અધ્યાય - ૫૦ - ભગવાન શ્રીહરિએ કહેલો નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો મહાદીક્ષા વિધિ.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:37pm

અધ્યાય - ૫૦ - ભગવાન શ્રીહરિએ કહેલો નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો મહાદીક્ષા વિધિ.

ભગવાન શ્રીહરિએ કહેલો નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો મહાદીક્ષા વિધિ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! યજ્ઞોપવિત સંસ્કાર પામેલા અને વેદાધ્યયનમાં તત્પર થયેલા વિપ્રને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય તો નૈષ્ઠિક બ્રહ્મચારી થવાની ઇચ્છા કરવી.૧

ને તત્કાળ તેણે ઉદ્ધવસંપ્રદાયના આચાર્યને શરણે જવું. અને આચાર્યે શરણે આવેલા વિપ્રને પ્રથમ અભયદાન આપવું.૨

ને પછીથી વિધિને જાણતા બ્રાહ્મણને બોલાવી પોતાને શરણે આવેલા તે વિપ્રને પોતાના આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારી દ્વારા જ નૈષ્ઠિકવ્રત અપાવવું.૩

હે પુત્રો ! તેમાં સર્વતોભદ્ર મંડળમાં શ્રીરાધાકૃષ્ણ ભગવાનનું પૂજન કરાવી શિષ્યને મુંજની મેખલા ધારણ કરાવવી.૪

બે કૌપીન, બે ઉપર ધારણ કરવાનાં વસ્ત્રો, મૃગચર્મ, પલાશનો દંડ, વાંસનો દંડ તથા તાંબાનું કમંડલું આપવું.૫

પછી આચાર્યે તે શિષ્યને વૈષ્ણવી ગાયત્રીમંત્રનો ઉપદેશ કરવો. આ ગાયત્રીમંત્રના નારદજી ઋષિ છે. ગાયત્રી છંદ છે. શ્રીહરિ દેવતા છે. ૬

ઋષિ આદિકનું જ્ઞાન ન હોય તો જપનારને કોઇ ફળ મળતું નથી, તેથી તેમના જ્ઞાન સાથે આચાર્યે આ મંત્રનો શિષ્યના જમણા કાનમાં ત્રણવાર ઉપદેશ કરવો. ને 'આનંદ' જેના અંતમાં છે એવા કૃષ્ણાનંદ, નારાયણાનંદ એવું નામ ધારણ કરવું.૭

હે પુત્રો ! પછી ગુરુએ નૈષ્ઠિક બ્રહ્મચારીઓનું હિત કરતા ધર્મશાસ્ત્રમાં કહેલા ધર્મોનો તથા બ્રહ્મચારીના ધર્મોનો તથા અષ્ટબ્રહ્મચર્યની રીતનો શિષ્યને ઉપદેશ કરવો.૮

અને શિષ્યે ચંદન પુષ્પાદિકથી ગુરુનું પૂજન કરી દંડવત્ પ્રણામ કરવા, અને ગુરુએ કહેલા પોતાના ધર્મોમાં સદાય વર્તવું.૯

એમ કરતાં આ બ્રહ્મચારી જ્યારે નૈષ્ઠિકધર્મોમાં પરિપક્વ દશા પ્રાપ્ત કરે, ત્યારે આચાર્યે મહાદીક્ષા પ્રદાન કરવી.૧૦

તેમાં ગુરૂએ પ્રથમ શિષ્યની પરીક્ષા કરવી, મહાદીક્ષા સ્વીકારવા તત્પર થયેલા તે શિષ્યની નૈષ્ઠિકધર્મમાં સ્થિરતા કેવી છે ? સત્શાસ્ત્રોનું અધ્યયન કેવું છે ?.૧૧

જીવન પર્યંત સેવા કરી શકે તેવું સેવકધર્મને અનુકૂળ તેમનું જીવન છે કે કેમ ? તેમના જ્ઞાતિજનોનો ઉપદ્રવ છે કે નહિ ? તેમજ તેમના શરીરમાં કોઇ ખોડ ખાંપણ તો નથીને ? વગેરેની પરીક્ષા કરી પછી તે બ્રહ્મચારીને મહાદીક્ષા આપવી.૧૨

હે પુત્રો! દીક્ષાના આગલા દિવસે દેહની શુદ્ધિને માટે ઉપવાસ કરાવવો ને પછી એકાદશી કે દ્વાદશીના દિવસે વિધિપૂર્વક ગુરુએ દીક્ષા આપવી.૧૩

તે વિધિમાં ગુરુએ પૂર્વની જેમ પ્રથમ બ્રાહ્મણ દ્વારા સર્વતોભદ્ર મંડલ રચાવી શ્રીવાસુદેવ ભગવાનનું પૂજન અને હોમ વિધિ પ્રમાણે કરાવવો.૧૪

પછી ગુરુએ બે શ્વેત વસ્ત્રો,ને બેવળી તુલસીની કંઠી તે બ્રહ્મચારીને અર્પણ કરવી, ને બન્ને બાહુ ઉપર શંખ, ચક્રની ચંદનમુદ્રાની છાપ અર્પણ કરવી.૧૫

પછી ગુરુને નમસ્કાર કરી પૂર્વ સન્મુખ બેઠેલા શિષ્ય બ્રહ્મચારીને ઉત્તર સન્મુખ બેઠેલા આચાર્યે અષ્ટાક્ષર મહામંત્રનો ઉપદેશ કરવો.૧૬

જમણા કાનમાં ત્રણવાર મહામંત્રનો ઉપદેશ આપી ગુરુએ તેમને ધર્મોનો ઉપદેશ કરવો ને કહેવું કે, હે શિષ્ય ! તમારે આજથી તમારી માતા કે ગુરુપત્ની સાથે પણ ક્યારેય બોલવું નહિ.૧૭

તમારે મનુષ્યજાતિની સ્ત્રીનો આકાર જોવો નહિ. અજાણતા પણ સ્ત્રીનું મુખ સ્પષ્ટ દેખાઇ જાય તો એક ઉપવાસ કરવો.૧૮

હે શિષ્ય ! જે પ્રકારે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન થાય એ પ્રકારે જ તમારે વર્તવું. તેમજ જે રીતે સ્ત્રીના સ્પર્શનો ત્યાગ કરવો તેજ રીતે ધનના સ્પર્શનો પણ ત્યાગ રાખવો. તેનો સ્પર્શ કયારેય ન કરવો.૧૯

વળી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા તમારે પ્રતિદિન સદ્ગ્રંથોનો પાઠ (અધ્યયન) પોતાની શક્તિને અનુસારે આદરપૂર્વક કરવો.૨૦

હે પુત્રો ! આ પ્રમાણે ગુરૂ જ્યારે કહે ત્યારે તે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ''ભલે,તમે જેમ કહો છો તેમ જ હું કરીશ'' આ પ્રમાણે બોલવું ને ગુરૂને નમસ્કાર કરવા. તેમજ ભક્તજનો તથા સાધુજનોને પણ નમસ્કાર કરવા ને ગુરૂના વચનમાં સ્થિર રહેવાય એમ વર્તવું.૨૧

હે પુત્રો ! આ બ્રહ્મચારીની મહાદીક્ષા પ્રદાનમાં આટલો જ વિશેષ વિધિ જાણવો. બાકીનો વિધિ તો પૂર્વની પેઠે જ સર્વે સામાન્ય જાણવો.૨૨

મહાદીક્ષા સ્વીકારવાથી બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રહ્મચારીને વ્રહ્મચર્યવ્રતની અતિશય દૃઢતા થાય છે. તેથી આલોકમાં તે બ્રહ્મચારી ઉદ્ધવસંપ્રદાયના આચાર્યના માધ્યમથી મહાદીક્ષા ગ્રહણ કરી તેમણે કહેલા નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું.૨૩

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ આચાર્યોને કહેલા બ્રહ્મચારીઓ માટેના દીક્ષાવિધિનું નિરૂપણ કર્યું એ નામે પચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૫૦--