તરંગ - ૫ - શ્રીહરિએ રામદયાળને તેજ દેખાડયું

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:18pm

તરંગ - ૫ - શ્રીહરિએ રામદયાળને તેજ દેખાડયું

પૂર્વછાયો-રામશરણજી સાંભળો, પ્રગટ લીલાસાર । યથામતિયે ઉચરું છું, સ્નેહ થકી આ ઠાર ।।૧।।

બાલ ચરિત્ર જે સાંભળે, તે પામે પુરુષાર્થ ચાર । ભય ટળે સંસારનો, આવે નહિ અવતાર ।।૨।।

ચોપાઇ- હવે કહું છું બી ચરિત્ર રે, મહા પાવન પુન્ય પવિત્ર રે । કરે નિત્ય લીલાઓ નવીન રે, ભક્તપતિ છે ભક્ત આધીન રે ।।૩।।

એક સમે શ્રીભક્તિમાતા રે, બેઠાં નિજ ઘરે સુખદાતા રે । કરાવ્યું પુત્રને સ્તનપાન રે, પોઢાડયા પારણે ભગવાન રે ।।૪।।

ગયાં પોતે તો રસોડામાંઇ રે, મુક્યું માખણ તાવવા ત્યાંઇ રે । કર્યું કેશવે ત્યાં એવું કાજ રે, માંહિ બેઠા થયા મહારાજ રે ।।૫।।

ચારે બાજુએ જીવન જોયું રે, પણ એક તર્ફે મન મોહ્યું રે । પડી ચુસણી પોતાની દુર રે, તેને લેવા વિચારે છે ઉરરે ।।૬।।

નાથ ઉતર્યા પારણા નીચે રે, ચાલ્યા ભાંખોડીયે ઘર વચ્ચે રે । અતિ લાઘવતા કરી લાલે રે, લીધી ચુસણી ભક્તિને બાલે રે ।।૭।।

પાછા પારણે પોઢયા તે જઇ રે, ચુસણી લીધી છે કરમાંઇરે । તેહને ચુસે મુખમાં ધરીરે, એવી લીલા કરે છે શ્રી હરિ રે ।।૮।।

એક કાયસ્થ રામદયાલ રે, ગામ કૈયે જેનું સુરવાલ રે । આવ્યો તે સમે ધર્મને ઘેરરે, બોલાવી બેસાડયો રુડી પેરરે ।।૯।।

ચોતરો આંબલી તરુ તળેરે, બેઠા બેઉ જણા તેહ પળે રે । જોયા છે ચઢતા ઉતરતા રે, ચુસણી લૈ હરતા ફરતારે ।।૧૦।।

દેખીને એવું રામદયાળ રે, કહે સુણો ધર્મ કૃપાળ રે । પુત્ર તમારા પારણે રયારે, કોને કેટલા માસના થયારે ।।૧૧।।

તારે ધર્મ બોલ્યા છે વચન રે, અઢી માસના છે મુજ તન રે । પામ્યા આશ્ચર્ય રામદયાળરે, ધન્ય ધન્ય છે તમારા બાળરે ।।૧૨।।

૧ગતિ લાઘવતા બહુ કીધીરે, હેઠે ઉતરી ચુસણી લીધીરે । તવ પુત્ર દિશે કોઇ દેવ રે, કાં તો ઇશ્વરછે સ્વયમેવરે ।।૧૩।।

તે વિના આવો પ્રતાપ નોયરે, સમજી શકે વિરલા કોય રે । ત્યાંથી ઉઠયો પામીને હુલાસરે, આવ્યો હરિના પારણા પાસ રે ।।૧૪।।

જોયું પારણીયા સામું જ્યારે રે, દિઠા ઘનશ્યામજીને ત્યારે રે । મંદ મંદ કરે છે તે હાસ રે, પોતાનું તેજ કર્યું પ્રકાશ રે ।।૧૫।।

નિજ અંગમાંથી નિરધાર રે, નિકળ્યું તેજ રુડું અપારરે । દિવ્ય શાંત પ્રકાશ દેખાયરે, એની ઉપમા કોઇ ન થાય રે ।।૧૬।।

એવા જોઇને ધર્મના બાળરે, પામ્યો આશ્ચર્ય રામદયાળરે । સંકેલી લીધો તેજ સમૂહરે, જુવો ગોવિંદની ગતિ ગુહ્ય રે ।।૧૭।।

ગયો કાયસ્થ પોતાને ગામરે, કરી સર્વને વાત તમામરે । એમ લીલા કરી સુખ આપેરે, પોતાના ભક્તનાં કષ્ટ કાપેરે ।।૧૮।।

વળી હે રામશરણ ભાઇરે, એક સમે તે છુપૈયામાંઇરે । આવ્યા મોટા દેવ શુભ કાજરે, જ્યાંહાં બીરાજ્યા છે મહારાજરે ।।૧૯।।

ઉભા સન્મુખ જોડીને હાથ રે, બોલ્યા મુખથી તે સહુ સાથરે । જય પૂરણબ્રહ્મ પ્રકાશીરે, જય બ્રહ્મમોલના નિવાસીરે ।।૨૦।।

તવ આજ્ઞાને અનુસરીયેરે, ભરાવ્યાં પગલાંજ ભરીયેરે । સર્વ વ્યાપક સર્વ વિલાસીરે । જય બ્રહ્મમોલના વાસીરે ।।૨૧।।

વળી વેદ રીતે અવતારરે, તેના કારણ છે નિરધારરે । પ્રભુ છો તમે મંગલરાશીરે, જય બ્રહ્મમોલના નિવાસીરે ।।૨૨।।

અમે તો છૈયે આજ્ઞાકારીરે, પ્રભુ તમે તો છો અવતારીરે । અખંડાનંદછો અવિનાશીરે, જય બ્રહ્મમોલના નિવાસીરે ।।૨૩।।

સુકુ પત્ર હલાવે ન કોયરે, તમારી મરજી જો ન હોયરે । સચ્ચિદાનંદ આપ હુલાસીરે, જય બ્રહ્મમોલના નિવાસીરે ।।૨૪।।

સુખ સંતોષ શાંતિના ઓઘરે, તમે પ્રૌઢ પ્રતાપી અમોઘરે । સર્વના અંતર્યામી સદાયરે, કોણ કહિ શકે મહિમાયરે ।।૨૫।।

તમો આધારભૂત અમારારે, અમે તો છૈયે સહુ તમારારે । તવ ભક્તિના અમો અભ્યાસીરે, જય બ્રહ્મમોલના નિવાસીરે ।।૨૬।।

ગદ ગદ કંઠે નિરધારરે, એમ સ્તુતિ કરી ઘણી વારરે । સુણી વચન શ્રી ઘનશ્યામરે, બેઠા પલંગમાં સુખધામરે ।।૨૭।।

કરી છે તે વાણી અંગીકારરે, પામ્યા ઉર આનંદ અપારરે । નોખી નોખી પૂજાયો ધરાઇરે, આપી અનૂપ એક રજાઇરે ।।૨૮।।

પ્રીતે પેરાવ્યા પુષ્પના હારરે, બહુ રાજી થયા છે મોરારરે । કર જોડી કર્યા નમસ્કારરે, ઉભા રહ્યા પાસે એકહારરે ।।૨૯।।

માતા જમે છે રસોડામાંઇરે, ઓરડામાં છે ચંદન બાઇરે । એવે સમે ત્યાં ૧વાસવ આવ્યોરે, મેઘાડંબર છત્ર ધરાવ્યોરે ।।૩૦।।

કરે છે સ્તુતિ મધુર વાણરે, થયું ચંદનબાઇને જાણરે । તત્કાલ ઉઠી આવ્યાં બહારરે, થયા અદૃશ્ય તે નિરધારરે ।।૩૧।।

બેઠા પોત પોતાને વિમાનેરે, સુખ પામી ગયા નિજસ્થાનેરે । નારાયણસર થઇ ગયારે, જાય અંત્રિક્ષમારગે વયારે ।।૩૨।।

જોઇ વિસ્મય પામ્યા છે સર્વ રે, ગયો ઉતરી તેમનો ગર્વરે । ચંદનબાએ મન વિચાર્યું રે, મુજબેનને વાત ઉચારુંરે ।।૩૩।।

એમ કહીને ઘરમાં જાયરે, ત્યાંતો ભક્તિમાતા આવ્યાં ત્યાંયરે । કર્યું શયન શ્રીઘનશ્યામરે, ઓઢી રજાઇ સુંદર શ્યામરે ।।૩૪।।

પ્રેમ કરીને માતાજી પુછેરે, કહો ચંદનબાઇ આ શું છેરે । ઓઢી સુતા ઘનશ્યામભાઇરે, તમે આપીછે શું આ રજાઇરે ।।૩૫।।

કહે ચંદન મેં નથી દીધીરે, સુણી માતાએ રજાઇ લીધીરે । જુવે તો કંઠે પુષ્પના હારરે, ભક્તિ આશ્ચર્ય પામ્યાં તે વારરે ।।૩૬।।

દેખ્યા પૂજનના ઉપચારરે, કરે વિચાર વારમવારરે । હાલમાં તો નથી કોઇ આવ્યુંરે, ત્યારે હાર કહો કોણ લાવ્યુંરે ।।૩૭।।

પછે પ્રથમ બનેલી વાતરે, કહી ચંદનબાઇએ પ્રખ્યાતરે । એવું સુણીને હરખ્યાં છે માતારે, સુત જોઇ પામ્યાં છે સુખ શાતારે ।।૩૮।।

એવી લીલાઓ કરે અનંતરે, મોહ પામે છે મોટા મહંતરે । રાજાધિરાજ શ્રીમહારાજરે, થયા મનુષ્ય ભક્તને કાજરે ।।૩૯।।

આપે સુખ અલૌકિક કેવાંરે, દેવને પણ દુર્લભ એવાંરે । જેહ છે પૂર્વના સંસ્કારીરે, તેને માટે આવ્યા છે મોરારીરે ।।૪૦।।

ભોઇ મહાબલી છે એહ ઠામરે, તેની પુત્રી ફુલજરી નામરે । વળી અમઇરાતનાં નારીરે, નામ ફુલકલિ ઘણી સારીરે ।।૪૧।।

ભક્તિમાતાને ઘનશ્યામતણાં રે, બેઉ રામા ધુવે વસ્ત્ર ઘણાંરે । મીનસાગરમાં ગઇ ધોવારે, કાઢયાં શ્રીહરિનાં વસ્ત્ર જોવારે ।।૪૨।।

બાલ વસ્ત્રને માતાનાં ચીરરે, ધોયાં નિરમલ છે જ્યાં નીરરે । લઇ સુકાવ્યાં તડકે તેહરે, મળ રહિત છે વળી એહરે ।।૪૩।।

મધુ વૃક્ષની શીતલ છાંયરે, બેઉ નારી બેઠી જઇ ત્યાંયરે । ફુલકલિ કહે સુણ બાઇરે, આજ દેખી મેં એક નવાઇરે ।।૪૪।।

નથી હરિનાં વસ્ત્રમાં મેલરે, મળ મૂત્રે નથી બગડેલરે । જેવાં છે તેવાં ને તેવાં છેરે, વનિતા ફુલકલિ વદે છેરે ।।૪૫।।

ફુલઝરી કહે સુણ બેનરે, તું નવ ઓળખે એનાં ચેનરે । લઘુ દિશાની શંકા જો થાયરે, ઝટ ઉતરી હેઠા પલાયરે ।।૪૬।।

સત્ય માની લીધું હશે એમરે, પણ મને રહી ગયો વેમરે । તતકાળ આવી ઉઠી ઘેરરે, પેલી પુછી માતાજીને પેરરે ।।૪૭।।

કહી માતાજીએ સત્ય વાતરે, એમાં ફેર નથી તે છે ખ્યાતરે । એમ કેતાં કેતાં તતકાળરે, ઉઠયા પારણેથી પ્રભુ બાળરે ।।૪૮।।

હેઠે ઉતરી આવ્યા બહારરે, કર્યો શૌચવિધિ તેહ વારરે । ધોયા નિર્મળ જળથી માયેરે, પાછા પધાર્યા પારણા માંયેરે ।।૪૯।।

કર્યું શયન શ્રી મહારાજરે, કરે નિત્ય નિત્ય એવાં કાજરે । જોયું આશ્ચર્ય તેવું અપારરે, ફુલકલિયે માન્યું નિર્ધારરે ।।૫૦।।

વશરામને મોતિ ત્રવાડીરે, તેના ફળિમાં એ વાત કાઢીરે । સુરજાબાઇ આદિને કયુંરે, નરનારીને નિશ્ચે થયુંરે ।।૫૧।।

એ તો અનંત આશ્ચર્યકારીરે, ઇશના ઇશ છે અવતારીરે । એમના જેવાતો એજ એહરે, તેમાં કરવો નહિ સંદેહરે ।।૫૨।।

સુણજો શ્રોતા વિવેકી જનરે, કોઇ શંકા ન કરશો મનરે । સુણી પ્રાકૃત બાળ ચરિત્રરે, પાછા ન પડશો મારા મિત્રરે ।।૫૩।।

જેવા તેવાય પ્રભુના ગુણરે, સર્વે કલ્યાણમાં છે નિપુણરે । આ તો પૂન્યશાલી નર પામેરે, બીજા ભટકે ચોર્યાશી ભામેરે ।।૫૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ રામદયાળને તેજ દેખાડયું એ નામે પાંચમો તરંગઃ ।।૫ ।।