અધ્યાય - ૫૭ - શ્રીહરિએ યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર અંગોનાં લક્ષણોનું કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:59pm

અધ્યાય - ૫૭ - શ્રીહરિએ યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર અંગોનાં લક્ષણોનું કરેલું નિરૃપણ.

શ્રીહરિએ યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર અંગોનાં લક્ષણોનું કરેલું નિરૃપણ. (૧) યમ. (૨) નિયમ. (૩) આસન. (૪) પ્રાણાયામ.

શ્રીનારાયણ ભગવાન કહે છે, હે દૃઢવ્રતવાળા મુનિ ! યોગને જાણનારા બુદ્ધિમાન યોગીઓએ સમાધિયોગનાં આઠ અંગો કહ્યાં છે, તે અંગો અમે તમને અનુક્રમે કહીએ છીએ.૧

તેમાં પ્રથમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને આઠમું સમાધિ અંગ મનાયેલું છે. આ આઠ અંગોવડે સમાધીરૃપ અંગીની સિદ્ધિ થાય છે તે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.૨-૩

હે મુનિ ! તે આઠ અંગોની મધ્યે પ્રથમનાં પાંચ અંગો સમાધિનાં બાહ્ય અંગો કહેલાં છે, અને પછીનાં ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ અંગો અંતરંગ અંગો કહેલાં છે.૪ હવે આઠે અંગોનાં લક્ષણો તેમના ફળની સાથે સંક્ષેપથી કહીએ છીએ. તેમાં યમ, શબ્દની નિરુક્તિ સાથે તેની સંખ્યા કહેવા પૂર્વક તેનાં લક્ષણો પ્રથમ કહીએ છીએ.૫

(૧) યમ :- જે પોતાનું આચરણ કરે તેવા સાધકને હિંસાદિક પાપકર્મથી પાછા વાળી યોગમાં જ સ્થિર કરે તેને અહીં બુદ્ધિશાળી પુરુષો યમ કહે છે.૬ હે રૃડાવ્રતવાળા મુનિ ! તે યમો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચની સંખ્યામાં છે.૭

અહિંસા :- શરીર, વાણી અને મનથી પણ જીવપ્રાણિ માત્રને જે સદાયને માટે કલેશ ન ઉપજાવવો તેને અહિંસા કહેલી છે.૮

સત્ય :- ધર્મ અને અધર્મની સમીક્ષા કરીને પછીથી જ સર્વનું હિત કરનારૃં યથાર્થ વચન કહેવું, તેને સત્ય કહેલું છે. પરંતુ કોઇ પણ જગ્યાએ પોતે સાચું બોલે ને કોઇ જીવપ્રાણીનો દ્રોહ થાય, તો તે સત્યવચન પણ અધર્મ છે, તેથી ખોટું બોલીને પણ જીવપ્રાણીની હત્યા આદિકનો દ્રોહ, કે પીડા અટકી જાય તો તે અસત્ય વચન પણ ધર્મ જ છે.૯

અસ્તેય :- જે પદાર્થના માલિકે પોતાને અર્પણ નહીં કરેલાં તેનાં ધન ધાન્યાદિ પદાર્થ માત્રને પરોક્ષરીતે કે પ્રત્યક્ષ બલાત્કારે ક્યારેય પણ ગ્રહણ ન કરવાં તેને અસ્તેય કહેલું છે.૧૦

બ્રહ્મચર્ય :- યથાર્થપણે વસ્તુ વિચાર કરતાં સ્ત્રીના શરીરને મળ-મૂત્ર, અસ્થિ, મજ્જા, લોહી, લીંટ અને પિત્ત ભરેલો કોથળો જાણી પોતાની સ્ત્રીના સંગનો પણ અષ્ટ પ્રકારે ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહેલું છે. તે બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે. એજ રીતે સ્ત્રીએ પુરુષના શરીરનો વસ્તુવિચાર કરી ત્યાગ કરવો.૧૧

અપરિગ્રહ :- સ્વયં દોષ દૃષ્ટિનો વિચાર કરી ત્યાગ કરેલાં પદાર્થ માત્રનો જે સંગ્રહ ન કરવો તેને અપરિગ્રહ કહેલો છે.૧૨

પાંચ યમોનું ફળ :- પૂર્વોક્ત પાંચે યમોને મધ્યે પોતાને સર્વત્ર સર્વપ્રકારના વેરનો અભાવ થવો તે અહિંસાનું ફળ છે. દાનાદિ પુણ્ય કર્મોથી ઉપાર્જન કરેલા સુકૃતોનું અક્ષયપણું એ સત્યનું ફળ મનાયેલું છે.૧૩

જો અસત્ય બોલે તો છિદ્રવાળા ઘડામાંથી જેમ પાણી સ્રવીજાય તેમ અસત્ય ભાષણથી સુકૃતો સ્રવી જાય છે. તે ન સ્રવે એજ તેનું સાચું ફળ છે. ભગવાનના ધામને વિષે અનેક પ્રકારનાં અમાયિક સુંદર દિવ્ય રત્નોની પ્રાપ્તિ થવી, એજ અસ્તેયનું સાચું ફળ છે. સામર્થ્યની પ્રાપ્તિ થવી અને શીઘ્ર યોગની સિદ્ધિ પ્રાપ્ત થવી એ બ્રહ્મચર્યનું ફળ છે.૧૪

મનના વિક્ષેપનો નાશ થવો એ અપરિગ્રનું ફળ છે. જો વસ્તુનો પરિગ્રહ હોય તો જ કોઇ ચોર ચોરી જશે, એવા ભયના કારણે વારંવાર મનમાં વિક્ષેપ થાય છે. માટે જો પરિગ્રહ ન હોય તો વિક્ષેપ થતો નથી, એ જ અપરિગ્રહનું ફળ છે. આ પ્રમાણે પાંચ યમો કહ્યા, એને તેનું ફળ કહ્યું છે, હવે નિયમોનાં લક્ષણો અને ફળ કહીએ છીએ.૧૫

(૨) નિયમ :- જે પોતાનું આચરણ કરે તેવા યોગીને માયિક વિષયની પ્રાપ્તિ માટે આચરવામાં આવતા કામ્ય ધર્મોમાંથી નિવૃત્ત પમાડી મોક્ષની પ્રાપ્તિ માટે મોક્ષધર્મોમાં સ્થાપન કરે, તેને અહીં યોગ પ્રકરણમાં નિયમો કહેલાં છે.૧૬ તેમાં યોગવિશારદોએ શૌચ, તપ, સંતોષ, સ્વાધ્યાય અને ઇશ્વર-અર્ચન આ પાંચ નિયમો કહેલા છે.૧૭

શૌચ :- તે નિયમોની મધ્યે શૌચ બાહ્ય અને આંતર એમ બે પ્રકારનું છે, તેમાં બાહ્ય શૌચ શુદ્ધ માટી અને જળથી થાય છે. જ્યારે આંતર શૌચ સર્વત્ર ભાવશુદ્ધિથી થાય છે.૧૮

તપ :- કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વડે શરીરને શોષવું તથા ઇન્દ્રિયોની ભગવાનના સ્વરૃપમાં એકાગ્રતા સિદ્ધ કરવી તેને તપ કહ્યું છે.૧૯

સંતોષ :- હે રૃડીબુદ્ધિવાળા મુનિ ! ઇશ્વર ઇચ્છાથી પ્રાપ્ત થયેલાં અન્નાદિકથી ઇતર પદાર્થોની ઇચ્છાના ત્યાગરૃપ જે તુષ્ટિ તેને બુદ્ધિમાન પુરુષોએ સંતોષ કહ્યો છે.૨૦

સ્વાધ્યાય :- હમેશાં ભક્તિભાવપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે ઉપનિષદાદિ ગ્રંથોનો અથવા શ્રીમદ્ભાગવતાદિ ભક્તિશાસ્ત્રોનો પાઠ કરવો તેને સ્વાધ્યાય કહે છે.૨૧

ઇશ્વર-અર્ચન :- નિરંતર મનથી શ્રીહરિનું ચિંતવન કરવું, વાણીથી સ્તુતિ કરવી અને પુષ્પાદિકથી પૂજા કરવીતેને ઇશ્વરઅર્ચન કહેલું છે.૨૨

પાંચ નિયમોનું ફળ :- અંતઃકરણની શુદ્ધિ, ખેદનો અભાવ એવી માનસિક પ્રીતિ, ઇન્દ્રિયોનો નિગ્રહ અને આત્મદર્શનની યોગ્યતા, આ શૌચનું ફળ છે.૨૩

નેત્ર આદિક ઇન્દ્રિયો અને બુદ્ધિ આદિક અંતઃકરણની શુદ્ધિ થવી, તથા પાપનો નાશ થવો, એ તપનું ફળ છે. પોતાના અંતરમાં આત્મા-પરમાત્માના દર્શનજન્ય સર્વોત્તમ સુખના આનંદનો અનુભવ થવો એ સંતોષનું ફળ છે.૨૪

દાન દેવારૃપ સાક્ષાત્ ઇષ્ટદેવની પ્રસન્નતા એ સ્વાધ્યાયનું ફળ છે. અને સમાધિની તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થવી, તે ઇશ્વર અર્ચનનું ફળ છે.૨૫

(૩) આસન :- યોગીપુરુષ યોગની સિદ્ધિ માટે જે મૃગચર્મ, દર્ભ વગેરે પર બેસે છે તેને આસન કહે છે. અથવા સ્વસ્તિક આદિકથી જે બેસવું તેને પણ આસન કહેલું છે. આસન એ યોગનું ત્રીજું અંગ કહેલું છે.૨૬

યોગને જાણનારા યોગીઓએ સ્વસ્તિકાદિ બહુ પ્રકારનાં આસનો કહેલાં છે. તેમાં ચોર્યાસી આસનો યોગીઓનાં મુખ્ય કહેલાં છે.૨૭

તેમાંથી ત્રીસ આસનો અને તેમાંથી પણ ચૌદ આસનો મુખ્ય છે, તેની અમે સમજ આપીએ છીએ.૨૮

તેમાં સ્વસ્તિક, ગોમુખ, વીર, યોગ, પદ્મ, કુક્કુટ, કૂર્મ, ધનુષ, મયૂર, પશ્ચિમતાનક, શબ, સિદ્ધ, સિંહ અને ભદ્ર આ ચૌદ આસનો છે તેનાં લક્ષણો પણ ક્રમશઃ તત્ત્વપૂર્વક કહીએ છીએ.૨૯-૩૦

સ્વસ્તિકાસન :- યોગ સાધકે બે પગનાં તળિયાંઓને બન્ને બાજુ જાનુ અને ઉરુના મધ્યભાગે મૂકી સરળપણે બેસવું તેને સ્વસ્તિકાસન કહ્યું છે.૩૧

ગોમુખાસન :- જમણીબાજુના ભાગમાં ડાબા પગની ઘૂંટી મૂકીને અને ડાબી બાજુના ભાગમાં જમણા પગની ઘૂંટી મૂકીને બેસવું. આ આસન ગૌમુખાકૃતિ જેવું થતું હોવાથી ગોમુખાસન કહેલું છે.૩૨

વીરાસન :- એક સાથળ ઉપર એક પગ મૂકી બીજા પગ ઉપર એ સાથળ મૂકવું તેને વીરાસન કહેલું છે તે સુખેથી થઇ શકે તેવું છે.૩૩

યોગાસન :- ડાબી અને જમણી ઘૂંટીથી વિપરીત ક્રમે ગુદાને રુંધી અચળપણે બેસવું તેને યોગાસન કહેલું છે.૩૪

પદ્માસન :- ડાબાસાથળ ઉપર જમણો પગ અને જમણા સાથળ ઉપર ડાબો પગ મૂકીને લોમ અને વિલોમના ક્રમથી પાછળ પસારેલા હાથથી પગના અંગૂઠાને પકડવા તેને પદ્માસન કહેલું છે.૩૫

કુક્કુટાસન :- પૂર્વોક્ત પદ્માસનમાં પાછળ પ્રસારેલા હાથથી ગ્રહણ કરેલા પગના અંગૂઠાને છોડીને કેવળ પદ્માસન બાંધેલું રાખી ઢીંચણ અને સાથળના મધ્ય માર્ગમાંથી બે હાથને ભૂમિપર સ્થાપન કરવા પછી પૃથ્વીથી નિતંબના ભાગને અધર કરી લટકાવી રાખવો તેને કુક્કુટાસન કહેલું છે.૩૬

ઉત્તાનકૂર્માસન :- કુક્કુટાસનમાં પૃથ્વી પર સ્થાપન કરેલા બન્ને હાથનાં તળિયાં છોડીને એજ કુકકુટાસનમાં બેઠા બેઠા ઢીંચળ અને સાથળના મધ્યભાગમાં સ્થાપન કરેલા બન્ને હાથથી ડોકને પકડી કાચબાની પેઠે ઊંચા થવું તેને ઉત્તાનકૂર્માસન કહેલં છે.૩૭

ધનુરાસન :- ડાબા સાથળના મૂળમાં જમણા પગને મૂકી ઢીંચણથી બહાર વીંટેલા જમણા હાથથી જમણા ઢીંચણ ઉપર મૂકેલા ડાબા પગના અંગૂઠાને પકડે અને ડાબા હાથના અગ્રભાગથી ડાબા કાનની બૂટીને પકડે તેને ધનુરાસન કહેલું છે.૩૮

આ આસન પેટના રોગોને નાશ કરે છે, કુંડલીને જાગ્રત કરે છે અને અંગોને સ્થિર કરે છે. તેથી મુનિઓએ આ આ આસનને સ્થિરતા માટે માન્ય કરેલું છે.૩૯

મયૂરાસન :- બે હાથનાં તળાંથી ભૂમિને અવલંબી નાભિના ડાબા જમણા ભાગને કોણી ઉપર સ્થિર કરી તે કોણી ઉપર દંડની માફક શરીરને નિશ્ચળ લંબાવી સ્થિર રહેવું તેને મયૂરાસન કહેલું છે.૪૦

આ આસન પેટના રોગોનો નાશ કરે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. અજાણતા ખવાઇ ગયેલા ઝેરને અને ન પચી શકે તેવા ખવાયેલા અન્નને પચાવી નાખે છે.૪૧

પશ્ચિમતાનકાસન :- બન્ને પગને દંડની પેઠે લાંબા કરી તે પગના બન્ને અગ્રભાગને બન્ને હાથથી ગ્રહણ કરી બન્ને સાથે જોડેલા કે નહીં જોડેલા ઢીંચણ ઉપર મસ્તકને મૂકવું, તેને પશ્ચિમતાનકાસન કહેલું છે.૪૨

આ આસન ૫વનને પશ્ચિમ દ્વાર તરફ ગતિવાળો કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને પેટની સ્થૂળતાને ઘટાડી કૃશ કરે છે.

શબાસન :- ભૂમિ ઉપર શબની જેમ ચત્તા સૂઇ રહેવું તેને શબાસન કહે છે, આ આસન સમગ્ર આસનો કરવાથી લાગેલા થાકને દૂર કરે છે. અને ચિત્તને વિશ્રાંતિ આપે છે.૪૪

સિદ્ધાસન :- ડાબા પગની પેનીથી લિંગના નીચેના ભાગે રહેલી સીવની નામની નાડીને દબાવીને ડાબી ઘુંટી ઉપર જમણી ઘુંટી મૂકે. આને સિદ્ધાસન કહેલું છે.૪૫

આ આસન સર્વે આસનમાં શ્રેષ્ઠ છે અને સર્વપ્રકારના રોગોને નાશ કરે છે. આ આસનને કોઇ વજ્રાસન ને કોઇ મુક્તાસન ને કોઇ ગુપ્તાસન કહે છે.૪૬

સિંહાસન :- વૃષ્ણની નીચે રહેલી સીવની નાડીના બે પડખામાં ઘુંટી મૂકવી તેમાં ડાબા ભાગમાં જમણી ઘુંટી મૂકવી અને જમણા ભાગમાં ડાબી ઘુંટી મૂકવી, પછી પૂર્વ ભાગમાં વિસ્તારેલા આંગળીઓ વાળા બન્ને હાથને ઢીંચળ ઉપર મૂકીને, મુખ પહોળું કરી નાસિકાના અગ્રભાગને જોતા રહેવું તેને સિંહાસન કહેલું છે, તે યોગીઓને ઇચ્છિત સિદ્ધિ આપે છે.૪૭-૪૮

ઉત્તમભદ્રાસન :- વૃષણની નીચે રહેલી સીવની નાડીના બન્ને પડખામાં પૂર્વોક્ત પ્રકારે જ ધુંટીને મૂકી પાછળ રાખેલા બે હાથવડે બે પગને પકડે તેને ઉત્તમભદ્રાસન કહેલું છે.૪૯

આવાં તો અનેક પ્રકારનાં આસનો યોગશાસ્ત્રના વિશારદોએ કહેલાં છે. તે સર્વે આસનોને મધ્યે જે આસન પોતાને સ્થિર સુખ આપનારૃં થાય તે એક જ આસન યોગાભ્યાસને સમયે ગ્રહણ કરવું.૫૦

આસનના પરિશ્રમથી ઉપજેલા પરસેવાવડે અંગોનું મર્દન કરવું, તેથી પરસેવાના જળને પાછો અંગમાંજ પ્રવેશ કરાવી દેવો, પરંતુ પવન કે વસ્ત્રોથી તેને દૂર ન કરવો. તેનાથી અંગોની દૃઢતા વધે છે અને શરીર હલકું થાય છે.૫૧

ભૂખ-તરસ, ઠંડી-ગરમી, આદિ સર્વે દ્વન્દ્વો સહન કરવાની શક્તિ, શરીર સંબંધી રોગનો નાશ અને પ્રાણાયામમાં અધિકારીપણું પ્રાપ્ત થવું આ સર્વે આસનો કરવાનું ફળ છે.૫૨

હે મુનિ ! આ કહેલાં આસનો યોગસાધકને જ્યારે સિદ્ધ થાય ત્યારે ગુરૃએ બતાવેલા માર્ગ પ્રમાણે નાડીશોધન ક્રિયાનો અભ્યાસ કરવો.૫૩

તે વિના પ્રાણાયામ સિદ્ધ થતો નથી. મળ ભરેલી નાડીઓના અંતરંગભાગે યોગીની ઇચ્છા પ્રમાણે વાયુનો સંચાર થતો નથી. તેથી નાડીશોધનની ક્રિયા અવશ્ય કરવી.૫૪

તેમાં ધૌતિ, બસ્તિ, નેતિ, ત્રાટક, નૌળી અને કપાલભાતિ ઇત્યાદિ પ્રમુખ ક્રિયાઓ કહેલી છે. તે ધૌતિ આદિક ક્રિયાઓનાં પોતાના અંતરફળ સાથેનાં લક્ષણો કહીએ છીએ.૫૫

ધૌતિ :- ચાર આંગળ પહોળા શ્વેતવસ્ત્રના પટ્ટાને ધીરે ધીરે ગળતા જવું, અને ફરી તેને ઉદ્ગારથી ધીરે ધીરે બહાર કાઠવો. તેને ધૌતિ ક્રિયા કહેલી છે. તે ક્રિયા કાસ, શ્વાસ, કફ આદિક રોગને નાશ કરનારી છે.૫૬

બસ્તિ :- નાભિ બૂડે તેટલા જળમાં ઊભા રહીને ગુદાદ્વારા જળને અંદર ખેંચીને નાભિથી નીચેના પ્રદેશને પ્રક્ષાલન કરી વળી ગુદા માર્ગેથી જ જળને બહાર કાઢી નાખવું. તેને બસ્તિ ક્રિયા કહી છે. તે સમસ્ત રોગનો નાશ કરે છે.૫૭

બસ્તિનો બીજો પ્રકાર :- શિશ્નઇન્દ્રિયથી જળને અંદર આકર્ષી ફરી તેને ત્યાંથી જ બહાર કાઢવું. અથવા ગુદાદ્વારા બહાર કાઢવું તેને પણ બસ્તિ કહી છે.૫૮

વળી મુખદ્વારા પાણી પીને એ પાણીને ગુદાદ્વારા બહાર કાઢવું તેને બુદ્ધિમાન યોગી પુરુષોએ શંખપ્રક્ષાલન બસ્તિ કહી છે.૫૯

વળી પ્રથમ મુખ દ્વારા જળ પીને ફરી મુખદ્વારાજ ઉલટી કરીને કાઢી નાખવું તેને નાડીશોધન કરનારી ગજકરણી નામની બસ્તિ ક્રિયા કહેલી છે.૬૦

નેતિ :- નાસિકાના છિદ્ર વાટે કોમળ કપાસના દોરાને પ્રવેશ કરાવીને મુખવાટે આકર્ષણ કરી બહાર કાઢવો આ દોરો એક વેંત માત્રનો હોવો જોઇએ. આ નેતિ ક્રિયા કહેલી છે. તે નેત્ર અને મસ્તકના રોગને નાશ કરે છે અને દિવ્ય દૃષ્ટિ આપે છે.૬૧

ત્રાટક :- જ્યાં સુધી અશ્રુપડે ત્યાં સુધી એક સૂક્ષ્મ લક્ષ્યને સ્થિર દૃષ્ટિથી જોઇ રહેવું તેને ત્રાટક કહે છે. આ ત્રાટક નેત્રના રોગનો વિનાશ કરે છે. તથા આળસ-તંદ્રાને પણ હરે છે.૬૨

નૌળી :- યોગસાધક ખભાને નમતા રાખી સવ્ય અને અપસવ્યના ક્રમથી પેટને અતિ તીવ્રવેગથી ભમાવવું, તે નૌલિક્રિયા કહેલી છે. તે વાત, પિત, કફ અને મંદાગ્નિ આદિક અનેક પ્રકારના દોષોની નિવૃત્તિ કરે છે.૬૩

કપાલભાતિ :- ધમણની પેઠે અતિવેગથી વાયુને નાસિકાથી બહાર કાઢવો ને વળી નાસિકાથી અંદર પ્રવેશ કરાવવો. આ ક્રિયાને કપાલભાતિ કહેવામાં આવે છે. આ ક્રિયા કફ આદિક દોષોનો વિનાશ કરનારી ને યોગીપુરુષોને બહુ માન્ય છે.૬૪

હે મુનિ ! આ ક્રિયાઓ કરવાથી યોગસાધકની નાડીઓ શુદ્ધ થાય છે અને શરીર કૃશ થાય છે.૬૫

અને તે શરીરમાં કાંતિ ઉત્પન્ન થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. નાદની અભિવ્યક્તિ :- ઁકારના ધ્વનિનું શ્રવણ થાય છે, તથા આરોગ્ય અને ઇચ્છાનુસાર પ્રાણવાયુને ધારણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.૬૬

આ પ્રમાણે નાડીઓને શુદ્ધ કરી પ્રાણાયામનો અભ્યાસ કરવો. કારણ કે જો પ્રાણવાયુ ચંચળ હોય તો ચિત્ત પણ ચંચળ હોય છે. અને પ્રાણવાયુ નિશ્ચળ હોય તો ચિત્ત નિશ્ચળ થાય છે. તેથી ચિત્તની નિશ્ચળતા માટે પ્રાણાયામનો અભ્યાસ અવશ્ય કરવો.૬૭

સ્વસ્થ ચિત્તવાળા યોગસાધકે દૃઢ આસનનો આશ્રય કરી ગુરૃએ કહેલા ક્રમ પ્રમાણે ધીરે ધીરે પ્રાણાયામ કરવો.૬૮

(૪) પ્રાણાયામ :- હે મુનિ ! પ્રાણાયામ શબ્દનો અર્થ કહીએ છીએ. શરીરના અંદર ભાગમાં વર્તતો વાયુ પ્રાણ શબ્દથી કહેલો છે. તેનો નિગ્રહ કરવો તેને આયામ કહેવામાં આવે છે, તેથી તેને પ્રાણાયામ કહેવામાં આવે છે.૬૯

આ પ્રાણાયામ સગર્ભ અને અગર્ભ એમ બે પ્રકારનો કહેલો છે, જેમાં પ્રણવાદિ મંત્રના જપ સહિત ભગવાનનું ધ્યાન કરવામાં ન આવે તે પ્રાણાયામ અગર્ભ કહેલો છે અને જપ ધ્યાન સહિતના પ્રાણાયામને સગર્ભ કહેલો છે.૭૦

શ્રેષ્ઠ યોગીઓએ કેવળ અગર્ભ પ્રાણાયામથી સગર્ભ પ્રાણાયામને શ્રેષ્ઠ કહેલો છે. કારણ કે તેનો અભ્યાસ કરે તો યોગની સિદ્ધિ તત્કાળ થાય છે.૭૧

આ બન્ને પ્રકારનો પ્રાણાયામ પૂરક, રેચક, કુંભક અને શૂન્યક એમ ચાર પ્રકારનો કહેલો છે. તેનાં લક્ષણો કહીએ છીએ તેને તમે સાંભળો.૭૨

પૂરક પ્રાણાયામ :- જે રીતે મુખમાં ધારણ કરેલા નાળથી જળ ખેંચાય છે તેમ નાસિકાદ્વારા વાયુને અંદર આકર્ષવો, તેને પૂરક કહેવાય છે.૭૩

આકર્ષણ કરેલા વાયુને બહારના ભાગમાં ખાલી કરીને હૃદયાકાશને શૂન્ય કરવો તેને યોગશાસ્ત્રના વિશારદોએ રેચક કહ્યો છે.૭૪

દૃઢ સ્થિતિવાળો યોગી ઉચ્છવાસને અને નિઃશ્વાસને રોકી જળ ભરેલા પૂર્ણકુંભની જેમ સ્થિર રહે છે તે પ્રાણાયામને કુંભક કહેલ છે.૭૫

હે બ્રહ્મન્ ! બુદ્ધિમાન પુરુષોએ આ કુંભક પ્રાણાયામને બે પ્રકારનો કહેલો છે, તેમાં એક આભ્યંતર કુંભક અને બીજો બાહ્યકુંભક કહેવાય છે.૭૬

ગુદાના સ્થાનમાં રહેલા મૂલાધાર ચક્રમાં પ્રાણનો નિરોધ કરવો તેને આભ્યંતરકુંભક જાણવો, અને નાભિના સ્થાનમાં રહેલા અનાહત ચક્રમાં અપાનનો નિરોધ કરવો તેને બાહ્યકુંભક જાણવો.૭૭

પૂર્વોક્ત ત્રણે પ્રકારના પ્રાણાયામોને મધ્યે પૂરક ધીરે ધીરે સોળ પ્રણવ મંત્રોથી કરવો. રેચક બત્રીસ પ્રણવમંત્રોથી અને કુંભક ચોસઠ પ્રણવમંત્રોથી કરવો.૭૮

અથવા યોગીએ વિષ્ણુ ગાયત્રીમંત્રનો પાઠ કરતાં આળસ છોડી પ્રાણાયામ કરવો. અહીં મંત્રના સ્થાને ભગવાનનું નામ પણ લઇ શકાય છે.૭૯

જમણી નાસિકાના પુટમાં પિંગલાનાડી રહેલી છે અને ડાબી નાસિકાના પુટમાં ઇડાનાડી રહેલી છે. તેમાં પિંગલા નાડીમાં સૂર્ય અને ઇડામાં ચંદ્ર રહેલ છે. તે બન્ને નાડીઓને મધ્યે સુષુમણા નાડી રહેલી છે. તેમાં અગ્નિ રહેલો છે.૮૦

હવે પ્રાણાયામ કરવાનો અનુક્રમ કહીએ છીએ. ડાબી નાસિકાની ઇડાનાડીથી પૂરક કરી કુંભક કરવો. પછી જમણી નાસિકાની પિંગલાનાડીથી ધીરે ધીરે રેચક કરવો.૮૧

અથવા યોગના સાધકે પિંગલા નાડીથી પૂરક કરવો ને કુંભક કરી ઇડાનાડીથી રેચક કરવો.૮૨

યુક્તિપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે ધીરે ધીરે કરેલા પ્રાણાયામથી યોગીનો રોગ નાશ થાય છે અને યોગની સિદ્ધિ થાય છે. જો કહેવા પ્રમાણે કરવામાં ન આવે, ને વિપરીતે કરે તો રોગનો ઉદ્ભવ થાય છે અને સિદ્ધિ ક્યારેય થતી નથી.૮૩

પ્રાતઃકાળે, મધ્યકાળે, સાયંકાળે અને અર્ધરાત્રીએ આ ચાર વારમાં પ્રત્યેક વખતે ધીરે ધીરે વીસ વીસ કુંભક કરે, એમ આગળ વધતા એંશી વાર કુંભક કરવા, પાંચ, દશ, પંદર, એમ ઉત્તરોત્તર અભ્યાસ વધારતા જઇ એંશીની સંખ્યા સુધી કુંભક કરવા. પરંતુ એક દિવસમાં એંશી કરવાનું સાહસ કરવું નહિ.૮૪

પ્રાણાયામ સિદ્ધિમાં જો કનિષ્ઠ સ્થિતિ હોય તો સાધકને પરસેવો છૂટે. મધ્યમ સ્થિતિમાં કંપારી છૂટે અને ઉત્તમ સ્થિતિમાં વારે વારે ઉત્થાન થાય- આસનથી ઉપર ઉઠી જવાય.૮૫

શૂન્યક પ્રાણાયામ :- હે મુનિ ! બહાર રહેલા વાયુનો સ્વીકાર ન કરવો અને અંદરના વાયુનો ત્યાગ ન કરવો. તેને શૂન્યક પ્રાણાયામ જાણવો. આ પ્રાણાયામ યોગીજનોને પ્રસિદ્ધ શૂન્યવેધ નામનો પ્રથમ ભૂમિકારૃપ માન્યો છે.૮૬

હે રૃડા વ્રતવાળા મુનિ ! ધારણામાં મનની યોગ્યતા પ્રાપ્ત થાય, તેને યોગને જાણનારા મુનિઓએ પ્રાણાયામ કરવાનું ફળ કહ્યું છે.૮૭

આ શૂન્યક પ્રાણાયામનું પૂરક આદિ કરતાં અધિકપણું કહેલું છે. તે અધિકપણું શું છે ? તે અમે તમને કહીએ છીએ.૮૮

તે અધિકપણું શૂન્યક પ્રાણાયામથી અતિરિક્ત બીજું કોઇ પણ યોગનું અંગ નથી, એ છે. કારણ કે આ એક જ પ્રાણાયામની સિદ્ધિમાં તેમને નાદરૃપી બ્રહ્મને વિષે પરબ્રહ્મના સુખની અનુભૂતિ થાય છે.૮૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતાં શ્રીહરિએ અષ્ટાંગયોગમાં પહેલાં યમાદિ ચારનાં લક્ષણોનું નિરૃપણ કર્યું એ નામે સત્તાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૭--