અધ્યાય - ૨૧ - અખંડાનંદ બ્રહ્મચારીના પ્રશ્નથી શ્રીહરિએ દ્વૈત અને અદ્વૈત, જીવ અને ઇશ્વરનું વેદોની શ્રુતિઓ પ્રમાણે પ્રતિપાદન કર્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:08pm

અધ્યાય - ૨૧ - અખંડાનંદ બ્રહ્મચારીના પ્રશ્નથી શ્રીહરિએ દ્વૈત અને અદ્વૈત, જીવ અને ઇશ્વરનું વેદોની શ્રુતિઓ પ્રમાણે પ્રતિપાદન કર્યું.

અખંડાનંદ બ્રહ્મચારીના પ્રશ્નથી શ્રીહરિએ દ્વૈત અને અદ્વૈત, જીવ અને ઇશ્વરનું વેદોની શ્રુતિઓ પ્રમાણે પ્રતિપાદન કર્યું. શુદ્ધાદ્વૈતમત. વિશિષ્ટાદ્વૈતમત. બન્ને મતનું સત્યપણું સમજાવવા દૃષ્ટાંત. પ્રથમકોટીના મહામુક્ત. દ્વિતીય મધ્યમ કોટીના મહામુક્ત. તૃતીય ઉત્તમકોટીના મહામુક્ત.

અખંડાનંદ વર્ણી કહે છે, હે ભગવાન ! બ્રહ્મવિદ્યાને યથાર્થ જાણનારા અને પ્રવર્તાવનારા એક જ તમે છો. જે બ્રહ્મવિદ્યામાં શુદ્ધ પરંપરાના જ્ઞાનયુક્ત મુનિવરો પણ આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાનનું નિરૂપણ કરવામાં મોહ પામી જાય છે.૧

હે પ્રભુ ! તેથી આપની સન્મુખ બેઠેલા આ મુક્તાનંદ સ્વામી આદિ સંતોને પણ અતિશય પ્રિય એવો એક પ્રશ્ન હું તમને પુછું છું. તેનો ઉત્તર મને કહો.૨

''એકમેવાદ્વિતીયં બ્રહ્મ'' બ્રહ્મ એક જ છે તેમજ અદ્વિતીય પણ છે, એમ શ્રુતિમાં કહ્યું છે. તેમજ ''સર્વં ખલ્વિદં બ્રહ્મ'' આ બધું જ બ્રહ્મ છે. એ પ્રમાણે પણ શ્રુતિ વર્ણન કરે છે.૩

આ બે શ્રુતિમાંથી પોતાના મનો કલ્પિત સિદ્ધાંતનો આશ્રય કરી કેટલાક શુદ્ધાદ્વૈતવાદી વિદ્વાનો જીવ, ઇશ્વર અને જગતને માયા કલ્પિત કહે છે. તેથી તે મિથ્યા છે, એમ પણ કહે છે.૪

બીજી બાજુ ''નિત્યો નિત્યાનામ્'' એ આદિ શ્રુતિનો આશ્રય કરી આલોકમાં કેટલાક રામાનુજાચાર્યે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતના વિદ્વાનો જીવો તેમજ ઇશ્વરોને નિત્ય અને સત્ય કહે છે, હે સ્વામિન્ ! આ બે મતનો નિર્ણય શું છે ? તે અમને તમે કહો. બન્ને મત સત્ય છે કે, તેમાંથી એક મત સત્ય છે ?.૫-૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેનો અખંડાનંદ વર્ણીનો પ્રશ્ન સાંભળી જગદ્ગુરુ શ્રીહરિ મધુર વચનોથી સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી આદિ સંતો તથા અખંડાનંદ બ્રહ્મચારીને અતિશય આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા.૭

શ્રીનારાયણ ભગવાન કહે છે, હે સંતો ! હે બ્રહ્મચારીઓ ! તમે સર્વે સાંભળો. જીવ-ઇશ્વરાદિકના અલગ અસ્તિત્ત્વનું વર્ણન કરતી દ્વૈતમતની શ્રુતિઓનો અભિપ્રાય તથા પરમાત્માની ઉપાસનાના બળે પ્રાપ્ત થયેલી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિને કારણે સર્વત્ર દેખાતી એક પરમાત્માકારપણાની વૃત્તિને કારણે ઉચ્ચારાયેલી અદ્વૈતમતની શ્રુતિઓનો અભિપ્રાય હું તમને કહું છું.૮

શુદ્ધાદ્વૈતમત :- હે વિદ્વાન વર્ણી ! બ્રહ્મ શબ્દ છે તે ભગવત્ શબ્દની જેમ મુખ્યપણે પરમાત્મા શ્રીકૃષ્ણને માટે જ વપરાય છે. એમ પહેલું તમે નક્કી માનો.૯

કારણ કે પોતાના સ્વરૂપથી જ્ઞાનાદિક ગુણોથી અને સ્વભાવ, વિભૂતિ આદિકના કારણે પણ કોઇ પણ જાતની અવધિ રહિતનું અનંતપણું તે બ્રહ્મ શબ્દવાચી પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું જ છે. તેથી સર્વે શ્રુતિઓ તેને આવા પ્રકારના અર્થ સભર ''બ્રહ્મ'' એવા નામથી સંબોધે છે.૧૦

હે વર્ણી ! એ પરમાત્મા શ્રીકૃષ્ણ સિવાય અક્ષરપુરુષાદિકને વિષે અન્યત્ર જે બ્રહ્મ નામથી સંબોધન કરવામાં આવ્યું છે, એ તો શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાન અને ઉપાસનાના બળને લીધે તેને વિષે થયેલા અતિશય સ્નેહપૂર્વકના તદાત્મ્યભાવને કારણે પ્રાપ્ત થયેલા સાધર્મ્યપણાથી જ કહેલું છે એમ જાણવું.૧૧

એક પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને વિભૂતિ નિરંતર રહ્યા છે, જ્યારે અન્યત્ર આ ગુણો આગંતુક રહેલા છે. તેની સાક્ષી ''નિરંજન પરમં સામ્યમુપૈતિ'' એ શ્રુતિમાં તથા ''ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ'' ઇત્યાદિ સ્મૃતિમાં સ્પષ્ટ મળે છે.૧૨

''સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ'' બ્રહ્મ સત્ય સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ ને અનંત સ્વરૂપ છે. ''યઃ સર્વજ્ઞાઃ સર્વવિત્'' બ્રહ્મ સર્વજ્ઞા અને સર્વવિત્ છે, ઇત્યાદિ અનંત શ્રુતિઓ છે તે સ્વરૂપ, સ્વભાવ, વિભૂતિ અને ગુણથી યુક્ત પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું જ વર્ણન કરે છે.૧૩

આવી રીતના અપાર મહિમાવાળા તેમજ અનંત જગ્યાએ બ્રહ્મ શબ્દથી સંબોધન કરાયેલા પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન આત્યંતિક પ્રલયમાં અક્ષરબ્રહ્મશબ્દવાચી પોતાના પ્રકાશમય ધામને વિષે મહાપુરુષ તથા મહાપ્રકૃતિને તેમના કાર્યરૂપ અનંતકોટી બ્રહ્માંડોની સાથે લીન કરી એકલા જ વિરાજમાન રહે છે. સર્વેને લીન કરી દેતા હોવાને લીધે એકલા જ રહેતા હોવાથી અદ્વિતીય કહેલા છે. પરંતુ વસ્તુગત એકલા નથી. કારણ કે તે સમયે પણ પોતાના ભક્ત અનંત કોટિ મુક્તો પોતાની સાથે હોય છે. તે પણ શ્રુતિમાં કહેલું છે કે, ''સ એકાકી ન રમતે'' ''યઃ સ્વભક્તેભ્યો રમતે'' જેની શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના બળે કારણ શરીરની વાસના નષ્ટ થઇ જવાને લીધે ભગવાનની કૃપાથી દિવ્ય શરીરની પ્રાપ્તિ થઇ છે એવા અનંત પોતાના મુક્તભાવને પામેલા ભક્તોની સાથે જ તે સદાય આનંદ કરે છે. તે એકલા રમતા નથી.૧૪

હે દ્વિજ ! એટલા માટે જ વેદની શ્રુતિઓ દિવ્ય અક્ષરબ્રહ્મધામના નિવાસી પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને એક અદ્વિતીય નિર્ગુણ તેમજ ઇશ્વરોના પણ ઇશ્વર કહેલા છે.૧૫

જે યોગીપુરુષ તે પરમાત્માની ઉપાસનાના બળે જ્ઞાનદ્વારા આત્યંતિક લયરૂપ મૂળપુરુષ અને પ્રકૃતિ આદિ સર્વસ્વનો અક્ષરબ્રહ્મના તેજમાં લય થયેલો જુએ છે. તે સમયે તે યોગીપુરુષ એક પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન સિવાયના ઇતર સર્વે વિકલ્પો જેના નાશ પામ્યા છે એવી નિર્વિકલ્પ સ્થિતિમાં રાચે છે, ત્યારે તેને કેવળ એક પરમાત્મા શ્રીકૃષ્ણ જ દેખાય છે. પોતાની નિર્વિકલ્પ સ્થિતિને કારણે બીજું સત્ય હોવા છતાં દેખાતું નથી. તેથી તે કહે છે કે એક બ્રહ્મ સત્ય છે, તે અદ્વિતીય છે. બાકી સર્વે મિથ્યા છે.૧૬

હે વિપ્રોમાં ઉત્તમ બ્રહ્મચારી ! આ પ્રકારે બ્રહ્મ એવા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને જાણનારો યોગી બ્રહ્મ થાય છે. શ્રીકૃષ્ણ સિવાય અન્ય આકારોની તેને સ્ફુરણા જ થતી નથી. એક શ્રીકૃષ્ણમય થઇ જાય છે. એટલે બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઇ જાય છે એમ શ્રુતિમાં કહ્યું છે. તેથી આવી રીતે બ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા યોગીન્દ્રને તત્ત્વવેત્તા પુરુષો ''મહામુક્ત'' કહે છે.૧૭

આ રીતે બ્રહ્મના સ્વરૂપને જાણનારો શાંતયોગી સર્વેમાં અંતર્યામીપણે રહેલા પરમાત્માને નિહાળી આ બધું જ બ્રહ્મ છે. તે પરમાત્મામાંથી જ મહાપુરુષ દ્વારા અનંતકોટિ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. તે પરમાત્મા બ્રહ્મ જ આનંદરૂપ છે. તે સર્વે શુદ્ધ થકી પણ અતિશય શુદ્ધ છે. આવા બ્રહ્મશબ્દવાચી એક ભગવાન શ્રીકૃષ્ણને જ તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિવાળો મહામુક્ત યોગી જુએ છે.૧૮

તે મહામુક્તયોગી બ્રહ્મસ્વરૂપ એવા શ્રીકૃષ્ણ ભગવાનના આકાર વિના ઉપર, નીચે અને મધ્યભાગે બીજું કાંઇ પણ નિહાળતો નથી. આ આખું જગત રહેલું હોવા છતાં પણ તેને કાંઇ પણ દેખાતું નથી. ઇશ્વરો એવા મહાપુરુષ, પ્રધાનપુરુષ કે વૈરાજપુરુષ રહેલા હોવા છતાં તેને દેખાતા નથી. વિશેષમાં શું ? અરે ... સર્વે જીવ પ્રાણીમાત્ર પોતાની આગળ જ રહેલા હોવા છતાં પણ નિર્વિકલ્પ સમાધિની સ્થિતિના ભાવમાં તે નિમગ્ન રહેતો હોવાથી તેને કંઇ દેખાતું નથી. માત્રને માત્ર સર્વત્ર કેવળ એક બ્રહ્મ એવા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણજ દેખાય છે.૧૯

હે વર્ણી ! સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનની આવી એકાંતિક ભાવે ઉપાસના કરનારો ગુરુ તીવ્રવૈરાગ્યના વેગવાળા અને આત્મા પરમાત્માનું યથાર્થ જ્ઞાન ધરાવતા શિષ્યને આવી ઉપરોક્ત લક્ષણવાળી સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે જ ''એકમેવાદ્વિતીયં બ્રહ્મ'' ''સર્વંખલ્વિદં બ્રહ્મ'' એ શ્રુતિઓનો બોધ આપે છે.૨૦

હે વર્ણી ! આ પ્રમાણેની પરિસ્થિતિમાં શ્રુતિઓમાં ''બ્રહ્મ'' એક જ છે તેમજ અદ્વિતીય છે. આ બધુંજ બ્રહ્મ છે આવું ઉચ્ચારણ કરેલું છે. આ પ્રમાણે શુદ્ધાદ્વૈતવાદની કેમ પ્રવૃત્તિ થઇ તે સિદ્ધાંત કહ્યો. હવે ''નિત્યો નિત્યાનાં'' ઇત્યાદિ શ્રુતિઓના માધ્યમથી જીવો-ઇશ્વરો આદિકનું જેવી રીતે નિત્યપણું કહેલું છે તે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત તમને સમજાવું છું.૨૧

વિશિષ્ટાદ્વૈતમત :- હે વર્ણી ! પ્રાકૃતપ્રલયમાં તેમજ આત્યંતિક પ્રલયમાં પણ વૈરાજપુરુષાદિ સર્વે ઇશ્વરોએ સહિત સર્વે જીવોના પોતપોતાના સ્વતઃસિદ્ધ સ્વરૂપોનો વિનાશ થતો નથી. તો કોનો વિનાશ થાય છે ? તે કહું છું.૨૨

હે વર્ણિશ્રેષ્ઠ ! પ્રાકૃત પ્રલયમાં વિરાટ અને સૂત્રાત્મા નામના ઇશ્વર એવા વૈરાજપુરુષનાં બન્ને શરીરો જ માત્ર કાળશક્તિના વેગે વિનાશ પામે છે.૨૩

તે સમયે તે ઇશ્વર વૈરાજપુરુષ પોતાના ત્રીજા અવ્યાકૃત નામના શરીરવડે મૂળ પ્રકૃતિમાં તિરોભાવ પામીને રહે છે, અને તે જીવાત્માઓનાં પણ સ્થૂલ અને સૂક્ષ્મ આ બન્ને પ્રકારનાં શરીરો કાળશક્તિથી નાશ પામે છે, ત્યારે તે જીવાત્માઓનાં કારણ શરીર માત્ર રહે છે.૨૪

તે કારણ શરીરે યુક્ત સર્વે જીવાત્માઓ જેમ ઉનાળામાં સર્વે બીજ પૃથ્વીમાં લીન રહે છે તેમ પ્રકૃતિમાં લીન થઇને રહે છે. હે વર્ણીન્દ્ર ! આ રીતે જીવ, ઇશ્વરો પોતાનામાં પ્રલયકાળે લીન થઇને રહે છે ત્યારે તે પ્રકૃતિને પ્રધાન એવા પ્રસિદ્ધ નામે કહેવામાં આવે છે.૨૫

તે સમયે પોતાના પતિ એવા પુરુષની સાથે તે પ્રધાનપ્રકૃતિ મૂળપ્રકૃતિ એવી મહામાયાને વિષે લીન થઇ જાય છે. આ રીતે જીવ, ઇશ્વર, પ્રધાન અને પુરુષોનો પોતપોતાના સ્વરૂપનો ક્યારેય વિનાશ થતો નથી.૨૬

હે વર્ણી ! અને તે મૂળપ્રકૃતિ એવી મહામાયા પણ જીવ, ઇશ્વર, પ્રધાન અને પુરુષને પોતાના ઉદરમાં લઇ આત્યંતિક પ્રલયના સમયે સૂર્યના પ્રકાશમાં જેમ રાત્રી લય પામે તેમ તે મૂળપુરુષ એવા મહાપુરુષને વિષે લીન થઇને રહે છે.૨૭

તે સમયે મહાપુરુષ પણ તે મહામાયાએ યુક્ત થઇ ભગવાનના અક્ષરબ્રહ્મધામના મહાતેજના એક પ્રદેશમાં ઉપશમ અવસ્થામાં બેસી જાય છે. તે સમયે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન કેવળ એકલા જ રહે છે. અર્થાત્ જગતના કારણભૂત મૂળપુરુષ સુષુપ્તિમાં ચાલ્યા ગયા હોવાથી એકલા રહેલા છે, એમ કહ્યું. પરંતુ વસ્તુગતે એકલા રહેતા નથી.૨૮

કારણ કે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના બળે કારણ શરીરની વાસના નષ્ટ થઇ જવાને લીધે ભગવાનની કૃપાને કારણે દિવ્ય બ્રહ્મમય શરીરને પામેલા મુક્ત પુરુષો અક્ષરબ્રહ્મધામમાં ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં હાજર રહેલા હોય છે.૨૯

હે મહાબુદ્ધિશાળી વર્ણી ! આ પ્રમાણેના બે પ્રકારના પ્રાકૃતપ્રલય અને આત્યંતિક પ્રલયમાં પણ સર્વે મહાપુરુષાદિકનો સ્વરૂપથી વિનાશ નથી થતો. તેથી જ વેદની ''નિત્યો નિત્યાનાં'' ઇત્યાદિ શ્રુતિ સર્વે જીવ ઇશ્વરાદિકને નિત્ય કહે છે.૩૦

હે વિપ્ર ! ફરી શ્રીકૃષ્ણ ભગવાનના સંકલ્પથી બ્રહ્માંડોના ઉત્પત્તિ સમયે મહાપુરુષ, મહાપ્રકૃતિ, પ્રધાન પુરુષ, વૈરાજપુરુષ, બ્રહ્માદિક દેવતાઓે અને સર્વે જીવો પોતાના અવ્યાકૃત ભાવને છોડી પૂર્વની માફક જ અલગ અલગ સ્વસ્વરૂપના નામરૂપના વ્યક્ત ભાવને પામે છે.૩૧

હે વર્ણી ! આત્યંતિક પ્રલયમાં પણ અક્ષરબ્રહ્મધામને વિષે બ્રહ્મમય દિવ્ય શરીરે ભગવાનની સેવામાં રહેલા મુક્ત પુરુષો પણ મુમુક્ષુજીવોના આત્યંતિક કલ્યાણ કરવા પોતાની ઇચ્છામાં આવે તો અથવા પોતાના સ્વામી એવા પરમાત્માની ઇચ્છારૂપ આજ્ઞા થાય તો ભગવાન વિના કેવળ એકલાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે. અથવા પોતાના ભક્તજનોના આનંદ માટે કે સદ્ધર્મની સ્થાપના માટે બ્રહ્માડોમાં અવતાર લેતા સ્વયં ભગવાનની સાથે મુક્તો પ્રગટ થાય છે.૩૨

આવા પ્રકારના સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનની એકાંતિકી ઉપાસનાના બળે પ્રાપ્ત થયેલી સામર્થીવાળા ''જ્ઞાની મુક્ત'' નામવાળા યોગીપુરુષો છે. તે ''નિત્યો નિત્યાનાં'' એ આદિ શ્રુતિમાં બતાવેલા નિત્ય જીવાત્માઓના સ્વરૂપને તેમજ નિત્ય વૈરાટાદિ ઇશ્વરોના સ્વરૂપને યથાર્થ જાણે છે. અને પ્રત્યક્ષ જુએ છે પણ ખરા.૩૩

સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવા જ્ઞાની મુક્તપુરુષો સવિકલ્પ સમાધિને પામ્યા છે. એમ તમે જાણો.૩૪

બન્ને મતનું સત્યપણું સમજાવવા દૃષ્ટાંત :- હે વર્ણી ! જ્ઞાનીમુક્તો છે તે સર્વે નિત્ય સ્વસ્વરૂપે રહેલા જીવાત્માઓ તથા ઇશ્વરોને યથાર્થપણે સદાય નિહાળે છે. પરંતુ મહામુક્તો છે તે સર્વે નિત્ય હોવા છતાં પણ તેને નિહાળતા નથી. કેવળ એક ભગવાનને જ નિહાળે છે. તેથી જ શ્રુતિઓમાં આવા પ્રકારનું જુદું જુદું વર્ણન કરેલું છે. તે બન્ને બાબત સત્ય છે. તે તમને દૃષ્ટાંતથી સમજાવું છું. જેવી રીતે મેરુ પર્વત ઉપર ઊભેલા મનુષ્યો તે પર્વતથી નીચે રહેલા સર્વે નાના નાના પર્વતો, સર્વે વૃક્ષો, તેના આધારભૂત પૃથ્વીનું તળિયું એ સર્વેને અલગ અલગ જોઇ શકે છે. તેમજ ઉપર દૃષ્ટિ કરે તો સૂર્ય આદિક સર્વેને પણ અલગ અલગ જોઇ શકે છે.૩૫

તેવીજ રીતે સવિકલ્પ સમાધિવાળા જ્ઞાનીમુક્તો છે તે સર્વે જીવપ્રાણી માત્રને જોઇ શકે છે. વૈરાટાદિ ઇશ્વરોને પણ જોઇ શકે છે. બે પ્રકારની પ્રધાન અને મૂળમાયાને પણ જોઇ શકે છે. મૂળપુરુષને અને સર્વેનો આધાર એવા અક્ષરબ્રહ્મધામને પણ જોઇ શકે છે, અને પોતાના ઇષ્ટદેવ એવા પરમાત્મા ભગવાનને પણ જોઇ શકે છે. આ રીતે જ્ઞાનીમુક્તો સર્વેને અલગ અલગ જોઇ શકે છે.૩૬

અને જ્યારે મહામુક્તભાવને પામેલા યોગીપુરુષો આ રીતે જોઇ શકતા નથી. હે વર્ણી ! જેવી રીતે લોકાલોક પર્વત ઉપર ઊભેલા મનુષ્યો બહુ જ ઊંચે હોવાથી નીચે સમાનતળે દેખાતી કેવળ એક પૃથ્વીને જ જુએ છે. પરંતુ તે પૃથ્વી પર રહેલા સર્વે અલગ અલગ પર્વતો કે વૃક્ષોને જોઇ શકતા નથી.૩૭

એવી રીતે નિર્વિકલ્પ સમાધિના ભાવને પામેલા મહામુક્તો છે તે કેવળ એક ''બ્રહ્મ'' એવા શ્રીકૃષ્ણ ભગવાનને જ જુએ છે. પરંતુ વસ્તુગતે અલગ અલગ અસ્તિત્વ ધરાવતા જીવ ઇશ્વરાદિકને અલગપણે જોઇ શકતા નથી. કારણ કે તેની સ્થિતિ બહુજ ઊંચી છે.૩૮

હે વર્ણી ! આવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિને પામેલા મહામુક્તોમાં પણ શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના તારતમ્યતાના ભેદથી અર્થાત્ ન્યૂનાધિક ભાવના ભેદથી આ પૃથ્વી પર તે મહામુક્તોમાં પણ ત્રણ પ્રકારના ભેદ કહેલા છે.૩૯

પ્રથમકોટીના મહામુક્ત :- હે વર્ણીશ્રેષ્ઠ ! આલોકમાં જેવી રીતે સુષુપ્તિ અવસ્થામાં ચાલ્યા જતા જીવને બુદ્ધિ, ઇન્દ્રિય તેમજ મનનો લય થવાથી જે આનંદ અને ઉપશમ અવસ્થાનું સુખ વર્તે છે.૪૦

તેવી જ રીતે જે નિર્વિકલ્પ સમાધિ સ્થિતિના ભાવને પામેલા મહામુક્ત યોગીપુરુષને જાગ્રત સ્વપ્નમાં પણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિષે બુદ્ધિ, ઇન્દ્રિયો અને મન લય થઇ જતા હોવાથી, તેવું જ સુખ, આનંદ અને ઉપશમ અવસ્થાની સ્થિતિ રહે છે. તેને પ્રથમ કોટીના મહામુક્ત કહેલા છે.૪૧

દ્વિતીય મધ્યમ કોટીના મહામુક્ત :- હે વર્ણિશ્રેષ્ઠ ! જેવી રીતે રાત્રી પ્રલય નામની સુષુપ્તિ અવસ્થામાં ત્રિલોકીનો લય થઇ જવાથી આ બ્રહ્માંડાભિમાની વૈરાજપુરુષને જેટલું સુખ તથા ઉપશમની શાંતિ અનુભવાય છે.૪૨

તેવી જ રીતનું જે મહામુક્ત પુરુષને જાગ્રત અવસ્થાને વિષે પણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે બુદ્ધિ, ઇન્દ્રિય અને મનનો લય થઇ જવાથી તેટલું મહા સુખ તથા શાંતિ અનુભવાતી હોય તેને મધ્ય કોટિનો મુક્ત કહેલો છે.૪૩

તૃતીય ઉત્તમકોટીના મહામુક્ત :- હે વર્ણીશ્રેષ્ઠ ! જેવી રીતે પ્રાકૃત પ્રલયમાં મૂળપ્રકૃતિરૂપ મહામાયાને વિષે વિરાટ તેમજ તેમની ઉત્પત્તિના કારણભૂત ચોવીસ મહતત્ત્વાદિક તત્ત્વોએ યુક્ત પ્રધાનપ્રકૃતિનો લય થઇ જવાથી જેટલી પ્રધાનના અધિષ્ઠાતા પુરુષને સુખ અને શાંતિ વર્તે છે.૪૪

તેવી જ રીતે મહા મુક્તયોગી પુરુષને જાગ્રત અવસ્થાને વિષે પણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પોતાની બુદ્ધિ, ઇન્દ્રિય, અને મનનો લય થઇ રહેતો હોવાથી તેટલી સુખ અને શાંતિ વર્તે છે, તેને ઉત્તમપ્રકારનો મુક્ત કહેલો છે.૪૫

હે વર્ણી ! શ્રીકૃષ્ણ ભગવાન સંબંધી જે સુખ છે એ સુખ અન્ય સર્વ સુખો જેવાં કે સુષુપ્તિ આદિનાં સુખો તથા અક્ષરબ્રહ્મનાં સુખો થકી પણ અતિશય અધિક છે. એમ અનંત શ્રુતિઓમાં કહેલું છે. તે પ્રસિદ્ધ છે. આ રીતે પૂર્વોક્ત સુષુપ્તિ આદિ અવસ્થાનાં સુખ તો માત્ર અહીં દૃષ્ટાંતરૂપે જ કહેલાં છે.૪૬

હે વિપ્ર ! આ પ્રમાણે તે મહામુક્તોના ત્રણ પ્રકારના ભેદ છે. નિર્વિકલ્પ સમાધિના પ્રકારને જાણનારા અનુભવી પુરુષો તેને ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહે છે.૪૭

કેવળ એક શ્રીકૃષ્ણ ભગવાનના જ આકારવાળી બ્રહ્મમયદૃષ્ટિને પામેલા મહામુક્તો નિર્વિકલ્પ સ્થિતિના બળથી ઉન્મત્ત જેવી અવસ્થાને પામે છે. ત્યારે સ્વરૂપે વાસ્તવિક હોવા છતાં પણ જીવ, ઇશ્વર, માયા અને પુરુષાદિકને કલ્પિત મિથ્યા કહે છે. અને એ પ્રમાણે જાણે અને જુએ છે પણ ખરા. એમ તમે નક્કી જાણો.૪૮

હે વર્ણીન્દ્ર ! આ પ્રમાણે ''એકમેવાદ્વિતીયં બ્રહ્મ'' એ શ્રુતિમાં કહેલું બ્રહ્મનું એકત્વ અને અદ્વિતીયત્વ સત્ય છે. તથા ''નિત્યો નિત્યાનાં'' એ શ્રુતિમાં કહેલું જીવ, ઇશ્વરાદિકનું પૃથક્ત્વ પણ સત્ય છે. એમ તમે નક્કી જાણો. બન્ને પ્રકારની શ્રુતિના પ્રમાણથી મેં કહ્યું એ રીતે બન્ને મત સત્ય છે.૪૯

પરંતુ જે જ્ઞાની પુરુષો આવા પ્રકારની સ્થિતિ પામ્યા ન હોય છતાં કેવળ શાસ્ત્રના શબ્દમાત્રથી એક બ્રહ્મનું સત્યપણું અને જીવ ઇશ્વરાદિકનું મિથ્યાપણું જાણી પોતે બ્રહ્મભાવને ન પામ્યો હોવા છતાં પોતાને બ્રહ્મથી અભેદ જાણી શાસ્ત્રવિરૂદ્ધ યથેષ્ટ આચરણ કરે છે. તે પુરુષો અધોગતિને પામે છે.૫૦

હે વર્ણીન્દ્ર ! આવા પ્રકારના જ્ઞાની પુરુષોએ પોતે કરેલાં પાપ તથા પોતાના ઉપદેશથી શિષ્યોએ કરેલાં પાપના ફળને યમપુરીમાં ''એ ... મરી ગયા, બચાવો બચાવો'' આ પ્રમાણે આર્તનાદ કરી કરીને ભોગવે છે.૫૧

હે વિપ્ર ! જ્યાં શાસ્ત્રમાં એક જગ્યાએ બે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો હોય જેમ કે, ''બ્રહ્મૈવસન્બ્રહ્માપ્યેતિ'' ત્યાં પ્રથમ બ્રહ્મ શબ્દથી ભગવાનના અધો ઊર્ધ્વ પ્રમાણે રહિત અક્ષરધામનો વાચક જાણવો.૫૨

અને બીજો બ્રહ્મ શબ્દ તો સર્વ કારણના કારણ અક્ષરબ્રહ્મ થકી પણ પર સદાય દિવ્યમૂર્તિધારી સાક્ષાત્ શ્રીવાસુદેવનારાયણ પુરુષોત્તમ વાચક જાણવો.૫૩

હે વર્ણીન્દ્ર ! ''નિત્યો નિત્યાનામ્'' એ આદિક શ્રુતિઓએ પ્રતિપાદન કરેલો જીવ, ઇશ્વર, બ્રહ્મ અને સાક્ષાત્ શ્રીહરિના સ્વરૂપનો વાસ્તવિક સ્વસ્વરૂપથી પરસ્પરનો ભેદ પૂર્ણ સત્ય છે.૫૪

હે સદ્બુદ્ધિવાળા વર્ણી ! શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાથી બ્રહ્મભાવને પામેલો મુક્તપુરુષ પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને પામે છે. અર્થાત્ સેવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હોવાથી તેમની સેવામાં રહે છે. આ શ્રુતિ પણ બ્રહ્મજ્ઞાનીઓને સેવવા યોગ્ય એક પરબ્રહ્મ જ છે એમ સ્પષ્ટ કહે છે.૫૫

હે વર્ણીન્દ્ર ! ''યઃ આત્મનિ તિષ્ઠન્'' ઇત્યાદિ તથા ''યસ્યાત્મા શરીરમ્'' ઇત્યાદિ તથા ''યસ્યાક્ષરં શરીરમ્'' ઇત્યાદિ શ્રુતિઓમાં જે પરમાત્માનો આ આત્મા પરતંત્ર હોવાથી શરીર છે છતાં એ આત્મા પરમાત્માને જાણતો નથી. તથા જે પરમાત્મા આત્માને વિષે અંતર્યામી સ્વરૂપે વિરાજી આત્માનું નિયમન કરે છે. તે આત્માને પોતપોતાનાં કર્મ પ્રમાણે તેનું ફળ આપી તે કર્મફળ ભોગવે છે. તે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન અમૃત સ્વરૂપ છે.૫૬

તેનું જે અક્ષરબ્રહ્મ છે તે શરીર છે. છતાં અક્ષરબ્રહ્મ તેને જાણતા નથી. પરમાત્મા અક્ષરબ્રહ્મનું અંતર્યામીપણે તેનામાં રહી તેનું નિયમન કરે છે. તે પરમાત્મા સદાય અમૃતસ્વરૂપ, આનંદસ્વરૂપ છે.૫૭

આ પ્રમાણેનો અર્થ બોધ કરાવનારી શ્રુતિઓનો સમુદાય બ્રહ્મ શબ્દવાચી અક્ષરને પણ અન્ય બ્રહ્મ શબ્દવાચી પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું શરીર કહે છે. તેમજ પરમાત્માથી તેનું ભિન્ન સ્વરૂપે સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે.૫૮

હે વર્ણીન્દ્ર ! જો અક્ષરબ્રહ્મનું પણ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનની સાથે સામ્યપણું ન હોય તો પુરુષાદિ ઇશ્વરોનું તો શ્રીકૃષ્ણ સ્વરૂપે વર્ણન કેવી રીતે કરી શકાય ? તેમાં પણ જીવાત્માઓને તો શ્રીકૃષ્ણ સ્વરૂપે તો કહી જ ક્યાંથી શકાય ? કારણ કે શ્રુતિ પણ ના પાડે છે કે, ''ન તત્સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે''૫૯

માટે જે મુમુક્ષુ હોય તેતો મેં કહેલા અર્થ પ્રમાણે સંશય રહિત થઇને ભગવાન શ્રીહરિનું ભજન કરે છે તે અંતે મુક્ત થાય છે. અને મેં કહ્યું તેવા અર્થમાં સંશયવાળા થઇ ભમે છે તે જન્મ મરણરૂપ સંસૃતિમાં ભમ્યા કરે છે.૬૦

હે વર્ણીન્દ્ર ! મેં આ જે અર્થ કહ્યો તે સિદ્ધાંતનો નિર્ણય શ્રીમદ્ રામાનુજાચાર્યના મહાભાષ્યમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલો છે. તેને મેં સંક્ષેપથી કહેલો છે.૬૧

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલા શ્રુતિઓના સિદ્ધાંતને સાંભળીને અખંડાનંદ વર્ણી તથા મુક્તાનંદ સ્વામી આદિ સંતો અતિશય નિઃસંશયી થયા ને ભગવાન શ્રીહરિને વંદન કર્યા.૬૨

પછી દયાનિધિ ભગવાન શ્રીહરિએ પોતાના સમગ્ર સંતો, ભક્તોને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા આપી અને સ્વયં પણ પોતાના ઉતારે પધાર્યા.૬૩

હે રાજન્ ! આ રીતે શ્રીહરિ તે પંચાળા ગામમાં પોતાના વાણી વિલાસથી પ્રતિદિન ભક્તજનોને આનંદ આપતા હેમંતસિંહ રાજાનો મનોરથ પૂર્ણ કરતા ત્યાં જ નિવાસ કરીને રહ્યા.૬૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પંચાળા ગામે ભગવાન શ્રીહરિએ દ્વૈતાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓના અર્થનું નિરૂપણ કર્યું એ નામે એકવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૧--