અધ્યાય - ૨૩ - રાજ ધર્મોમાં ચૌદ પ્રકારના દોષોનું વર્ણન.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:30pm

અધ્યાય - ૨૩ - રાજ ધર્મોમાં ચૌદ પ્રકારના દોષોનું વર્ણન.

રાજ ધર્મોમાં ચૌદ પ્રકારના દોષોનું વર્ણન. સંધી ન કરવા યોગ્ય વીસ પુરુષો. વિદ્યા ભણાવનાર અદ્યાપકનાં લક્ષણો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

નાસ્તિકભાવ, વારંવારનું અસત્ય ભાષણ, ક્રોધ, પ્રમાદ, દીર્ઘસૂત્રતા, જ્ઞાની પુરુષોની ઉપેક્ષા, આળસ, નેત્રાદિ પાંચ ઇન્દ્રિયોને પરવશપણું, કર્તવ્ય અર્થોનું પોતાના એકલા દ્વારા ચિંતવન, પોતાના કર્તવ્યને નહિ જાણનારા બહુજનોની સાથે તેનો વિચાર વિમર્શ, અમલમાં મૂકવાના નક્કી થયેલા અર્થોનો અનારંભ, મંત્રનો પ્રકાશ, દેવપૂજા આદિ મંગલ કાર્યના અનુષ્ઠાનનો અભાવ અને એક સાથે સર્વે શત્રુઓ સન્મુખ યુદ્ધ છેડવું. આ ચૌદ દોષોનો રાજાએ પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો.૧-૩

સંધી ન કરવા યોગ્ય વીસ પુરુષો :-

બાળક, અતિશયવૃદ્ધ, ભયશીલ, દીર્ઘરોગી, જ્ઞાતિએ ત્યજેલો, લોભી અને લોભીને આધિન, વૈરાગી, ભય ઉપજાવનાર, વિષયાસક્ત ચિત્તવાળો, અવ્યવસ્થિત ચિત્ત અને મંત્રવાળો, દેવ અને બ્રાહ્મણની નિંદા કરનારો, ફુટેલ ભાગ્યવાળો, ભાગ્ય ઉપર જ ભરોસો રાખી પુરુષાર્થ નહિ કરનારો, દુષ્કાળ નિમિત્તે નીપજેલાં દુઃખથી પીડિત, વાતવાતમાં યુદ્ધ કરવાના વિચારવાળો, સત્યથી ચ્યુત થયેલો, ધર્મથી ભ્રષ્ટ થયેલો, પરદેશથી આવી વસેલો અને દંભી, આ વીસ પુરુષોની સાથે રાજાએ સંધિ ન કરવી, અને જો તેઓની સાથે સંધિ કરે તો પોતાને અપાર દુઃખની પ્રાપ્તિ થાય છે.૪-૭

મંત્રણા છ કાન સુધી અર્થાત ત્રીજા માણસ સુધી ન પહોંચે તે રીતે તેમનું રક્ષણ કરવું, રાત્રીના પ્રથમ અને છેલ્લા યામને છોડીને વચ્ચેના બે યામમાં શયન કરવું. બ્રાહ્મમુહૂર્તમાં જાગ્રત થઇને મંત્રીઓ સાથે કરેલી મંત્રણાની સ્વયં રાજાએ યોગ્યાયોગ્યની આલોચના કરવી.૮

યુદ્ધની શિક્ષા લેવા તત્પર પોતાના રાજકુમારોને યુદ્ધ કુશળ પંડિતદ્વારા શિક્ષા અપાવવી. એક હજાર મૂર્ખ યોદ્ધાઓની અપેક્ષાએ એક યુદ્ધ વિશારદ પંડિત યોદ્ધો લાવવો શ્રેષ્ઠ છે.૯

રાજાએ સદાય વિનયસંપન્ન, કુળવાન, બહુશાસ્ત્રના હાર્દને જાણનાર, અસૂયા રહિતના અને સત્ અસત્ના વિવેકી એવા પાંચ ગુણોએ યુક્ત પુરુષને પોતાનો પુરોહિત બનાવવો.૧૦

અંગોની પરીક્ષા કરવામાં કુશળ સર્વે પ્રકારના ઉત્પાતોને સમજી રાજાને સૂચના આપીને તેમની શાંતિ કરાવવામાં કુશળ અને જ્યોતિષશાસ્ત્રનો જાણકાર આવા ત્રણ ગુણોથી યુક્ત પુરુષને રાજાએ જ્યોતિષી તરીકે રાખવો.૧૧

હવે રાજાએ વૈદ્ય કેવો રાખવો તે કહું છું. આયુર્વેદના તત્ત્વનો જાણકાર, બુદ્ધિ અને વયમાં પણ મોટો, આઠ અંગવાળી ચિકિત્સા પદ્ધતિમાં નિપુણ અને રાજા ઉપર પ્રેમવાળો, આવાં ચાર લક્ષણોએ સંપન્ન પુરુષને રાજાએ વૈદ્યરાજ તરીકે નિયુક્ત કરવો.૧૨

રાજાએ વિજયયાત્રાએ નીકળવું ત્યારે પાંચ દેવસંબંધી અને પાંચ મનુષ્ય સંબંધી ભયને શત્રુના પરાજયમાં કારણભૂત જાણીને વિજયયાત્રાએ નીકળવું. અર્થાત્ દશ પ્રકારના ભયનો સામે પક્ષે સદ્ભાવ હોય અને પોતાના પક્ષે અભાવ હોય તે જાણીને પછીથી જ શત્રુ ઉપર વિજય મેળવવા યાત્રાએ નીકળવું.૧૩

રાજાએ સામે વાળા રાષ્ટ્રના મુખ્ય સેનાપતિને ગુપ્તરીતે ઉત્તમરત્નો આદિક વસ્તુઓની ભેટ તેઓમાં ભેદ ઉત્પન્ન કરવા યથાયોગ્ય પ્રમાણે મોકલવી.૧૪

જીતેન્દ્રિય રાજાએ પ્રથમ પોતાનું મન જીતીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો. ને પછીથી સામેના શત્રુ પ્રમત્ત રાજા ઉપર વિજય મેળવવાની ઇચ્છા કરવી.૧૫

વિજય પ્રાપ્ત કરવા ઇચ્છતા રાજાએ સામે રાષ્ટ્રમાં ધાન્ય કાપવાનો કે ધાન્ય સંધરવાનો સમય ચાલતો હોય ત્યારે તથા દુષ્કાળના સમયે શત્રુરાજાને જીતવા આક્રમણ કરવું, તો સુખેથી જીતી શકાય છે, તેમજ પોતાના ભોગ્ય પદાર્થો જેવાં કે અન્ન, વસ્ત્ર અને ચંદનાદિનું પણ પોતાના વિશ્વાસુ માણસ પાસે રક્ષણ કરાવવું. નહીં તો કોઇ ઝેર આપી પોતાનું મૃત્યુ કરાવી શકે છે.૧૬

વળી રાજાએ ધનભંડાર, ધાન્યભંડાર, તથા વાહનનું રક્ષણ કરવા તેમજ ગોપુરનું અને અર્થ ભંડારનું તથા આયુધોનું રક્ષણ કરવા માટે, જેણે પોતાનું વારંવાર મંગલ કર્યું હોય એવા ખાસ પોતાના સેવક માણસોને જ નિયુક્ત કરવા.૧૭

બુદ્ધિમાન રાજાએ અંદરના રસોયા જનો આદિકથી તથા બહારના સેનાપતિ આદિક જનોથી પોતાનું સદાય રક્ષણ કરવું, તથા મંત્રી થકી પુત્રનું અને પુત્ર થકી મંત્રીનું એમ પરસ્પર પણ રાજાએ રક્ષણ કરવું, આવી રીતે રાજાએ સર્વેનું રક્ષણ કરવું.૧૮

ધનભંડારમાંથી ધનનો ખર્ચ થયો હોય તેમની રાજાએ પૂર્તતા કરવી, કેવી રીતે ? તો સારૃં વર્ષ જ્યારે આવ્યું હોય ત્યારે આવકમાંથી એક ભાગનો ખર્ચ કરવો અને ત્રણ ભાગ ખજાનામાં મૂકવા.જો બહુ સારૃં નહિ અને નરસું નહિ એવું વર્ષ આવ્યું હોય તો બે ભાગ કરી અર્ધાનો ખર્ચ કરવો અને અર્ધો ભાગ ધનભંડારમાં જમા કરવો. અને જો દુષ્કાળ પડયો હોય તો આવકના ભાગમાંથી ત્રણ ભાગનો ખર્ચ કરવો અને એક ભાગ ખજાનામાં જમા કરાવવો. પરંતુ સંપૂર્ણ ખજાનાનો ખર્ચ કરી ખજાનો ક્યારેય પણ ખાલી કરવો નહિ. વળી રાજાએ દેશકાળની વિષમતાને કારણે, દરિદ્રતા પામેલા જ્ઞાતિજનો, વૃદ્ધો, ગુરૃજનો, વેપારી, શીલ્પી અને પોતાને આશરે રહેલા જનોનું વારંવાર ધન ધાન્યાદિ અર્પણ કરી અનુગ્રહ કરવો.૧૯-૨૦

રાજાએ પોતાના હીતેચ્છુને પોતાને વિષે હેતવાળા તેમજ કાર્યકુશળ પુરુષોને તેઓના દોષોને પ્રત્યક્ષ જોયા વિના કોઇ તેઓના વિરોધી એવા અજ્ઞાની જનોનાં વચનો સાંભળી તેમના અધિકાર ઉપરથી ક્યારેય પણ દૂર ન કરવા.૨૧

ધર્મ સંબંધી કાર્યમાં ધર્મજ્ઞા પુરુષોને જોડવા, અર્થના કાર્યમાં અર્થશાસ્ત્રીઓને નિયુક્ત કરવા. સ્ત્રીઓના અંતઃપુરમાં નપુંસક જનોને નિયુક્ત કરવા, નીચ કક્ષાના કાર્યોમાં નિમ્ન કક્ષાના જનોને નિયુક્ત કરવા.૨૨

લોભી અને મૂર્ખ પુરુષોને કામ તથા અર્થ સંબંધી કાર્યમાં નિયુક્ત કરવા નહિં. પરંતુ નિર્લોભી અને બુદ્ધિમાન પુરુષોને જ સર્વે કાર્યમાં નિયુક્ત કરવા.૨૩

કાર્ય કરવામાં નિપુણ નહિ ને કામ, ક્રોધથી યુક્ત મૂર્ખ પુરુષને અર્થ કાર્યમાં અધિકારી કરવામાં આવે તો કાર્યની અસફળતાથી પ્રજા દુઃખી થાય છે.૨૪

બુદ્ધિમાન રાજાએ સાયંસંધ્યાની ઉપાસના કર્યા પછી રાત્રીના સમયે એકાંતસ્થળમાં પોતાના ગુપ્તચરોની વાત સાંભળવી. સામેવાળા રાષ્ટ્રને પણ પોતાને વશ કરવું.૨૫

લોભીને ધન આપીને, માનીને માન આપીને, ભીરુને ભય દેખાડીને અને પંડિતને યથાર્થ વચનો દ્વારા રાજાએ વશ કરી રાખવા.૨૬

પર રાષ્ટ્ર પોતાને વશ થાય,પોતાના કબ્જામાં આવે છતાં,તે દેશમાં જે આચાર અને વ્યવહાર તથા કુળની સ્થિતિ હોય તે પ્રમાણે જ પાલન કરાવવું. જો કાંઇ શાસ્ત્ર વિરોધી હોય તેને દૂર કરાવવું, પરંતુ પોતાના દેશના શાસ્ત્રાચાર કરતાં વિરુદ્ધ હોય,છતાં તેમના શાસ્ત્રાચાર પ્રમાણે યોગ્ય હોય,તો તેને પોતાના આચાર દ્વારા એકતા ન કરવી.૨૭

વળી રાજાએ પોતાના દેશમાં તે તે સ્થળે સર્વને પીવાને ઉપયોગી એવાં મોટાં જળાશયો વિભાગને અનુસાર તૈયાર કરાવવાં.૨૮

તેવીજ રીતે પ્રશિક્ષિત, પ્રજ્ઞાવાન, કાર્ય કરવામાં કુશળ તેમજ રાજ-આજ્ઞાનુસાર ગામનાં કાર્યો કરાવવામાં તત્પર,એવા પાંચ શૂરવીર પુરુષોની પ્રત્યેક ગામે નિયુક્તિ કરવી. આ પાંચ પુરુષોમાં- શિક્ષક, સમાહર્તા, સંવિધાતા, લેખક અને સાક્ષી એમ પાંચ પ્રકારના કાર્યકર્તા જાણવા.૨૯

સ્વયં રાજાએ આહીરોના નેસડાઓને ગામ જેવા પાકા કરી આપવા.તેમજ ગામોને નગરનાં જેવાં સુવિધાવાળાં કરી આપવાં અને ક્રમશઃ તેઓની પાસેથી દ્રવ્ય લેવું, અર્થાત્ નેસડાવાળાઓએ ગામના અધિપતિને આપે, તે નગરપતિને આપે, તે દેશપતિને આપે અને તે સાક્ષાત્ રાજાને પહોંચાડે.૩૦

રાજાએ અંતઃપુરની સ્ત્રીઓની રક્ષા બરાબર કરવી, જો તે સ્ત્રીઓમાં પરસ્પર કલહ થાય તો સાન્તવના આપીને પરસ્પર રાજી કરવી.તેઓ જે બોલે તે સાંભળી લેવું પણ તેઓનાં વચન સત્ય ન માનવાં.રહસ્યની કાંઇ પણ વાત હોય તો તે સ્ત્રીઓ આગળ ક્યારેય પણ ન કહેવી.૩૧

પોતાના અને પરદેશના બળ નિર્બળની પરીક્ષા કરી,પર રાષ્ટ્રના યુવરાજ મંત્રી આદિ સાત પ્રકૃતિ પુરુષો સાથે સંધિ કરીને રાજાએ આલોકમાં આઠ કર્મોનું સેવન કરવું. તે આઠ કર્મોમાં- ખેતી કરાવવી, વેપારમાં પ્રોત્સાહન આપવું, કિલ્લાની રક્ષા કરાવવી, નદીઓના તૂટી ગયેલા પુલ-નાળાં આદિ બંધાવવાં, ગામે ગામ હાથીની રક્ષા માટે હાથીખાનાં બનાવવાં, ધન પ્રાપ્તિ માટે રત્ન કે સુવર્ણની ખાણો ખોદાવવી, કરની ઉઘરાણી કરવી અને વિષમ દેશકાળાદિકમાં ઉજજડ થઇ ગયેલાં ગામોને ફરી વસાવવાં,આ આઠ કામોની સિદ્ધિ થાય તો ધનભંડારની વૃદ્ધિ થાય છે.૩૨

થોડા ધનના ખર્ચથી સાધ્ય અને મોટા ફળને આપનારાં કામો શરૃ કરાવવાં, વૈશ્યોની ખેતીમાં વિઘ્ન પેદા થાય તેમ ન કરવું,કારણ કે તેનાથી કોશમાં હાની પહોંચે છે. અને ધન ભંડારને ખાલી રહેવાનો વારો આવે છે.૩૩

સર્વે કિલ્લાઓ ધન-ધાન્ય, આયુધ, અગ્નિયંત્રના સમૂહ તથા શિલ્પી સુથાર અને ધનુર્ધારીઓ વડે સદાય પરિપૂર્ણ કરાવવા.૩૪

રાજાએ નિરંતર ધન, માન આદિકથી પ્રસન્ન, શૂરવીર, બુદ્ધિમાન, ધીરજશાળી, રાજના કામમાં શુદ્ધ મનવાળો,સત્કુળમાં જન્મેલો તથા પોતાનામાં પ્રેમવાળો હોય,તેવા સાતગુણવાળા પુરુષને સેનાપતિ કરવો.૩૫

રાજાએ પોતે કહેલું કાર્ય પોતાના પરાક્રમથી પૂર્ણ કરી આપનારા જનોનું પારિતોષિક અર્પણ કરીને મોટી સભામાં તેમનું સન્માન કરવું. ને અધિક વેતન પણ આપવું.૩૬

વળી ચતુર રાજાએ વિદ્યા અને વિનયથી સંપન્ન તેમજ શિલ્પાદિ શાસ્ત્રોમાં અને તે પ્રમાણેની ક્રિયા કરવામાં નિપુણ પુરુષોનું યથાયોગ્ય પ્રમાણે ધન, વસ્ત્રાદિક અર્પણ કરીને સન્માન કરવું.૩૭

તેમજ અનેક પ્રકારની યુક્તિઓમાં કુશળ એવા બુદ્ધિશાળી પુરુષોની પરના રાષ્ટ્રમાં સારા કાર્યોનું વૃત્તાંત જાણવા સ્થાપના કરવી ને બીજા ન જાણે તે રીતે તેઓને વેતન પણ આપવું.૩૮

રાજાએ પરસ્ત્રીસંગાદિ દુષ્ટ કર્મ કરનારને તથા ચોરને પકડીને કારાગારમાં પૂરી દેવા, તેઓએ આપવા માંડેલા ધનાદિકના લોભમાં આવી તેઓને ફરી ઇચ્છા પ્રમાણેનું આચરણ કરવા ક્યારેય પણ છૂટા મૂકવા નહિ.૩૯

પ્રથમ દરિદ્ર દશામાં હોય ને પછી ભાગ્યવસાત્ તેમને ધન મળે તેવા મનુષ્યો ઉપર ચોરી આદિકનો આરોપ લગાવી તેને દૂષણ ન આપવું. પરંતુ તેવા જનોનું પણ પોતાના મંત્રી દ્વારા રક્ષણ કરાવવું.૪૦

લોભને કારણે પોતાના દેશમાં દૂર દેશથી વેપાર કરવા આવેલા વણિક પાસેથી યથાયોગ્ય પ્રમાણે જ કર ઉઘરાવવો, તેમજ ગામના અને દલાલીનું કર્મ કરી જીવનારા અન્ય વણિકોથી તેમની રક્ષા કરવી.૪૧

ધર્મનાં કાર્યો કરવામાં વિશેષ કુશળ વૃદ્ધ પુરુષોનાં વચન રાજાએ નિત્યે સાંભળવાં, સોંપેલું કામ પૂર્ણ કરી આવેલા પુરુષની સભામાં પ્રશંસા કરવી.૪૨

રાજાએ સર્વ શિલ્પીઓને વેતનમાં દ્રવ્ય અને શિલ્પના કામમાં ઉપયોગી સાધનો, ચાર માસ ચાલે તેટલાં, હમેશાં નિયમપૂર્વક રૃડી રીતે અર્પણ કરવા.૪૩

રાજાએ રાક્ષસ,અગ્નિ પ્રકોપ, વાઘ, રોગચાળો અને સર્પ એ આદિકના ભયથી પોતાના દેશની પ્રજાની રક્ષા કરવી, અંધ, મૂંગા,અંગે વિકળ અને પંગુઓનું પિતાની જેમ પાલન કરવું.૪૪

બુદ્ધિમાન રાજાએ નિદ્રા, આળસ, ભય, ક્રોધ, મૃદુતા અને દીર્ઘસૂત્રીપણું, આ છ અનર્થો વિશેષપણે છોડી દેવા.૪૫

વિદ્યા ભણાવનાર અદ્યાપકનાં લક્ષણો :- રાજાએ પ્રથમ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી નીતિશાસ્ત્રનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો, તે અધ્યાપક બ્રાહ્મણનું લક્ષણ તમને કહું છું.૪૬

જે બ્રાહ્મણ ઇતિહાસ અને પુરાણોનો જ્ઞાતા હોય, તેમજ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાનો જાણકાર,ન્યાય અને ધર્મતત્ત્વનો જ્ઞાતા તેમજ શિક્ષા આદિક વેદનાં છ અંગોનો પણ જ્ઞાતા અને તે સર્વનો વક્તા હોય,તેમજ પ્રતિભાશાળી,બુદ્ધિમાન,ક્રાંતદર્શી, પર અને અવરના વિભાગનો જ્ઞાતા, નીતિશાસ્ત્રનો ભણેલો, પૂર્વાપરનું અનુસંધાન રાખનારો,શાસ્ત્રોનાં પ્રમાણિત વચનોથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો નિર્ણય આપનારો, ભૂગોળના તત્ત્વને જાણનારો, સંધિ અને વિગ્રહ આદિક વિભાગનો જ્ઞાતા, પોતાની આગળ કોઇ પણ કાંઇ બોલે તેને તેમનાં વચન ઉપર વચન બોલી બૃહસ્પતિની જેમ ઉત્તરો આપનારો, અવાન્તર વાક્યોને મહાવાક્યની સાથે જોડવારૃપ ઐક્યભાવમાં તથા એક વાક્યના બે અર્થ નીકળતા હોય તેવા પ્રસંગે સંયોગાનુસાર અર્થોનું પૃથક્કરણ કરવામાં અને એક કાર્યમાં અનેક ધર્મોના થતા સન્નિપાતરૃપ સમવાયનું નિરૃપણ કરવામાં નિપુણ હોય. તથા પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન અને નિગમન, આ પાંચ અવયવવાક્યના ગુણ અને દોષને જાણવામાં નિષ્ણાંત હોય, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ગાંધર્વશાસ્ત્ર, યુદ્ધની ક્રિયા અને ધનુર્વેદમાં પણ જે બ્રાહ્મણ નિષ્ણાંત હોય એવાં ઉપરોક્ત સર્વે લક્ષણોએ સંપન્ન હોય તેવો બ્રાહ્મણ રાજાના અધ્યાપક તરીકે નિયુક્ત થઇ શકે.૪૭-૫૧

હે વિપ્ર !

આવા પ્રકારના વિદ્વાન પાસેથી સ્વયં રાજાએ ધનુર્વેદ, નીતિશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રો પણ પ્રયત્નપૂર્વક ભણવાં.૫૨

હાથી,ઘોડા અને રથનાં લક્ષણોનું પ્રતિપાદન કરનારા સૂત્રરૃપી ગ્રંથોનો પણ અભ્યાસ કરવો. તેમજ અગ્ન્યાસ્ત્ર આદિક શસ્ત્રોના વિધિપૂર્વક ઉપસંહારના મંત્રોએ સહિત પ્રયોગમંત્રોનો પણ અભ્યાસ કરવો.૫૩

હે વિપ્ર !
રાજાએ બહુ પ્રકારનાં વસ્ત્રો,રત્નો,વાહનો,સારાં આભૂષણો, રૃપાની મુદ્રાઓ,સુવર્ણનાં સુંદર અનેક વિધ ઉપકરણોથી શોભતા ઘરના દાનથી અધ્યાપક બ્રાહ્મણને સારી રીતે પ્રસન્ન કરવો.૫૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ રાજાઓના ધર્મમાં ચૌદ દોષો અને સંધિઆદિકનું નિરૃપણ કર્યું,એ નામે ત્રેવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૩--