ । થયાં નહિ તે તમારે અંગે, બીજાં સીવડાવીશું એ રંગે ।।૨૬।।

એવું કહી નવાં સીવડાવ્યાં, વશરામે લાલને પેરાવ્યાં । બરાબર થયાં જ્યારે અંગે, રાજી થઇ પેર્યાં તે ઉમંગે ।।૨૭।।

વળી બીજું કહું છું પવિત્ર, ધર્મના પુત્રનું તે ચરિત્ર । એકસમે આવ્યો આસો માસ, સુંદર શરદ ઋતુ પ્રકાશ ।।૨૮।।

માણકઠારી પૂર્ણિમા દિન, નૌતમલીલા કરે નવીન । સખા સહિત સુંદરશ્યામ, આંગણામાં રમે છે તે ઠામ ।।૨૯।।

આંબલીનું તરુ તેને ડાળે, બાંધ્યાં દોરડાં લાવી તે કાળે । મધ્યે ઉભા રહ્યા ઘનશ્યામ, પછે કહે સુણો વેણીરામ ।।૩૦।।

ઘણીવાર હિંચોળ્યા તમને, હવે નાખો હિંચકા અમને । વારાફરતી હિંચકા નાખે, એક એકને નિરખીને હર્ખે ।।૩૧।।

હવે બેઠા ઘનશ્યામભાઇ, હિંડોળામાં ઝુલે સુખદાઇ । એવે આવ્યાં સુવાસિનીબાઇ, અકસ્માત દેખી છે નવાઇ ।।૩૨।।

માતને બોલાવ્યાં તતકાળ, દીદી આંહી આવો તમે હાલ । જુવો ઝુલે છે તમારા લાલ, કેવું ઝળકે છે રુડું ભાલ ।।૩૩।।

એવું સુણી માતા આવ્યાં બાર, નિર્ખિ હરખી જોયા કુમાર । પ્રભુયે ઇચ્છા કરી તેવાર, હિંડોળો થયો છે દિવ્યાકાર ।।૩૪।।

હેમનો હિંડોળો છે જડિત, અતિ રમણીય જાણે તડિત । રાતા પીળા છે કાચસહિત, અલૌકિક શોભે રૂડી રીત ।।૩૫।।

પુષ્પ ગુંથ્યાં છે નાના પ્રકાર, તેમાં ગર્કાવ છે ઠારોઠાર । બહુ શણગાર શોભી રહ્યા, અંગોઅંગે અનુપમ થયા ।।૩૬।।

રુડા પુષ્પનો મુગટ શોભે, ભાળી ભાળી ભવ બ્રહ્મા લોભે । હિંડોળો દીસે દેદીપ્યમાન, નથી ઉપમા એહ સમાન ।।૩૭।।

ચારે તરફ હજારો ગોપી, વીંટાણી થકી રહી છે ઓપી । રાધિકા ઇન્દિરા બેઉ આવ્યાં, નિજસખિઓ સંગાથે લાવ્યાં ।।૩૮।।

બે બાજુમાં ઉભી રહી છે, હિંડોળાની સાંકળો ગ્રહી છે । નાખે હિંચકા પંખા કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે ।।૩૯।।

પોતાની પાસે રહ્યા જે સખા, ચતુર્ભુજરૂપે થયા સરખા । ભક્તિ સુવાસિની બન્ને દેખે, જોઇ જોઇને તે બહુ હરખે ।।૪૦।।

વિસ્મે પામીને વારમવાર, કર જોડીને કરે નમસ્કાર । રંગ જામ્યો હિંડોળાનો કેવો, મોહ પામે મુનિવર એવો ।।૪૧।।

એવામાં આવ્યા શેષ ને ધરમ, લોહગંજરી ગયાતા પરમ । બન્ને જોવા ગયા તેણીવાર, ઐશ્વર્ય ગુપ્ત કર્યું તે ઠાર ।।૪૨।।

માયાભાવે દેખાણા દયાળુ, પ્રથમ હતા તેવા કૃપાળુ । દોરડાંનો છે હિંચકો જેહ, તેમાં બેસીને ઝુલે છે એહ ।।૪૩।।

વેણીરામ આદિ સખા સહુ, પાસે ઉભા રહ્યા છે તે બહુ । એવા દીઠા છે ધર્મકુમાર, સર્વે મન કરે છે વિચાર ।।૪૪।।

ધર્મ જોખનને કરી વાત, સુણી મન થયા રળિયાત । વળી એક સમે ઘનશ્યામ, ગૌઘાટે ગયા અભિરામ ।।૪૫।।

સખા સર્વે લીધા છે સંગાથે, નાવા સારુ વિચાર્યું છે નાથે । વાટે જાતાં આવ્યું ભોઇગામ, ત્યાંછે વોકળો ભેખડ ઠામ ।।૪૬।।

તે ઉપર ચડ્યા ભગવન, વેણીરામને કહે છે વચન । મારા મિત્ર તમે આંહિ આવો, ભેખડપર સર્વેને લાવો ।।૪૭।।

આ નદી તણી રેતી છે ભારે, તેમાં ધુબકા મારો અત્યારે । એમ કહી સખાને બતાવી, રેતીની ઢગલીઓ કરાવી ।।૪૮।।

કછોટો ભીડ્યો પ્રથમ પોતે, કુદ્યા પચાસ કદમ જોતે । દશ કદમ ત્યાં વેણીરામ, રઘુનંદન પાંચ તે ઠામ ।।૪૯।।

એવી રીતે રમ્યા ઘણીવાર, ત્યાંથી ચાલ્યા છે પ્રાણઆધાર । વિશ્વામિત્રી નદીયે સિધાવ્યા, સ્નાન કરવા સારું ત્યાં આવ્યા ।।૫૦।।

નાયા ગંગામાં નિર્મલ નીર, ઘણી ક્રીડા કરી છે ત્યાં ધીર । ત્યાંથી ગયા અસનારે ગામ, રામસરોવર અભિરામ ।।૫૧।।

વડ હેઠે કર્યો છે વિશ્રામ, વળી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ । નરેચા ગામનું જે તડાગ, કલ્યાણ સાગર મહાભાગ ।।૫૨।।

તેમના ઓગાન મધ્યે છે રેત, ઉભા રહ્યા ત્યાં પ્રેમસમેત । વિચારીને વદે છે વચન, હે સખા સુણો સુખનંદન ।।૫૩।।

મુને ઉપાડીને ચાલો તમે, તમારા સ્કંધે બેસીએ અમે । તેડી ચાલો કદમ પચાસ, ત્યારે તમને કૈયે શાબાસ ।।૫૪।।

પછે બેસો તમે સ્કંધે મારે, પચાસ કદમ ચાલું આવારે । એવું કહીને બેઠા તેના સ્કંધે, જુવો ચરિત્ર કર્યું સંબંધે ।।૫૫।।

પોતાના દેહમાં તેણીવાર, વ્હાલે વધારી દીધો ભાર । સુખનંદન શ્વાસે ભરાયો, ઉપાડી ન શક્યો ગભરાયો ।।૫૬।।

હેઠે બેસી ગયો એજ ઠાર, ઉતરી પડ્યા જગદાધાર । પછે ઉભા રહ્યા જાઇ દૂર, મંદ મંદ હસેછે જરૂર ।।૫૭।।

સુખનંદન તે ઉભો થૈને, બોલ્યો પ્રભુ પ્રત્યે ધીરો રૈને । તમારામાં હતો થોડો ભાર, આજ ક્યાંથી વધ્યો આણીવાર ।।૫૮।।

ત્યારે બીજો બોલી ઉઠ્યો મિત્ર, માધવચરણ નામે પવિત્ર । ભાઇ બેસો મારે ખભે તમે, તમને લેઇ ચાલિયે અમે ।।૫૯।।

સો કદમ સુધી જાઉં આજ, સાચી વાત કહું મહારાજ । સુખનંદન તો હારી ગયો, તમારા બોજથી ઢીલો થયો ।।૬૦।।

પછે બેસાર્યા છે સ્કંધે પ્રીતે, માધવચરણ ચાલ્યો એ રીતે । કરેછે ચરિત્ર નિત્ય એમ, પ્રાકૃત બાળક હોય જેમ ।।૬૧।।

એમ રમતાં શ્રીઅલબેલો, ઘેર આવ્યા કરી રંગરેલો । એવાં આપે છે સુખ અનંત, નિજ ભક્તને તે બલવંત ।।૬૨।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં એ નામે અગણ્યાશીમો તરંગઃ ।।૭૯।।