તરંગ - ૬૮ - શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:56pm

 

પૂર્વછાયો - એકસમે વૈશાખ મધ્યે, પુનમનો દિન સાર । સખા સર્વે સાથે લેઇને, ચાલ્યા ધર્મ કુમાર ।।૧।।

દુંદત્રવાડીનો કુવો છે, નૈઋત્યખુણ મોઝાર, સખા વેષ્ટિત શ્રીહરિ ત્યાં, નાવા ગયા નિરધાર ।।૨।।

ઉભા રહ્યા કુવા ઉપર, ત્યારે બોલ્યા વેણીરામ, આ કુવામાં પાણી ઘણું છે, સુણો તમે ઘનશ્યામ ।।૩।।

એવું કહેછે ત્યાં તો આવ્યો, ઢેબરીયાનો સુતાર । તીનવા ગામે એ જાય છે, પાણી પીવા આવ્યો સાર ।।૪।।

મહાવીર જેનું નામ છે, તે થયો છે તૃષાતુર । દોરી લોટાથી પાણી કાઢી, પીવા લાગ્યો જરૂર ।।૫।।

ચોપાઇ - બોલ્યો મહાવીર જે સુતાર, અહો ભાઇ તમે સુણો સાર । આ કુવામાં છે પાણી અપાર, નાવા પડશો નહિ નિરધાર ।।૬।।

કોઇ ડુબી જાશે આ જળમાં, પ્રાણ રહિત થાશે પળમાં । એમ કેતાં કેતાં વનમાળી, ધોતીનો કછોટો લીધો વાળી ।।૭।।

માર્યો ધુબાકો તે કુપમાંયે, તાગ વિનાનું પાણીછે ત્યાંયે । થયું જળ તે કટિસમાન, અંબુમાં ઉભા છે ભગવાન ।।૮।।

ફરી ફરી કેટલીક વાર, ધુબાકા મારે પ્રાણ આધાર । તોય પાણી તો કટીસમાણું, તેથી ઉંચું જરા ન જણાણું ।।૯।।

બીજા સખા પડે છે તે જળમાં, ઉંડા ઉતરે છે તે પળમાં । ઘણીવારે તે આવે છે બાર, સૂત્રધારે દેખ્યો ચમત્કાર ।।૧૦।।

બોલ્યો સુતાર થૈ દિગમૂઢ, ભાઇ કારણ છે કાંઇ ગૂઢ । કાંઠા ઉપરથી જોર કરી, ધુબકો મારે છે નરહરિ ।।૧૧।।

તોય કટી ઉપર શરીર, નથી ભીંજવાતું તે લગીર । ધુબકા મારો છો શું સઘળા, જળમાં જાતા રોછો સબળા ।।૧૨।।

ત્યારે કારણ આનું તે શું છે, મહાવીર સખાઓને પુછે । ત્યારે બોલ્યા સખા વેણીરામ, જુદુછે અતિ જક્તથી કામ ।।૧૩।।

જાણીને અડવા દીધું વ્હાલે, નૈતો પાણીનું જોર ન ચાલે । ગર્વગંજન છે ગિરિધારી, તેની ગતિ મતિ અતિ ન્યારી ।।૧૪।।

એવું સુણીને એ સૂત્રધાર, ચાલ્યો ગયો કરતો વિચાર । પછે સખા સાથે ઘનશ્યામ, બાર નિકળ્યા પૂરણકામ ।।૧૫।।

વસ્ત્ર પેરીને થયા તૈયાર, વ્હાલો કરે મનમાં વિચાર । રતન પાંડેનું મધુવૃક્ષ, તેના હેઠે ગયા કરી લક્ષ ।।૧૬।।

તે ઠેકાણે બાંધ્યા છે માતંગ, જોયા રાખી મનમાં ઉમંગ । ત્યાંથી આગળ ચાલ્યા જાય, સખા સંગે ત્રિભુવનરાય ।।૧૭।।

ગયા શુક્લના બગીચામાંયે, ગામ રૂંધોલીની જાન ત્યાંયે । તેહ જાન જોઇને સધાવ્યા, પછે પોતાને ભુવને આવ્યા ।।૧૮।।

હવે બીજું કહું છું ચરિત્ર, સુણજો શ્રોતાજન પવિત્ર । નરેચા ગામનો જે છે રાય, સનમાન સિંહજી કેવાય ।।૧૯।।

તેને ઘરે વિવાનો પ્રસંગ, માંડી બેઠો છે તે રૂડે રંગ । કલ્યાણસર નામે તડાગ, તેના તીર ઉપર સોહાગ ।।૨૦।।

જલસા કરી દારૂ ઉડાડે, આતસબાજી રંગ રમાડે । તેટાણે જોવા હજારો લોક, ગામ પરગામથી આવ્યા થોક ।।૨૧।।

ચારે તરફ વેંટિ ઉભા રયા, તે સમે શ્રીહરિ જોવા ગયા । સખા સહિત જુવે છે શ્યામ, દારૂખાનું ઉડે છે તેઠામ ।।૨૨।।

કરે ૧ભિંદીપાલોના ભડાકા, થાય આકાશમાં તે કડાકા । શબ્દ વ્યાપ્યો તે ઘણો સઘળે, એક બંધુક તુટી તે પળે ।।૨૩।।

બે માણસને વાગ્યું તે ટાણે, શ્વાસરહિત થયા તે જાણે । થયું વિવામાં વિઘ્ન આચરણ, બેઉ માણસ પામ્યા છે મરણ ।।૨૪।।

ત્યારે નાઠા છે તે સહુ લોક, થયો રાજાજીને બહુ શોક । રાજાયે દેખ્યા શ્રીઘનશ્યામ, મનમાં વિચારે અભિરામ ।।૨૫।।

હરિપ્રસાદ પાંડેના તન, ઘનશ્યામજી છે ભગવન । શરણાગતના એ સુખકારી, પૌઢ પ્રતાપી ને ચમત્કારી ।।૨૬।।

રાજા ઉઠીને આવ્યો છે પાસ, જ્યાં ઉભા રહ્યા અવિનાશ । કરી પ્રાર્થના શીર નામી, બોલ્યો વચન તે કર ભામી ।।૨૭।।

હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, બેઉ માણસ મુવા આ ઠામ । રંગ ઉપરંગ તે ઉમંગ, વિવામાં થયો હર્ષનો ભંગ ।।૨૮।।

દયા કરીને તમે જીવાડો, હતો તેવો આનંદ પમાડો । નિરમાનીપણે બોલ્યા રાય, દયાળુને આવી છે દયાય ।।૨૯।।

એવું સુણી બોલ્યા પરબ્રહ્મ, મનુષ મરે નહિ એકદમ । મુજ વાણી સુણો હે રાજન, હું કહું તે કરો ધારી મન ।।૩૦।।

મડદાંને આંહિથી ઉપાડો, આ સરોવરમાંહે સુવાડો । જળ સ્પર્શ થતાં મટી જાશે, હાલ ઘડી તે ઉભા જ થાશે ।।૩૧।।

એવું સુણીને કર્યો વિશ્વાસ, કર્યું રાજાએ એમ હુલ્લાસ । કર્યો હુકમ દૂત હંકાર્યા, ઉપડાવી જળમાં સુવાર્યા ।।૩૨।।

પ્રભુ જળ સમીપમાં ગયા, પથ્થર ઉપર ઉભા રયા । બેઉ મનુષનાં લેઇ નામ, તેને બોલાવે છે ઘનશ્યામ ।।૩૩।।

હે ગદાધર હે પૃથ્વીપાલ, જળમાં સુતા કેમ દયાલ । બેઉ જણ ઉઠી બાર્ય આવો, તમારા સંબંધીને બોલાવો ।।૩૪।।

એમ બોલ્યા જ્યાં દેવના દેવ, બેઉ બેઠા થયા તતખેવ । આવ્યા જળથી નીકળી બાર, ઉભા રયા છે જ્યાં કિરતાર ।।૩૫।।

પછે સનમાનસિંહ રાજન, નિશ્ચે કર્યો છે પોતાને મન । ઘનશ્યામને પ્રભુ પ્રમાણ્યા, અક્ષરાધિપતિ એમ જાણ્યા ।।૩૬।।

તેડી ગયા છે પોતાને મહેલ, પધરાવ્યા છે ત્યાં રંગરેલ । ગાદી તકિયા રૂડા બિછાવ્યા, સારીપાટવિષે પધરાવ્યા ।।૩૭।।

ભાવભરી મોતીડે વધાવ્યા, રાજા રાણી તણે મન ભાવ્યા । રાણી જડાવ કુંવરબાઇ, મહાપુન્ય પવિત્ર કેવાઇ ।।૩૮।।

તેણે પ્રભુનું કર્યું પૂજન, પ્રેમસહિત નિર્મલ મન । ચંદનાદિ સોળે ઉપચાર, હેતે પેરાવ્યા પુષ્પના હાર ।।૩૯।।

દૂધ સાકરપુંવા જમાડયા, શ્રીહરિને સંતોષ પમાડયા, રાજા રાણી સહિત કુમાર, સ્નેહ વડે કર્યો નમસ્કાર ।।૪૦।।

વળતા બોલ્યા મિષ્ટ વચન, ઘનશ્યામ પ્રભુ ધરો મન । તમે છો પ્રભુ કાળનાકાળ, ઇશના ઇશ પરમ કૃપાળ ।।૪૧।।

જય પ્રણતપાળ દયાળ, જય ધર્મભક્તિતણા બાળ । આવી વેળાયે ઉગારી લીધા, બે મનુષ્યને જીવતા કીધા ।।૪૨।।

સારૂં દેખાડયું અમારૂં શ્યામ, સુધાર્યું કાજ પૂરણકામ । તમે કરજ્યો અમારી સહાય, સુખદાયક શ્યામ સદાય ।।૪૩।।

આ લોક પરલોકનો શોક, હરિ લેજ્યો ને કરજ્યો અશોક । કાળ કર્મ માયાની જે ભીતી, મટાડીને દેજ્યો રૂડી નીતિ ।।૪૪।।

એ સુણી પ્રભુ થયા પ્રફુલ્લ, અઢળક ઢળ્યા અતુલ । આશીર્વાદ આપ્યો છે ઉમંગે, ત્યાંથી ચાલ્યા રસિયોજી રંગે ।।૪૫।।

પશ્ચિમ દિશે કોટ છે જ્યાંયે, ઘોડાની પાયગા રૂડી ત્યાંયે । જોઇ પાયગા તે રૂડી પેર, પછે પધાર્યા પોતાને ઘેર ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા એ નામે અડસઠમો તરંગઃ ।।૬૮।।