અધ્યાય - ૭ - ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવત પુસ્તકના દાનનો વિધિ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:42pm

અધ્યાય - ૭ - ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવત પુસ્તકના દાનનો વિધિ.

ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવત પુસ્તકના દાનનો વિધિ. ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણનો વિધિ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ઉત્તમભૂપતિ ! હવે તમને હું શ્રીમદ્ ભાગવતના દાનનો વિધિ કહું છું તે વિધિ પ્રમાણે દાન કરનાર મનુષ્યને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.૧

ભાગવતનું દાન આપવા માટેનો ભાદરવા મહિનાની પૂનમનો સમય મુખ્ય કહેલો છે. અથવા દરેક પૂર્ણિમાઓ કે વ્રત તથા ઉત્સવોના દિવસો પણ તેમાં ઉત્તમ કહેલા છે.૨

હે રાજન્ ! શ્રીમદ્ ભાગવત પુરાણનું દાન આપવાના સમયે પ્રથમ મજબૂત કાગળમાં પરસ્પર પંક્તિઓનું મિશ્રણ ન થાય તે રીતે સ્પષ્ટ અક્ષરોમાં તેમનું લેખન કરાવવું. તત્કાળ લખાવાયેલ નૂતન શ્રીમદ્ ભાગવત પુસ્તકનું સંશોધન કરાવીને કાષ્ટના પાટિયાની વચ્ચે નૂતન વસ્ત્રથી મજબૂત રીતે બાંધી બાજોઠ પર સ્થાપન કરવું. હવે એ શ્રીમદ્ ભાગવતનું લક્ષણ તમને કહું છું.૪

હે રાજન્ ! પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરતાં ''જન્માદ્યસ્યયતઃ'' ઇત્યાદિ વેદાંતસૂત્રોથી તેમજ ''ધીમહિ'' આ પ્રમાણેના ગાયત્રી મંત્રના પદથી જે શાસ્ત્રનો પ્રારંભ થતો હોય તેને જ શ્રીમદ્ ભાગવતશાસ્ત્ર જાણવું.૫

જેમાં વૃત્રાસુરવધની કથા વિસ્તારે સહિત વર્ણન કરેલી હોય, તેમજ શુકદેવજીએ જેમનું ગાન કરેલું હોય, તેને જ શ્રીમદ્ ભાગવતશાસ્ત્ર જાણવું.૬

જેના અઢાર હજાર શ્લોકો હોય, જેમાં બ્રાહ્મકલ્પ, શ્વેતવરાહકલ્પ અને પાદ્મકલ્પની સત્ય કથાઓનું વર્ણન કરેલું હોય.૭

જે આદિ, મધ્યે અને અંતે વૈરાગ્યસભર આખ્યાનોથી ભરપૂર હોય, વળી જેમાં વર્ણન કરેલાં શ્રીકૃષ્ણ ભગવાનનાં લીલાચરિત્રોના સમૂહરૂપ અમૃતનું પાન કરવાથી સંતો તથા દેવતાઓ અતિશય આનંદ પ્રાપ્ત કરતા હોય.૮

આવા ભગવાન શ્રીવાસુદેવ પરાયણ ભાગવત પુસ્તકને દાન આપવાના સમયે પ્રથમ સુવર્ણના રમણીય સિંહાસન પર સ્થાપન કરવું.૯

હે રાજન્ ! પૂર્વે પરીક્ષિત રાજાએ પણ શ્રીમદ્ ભાગવત ગ્રંથને સ્થાપન કરવા માટે અનેક પ્રકારનાં રત્નો જડિત સુવર્ણનું બહુ મૂલ્યવાળું મોટું સિંહાસન શિલ્પીઓ દ્વારા તૈયાર કરાવ્યું હતું.૧૦

એ સિંહાસન ઉપર શ્રીમદ્ ભાગવત પુસ્તકનું સ્થાપન કરી શ્રીશુકદેવજી મહારાજે તેમની કથાનું વાંચન કર્યું, તેનું શ્રવણ કરી સાતમે દિવસે પરીક્ષિત રાજા ધામમાં ગયા.૧૧

તે પહેલાં, નિર્લોભી અને નિઃસ્પૃહી શુકદેવજીએ ત્યાંથી વિદાય લીધી. પછીથી પરીક્ષિત રાજાએ એ સુવર્ણના સિંહાસન ઉપર પધરાવેલાં શ્રીમદ્ ભાગવત પુસ્તકનું પૂજન કર્યું. અને તેનું કૃપાચાર્યને દાન કર્યા પછી સુવર્ણના સિંહાસને સહિત કૃપાચાર્યને એકલાખ સોનામહોરોનું દાન આપ્યું. પછી પરીક્ષિત રાજા વૈકુંઠધામ સીધાવ્યા ને શુકદેવજીએ કહેલા શ્રીમદ્ ભાગવતના મહિમાના સંપૂર્ણ ફળને પામ્યા.૧૩

હે ઉત્તમ રાજા ! ઉપરોક્ત પરીક્ષિત રાજાના કરવા પ્રમાણે કોઇ સમર્થ પુરુષો હોય તેમણે પણ ધનનો લોભ નહીં કરીને પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણનું રમણીય સિંહાસન તૈયાર કરાવવું.૧૪

અલ્પ ધનવાળા મનુષ્યોએ તો ત્રણ પલ- બારતોલાં સુવર્ણમાંથી એક પત્ર તૈયાર કરાવી તેના પર શ્રીમદ્ભાગવત ગ્રંથની સ્થાપના કરવી.૧૫

અને તેનાથી પણ ઓછા ધનવાળા મનુષ્યોએ તો તોલા જેટલા સોનામાંથી તૈયાર કરેલા પત્ર ઉપર સિંહનું ચિત્ર તૈયાર કરાવી તેમના પર પુસ્તકની સ્થાપના કરવી.૧૬

હે રાજન્ ! ત્યાર પછી ઉદાર બુદ્ધિવાળા દાતા પુરુષે ગીત વાજિંત્રોનું ગાન કરાવી પૂર્વોક્ત ચોથા અધ્યાયમાં કહેલા મંત્રોના ઉચ્ચારણ સહ યથાસમયે પ્રાપ્ત થયેલા ઉપચારોથી તેનું પૂજન કરવું.૧૭

ત્યારપછી દાન કરનારા પુરુષે શ્રીમદ્ ભાગવતને વિષે અત્યંત પ્રેમ ધરાવતા જીતેન્દ્રિય એવા એ દાન ગ્રહણ કરનારા બ્રાહ્મણની પૂજા કરવી.૧૮

પૂજામાં રેશમીવસ્ત્ર, સુવર્ણ અને મોતીઓનાં આભૂષણ, ચંદન, પુષ્પોના હાર અર્પણ કરી તેનું પૂજન કરી દાતાએ તે બ્રાહ્મણને નમસ્કાર કરવા.૧૯

દાન આપતી વખતે દાતાએ પૂર્વમુખે બેસવું અને પુસ્તકનું દાન ગ્રહણ કરનાર વિપ્રે ઉત્તરમુખે બેસવું. ત્યારપછી દેશ-કાળાદિકનું સ્મરણ કરી સંકલ્પનું જળ મૂકી આ કહ્યું એ મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં દાતાએ પુસ્તકનું દાન કરવું.૨૦

મંત્રોનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવું કે, અનેક જન્મોથી ઉદ્ભવ પામેલાં અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં અંતરાય કરતાં મારાં સમગ્ર પાપો આ દાન કરવાથી નાશ પામો.૨૧

હે વિપ્રવર્ય ! તમને આ વેદ તુલ્ય દિવ્ય શ્રીમદ્ ભાગવત પુરાણનું દાન કરું છું. તેનાથી શ્રીવાસુદેવ ભગવાન મારા ઉપર સદાય પ્રસન્ન રહો.૨૨

આ દાનના પ્રભાવથી મારા મનને શ્રીકૃષ્ણ ભગવાનનો વિયોગ ન થાઓ. તેમજ તેમના સંતોનો પણ વિયોગ ન થાઓ. તથા આ દાન આપવાથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ મારા ઇચ્છિત મનોરથને પૂર્ણ કરનારા થાઓ.૨૩

હે રાજન્ ! આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરી શ્રીમદ્ભાગવતનું દાન કરવું અને ઉપરાંત સો સોનામહોરો અથવા રૂપામહોરોની શક્તિ અનુસાર દક્ષિણા આપવી.૨૪

શક્તિના અભાવે અઢાર રૂપામહોરોની દક્ષિણા આપવી ને બ્રાહ્મણોને ભોજન કરાવવું.૨૫

હે રાજન્ ! જે પુરુષો આ વિધિ પ્રમાણે શ્રીમદ્ભાગવતનું દાન કરે છે. તે અતિશય પ્રકાશમાન દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠધામને પામે છે.૨૬

તેમજ ત્યાં મનોવાંછિત સર્વે દિવ્ય ભોગોને પ્રાપ્ત કરે છે. ત્યાં શ્રીમદ્ ભાગવતનું દાન આપનાર દાતાને શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી કાંઇ અપ્રાપ્ય રહેતું નથી.૨૭

હે રાજન્ ! આ શ્રીમદ્ભાગવતના પુસ્તકનું દાન કરવાથી અપુત્રવાળાને પુત્રની પ્રાપ્તિ થાય છે. નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે અને વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ થાય છે.૨૮

હે રાજન્ ! આ પ્રમાણે મેં તમને શાસ્ત્રોમાં કહેલો શ્રીમદ્ ભાગવત શાસ્ત્રના દાનનો વિધિ યથાર્થ કહ્યો. તેને અનુસારે જે પુરુષો ભાગવતનું દાન કરશે, તેને આલોક તથા પરલોકમાં કોઇ ઇચ્છાઓ દુર્લભ રહેશે નહિ.૨૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ભાગવત પુસ્તકના દાનવિધિનું નિરૂપણ કર્યું એ નામે સાતમો અધ્યાય પૂર્ણ થયો. --૭--