અધ્યાય - ૧૯ - ભગવાન શ્રીહરિએ કહેલો ચાંદ્રાયણવ્રતનો વિધિ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 8:05pm

અધ્યાય - ૧૯ - ભગવાન શ્રીહરિએ કહેલો ચાંદ્રાયણવ્રતનો વિધિ.

શ્રીનારાયણમુનિ કહે છે, હે શુકમુનિ ! હવે તમને હું ચાંદ્રાયણવ્રતનો વિધિ કહું છું. વિષ્ણુપુરાણ આદિક પુરાણોને વિષે આ ચાંદ્રાયણવ્રતને પાપશુદ્ધિનું વ્રત કહેલું છે.૧

આ વ્રત કરનારા પુરુષે સ્થિર મનવાળા થઇ પોષસુદ ચૌદશના દિવસથી સર્વ પ્રકારના પાપને બાળી નાખનારું આ વ્રત એક મહિના માટે ગ્રહણ કરવું.૨

વ્રત કરનાર મનુષ્યે પ્રતિદિન પૃથ્વી પર જ શયન કરવું. પોતાને યોગ્ય બ્રહ્મચર્યવ્રતનું પાલન અવશ્ય કરવું. દિવસમાં ત્રિકાળ સ્નાન કરવું. લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી. ઘરમાં ઘીનો અખંડ દીવો પ્રજવલિત રાખવો.૩

હે મુનિ ! સર્વ પ્રકારના પાપની શાંતિને માટે ઘીથી અગ્નિનું તર્પણ કરવું. ભોજનમાં ચરુનું અન્ન, ભિક્ષાનું અન્ન, સાથવો, કણ, જવ, શાક, દૂધ, દહીં, ઘી, ફળ, મૂળ, જળ અથવા હોમ કરતાં બાકી રહેલું અન્ન આદરપૂર્વક જમવું. તેમાં જવમધ્ય ચાંદ્રાયણ અને પિપીલિકામધ્ય ચાંદ્રાયણ એમ બે પ્રકારનાં ચાંદ્રાયણ છે તેમાં પ્રથમ પિપીલિકામધ્ય ચાંદ્રાયણનો પ્રકાર કહું છું.૪-૫

પોષમાસની પૂર્ણિમાના દિવસે મોટા આમળાના ફળ જેટલા પંદર કોળિયાનું ભક્ષણ કરવું, અને ત્યાર પછી દિવસે દિવસે એક એક કોળિયો ઓછો કરતાં જવું. જેમ કે પડવાના દિવસે ચૌદ, બીજના દિવસે તેર, ત્રીજના દિવસે બાર, એમ કરતાં વદપક્ષમાં એકસોને વીસ કોળિયા થાય, તેમ કરવું. પછી અમાવાસ્યાના દિવસે વ્રત કરનાર ત્રણે વર્ણના મનુષ્યોએ ઉપવાસ કરવો.૬-૭

વળી સુદ પક્ષથી આરંભીને ચંદ્રમાની કળા જેમ વધે તેમ એક કોળિયાથી આગળ વધતાં પુનઃ એકસોને વીસ કોળિયા થાય તેમ ભોજન ગ્રહણ કરવું.૮

હે મુનિ ! તેમાં પ્રથમ કોળિયો આરોગતી વખતે ''ૐ નમઃ સ્વાહા'' એમ મંત્રનો જપ કરવો, બીજા કોળિયે ''ૐ ભૂર્ નમઃ સ્વાહા'' ત્રીજા કોળિયે ''ૐ ભુવો નમઃ સ્વાહા'' ચોથા કોળિયે ''ૐ સ્વઃ નમઃ સ્વાહા'' પાંચમા કોળિયે ''ૐ મહઃ નમઃ સ્વાહા'' છઠ્ઠા કોળિયે ''ૐ જનઃ નમઃ સ્વાહા'' સાતમા કોળિયે ''ૐ તપઃ નમઃ સ્વાહા'' આઠમા કોળિયે ''ૐ સત્યં નમઃ સ્વાહા'' નવમા કોળિયે ''ૐ ઉર્જે નમઃ સ્વાહા'' દશમા કોળિયે ''ૐ ઇટ્ નમઃ સ્વાહા'' અગિયારમા કોળિયે ''ૐ ઓજઃ નમઃ સ્વાહા'' બારમા કોળિયે ''ૐ તેજઃ નમઃ સ્વાહા'' તેરમા કોળિયે ''ૐ પુરુષ નમઃ સ્વાહા'' ચૌદમા કોળિયે ''ૐ ધર્મઃ નમઃ સ્વાહા'' પંદરમા કોળિયે ''ૐ શિવઃ નમઃ સ્વાહા'' આ પ્રમાણે દરેક કોળિયે મંત્રનો જપ કરવો.૯-૧૨

હે મુનિ ! આ રીતે સ્વાહાકાર અને નમસ્કાર યુક્ત ૐકારાદિ મંત્રોથી અલગ અલગ કોળિયાને અભિમંત્રિત કરીને દિવસની સંખ્યાના ક્રમથી ભોજન કરવું.૧૩

અને જ્યારે ચાંદ્રાયણવ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણોને ગાય અને બળદનું દાન કરવું. આવી રીતનું એક ચાંદ્રાયણ વ્રત કરવાથી સર્વ પ્રકારના પાપોનો ક્ષય થાય છે.૧૪

હે મુનિ ! આ વ્રત ઉદ્યાપનના વિધિએ સહિત કરવું. તેમ કરવાથી આલોકમાં ધન, આરોગ્ય, સુખ અને સૌભાગ્ય યુક્ત સંપત્તિ પ્રાપ્ત થાય છે.૧૫

શરીર છોડયા પછી પરલોકમાં ઇંદ્રના ભવનમાં નિવાસ પ્રાપ્ત થાય છે. અને જો આ ચાંદ્રાયણવ્રત કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે તો ગોલોકાદિક ભગવદ્ધામની પ્રાપ્તિ થાય છે.૧૬

હે મુનિ ! આ પ્રમાણે મેં તમને ચાંદ્રાયણવ્રતનો વિધિ કહ્યો. આ વ્રત ઘણા ભાગે પ્રાયશ્ચિતના વ્રતોમાં મુખ્યપણે મનાયેલું છે.૧૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિનાં અમૃતની સમાન વચનો સાંભળી શુકાનંદ સ્વામી તેમજ સભામાં બેઠેલા સર્વે સંતો તથા ભક્તજનો અતિશય પ્રસન્ન થયા અને ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૧૮

હે રાજન્ ! ત્યારપછી પ્રભાત સમયે ભગવાન શ્રીહરિએ તલમિશ્રિત ઠંડાજળથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે સ્નાન કર્યું ને તલભરેલા પાત્રનું અને સુવર્ણનું બ્રાહ્મણોને દાન કર્યું.૧૯

એક હજાર ધાબળાઓ, એકહજાર રૂની ભરેલી ડગલીઓ અને એકહજાર અંગરખાઓ બ્રાહ્મણોને દાનમાં આપ્યાં. પછી શ્રીહરિએ અનેક બ્રાહ્મણોને ઇચ્છિત ભોજન જમાડી તૃપ્ત કર્યા. તેમજ સર્વેને ખૂબજ દક્ષિણાઓ આપી.૨૧

ત્યારપછી ધર્મપુત્ર શ્રીહરિએ સર્વ સંતોને ઇચ્છિત અન્ન જમાડી તૃપ્ત કર્યા ને સ્વયં પણ પોતાના ભાઇ ઇચ્છારામને ઘેર પધારી ભોજન ગ્રહણ કર્યું. રાત્રીએ સભામાં વિરાજમાન થઇ પોતાને અતિશય પ્રિય એવા ઋષભદેવ ભગવાને શ્રીમદ્ભાગવતના પંચમ સ્કંધમાં પાંચમા અધ્યાયમાં કહેલા શિક્ષાનાં વચનોનો પોતાના ભક્તજનો પ્રત્યે ઉપદેશ કર્યો.૨૨

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં નાગડકાપુરે ભગવાન શ્રીહરિએ ચાંદ્રાયણવ્રતનો વિધિ કહ્યો એ નામે ઓગણીસમો અધ્યાય પૂર્ણ થયો. --૧૯--