તરંગ - ૫૧ - નાગપુરમાં શ્રીહરિયે ઉન્મત્ત ત્રવાડીને જીવતો કર્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 4:54pm

 

પૂર્વછાયો - છુપૈયાનો મહિમા બડો, પાવન પુન્ય પવિત્ર । અક્ષરપતિ અનૂપ જ્યાં, કરે છે નિત્ય ચરિત્ર ।।૧।।

ભવ બ્રહ્માદિક દેવતા, ઇચ્છે છે ત્યાં અવતાર । અતિ દુર્લભ છે દેવને, તે ક્યાંથી મળે નિર્ધાર ।।૨।।

પૂરવ પુણ્યે જન્મ પામ્યા, છુપૈયાવાસી જન । પ્રગટ પ્રભુ સમીપ છે, રાત દિવસ તે ધન્ય ।।૩।।

એક રજકણ ચરણની, પામે કોઇ નર નાર્ય । જન્મ મરણ સંકટ જાયે, મટે જમના માર ।।૪।।

એવા શ્રીહરિ છુપૈયામાં, વસી રહ્યા દિનરાત । એક મુખે શું વર્ણવું, પ્રભુ સંબંધની વાત ।।૫।।

ચોપાઇ- મોતી ત્રવાડી મન મગન, લીધું પ્રયાગજીનું લગન । ધર્મ જોખન ને ઘનશ્યામ, વળી સાથે લીધા વસરામ ।।૬।।

બીજી શણગારી રૂડી જાન, સગાં સર્વે મળ્યાં ભાગ્યવાન । અતિ આનંદ ઉચ્છવ થાય, નાગપુરે પરણવા જાય ।।૭।।

જાન લઇને ચાલ્યા ઉમંગે, આવ્યા નાગપુરે રૂડે રંગે । છોટુરામ પાંડે મહાભાગ, તેને ઘેર પરણાવ્યા પ્રયાગ ।।૮।।

બીજે દિવસે તૈયાર થયા, ફકીરી પાંડેને ઘેર ગયા । તેને ઘેર છે જમણવાર, જમવા બેઠા સહુ નિરધાર ।।૯।।

ઉનમત્ત ત્રવાડી છે જેહ, બીજો લાલવિહારી છે તેહ । જમતાં બેને થયો વિવાદ, જમવા માંડયા છે જ્યાં પ્રસાદ ।।૧૦।।

મણ એકની પુરી છે સાર, પડીછે તાંસમાં આંણે ઠાર । તેમાં ખાંડ લેવી શેર ચાર, જે કોઇ જમી જાય નિરધાર ।।૧૧।।

તેહને રૂપૈયા એકાવન, આપીએ દીલ થઇ પ્રસન્ન । એવું સુણી બોલ્યા ઉનમત્ત, લાવો હું જમુ છું કહું સત ।।૧૨।।

બીજું લાવો ચાર શેર દધી, પુરી ખાંડ જમી જાઉં બધી । એવું કહીને તૈયાર થયા, બધી સામગ્રી તે જમી ગયા ।।૧૩।।

વિસ્મે પામ્યા છે લાલવિહારી, શૂન્ય મુન્ય રહ્યા છે વિચારી । ધર્મ આદિ બીજા સહુ જન, તે પણ આશ્ચર્ય પામ્યા મન ।।૧૪।।

લાલવિહારી ચોબા પાસેથી, રૂપૈયા લીધા છે હુલાસેથી । એકાવન રૂપૈયા તે રોક, આપ્યા ઉન્મત્તને વિશોક ।।૧૫।।

પછે સર્વે ઉતારામાં આવ્યા, શ્રીહરિયે મામાને બોલાવ્યા । સુણો ઉન્મત્ત મામા તમે, સારા માટે કૈયે છૈયે અમે ।।૧૬।।

તમે લોભતણે વશ થયા, સામગ્રીને તમે જમી ગયા । પણ બગડશે જો શરીર, તમે શું કરો તે કહો ધીર ।।૧૭।।

મુને તો એમ નિશ્ચે થયું છે, તમારૂં મૃત્યું આવી ગયું છે । ત્યારે ઉન્મત્ત કે ઘનશ્યામ, સુણો સત્ય કહું છું આ ઠામ ।।૧૮।।

તમે સંકટ મારૂં હરજો, મરીયે તો જીવતા કરજો । શ્રીહરિ કહે છે તમે મામા, ઉલટા વળગો છો શું સામા ।।૧૯।।

જીવતું કરવું જે મનુષ્ય, ન્યૂનાધિક કરવું આયુષ્ય । એતો પ્રભુના હાથમાં કામ, તેમાં શું કરે કો ઘનશ્યામ ।।૨૦।।

નથી આવડતું તે અમને, મરેલા જીવાડિયે તમને । દોરી સર્વેની છે એના હાથ, તોય અજાણ્યા થૈ બોલ્યા નાથ ।।૨૧।।

ધારે તો લેખ ઉપર મેખ, મારી દેઇ મટાડી દે લેખ । છુપી રાખી પોતાની બડાઇ, જુવો મોટાની એવી વડાઇ ।।૨૨।।

પછે સર્વે સાથે ભગવન, ઉતારામાં કર્યું છે શયન । હવે ઉનમત્તજીને ત્યાંયે, ચુંક આવે છે ઉદરમાંયે ।।૨૩।।

ઘણીવાર સુધી પીડા થઇ, એમ અર્ધ નિશા વીતી ગઇ । શ્રીહરિનું લીધું શરણ, ઉનમત્તતો પામ્યા મરણ ।।૨૪।।

વીતી રજની થયો સવાર, સહુયે વાત જાણી તેવાર । ધર્મદેવ થયા છે ઉદાસ, નરનારી બન્યા છે નિરાશ ।।૨૫।।

સર્વે ભેગા થયા છે સંબંધી, લાશ ઉનમત્તની ત્યાંથી લીધી । ગયા સ્મશાન ભૂમિ છે જ્યાંયે, દહન ક્રિયા કરવા ત્યાંયે ।।૨૬।।

હવે ચિતા કરી તઇયાર, તેમાં સુવાડી દીધા છે સાર । અગ્નિ ચેતાવેછે જેણી વાર, ત્યાં તો બીજો થયો છે વિચાર ।।૨૭।।

ફકીરી પાંડે આદિ છે જેહ, આવ્યા સ્મશાન ભૂમિયે તેહ । કરે ગામના લોક નિંદાય, સુણે તેને સહન નવ થાય ।।૨૮।।

ફકીરી પાંડે ને બીજા લોક, આવ્યા સ્મશાનમાં નિરશોક । તે પણ નિંદા કરે નિઃશંક, બોલે શરમ તજી આડે અંક ।।૨૯।।

છુપૈયાપુરનાં વાસી જન, કાંઇ વિચારતા નથી મન । ખાવાનો નથી રાખતા ઢંગ, ખાતાં પીતાં બગાડે છે અંગ ।।૩૦।।

એક ઉનમત્ત થયો બેહાલ, જમતાં મરી ગયો કાલ । વળી આજ બીજા એમ ખાશે, મોત વિનાના તે મરી જાશે ।।૩૧।।

આવી નિંદાયો સુણી છે ધર્મે, પ્રભુ સામું જોયું અનુકર્મે । દાદાના મનમાં થયો ખેદ, વાલિડે જાણ્યું એ નિરવેદ ।।૩૨।।

કરે જીવાડવાનો વિચાર, નારાયણે ધાર્યું નિરધાર । નામ ઉનમત્ત દઇ જગાડયા, ચિતામાં સુવાડેલા જીવાડયા ।।૩૩।।

મામો બેઠા થયા સહુ જોતે, ચિતાથી ઉઠીને ચાલ્યા પોતે । સઘળા લોક સુણે છે જેમ, કહે છે ઘનશ્યામને એમ ।।૩૪।।

તમે ભાઇ મુને ક્યાં બોલાવ્યો, મારો આનંદ સર્વે મેલાવ્યો । તમારૂં જે છે અક્ષરધામ, હું ગયો તો તેમાં પૂર્ણકામ ।।૩૫।।

અતિ આનંદ આનંદકારી, એવું ધામછે નિરવિકારી । કોટી કોટી મુક્તોયે સહિત, તમે બેઠા છો ત્યાં ગુણાતીત ।।૩૬।।

ગુણ તમારા ત્યાં સર્વે ગાય, ત્યાંનું સુખ કહ્યું નવ્ય જાય । હું પણ બેઠો હતો તેઠાર, સુખ પામ્યો હતો ત્યાં અપાર ।।૩૭।।

ત્યારે શ્રીહરિ કહે ઉનમત્ત, સુણો વાત કહું એક સત । ફકીરી પાંડે આદિ વેવાઇ, એના આગલ્ય કો આ બડાઇ ।।૩૮।।

ત્યારે ટળશે એના સંદેહ, એને કેવાનું કારણ એહ । એવું સુણી ઉનમત્ત ત્રવાડી, બોલ્યા તે ફકીરીને અગાડી ।।૩૯।।

બીજા આવ્યા છે ત્યાં ઘણા જન, બોલ્યા ઉનમત્ત રૂડાં વચન । છે આ ભાણેજ અમારા જેહ, ઘનશ્યામ કૈયે છૈયે તેહ ।।૪૦।।

એછે અક્ષરપતિ અનૂપ, કોટી કોટી બ્રહ્માંડના ભૂપ । એના પ્રતાપે સુખી થયો તો, અક્ષરધામમાં હું ગયો તો ।।૪૧।।

મારૂં મરણ થયું તે જોઇ, તમે નિંદા કરી સૌએ કોઇ । તે માટે મુને બોલાવી લીધો, તમારો સંશે છેદન કીધો ।।૪૨।।

એવું કહીને ઉતારે આવ્યા, સગા સંબંધીને સાથે લાવ્યા । આવું અદ્બુત કામ બતાવ્યું, મામા આદિનું મન મનાવ્યું ।।૪૩।।

હરિપ્રસાદ આદિ જે જન, વળી સાથે છે શ્રીભગવન । ત્યાં થકી આવ્યા છુપૈયાપુર, હર્ષ વાધ્યો છે આનંદ ઉર ।।૪૪।।

વળી એક સમે વેણીરામ, નિત્ય ભેગા રહે ઘનશ્યામ । બે ભાઇબંધ સાથે સધાવ્યા, વેણીરામના ઘરમાં આવ્યા ।।૪૫।।

વેણીનાં માતપિતાદિ કોઇ, નથી ઘેર તેવી પળ જોઇ । પેસે છે ઘરમાં છાના બન્ને, જેમ જાણે નહિ કોઇ અન્યે ।।૪૬।।

ખાવાની વસ્તુ જે જે કેવાય, દધી દુધ આદિ ખાઇ જાય । જોતા જોતામાં જે આવે હાથ, ખાવાની ચીજ ખાય છે નાથ ।।૪૭।।

કેદી ભક્તિમાતાને ભુવને, જાય છે જમવા તેહ બન્ને । કોય મનુષ્ય ઘેર ન હોય, એવો લાગ તકાશીને સોય ।।૪૮।।

છાનામાના તે ઘરમાં જાય, ઘૃત માખણ ને દહી ખાય । ઢાંકે પાત્ર જેમ હોયતેમ, કોઇ જાણી શકે નહિ એમ ।।૪૯।।

માતા પાત્રમાં જે જોવા જાય, ત્યારે તો ખાલી ઠામ દેખાય । મૂર્તિ પુછે બોલાવીને પાસ, તમે સાચું બોલો અવિનાશ ।।૫૦।।

દધી દુધ જમી ગયા તમે, એવી વાત જાણી લીધી અમે । ત્યારે બોલ્યા છે પ્રાણજીવન, દીદી સુણો કહું તે વચન ।।૫૧।।

ચોરી કર્તો નથી કોય દિન, મુને ન ગમે એવું ભોજન । એમ જુઠું જુઠું સમજાવે, માતાજીનું તે મન મનાવે ।।૫૨।।

એમ સર્વે તણે ઘેર જાય, નિત્ય ચોરી કરીને તે ખાય । ઘનશ્યામ વેણી ફરે સાથ, નાવે પકડયામાં દીનોનાથ ।।૫૩।।
 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે નાગપુરમાં શ્રીહરિયે ઉન્મત્ત ત્રવાડીને જીવતો કર્યો એ નામે એકાવનમો તરંગ ।।૫૧।।