અધ્યાય - ૬૩ ત્યાગી સાધુનું નિષ્કામી વર્તમાન.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 7:06pm

અધ્યાય - ૬૩ ત્યાગી સાધુનું નિષ્કામી વર્તમાન.

ત્યાગી સાધુનું નિષ્કામી વર્તમાન. કામદોષને જીત્યાના ઉપાયો. નિયમભંગનાં પ્રાયશ્ચિતો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ગોપળાનંદ મુનિ ! જેમ સર્વે જળને રહ્યાનું સ્થાન સમુદ્ર માન્યો છે. તેમ સર્વે દોષોનો આશ્રય કામ કહ્યો છે.૧

જ્ઞાનશાસ્ત્રના જાણવાવાળા તથા બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિવાળા પુરુષો પણ જો કામવાસનાને આધીન થાય તો તેમને સ્ત્રી સંબંધી સુખ બ્રહ્મના આનંદથી પણ અધિક મનાય છે.૨

કેટલાક પંડિતો પણ કામે કરીને સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે સ્ત્રીઓની સભામાં દંભે કરીને ભક્તિનો આડંબર કરે છે, તથા જ્ઞાનની વાર્તા કરે છે.૩

કેટલીક સ્ત્રીઓ પણ કામ થકી પુરુષના સંગનું સુખ પામવાને અર્થે શ્રીકૃષ્ણ ભગવાન સંગાથે અભેદે કરીને ભગવાનના ભક્તની સેવાને પ્રીતિપુર્વક કરે છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં કોઇ ભેદ નથી, એમ જાણીને ભક્તની સેવા કરે છે, એવી દુષ્ટ સમજણ કરાવનારો કામ છે. ભગવાન ક્યાં ? ને ભક્ત ક્યાં ? એ બેમાં તો અતિશય ભેદ છે. ભગવાન ચાહે તેમ કરે ને ભક્ત તો ભગવાનના કહેલા ધર્મમાં રહે તો કલ્યાણ થાય.૪

હે મુનિ ! કામથકી સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે ગુરુ પણ પોતાના શિષ્યને ઠગે છે. તે પ્રમાણે શિષ્ય પણ કામવાસનાથી સ્ત્રીનું સુખ પામવા માટે પોતાના ગુરુને ઠગે છે.૫

કામ પરવશપણાથી પોતાના ગોત્રની સ્ત્રીનો સંગ થાય છે. પોતાના ગુરુની સ્ત્રીનો સંગ થાય છે. પોતાની મા, દિકરી, બહેન તથા ભાણેજ તેનો પણ સંગ થાય છે.૬

કામે કરીને પુરુષને વિધવા સ્ત્રીનો પણ સંગ થાય છે. કુળવાન એવા બ્રાહ્મણાદિક ઉત્તમ જ્ઞાતિના પુરુષને કામે કરીને યવની જે વેશ્યાદિક મુસલમાનની સ્ત્રી, તેનો પણ સંગ થાય છે. તથા શ્વપચી જે ચાંડાલની સ્ત્રી તેનો પણ સંગ થાય છે.૭

કામે કરીને પુરુષને પુરુષ વિષે મૈથુન કરવાને અર્થે પ્રવૃત્તિ થાય છે. કામે કરીને ક્યારેક ગર્દભી આદિક પશુની જાતિને વિષે મૈથુન કરવાને અર્થે પુરુષ પ્રવર્તે છે.૮

વાનરની પેઠે ધીરજ રહિત થઇને પોતાને હાથે કરીને શિશ્ન ઇન્દ્રિય થકી વીર્યનો પાત કરે છે.૯

કામથકી પૃથ્વીને વિષે અતિશય વર્ણસંકરપણું વટલવું, વટલાવવું, તેની પ્રવૃત્તિ નિશ્ચય થાય છે. બ્રહ્મચારી, ગૃહસ્થ. વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમ તથા બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણના ધર્મનો નાશ પણ કામ થકી જ થાય છે.૧૦

કામથકી સ્ત્રીઓ પોતાના પતિ, પિતા, ભાઇ આદિકને મારી નાખે છે, અથવા મરાવી નાખે છે. તથા કોઇ પણ રીતે મારી નાખવાને યોગ્ય નહિ એવી સ્ત્રીઓને પણ કામસુખની પ્રાપ્તિમાં અંતરાય કરતી હોય તો તેને મારી નાખે છે.૧૧

ઉત્તમ જાતિના મનુષ્યો પણ કોઇ રીતે ખાવા યોગ્ય નહિ એવાં માછલાં તથા બીજી રીતનું માંસ એ આદિક જે અપવિત્ર વસ્તુ તેનું કામવશ થઇ ભક્ષણ કરે છે. કામથકી ઉત્તમ મનુષ્યોની સુરાપાનને વિષે તથા કેવળ અસત્ય બોલવાને વિષે પ્રવૃત્તિ થાય છે.૧૨

ક્રોધ, મદ, મત્સર, માન, ઇર્ષ્યા, દર્પ, દંભ, નિર્લજ્જપણું ને ચાડિયાપણું એ જે દોષ તે કામને આશરીને વર્તે છે. અર્થાત્ કામમાં એ સર્વે દોષ રહ્યા છે.૧૩

જગતમાં અપકીર્તિ, અવળી સમજણ, પૂર્વાપરની સ્મૃતિનો નાશ, રૂડી બુદ્ધિનો નાશ, અપમૃત્યુ અને મોટો રોગ એ સર્વે કામને આશરીને જ રહ્યા છે.૧૪

કામથકી શ્વાન, ગર્દભ, શૂકર આદિક નીચ દેહની પ્રાપ્તિ તથા નાના પ્રકારના નરકના દુઃખોની પ્રાપ્તિ થાય છે. કામથકી જીવની અતિશય ભૂંડી બુદ્ધિ થાય છે. તથા ચોર્યાસી લાખ જાતિને વિષે વારંવાર જન્મમૃત્યુની પ્રાપ્તિ થાય છે.૧૫

કામદોષને જીત્યાના ઉપાયો :- હે મુનિ ! આ પ્રમાણે કામના અનેક પ્રકારના દોષો છે. હવે તેને જીતવાના ઉપાયો કહીએ છીએ. તે ઉપાયો ધર્મસર્ગ થકી ઉત્પન્ન થાય છે. માટે તે સદ્ગુણરૂપ કહેવાય છે, તેણે કરીને અધર્મ સર્ગના દોષ યુક્ત જે કામ તે જીતાય છે.૧૬

સ્ત્રીઓ તથા પુરુષોને યૌવન અવસ્થાને વિષે અત્યંત પીડા કરનારો કામ નામે શત્રુ મહાબળવાન છે. તે માટે સારાં વ્રતો તથા સારા વિચારોએ કરીને તેને જીતવો.૧૭

દરવર્ષે ચોમાસામાં ધારણા પારણા નામે રૂડું વ્રત શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે યુવાન ત્યાગી સાધુએ કરવું.૧૮

વળી કામને મૂળમાંથી ઉખાડી નાખે એવું ચાંદ્રાયણવ્રત તથા પારાક નામે વ્રત તે દેશકાળને અનુસારે ચોમાસાના ચાર માસ સુધી યુવાન ત્યાગી સાધુ કરે.૧૯

વળી કૃચ્છ્રવ્રત, અતિકૃચ્છ્રવ્રત, સાંતપવનવ્રત, ઉદ્દાલકવ્રત, યાવકવ્રત, તથા સૌમ્યકૃચ્છ્રવ્રત, ફળકૃચ્છ્રવ્રત પર્ણકૃચ્છવ્રત, મૂળકૃચ્છ્રવ્રત, જળકૃચ્છ્રવ્રત, તથા માસોપવાસ વ્રત યુવાન અવસ્થાવાળો ત્યાગી સાધુ કરે.૨૦-૨૧

આ વ્રત કહ્યાં તે સર્વેનાં લક્ષણો તથા કરવાની રીત પોતાના ગુરુ તથા મોટા સાધુ થકી જાણવી. કારણ કે મનને વિષે રહેલી કામની વાસનાઓ વ્રતે કરીને નાશ પામે છે. માટે કામનો અત્યંત વિનાશ થાય ત્યાં સુધી વર્ષોવર્ષ પોતાની શક્તિ પ્રમાણે તે વ્રતો કરવાં.૨૨

હે મુનિ ! તેમજ વસ્તુવિચારે કરીને અને મોટા પુરુષોના સમાગમે કરીને ત્યાગી સાધુ નિશ્ચય દુઃખે કરીને જીતાય, એવા કામને જીતે છે.૨૩

હવે તે વસ્તુ વિચાર કહીએ છીએ. પુરુષ કામભોગની પ્રાપ્તિને અર્થે જે સ્ત્રીને ઇચ્છે છે. તે સ્ત્રી માંસ, હાડકાં, નાડીઓ, મજ્જા, લોહી, લીટ, વિષ્ટા, આદિક જે અતિ ભૂંડી વસ્તુઓથી ભરેલી છે. તેમાં એકે વસ્તુ રૂડી નથી. તેમાં પુરુષ જે સુખ માને છે. તે મહામૂર્ખ છે.૨૪

અતિશય અપવિત્ર વસ્તુઓની ભરેલી અને નાશવંત સ્ત્રી છે. તેને સારા જેવી અને સાચા જેવી માનીને કામે કરીને પરવશ થયેલો પુરુષ જે જે પાપકર્મ કરે છે. તે કર્મ નિશ્ચય સાચાં થાય છે.૨૫

તે પુરુષ તે કર્મે કરીને નાના પ્રકારનાં નરકને પામે છે. તથા શ્વાન, ગર્દભ, વાનર, શૂકર, આદિક યોનિઓને વારંવાર પામે છે.૨૬

એવો વિચાર કરીને સ્ત્રીને વિષેની આસક્તિનો દૂરથી જ ત્યાગ કરીને મુમુક્ષુ એવા ત્યાગી સાધુઓએ અમે કહેલા નિયમો અનુસાર નિરંતર વર્તવું.૨૭

સ્ત્રી સંબંધી શૃંગારરસના ગ્રંથોની કથા અને વ્યવહાર સંબંધી સ્ત્રીઓની વાર્તા જે અસત્પુરુષ હોય તેને પ્રિય લાગે છે. માટે ત્યાગી સાધુઓએ તો સ્ત્રીઓની કથા વાર્તા ક્યારેય સાંભળવી નહિ. અને પોતાના મુખે કરીને સ્ત્રીઓના ગુણ અને રૂપનું વર્ણન કરવું નહિ. ત્યાગી સાધુ સ્ત્રીઓ સંગાથે હાસ્ય વિનોદાદિક રમત કરે નહિ. સ્ત્રીઓને જાણી જોઇને જુવે નહિ. ક્યારેય પણ સ્ત્રી સાથે છાની રીતે બોલે નહિ, સ્ત્રીના શરીર સંબંધી વાર્તા પુરુષ સંગાથે સ્ત્રીને કહેવડાવે નહિ.૨૯

સ્ત્રીની પ્રાપ્તિને માટે ત્યાગી સાધુ મનમાં સંકલ્પ તથા તેનો બુદ્ધિએ કરીને નિશ્ચય ન કરે. તથા કાષ્ઠાદિકની સ્ત્રીની પૂતળીનો સ્પર્શ ન કરે, તો સાક્ષાત્ સ્ત્રીનો સ્પર્શ ન કરે તેમાં શું કહેવું ?.૩૦

બળતા અગ્નિમાં પડવું સારૂં, ઝેર ખાવું તે પણ સારૂં, કૂવામાં પડવું સારૂં પરંતુ સ્ત્રીનો સાક્ષાત્ સંગ કરવો તે લેશ પણ સારો નથી. તે ત્રણે થકી સ્ત્રીનો સંગ કરવો તે અતિશય ભૂંડો છે.૩૧

સ્ત્રીજાતિ માત્રનું ગુહ્ય અંગ ત્યાગી સાધુએ ક્યારેય જોવું નહિ, સ્ત્રીને પહેરવાનાં વસ્ત્રોનો સ્પર્શ કરવો નહિ. સ્ત્રીએ ઉતારી મૂકેલા વસ્ત્રનો પણ સ્પર્શ કરવો નહિ.૩૨

સ્ત્રીનું ધોયેલું વસ્ત્ર લીલું હોય અથવા સૂકાયેલું હોય, તથા નવું હોય તેને અડી જવાય તો દોષ નથી. એ વિના બીજું જે સ્ત્રીને પહેરવા ઓઢવાનું વસ્ત્ર તેને અડાય તો તેનો દોષ છે.૩૩

ત્યાગી સાધુઓએ ક્યારેય પણ સ્ત્રીઓની સન્મુખ બેસવું નહિ. સ્ત્રીના ચિત્રને પણ જોવું નહિ.૩૪

માર્ગમાં ચાલવું ત્યારે સ્ત્રી થકી પાંચ હાથ છેટે ચાલવું. ભગવાનના જન્મ ઉત્સવને વિષે ઘણાક જનના સમૂહ ભેગા થયા હોય ત્યારે સ્ત્રી થકી એટલે છેટે ન ચલાય તેનો બાધ નથી. ત્યારે તો સ્ત્રીના સ્પર્શ થકી પોતાના અંગની જ રક્ષા કરવી.૩૫

ભગવાનનું મંદિર હોય તથા માર્ગમાં કોઇ નાની બાળકી બેઠી હોય, સાંકડો માર્ગ હોય, અને ભિક્ષા માગવા જાય, એ ચાર ઠેકાણે પણ સ્ત્રીના સ્પર્શથકી પોતાના અંગની રક્ષા કરવી, પણ પાંચ હાથ છેટે ચાલવાનો નિયમ ન રહે, તેનો બાધ નહિ.૩૬

ત્યાગી સાધુએ જે ઠેકાણે સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય તે ઠોકાણે તે ક્રિયા કરવા જવું નહિ, સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને ક્યારેય પણ જોવો નહિ, અને અડવું પણ નહિ.૩૭

ત્યાગી સાધુએ ક્યારેય પણ સ્ત્રીઓની સંગાથે બોલવું નહિ, સ્ત્રીઓના ગુણઅવગુણનું વર્ણન કરવું નહિ.૩૮

સ્ત્રીને સંભળાવવા સારૂં ભગવાનના ગુણોનું કીર્તન કરવું નહિ, તથા સ્ત્રીના મુખથકી ક્યારેય પણ ભગવાનની કથા વાર્તા સાંભળવી નહિ.૩૯

જે શાલિગ્રામની પૂજા કરનારી સ્ત્રીઓ જ હોય, તે શાલિગ્રામના દર્શન કરવા સારૂં ત્યાગી સાધુએ ક્યારેય જાવું નહિ. કેમ જે સ્ત્રીઓએ પૂજેલા શાલિગ્રામનાં દર્શન કરનારને મોટું પાપ થાય છે, એમ નારદીપુરાણમાં કહ્યું છે.૪૦

ભિક્ષા કરવા અથવા સભાનો પ્રસંગ હોય ને જાવું પડે, એ બે પ્રસંગ વિના બીજા કોઇ કામ સારૂં ત્યાગી સાધુ ગૃહસ્થના ઘર પ્રત્યે જાય નહિ. કોઇ પણ કાર્ય સારૂં કોઇ ઠેકાણે એકલા તો ક્યારેય જવું નહિ.૪૧

પોતાના પ્રાણ જાય એવું કષ્ટ આવી પડે, તો પણ ત્યાગી સાધુએ પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરવો નહિ. પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું વચન તો પોતાના ગુરૂનું પણ ન માનવું.૪૨

પોતાને રહ્યાનું જે સ્થાન તેને વિષે સ્ત્રીને પેસવા દેવી નહિ. અન્નજળ આદિક પદાર્થ તે પુરુષ પાસે મંગાવવું પણ સ્ત્રી પાસે ક્યારેય મંગાવવું નહિ. સ્ત્રી પોતાની જાતે લઇને આવે તો પણ લેવું નહિ.૪૩

પોતાને રહેવાની જગ્યાને વિષે વાળવું, લીંપવું એ આદિક કાર્ય ત્યાગી સાધુ પોતાને હાથે કરે અથવા કોઇક પુરુષ પાસે કરાવે પણ સ્ત્રી પાસે તે કાર્યને ક્યારેય ન કરાવે.૪૪

જે સ્થાનકને વિષે પ્રથમ સ્ત્રીનો પગફેર થયો હોય, ત્યાં ત્યાગી સાધુને નિવાસ કરવો હોય તો તે સ્થાનને પુરુષ પાસે લીંપાવીને ત્યાં નિવાસ કરવો, અને લીંપવાનું અનુકુળ ન હોય અથવા કોઇક આપત્કાળ આવી પડયો હોય તો તે સ્થાનને જળે કરીને છાંટીને ત્યાં નિવાસ કરવો.૪૫

બીજું કેવળ સ્ત્રીસંબંધી સુખને જ ઇચ્છતા તથા સારૂં સારૂં ખાઇને કેવળ પેટ ભર્યાના સુખને ઇચ્છતા, એવા જે અસત્પુરુષ તેનો સંગ ત્યાગી સાધુએ કરવો નહિ. જેમ સ્ત્રીના સંગનો ત્યાગ કરવો તેમ કેવળ સ્ત્રી પ્રત્યે કામી એવા પુરુષના સંગનો પણ ત્યાગી સાધુઓએ છેટેથી જ ત્યાગ કરવો.૪૬

કારણ કે આલોકમાં સ્ત્રીઓના સંગ થકી તથા સ્ત્રીને આધીન કામી પુરુષના સંગ થકી જેવી રીતે મુમુક્ષુ પુરુષને અતિશય દૃઢપણે બંધન થાય છે, તેવી રીતે બીજા પદાર્થોના પ્રસંગ થકી નથી થાતું. માટે એ બેના પ્રસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો.૪૭

મુક્ત, મુમુક્ષુ અને સાધુ પુરુષોના રૂડાગુણરૂપ સમગ્ર ઐશ્વર્ય અને સામર્થ્ય તે સ્ત્રીને આધીન કામી પુરુષના સંગથકી તત્કાળ નાશ પામી જાય છે.૪૮

બ્રહ્મચર્યવ્રત, અહિંસા, કોઇની નિંદા ન કરવી, પવિત્રપણું, ક્ષમા, દયા, સત્ય, મૌન, સારી કીર્તિ, બુદ્ધિ, લજ્જા, ચોરી ન કરવી, મન આદિક ચાર અંતઃકરણને નિયમમાં રાખવાં, નેત્રાદિક ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, એ આદિક સદ્ગુણો કામી પુરુષના સંગથકી નિશ્ચય નાશ પામે છે. તે માટે ત્યાગી સાધુઓએ કોઇ પ્રકારે સ્ત્રીઓનો તથા સ્ત્રીઓને આધીન કામી પુરુષનો પ્રસંગ ન કરવો.૪૯-૫૦

ભગવાનને વિષે ભક્તિ અને નિષ્કામી સાધુ પુરુષનો સંગ આ બે સહિત અમે કહ્યા એવા જે સર્વે નિયમો તેનું પાલન કરવાથી ત્યાગી સાધુ દુઃખે કરીને જીતાય એવા કામને જીતીને પરમ સુખ પામે છે.૫૧

પૂર્વે યયાતિ, ઐલ, પુરુરવા, એ આદિક મોટા રાજાઓ પણ કામનો ત્યાગ કરી પોતાને મનોવાંછિત પરમ સુખને નિશ્ચય પામ્યા છે.૫૨

અમે કહ્યા જે નિયમ તેમાંથી કોઇ નિયમનો ભંગ થઇ જાય ત્યારે તેનું પ્રાયશ્ચિત પોતાનું હિત ઇચ્છનારા ત્યાગી સાધુએ તત્કાળ કરવું.૫૩

નિયમભંગનાં પ્રાયશ્ચિતો :- જે પ્રાયશ્ચિતમાં એક ઉપવાસ કરવો પડે, એવા જે નિયમભંગ તે અમે કહીએ છીએ. અજાણતા સ્ત્રી સંબંધી વાર્તા સાંભળી જવાય, તથા કહેવાઇ જવાય, અને સ્ત્રીઓ પરસ્પર ક્રીડા કરતી હોય, તે ઠેકાણે ક્ષણમાત્ર ઊભું રહી જવાય, તો પૃથક્ પૃથક્ એક એક ઉપવાસ કરવો.૫૪

અજાણતા સ્ત્રીની દૃષ્ટિ સાથે પોતાની દૃષ્ટિ બાંધીને તે સ્ત્રીને જોવાઇ જવાય, તથા અજાણતા પુરુષના મિષે સ્ત્રીને જ્ઞાનવાર્તાનો બોધ કરાઇ જવાય, તો પૃથક્ પૃથક્ એક એક ઉપવાસ કરવો.૫૫

પુરુષદ્વારા અજાણતા છાનીવાર્તા સ્ત્રી પ્રત્યે કહેવડાવે તથા ક્યારેક કામના પરવશપણા થકી મને કરીને સ્ત્રીના સંગનો સંકલ્પ કરી જવાય, તો એક એક ઉપવાસ કરવો ૫૬

ક્યારેક સ્ત્રીસંગના સંકલ્પને તત્કાળ ટાળી ન શકાય તથા સ્ત્રીના અંગ ઉપરના વસ્ત્રનો સ્પર્શ જો અજાણતા થઇ જાય, તથા ધોયેલું, ભીનું અથવા સૂકું અને નવું એ ત્રણ સિવાયનું જે સ્ત્રીને પહેર્યા ઓઢયાનું જે વસ્ત્ર, તેનો જો અજાણતા સ્પર્શ થઇ જાય તો એક એક ઉપવાસ કરવો.૫૭

કોઇ આપત્કાળ ન હોય અને માર્ગ પહોળો હોય તો પણ સ્ત્રી થકી પાંચ હાથ છેટે ન ચલાય, તથા સ્ત્રી સાથે અજાણતા બોલાઇ જવાય તથા અજાણતા સ્ત્રીનું ગુહ્ય અંગ દેખાઇ જવાય તો એક એક ઉપવાસ કરવો.૫૮

એવી રીતે ક્યારેક અસાવધાનપણાથી નિયમમાં ફેર પડી જાય તો ભગવાનના નામ જપે યુક્ત એક એક ઉપવાસ ત્યાગી સાધુએ કરવો.૫૯

જો ક્યારેક જાણીને પશુપક્ષીનું મૈથુન જોવાઇ જાય તો પણ ત્યાગી સાધુએ એક ઉપવાસ કરવો.૬૦

હવે જે ઠેકાણે સ્ત્રી સંબંધી વચનને પુરુષ થકી સાંભળવું પડે તે કહીએ છીએ, ત્યાગીની દીક્ષા લેવા સારૂં આવેલા પુરુષના સંબંધી જનોએ પૂછવું તથા કોઇક બાઇ માણસ સાધુને જમવા સારૂં રસોઇ દેવાનું કહેવરાવે તેની આજીવિકાની રીત પૂછવી તથા કોઇક બાઇ માણસ પુસ્તક લખાવવા માટે મોકલે, તેની કાંઇક વાત પૂછવી. ભગવાનનાં મંદિરો પ્રત્યે દર્શન કરવા માટે આવેલી સ્ત્રીઓને ઘટે તેવે ઠેકાણે ઉતારો અપાવવો તે માટે સ્ત્રી સંબંધી વાત પૂછવી, આવું ક્યારેક કોઇક અવશ્ય કાર્ય આવી પડે ત્યારે જો પુરુષ આવીને કહે, તો તે સંબંધી વચન મંડળના મુખ્ય સાધુએ સાંભળવું.૬૧-૬૩

મુખ્ય સિવાય બીજો ત્યાગી સાધુ જો તે વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે તો તે તત્કાળ સ્નાન કરીને ત્રણવાર અષ્ટાક્ષર મંત્રનો જપ કરે.૬૪

તે પછી તે ત્યાગી સાધુ શ્રીનરનારાયણદેવ જે દિશામાં રહ્યા છે, તે ઉત્તર દિશા પ્રતિ સાષ્ટાંગ નમસ્કાર કરે. એ રીતે ત્યાગી સાધુ નિશ્ચય વિશુદ્ધ થાય.૬૫

અને તે મુખ્ય સાધુએ પણ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર એક કે બે બીજા પુરુષની સાથે રહીને કરવો, પણ તે વિના ન કરવો. તે વચન પણ બીજા એક કે બે પુરુષની સાક્ષીમાં સાંભળવું, અને બીજા પુરુષની સાક્ષી વિના જો તે વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે, તો તે મુખ્ય સાધુએ પણ બીજા ત્યાગી સાધુને કહ્યું તે પ્રાયશ્ચિત કરે.૬૬

તે મુખ્ય ત્યાગી સાધુ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર કરતાં અવશ્ય બોલવાનું હોય તેથી અધિક વચન વાર્તાના પ્રસંગે કરીને બોલે તો સ્નાન કરીને હરિનું સ્મરણ કરે અને એક ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય.૬૭

ત્યાગી સાધુ કામને પરવશ થકો પોતાના હાથને ચાળે કરીને જો વીર્યપાત કરે તો તે ત્યાગી સાધુ ચાર દિવસ સુધી લાગટ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય.૬૮

અને જો સ્વપ્નને વિષે સ્ત્રીનાં દર્શન કરીને કામના પરવશપણાથકી વીર્યપાત થઇ જાય તો પ્રાતઃકાળે સ્નાન કરીને એક દિવસ ઉપવાસ કરવો.૬૯

ભિક્ષા માગવા જવું, માર્ગે ચાલવું, સ્નાન કરવા જવું, તથા જળ ભરવા જવું, એ આદિક ક્રિયા કરવાને અર્થે ભેગા થઇને ગયેલા બે ત્યાગી સાધુ જો તે ક્રિયા કરતાં નોખા પડી જાય ને એક બીજાને દેખે નહિ, તો બન્ને સાધુને એક એક ઉપવાસ કરવો. દિશા ફરવા જવું તથા લઘુશંકા કરવા જવું તેમાં એક બીજાને ન દેખે તેનો ઉપવાસ નહિ. અને કોઇક રોગાદિક આપત્કાળ આવી પડે તેમાં જો એક બીજાને ન દેખે તો તેનો પણ ઉપવાસ નહિ.૭૦-૭૧

એકાંત સ્થળને વિષે એકલા ત્યાગી સાધુથી એકલી સ્ત્રીભેળા થોડીકવાર જે ઊભું રહી જવાય, તો તેણે ત્રણ દિવસ સુધી લાગટ ઉપવાસ કરવા.૭૨

માર્ગને વિષે એકલી સ્ત્રી ભેળો એકલા ત્યાગી સાધુથી થોડીકવાર જો ચલાઇ જવાય તો પણ તેણે ત્રણ દિવસ સુધી લાગટ ઉપવાસ કરવા. જો કામને પરવશપણાથકી ત્યાગી સાધુને આઠમા બ્રહ્મચર્યવ્રતનો ભંગ થઇ જાય અર્થાત્ સાક્ષાત્ સ્ત્રીનો અંગસંગ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ.૭૩

આઠમા બ્રહ્મચર્યવ્રતના ભંગનું શાસ્ત્રમાં તો મોટું પ્રાયશ્ચિત કહ્યું છે, તે આ કળિયુગમાં કરવાને સમર્થ થવાય એવું નથી. તે માટે એક વર્ષનું વ્રત કરવું.૭૪

હવે વર્ષનું વ્રત કેવી રીતે કરવું તે કહીએ છીએ. એક દિવસ ઉપવાસ કરવો ને બીજે દિવસે મીઠા વિનાનો સાથવો એકજ વાર દિવસે પીવો પણ રાત્રીએ ન પીવો. પીતી વખતે બોલવું નહિ. તેમ એક વર્ષ સુધી કરવું.૭૫

સાથવો પીવાને અસમર્થ એવો ત્યાગી સાધુ મીઠાંવાળું રાધેલું એક અન્ન ખાય, એક અન્ન ખાવાને અસમર્થ એવો સાધુ મીઠાવાળાં રાધેલાં બે અન્ન ખાય. એક તથા બે અન્ન ખાવાનું કહ્યું તે પ્રથમને દિવસે ઉપવાસ કરીને બીજે દિવસે ખાવું .૭૬

એ વ્રત કરતાં કોઇક રોગે કરીને ઉપદ્રવ થાય અથવા ક્યારેક તેને કોઇક બીજા પ્રકારની આપદા થાય તો તે ત્યાગી સાધુ ઉપવાસે રહિત એવું એક વ્રત કરે.૭૭

જ્યાં સુધી એ ઉપદ્રવ હોય ત્યાં સુધી એકાંતરા ઉપવાસ ન કરવા. તે રોગ તથા આપદા નાશ પામે ત્યારે હજાર અષ્ટાક્ષર મંત્રનો જપ કરે પછી તે ત્યાગી સાધુ પ્રથમ પોતાનું વ્રત કરતો હતો તેમ કરે, અર્થાત્ એક વર્ષના વ્રતમાં બાકી રહેલા દિવસો પૂરા કરે.૭૮

એક વર્ષનું વ્રત કરવાને અશક્ત એવો ત્યાગી સાધુ નવ મહિના સુધી એ વ્રત કરે. નવ મહિના સુધી કરવાને અસમર્થ હોય તે છ મહિના સુધી એ વ્રત કરે અને અતિશય અસમર્થ હોય તો ત્રણ મહિના સુધી એ વ્રત કરીને પવિત્ર થાય.૭૯

એક દિવસ ન ખાવું અને બીજે દિવસ ખાવું, એવું વ્રત કરે તે વ્રતના અંગરૂપ અહિંસા, બ્રહ્મચર્યાદિક નિયમે સહિત કરવું, એ અતિ પવિત્ર છે. અને મન તથા દેહને અતિ શુદ્ધ કરનારૂં છે.૮૦

એવી રીતે તે વ્રત કરવાને અસમર્થ ત્યાગી સાધુ બદરીનાથજીની યાત્રા કરી આવે તો તેથી પણ નિશ્ચય શુદ્ધ થાય છે.૮૧

યાત્રા કરવાને અસમર્થ ત્યાગી સાધુ સાવધાન પણે એક મહિના સુધી ચાંદ્રાયણ વ્રત કરે. તે વ્રત સર્વ પાપનો નાશ કરનારૂં છે.૮૨

સાક્ષાત્ સ્ત્રીના અંગસંગરૂપ પાપ તેને કોઇ મનુષ્યે ન જાણ્યું હોય તો એ ત્યાગી સાધુ એક વર્ષ સુધી પ્રતિદિન પ્રત્યે ''નારાયણ'' એવો જે ચાર અક્ષરનો મંત્ર તે પચાસ હજાર જપે અર્થાત્ નિત્યપ્રત્યે એ મંત્રની પાંચસો માળા ફેરવે.૮૩

પોતાની શક્તિ પ્રમાણે નિત્ય પ્રાતઃકાળ, મધ્યાહ્ન અને સાયંકાળ એ ત્રણ સમયે કરીને પચાશહજાર મંત્ર જપવા, અને જપ કરતાં મૌનવ્રત અને દૃઢ આસન રાખીને એક સ્થળને વિષે બેસીને ભક્તિએ કરીને જપ કરવો. એવી રીતે એક વર્ષ સુધી નિત્યે એ મંત્રનો જપ કરે તો તે ત્યાગી સાધુ શુદ્ધિને પામે.૮૪

એવી રીતે બહુ પ્રકારના ભેદે કરીને વ્રત કરવાનું કહ્યું, તે વ્રતે કરીને વિશુદ્ધ થયેલા ત્યાગી સાધુને બીજા ત્યાગી સાધુએ મંડળમાં લેવો. તે પછી તેનો દોષ ક્યારેય પણ તે ત્યાગી સાધુઓએ કહેવો નહિ.૮૫

પુરુષને વિષે અથવા પશુ જાતિને વિષે મૈથુન કરવાને અર્થે પ્રવર્તે તો તે ત્યાગી સાધુએ પોતાની શુદ્ધિને અર્થે તપ્તકૃચ્છ્ર વ્રત કરવું, તેનું લક્ષણ એ છે જે ત્રણ દિવસ સુધી ત્રણ ત્રણ પળી ગરમ જળ પીવું,ત્રણ દિવસ સુધી બે બે પળી ગરમ દૂધ પીવું, ત્રણ દિવસ સુધી ગરમ ઘી પીવું. તથા ત્રણ દિવસ સુધી ગરમ વાયુ પીવો, એવી રીતે બાર દિવસનું વ્રત કહ્યું છે.૮૬

જે ત્યાગી સાધુ પાપકર્મ કરીને તેનું પ્રાયશ્ચિત ન કરે તેને ચાંડાલની પેઠે તત્કાળ ત્યાગી સાધુના મંડળમાંથી નિશ્ચય કાઢી મૂકવો, પણ તેની મોહબત ન રાખવી, અને તેનો લોભ પણ ન રાખવો.૮૭

હે મુનિ ! એવી રીતે કામના દોષ અને તેને જીતવાના નિયમરૂપ ઉપાય અમે તમને કહ્યા, હવે રસના જે દોષ તથા તેને તેને જીતવાના ઉપાયરૂપ ગુણ તે કહીએ છીએ. તેને તમે સાંભળો.૮૮

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિષે કામના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું એ નામે ત્રેસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૩--