તરંગ - ૪૬ - શ્રી હરિયે જમતી વખતે મામીના ઘરમાંથી માખણની તાંસળી લીધી

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:12am

 

રાગ સામેરી - ધર્મદેવ જમવા બેઠા, સાથે ત્રૈણે કુમાર । તે ટાંણે ઇચ્છારામે માગ્યું, માંખણ ખાવા સાર ।।૧।।

સુવાસિની ત્યારે બોલિયાં, માંખણ તો નથી આજ । માટે જમો માંખણવિના, દિલ ન કરશો દાઝ ।।૨।।

એવું સુણી રીશ ચઢી છે, રોવા લાગ્યા અપાર । જમ્યાનું પાત્ર ઠેલી મુક્યું, પડયા પૃથ્વીમોઝાર ।।૩।।

રુદન કરી આલોટે છે, ઘસવા લાગ્યા ચરણ । પાસે બેઠા મહાપ્રભુજી, વિચારે અશરણશરણ ।।૪।।

ભુખ્યા રેશે બાંધવ મારા, નહીં જમે તે આજ । સુંદરીને ત્યાં માંખણ છે, જાણી લીધું મહારાજ ।।૫।।

તાંસળીમાં ભરેલું છે, મુક્યું તે શિકામાંયે । શ્રીહરિયે માંખણ લેવા, હાથ લાંબો કર્યો ત્યાંયે ।।૬।।

પોતાને ઘરે બેઠે થકે, લીધું માંખણનું ઠામ । દેખ્યું તે સુંદરીમામીયે, જોઇ રહ્યા વશરામ ।।૭।।

હાથ ઝાલવા ઉભાં થયાં, સુંદરી રાખીને શરત । ઘનશ્યામની ઇચ્છાયેથી, થઇ સમાધી તરત ।।૮।।

અદ્બુત આશ્ચર્ય દેખ્યું છે, ચૈતન્ય તેજ અનુપ । એ તેજમાં શ્યામને દેખ્યા, રુડું અકળ સ્વરૂપ ।।૯।।

તે મૂર્તિ કેડે ફર્તાં જોતાં, દેખી પુરીયો અષ્ટ । ઇંદ્રપુરી શિવની પુરી, કુબેરપુરી છે શ્રેષ્ટ ।।૧૦।।

વાયુ અંબુ નૈરૂત્યપુરી, યમપુરી છે પ્રસિદ્ધ । અગ્નિપુરી એ આદિ સર્વે, દેખી પ્રભુના સાનિદ્ધ ।।૧૧।।

તે તે સ્થલના દેવ સર્વે, પૂજે શ્રીહરિના પાય । ઘનશ્યામની સ્તુતિ કરી, તે સમાધિમાં દેખાય ।।૧૨।।

પછે તો સત્યલોક જોયો, જોયા સાત પાતાળ । સર્વે સ્થાનમાં સુંદરીયે, દેખ્યા દીનદયાળ ।।૧૩।।

જે જે સ્થાનકે જોયા સર્વે, તે તે અધિપતિ દેવ । પ્રેમે પુલ્કિત દાસપણે, કરે શ્રીહરિની સેવ ।।૧૪।।

સુંદરીબાઇ સમાધિમાં, અતિ પામ્યાં છે આનંદ । પ્રતાપ એવો બતાવ્યો ત્યાં, ટાળ્યા છે ભવફંદ ।।૧૫।।

માંખણ લઇ જમતા, દાદા સાથે ઘનશ્યામ । ત્યાં સુંદરીબા સમાધિથી, જાગીને આવ્યાં તે ઠામ ।।૧૬।।

માંખણની ભરી તાંસળી, તે પડી પ્રભુને પાસ । સામું જુવે છે સુંદરી તો, વદે વેણ અવિનાશ ।।૧૭।।

મામી તમારી આ તાંસળી, માંખણ લઇ જાઓ ઘેર । એવું સુણી મામીયે કર્યો, પ્રણામ આનંદભેર ।।૧૮।।

માંખણ આપ્યું બે ભાઇને, જમાડયા જગતાત । સુંદરીબાયે સમાધિની, કહી વિસ્તારીને વાત ।।૧૯।।

પછે પોતાને ઘેર ગયાં, ત્યાં બોલ્યા મંછારામ । કયાંથી લાવ્યાં તાંસળી, ગયાં હતાં કોણ ઠામ ।।૨૦।।

એ સુણીને સુંદરીયે, કહી લીલા પ્રભુની સાર । તે જાણી મંછારામ આદિ, આનંદ પામ્યા અપાર ।।૨૧।।

એક સમે દશેરા આવ્યા, ઉત્તમ આસો માસ । આંબલી હેઠે ચોતરાપર, બેઠા ધર્મ સુખરાશ ।।૨૨।।

તે સમે વસરામ મોતી, એ આદિ આવ્યા બે ચાર । ધર્મદેવના પાસે આવી, પ્રશ્ન પુછયું નિર્ધાર ।।૨૩।।

દશેરાને દિન ક્ષત્રિયો, શમી પૂજે છે જેહ । તેનું કારણ સમઝાવો, નિવૃત્તિ પામે સંદેહ ।।૨૪।।

ધર્મ કહે પાંડવ ગયા, કરીને એવો કરાર । બાર વર્ષ વનમાં રેવું, એક વર્ષ ગુપ્ત ઠાર ।।૨૫।।

પૂરાં થયાં જ્યાં વર્ષ બારે, પોતાનાં જે હથિયાર । શમીઉપર મુકી દીધાં, વિમલ કરી વિચાર ।।૨૬।।

છાના રહ્યા એક વર્ષ તે, વૈરાટ નગ્રની માંયે । એક વર્ષ ત્યાં પુરૂં થયું, ગયા શમીતરુ જ્યાંયે ।।૨૭।।

ખીજડીનું પૂજન કર્યું, શસ્ત્ર લીધાં છે હુલ્લાશ । તે દાડાનો ચાલ્યો આવે છે, પૂજાવિધિ સુખરાશ ।।૨૮।।

શસ્ત્રધારી ક્ષત્રિયો રાજા, વર્તે છે નિર્મલ મન । વર્ષોવર્ષ આ દશેરાયે, કરે શમીનું પૂજન ।।૨૯।।

એવું સુણી વિચાર કર્યો, બોલ્યા વેણ વશરામ । આપણ શસ્ત્રધારી છૈયે, ચાલો તે કરીયે કામ ।।૩૦।।

ત્યારે બોલ્યા ઘનશ્યામજી, મામા સુણો વચન । દશેરાયે જે શમી પૂજે, તેને પાંડવ દે દર્શન ।।૩૧।।

ભાંણેજના એ શબ્દ સુણી, સર્વે સંબંધી જન । વસ્ત્રાભૂષણ શસ્ત્ર સજી, તત્પર થયા પાવન ।।૩૨।।

પોતાનાં વાહન તે લીધાં, ઘોડે થયા અસવાર । સજી ભજીને સર્વે ચાલ્યા, આવ્યા ધર્મને દ્વાર ।।૩૩।।

ત્રૈણે પુત્રને સાથે લેઇ, ધર્મ થયા તૈયાર । શ્રીહરિને ઘોડે બેસાર્યા, શોભાતણો નહિં પાર ।।૩૪।।

૧કરી પર નાનાભાઇને, બેસાર્યા તેણી વાર । આનંદ ઉચ્છવ થાય છે, વાજે વાજીંત્ર અપાર ।।૩૫।।

અસવારી લઇ ત્યાંથી ચાલ્યા, શમીપૂજનને કાજ । મીનસરને ઉત્તર કાંઠે, ત્રિખુણી ક્ષેત્રમાં આજ ।।૩૬।।

શમીપૂજન કર્યું સર્વે, તે સમે આવ્યાછે દેવ । પોતાનાં વિમાને બેસીને, અનંત અવશ્યમેવ ।।૩૭।।

ઘનશ્યામની સ્વારી કેરાં, ભાવે કર્યાં દર્શન । એવામાં ત્યાં પાંડવ આવ્યા, પત્નીસહિત પાવન ।।૩૮।।

પ્રભુજીના સમીપે આવ્યા, હેઠે મુક્યાં હથિયાર । દ્રૌપદી સહિત જ કર્યા, યોગ્ય રીતે નમસ્કાર ।।૩૯।।

શસ્ત્ર લઇને ચાલ્યા સાથે, સ્વારી ભેગા સમાજ । નારાયણસરોવરતીરે, પધાર્યા મહારાજ ।।૪૦।।

સભા કરીને બેઠા પોતે, ધર્મધુરંધર ધીર । ચકોર પક્ષી ખોળી કાઢી, દર્શન કર્યાં થઇ સ્થિર ।।૪૧।।

છુપૈયાપુરના વણિક, ભેગા થયા છે ઉચ્છાવ । વરસકેરા અનાજનો, મુકી દીધો છે ભાવ ।।૪૨।।

હજારો બ્રાહ્મણ આવીને, બેઠા સભામોઝાર । વેદમંત્રે આશીષ દેતા, રીઝવવા કીર્તાર ।।૪૩।।

ઘણા વિપ્ર આવ્યા છે તેને, યથાયોગ્ય અનુસાર । દયા રાખી દક્ષિણા દીધી, કર્યો બહુ સત્કાર ।।૪૪।।

પછે પોતે ઘેર પધાર્યા, સાથે ત્રૈણ કુમાર । આનંદ ઉચ્છવ ચાલિયો, વર્ત્યો જયજયકાર ।।૪૫।।

પાંડવ પાંચે પ્રેમ વડે, ઉભા જોડીને હાથ । હે પ્રભુ પુરુષોત્તમજી, શું આજ્ઞા છે કો નાથ ।।૪૬।।

હરિ હરખીને બોલિયા, આવજ્યો સત્સંગમાંય । પરમહંસ કરી અમારા, સમીપે રાખશું ત્યાંય ।।૪૭।।

અમૃતાનંદ સુવ્રતાનંદ, હરિયાનંદજી નામ । એ સંજ્ઞા આપીશું તમને, ઠરશો રૂડે કામ ।।૪૮।।

શુભ આશિરવાદ આપી, આજ્ઞા અશરણશરણ । પાંડવ તો અદૃશ્ય થયા, કર્યું ત્યાંથી વિચરણ ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિયે જમતી વખતે મામીના ઘરમાંથી માખણની તાંસળી લીધી એ નામે છેતાલીશમો તરંગઃ ।।૪૬।।