અધ્યાય - ૨૬ - ભુજનગરના ભક્તજનોએ ભુજમાં મંદિર કરવાની ભગવાન શ્રીહરિની કરેલી પ્રાર્થના.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:29pm

અધ્યાય - ૨૬ - ભુજનગરના ભક્તજનોએ ભુજમાં મંદિર કરવાની ભગવાન શ્રીહરિની કરેલી પ્રાર્થના.

ભુજનગરના ભક્તજનોએ ભુજમાં મંદિર કરવાની ભગવાન શ્રીહરિની કરેલી પ્રાર્થના. ભુજમાં મંદિર કરવાની વૈષ્ણવાનંદ સ્વામીને આજ્ઞા. શ્રીહરિએ સંપૂર્ણ મહાભારતની કથાનું શ્રવણ કર્યું. ભુજમાં પધારી શ્રીહરિએ કરેલી શ્રીનરનારાયણ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા.

સુવ્રતમુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન્ ! ભુજનગરના ગંગારામ મલ્લ આદિ ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની ઇચ્છાથી અમદાવાદથી તેમના આગમન પહેલાં જ ગઢપુર આવીને રહેલા હતા.૧

શ્રીહરિનાં દર્શન કરી તેઓ ખૂબજ આનંદ પામ્યા. ભગવાન શ્રીહરિ દ્વારા બહુ આદર સત્કાર પામી અને ઉત્તમરાજા દ્વારા બહુ સન્માન પામેલા તેઓ ગઢપુરમાં નિવાસ કરીને રહ્યા હતા.૨

તેવામાં ભગવાન શ્રીહરિએ ગઢપુરમાં શ્રીનરનારાયણ ભગવાનના પ્રાગટયનો ફૂલડોલોત્સવ મોટા ધામધૂમથી ઉજવ્યો. ઉત્સવને અંતે સ્વસ્થ મને પોતાના આસન ઉપર વિરાજમાન શ્રીહરિને નમસ્કાર કરી ગંગારામ મલ્લ કહેવા લાગ્યા.૩

હે ભગવાન ! તમે દયા કરીને અમારા ભુજનગરમાં શ્રીનરનારાયણ ભગવાનનું મંદિર કરાવો. અમે ધન આદિકથી ખૂબ જ સેવા કરીશું.૪

હે પ્રભુ ! સર્વે ભુજવાસી ભક્તજનોની આ જ ઇચ્છા છે. તેને તમે પૂર્ણ કરો. અમે તમારા છીએ, એથી અમારો મનોરથ પૂર્ણ કરવા તમે સમર્થ છો.૫

ભુજમાં મંદિર કરવાની વૈષ્ણવાનંદ સ્વામીને આજ્ઞા :- હે રાજન્ ! આ પ્રમાણે ગંગારામ મલ્લ, સુંદરજી સુથાર તથા હીરજી સુથાર આદિ ભુજનગરના ભક્તજનોએ શ્રીહરિની પ્રાર્થના કરી. તેથી પોતાના અંતરમાં જ પહેલેથી ભુજનગરમાં મંદિર નિર્માણ કરવાની ઇચ્છા હોવાથી ભક્તજનોને ''તથાસ્તુ'' કહીને અનુમતિ આપી.૬

ત્યારપછી શ્રીસ્વામિનારાયણ ભગવાને વૈષ્ણવાનંદ સ્વામીને કહ્યું કે, હે મુનિ ! તમે તમારાં સંતમંડળને સાથે લઇને ગંગારામ મલ્લ આદિક ભક્તજનોની સાથે ભુજનગર જાઓ.૭

ત્યાં ઉત્તમ શિલ્પીઓ દ્વારા રમણીય મંદિરનું નિર્માણ કરાવો. મંદિર તૈયાર થાય ત્યારે શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે હું ચોક્કસ ભુજનગર પધારીશ.૮

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું, તેથી વૈષ્ણવાનંદ સ્વામીએ શ્રીહરિને હાથ જોડીને કહ્યું, હે મહારાજ ! જેવી આપશ્રીની આજ્ઞા છે તે પ્રમાણે હું કરીશ. તે સાંભળી સર્વે ભુજનગરના ભક્તજનો મહા આનંદ પામ્યા.૯

ત્યારપછી પોતાના સંતમંડળે સહિત વૈષ્ણવાનંદ સ્વામીની સાથે તેઓએ શ્રીહરિને પ્રણામ કર્યા ને અંતરમાં શ્રીહરિનું સ્મરણ કરતા કરતા ભુજનગર પ્રત્યે ગયા.૧૦

હે રાજન્ ! વૈષ્ણવાનંદ સ્વામીએ ભુજનગરની મધ્યે શિલ્પશાસ્ત્રને અનુસારે એક જ વર્ષમાં સુંદર શોભાયમાન મંદિર પૂર્ણ કરાવ્યું.૧૧

શ્રીહરિએ સંપૂર્ણ મહાભારતની કથાનું શ્રવણ કર્યું :- હે રાજન્ ! આ બાજુ ગઢપુરમાં શ્રીનારાયણમુનિએ વૈષ્ણવાનંદ સ્વામીને ભુજમાં મંદિર બનાવવા મોકલ્યા પછી આરંભથી જ સંપૂર્ણ મહાભારત સાંભળવાનો પ્રારંભ કર્યો.૧૨

સંવત્ ૧૮૭૮ ના ચૈત્ર સુદ પંચમી તિથિથી પ્રારંભ કરી બીજા વર્ષે સંવત ૧૮૭૯ ના ચૈત્રમાસમાં સુદ નવમી - રામનવમીને દિવસે મહાભારત કથાશ્રવણની નિર્વિઘ્ન સમાપ્તિ કરાવી.૧૩

હે રાજન્ ! આ રીતે શ્રીહરિએ મહાભારતની કથાનું વિધિપૂર્વક શ્રવણ કરી, વક્તા પ્રાગજી પુરાણીને ઇચ્છા પ્રમાણે દક્ષિણાઓ આપી, તેમજ અનેક વસ્ત્રો તથા આભૂષણોનું પણ દાન કર્યું.૧૪

પછી ભગવાન શ્રીહરિએ દશમીને દિવસે હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં ને બીજે દિવસે વિમળા એકાદશીનો મોટો ઉત્સવ ઉજવ્યો.૧૫

પછી ચૈત્ર પૂર્ણીમાને દિવસે ભુજનગરથી દૂતે આવીને શ્રીહરિને કહ્યું કે, હે પ્રભુ ! ભુજનગરમાં મંદિર તૈયાર થઇ ગયું છે.૧૬

તેમાં તમો ભુજનગર પધારી શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરો. આવી ભુજનગરના સર્વે ભક્તજનોની આપશ્રીને પ્રાર્થના છે.૧૭

હે રાજન્ ! આ પ્રમાણે દૂતની વાણી સાંભળી ભગવાન શ્રીહરિએ ઉત્તમ જ્યોતિષી મયારામ ભટ્ટને બોલાવ્યા ને પ્રથમ પ્રતિષ્ઠાનું ઉત્તમ મુહૂર્ત નક્કી કર્યું.૧૮

સંવત ૧૮૭૯ ના વૈશાખ સુદ ૫ ના દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરી સ્વયં ભગવાન શ્રીહરિએ ઉત્તમરાજાને ગઢપુરમાં જ રહેવાની આજ્ઞા આપીને ચૈત્રવદ બીજને દિવસે ગઢપુરથી ભુજનગર જવા માટે ચાલી નીકળ્યા.૧૯

ભુજમાં પધારી શ્રીહરિએ કરેલી શ્રીનરનારાયણ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા :- હે રાજન્ ! અશ્વ ઉપર આરુઢ થયેલા શ્રીહરિ ઘોડેસ્વાર તથા પદાતી પાર્ષદોની સાથે ચાલ્યા તે માર્ગમાં આવતા ભક્તજનોના ગામોમાં નિવાસ કરતા કરતા ચૈત્રવદ તેરસને દિવસે ભુજનગર પધાર્યા.૨૦

અતિશય આનંદને કારણે નેત્રોમાંથી હર્ષનાં અશ્રુઓ પાડતા ભુજનગરવાસી ભક્તજનો ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. તેમની સાથે શ્રીહરિએ ભુજનગરમાં પ્રવેશ કર્યો ને મંદિરની સમીપે જ પોતાનો ઉતારો કર્યો.૨૧

સર્વે પુરવાસી ભક્તજનો ભગવાન શ્રીહરિની અતિશય આદર સહિત યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિએ શ્રીનરનારાયણ ભગવાનના પ્રતિષ્ઠાને ઉપયોગી સર્વે સામગ્રી ભેળી કરાવી.૨૨

પછી જે રીતે શ્રીનગરને વિષે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો તે જ રીતે ભુજનગરમાં પણ વૈષ્ણવાનંદ સ્વામીએ રચેલા મંદિરમાં મુહૂર્તના સમયે સંવત ૧૮૭૯ ના વૈશાખસુદ પાંચમની તિથિએ શ્રીનરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરીને દર્શન પૂજનનો શ્રીનગરની જેમ મહા મોટો મહિમા કહ્યો.૨૩

હે રાજન્ ! ભગવાન શ્રીનારાયણમુનિએ મોટા મહારાજાઓ પણ ન ઉજવી શકે તેવો પ્રતિષ્ઠા મહોત્સવ મોટી સામગ્રીઓ ભેળી કરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉજવ્યો.૨૪

ભગવાન શ્રીહરિએ પુરવાસી સમસ્ત બ્રાહ્મણોને તથા દેશાંતરથી આવેલા સર્વે બ્રાહ્મણોને તેઓની ઇચ્છાથી પણ અધિક ભોજન જમાડી તૃપ્ત કર્યા અને ખૂબજ દક્ષિણાઓ આપી.૨૫

ભગવાન શ્રીહરિએ વૈશાખસુદ સાતમના દિવસે શ્રીનરનારાયણ ભગવાનની નિત્ય પૂજા, મહાભોગાર્પણની વ્યવસ્થા અને વાર્ષિક ઉત્સવો ઉજવવાની વ્યવસ્થા ઉદ્ધવ સંપ્રદાયના નિયમોને અનુસારે યથાયોગ્ય ગોઠવી આપી.૨૬

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ અષ્ટમીને દિવસે ભોજન કરીને ભુજનગરથી ગઢપુર જવા નીકળ્યા. તે સમયે આંખમાં વિરહનાં અશ્રુઓ વહેવડાવતા ને પોતાની પાછળ ચાલ્યા આવતા ભુજનગરનિવાસી ભક્તજનોને પાછા વાળ્યા.૨૭

પાર્ષદોએ સહિત શ્રીહરિને માર્ગમાં આવતા ભક્તજનો પોતપોતાના ગામે લઇ જતા ને અતિશય ભાવથી ભગવાન શ્રીહરિની સેવા પૂજા કરતા, અને શ્રીહરિ પણ તે ગામોમાં ભક્તજનોને ધર્મે સહિત ભક્તિના પોષણનો ઉપદેશ કરતા, એમ એક મહિને દુર્ગપુર પધાર્યા.૨૮

તે સમયે ઉત્તમરાજા તેમજ નગરવાસી ભક્તજનો અતિશય આનંદમાં આવી વાજિંત્રોના ધ્વનિથી દશે દિશાઓને ગજાવતા સામૈયું લઇ ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. અને શ્રીહરિ તેઓની સાથે ચાલી દુર્ગપુરમાં પ્રવેશ કર્યો ને ત્યાં પોતાના નિવાસસ્થાને ઉત્તમ પીઠ ઉપર વિરાજમાન થયા.૨૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ વૈષ્ણવાનંદ સ્વામી પાસે ભુજનગરમાં મંદિર કરાવી શ્રીનરનારાયણ ભગવાનની મોટા ઉત્સવની સાથે પ્રતિષ્ઠા કરી તેનું નિરૂપણ કર્યું એ નામે છવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૬--