અધ્યાય - ૪૩ - કાર્તિક માસમાં વિશેષ પાલન કરવાનાં વ્રતોનું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:05am

અધ્યાય - ૪૩ - કાર્તિક માસમાં વિશેષ પાલન કરવાનાં વ્રતોનું નિરૂપણ.

કાર્તિક માસમાં વિશેષ પાલન કરવાનાં વ્રતોનું નિરૃપણ. વ્રતીએ પાળવાના નિયમો. ગ્રહણ કરવા છતાં વ્રતનો ભંગ ન થાય તેવાં પદાર્થો. આમળાંનો મહિમા.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ઉપરોક્ત ભગવાન શ્રીનારાયણમુનિનું વચન સાંભળી વડનગર નિવાસી ભક્તજનો તેમને નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! ચાતુર્માસના ચાર મહિના સુધી તમે જે કહ્યા તે વ્રત ઉપવાસ આદિ નિયમોનું પાલન કરવા જે મનુષ્ય સમર્થ ન હોય તેમણે શું કરવું ? તે અમને સંભળાવો.૧-૨

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! જે મનુષ્યો ચાર માસ સુધી તપ આદિ વ્રતો કરવા સમર્થ ન હોય તેમણે પ્રેમથી પવિત્ર કાર્તિકીવ્રત કરવું.૩

કાર્તિકમાસમાં પ્રતિદિન પ્રાતઃકાળે તારા નક્ષત્રોનું દર્શન થતું હોય તેવા પ્રભાતના સમયમાં પવિત્ર નદી, તળાવ આદિકમાં સ્નાન કરવું, તેમજ પોતાની શક્તિને અનુસારે કાર્તિકી કૃચ્છ્રવ્રત કરવું.૪

આ કાર્તિકીવ્રત આસો સુદિ પૂર્ણિમાથી કાર્તિક સુદિ પૂર્ણિમા સુધીનું એક માસનું વ્રત હોય છે. તેમાં ''માસોપવાસ વ્રત'' એટલે એક મહિના સુધી ભક્તિભાવની સાથે ઉપવાસ કરવા અથવા ચાંદ્રાયણવ્રત કરવું.૫

હે ભક્તજનો ! અન્ય કૃચ્છ્ર વ્રતો છે તે પણ હું તમને સંક્ષેપમાં સંભળાવું છું. તેમાંથી કોઇ પણ એક વ્રત કાર્તિકમાસમાં પોતાની શક્તિને અનુસારે અવશ્ય કરવું.૬

જલકૃચ્છ્રવ્રત :-- કાર્તિક સુદ ચૌદસની તિથિએ પાણી મધ્યે ઊભા રહી માત્ર વાયુનું પાન કરતાંકરતાં વ્રત કરનાર પુરુષે ઉપવાસ કરવો. આ જળકૃચ્છ્ર વ્રત કહેલું છે. જળમાં ઊભા રહેવું તે પણ પોતાની શક્તિને અનુસારે પ્રાતઃકાળથી આરંભીને મધ્યાહ્મ સુધી કે સૂર્યાસ્ત સુધી ઊભા રહેવું.૭

હરિકૃચ્છ્ર વ્રત :-- કાર્તિક સુદ દશમની તિથિએ ગોમૂત્ર, ગોમય, ગોઘૃત, ગોદધિ અને ગોદુગ્ધ આ પંચગવ્યનું ભક્ષણ કરી પ્રબોધની એકાદશીએ ભગવાન શ્રીવિષ્ણુની મહાપૂજા કરી ઉપવાસ કરવો, આ વ્રતને હરિકૃચ્છ્રવ્રત કહેલું છે. (તેમાં પંચગવ્ય કેટલી માત્રામાં લેવું તે પાંચમા પ્રકરણ થકી જાણી લેવું).૮

પિતામહકૃચ્છ્ર વ્રત :-- કાર્તિક સુદ સાતમથી આરંભીને દશમી તિથિ સુધી અનુક્રમે જળ, દૂધ, દહીં, તથા ઘી પાન કરી પ્રબોધની એકાદશીએ ઉપવાસ કરવો. આ પંચદિનાત્મક વ્રતને પિતામહકૃચ્છ્ર વ્રત કહેલું છે.૯

મહેન્દ્ર કૃચ્છ્ર વ્રત :-- છઠ્ઠની તિથિથી આરંભીને ત્રણ દિવસ પર્યંત માત્ર દૂધનું પાન કરવું અને નવમીથી માંડી પ્રબોધની એકાદશી સુધી સામટા ત્રણ ઉપવાસ કરવા આ છ દિવસનું શ્રેષ્ઠ મહેન્દ્ર કૃચ્છ્રવ્રત કહેલું છે.૧૦

વિષ્ણુ કૃચ્છ્ર વ્રત :-- ત્રણ દિવસ પર્યંત સામો નિવાર આદિ મુનિ અન્નનું ભક્ષણ કરવું, ત્યાર પછી ત્રણ દિવસ જવનો સાથવો જમવો અને ત્રણ દિવસ ઉપવાસ કરવા આ નવ દિવસનું વિષ્ણુ કૃચ્છ્ર વ્રત કહેલું છે.૧૧

ભાસ્કર કૃચ્છ્ર વ્રત :-- પડવાથી આરંભીને પાંચ દિવસ પર્યંત દૂધપાન કરવું અને પછીના પાંચ દિવસ દહીંનું પાન કરવું અને અગિયારમે દિવસે એકાદશીનો ઉપવાસ કરવો. આ દશ દિવસનું ભાસ્કર કૃચ્છ્ર વ્રત કહેલું છે.૧૨

સપ્તર્ષિ કૃચ્છ્રવ્રત :-- સુદ પાંચમની તિથિથી આરંભી સાત દિવસ સુધી અનુક્રમે જવની રાબ, જવનો સાથવો, શાક, દહીં, દૂધ, ઘી અને છેલ્લે માત્ર જળનું પાન કરવું તે સાત દિવસનું સપ્તર્ષિ કૃચ્છ્ર વ્રત કહેલું છે.૧૩

અગ્નિ કૃચ્છ્ર વ્રત :-- પડવાથી આરંભી પંચમી તિથિ સુધી અનુક્રમે ખાખરાનાં પાંદડાં, બિલિપત્ર, દર્ભ, કમળપત્ર તથા ઉદંબરાનાં પત્રો નાખી ઉકાળેલું દૂધ અથવા જળનું પાન કરવું અને છઠ્ઠને દિવસે ઉપવાસ કરવો તે અગ્નિ કૃચ્છ્ર વ્રત કહેલું છે.૧૪

લક્ષ્મી કૃચ્છ્ર વ્રત :-- સપ્તમી તિથિથી આરંભીને અનુક્રમે દૂધ, બિલિપત્ર, કમળફળ, તથા કમળની દાંડીનું ભક્ષણ કરી એકાદશીએ ઉપવાસ કરવો તેને લક્ષ્મી કૃચ્છ્ર વ્રત કહેલું છે.૧૫

પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત :-- પહેલા ત્રણ દિવસ માત્ર પ્રાતઃકાળે જમવું, પછીના ત્રણ દિવસ સાયંકાળે જમવું અને પછીના ત્રણ દિવસ માગ્યાવિના મળે તે જમવું અને છેલા ત્રણ દિવસ ઉપવાસ કરવા આ બાર દિવસનું પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત કહેલું છે.૧૬

પારાક કૃચ્છ્ર વ્રત :-- બાર દિવસ પર્યંત સળંગ ઉપવાસ કરવા તેને પારાક કૃચ્છ્ર વ્રત કહેલું છે. હે ભક્તજનો ! ભગવાન શ્રીકૃષ્ણની નવધા ભક્તિએ સહિત અનુષ્ઠાન કરાયેલાં આ ઉપરોક્ત કૃચ્છ્ર વ્રતો પૂર્ણ ફળને આપનારાં થાય છે.૧૭

વ્રતીએ પાળવાના નિયમો :-- હે ભક્તજનો ! આ સર્વે કૃચ્છ્રવ્રતો સમગ્ર પાપનું નિવારણ કરનારાં છે. એટલા જ માટે ભગવાનના ભક્તોએ તેમનું હમેશાં અનુષ્ઠાન કરવું, તેમાં પણ કાર્તિક મહિનામાં વિશેષપણે કરવું.૧૮ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી વિગેરે જે કોઇ જનો આ કૃચ્છ્રવ્રતોનું અનુષ્ઠાન કરે છે તે શરીરના અંતેઅવિનાશી વૈષ્ણપદને પામે છે.૧૯

પૂર્વોક્ત કૃચ્છ્રવ્રતોનું અનુષ્ઠાન કરનાર મનુષ્યે વાણી, મન, નેત્રાદિ ઇંદ્રિયોને વશ કરી સ્નાન કરી બહાર અંદર શુદ્ધ થઇ ધોયેલાં પવિત્ર વસ્ત્રો ધારણ કરી પ્રતિદિન ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી.૨૦

વળી તે વ્રત કરનારને કાયા, મન અને વાણીથી અન્યને પીડા કરવા રૂપ અહિંસા ધર્મનું પાલન કરવું. યથાશક્તિ સત્પાત્રમાં દાન કરવું, ભગવાનના નામમંત્રનો જપ કરવો, અધિકારને અનુસારે અગ્નિમાં હોમ કરવો, ક્ષમા, સત્ય અને દયા આદિ ગુણોથી યુક્ત થવું અને બ્રહ્મચર્યવ્રતનું નિરંતર પાલન કરવું.૨૧

તેમજ તે કૃચ્છ્રવ્રત કરનાર મનુષ્યે વ્રતને અનુકુળ દૂધ આદિ પદાર્થો બ્રાહ્મણે અર્પણ કરેલાં હોય તેનું જ ભક્ષણ કરવું. પરંતુ પોતાને મન ફાવે તેમ સ્વીકારીને જમી ન લેવું. તેમજ વધારે પણ ન જમવું.૨૨

ગ્રહણ કરવા છતાં વ્રતનો ભંગ ન થાય તેવાં પદાર્થો :-- હે ભક્તજનો ! ઉપરોક્ત કહેલાં કૃચ્છ્રવ્રતોને કરનાર પુરુષ જો ભૂખના દુઃખથી અતિશય પીડા પામે, મૂર્છિત થઇ જાય તો તેને બ્રાહ્મણે અમૃત તુલ્ય ગાયનું દૂધ પાન કરાવવું. તેમાં શરબતવાળું પાણી, કંદમૂળ, ફળ, દૂધ અને ઘી સભાસદ બ્રાહ્મણોની અનુમતિ, ગુરુનું વચન અને ઔષધી આ આઠના સેવનથી વ્રતનો ભંગ થતો નથી.૨૩-૨૪

કાર્તિકમાસમાં મનુષ્યે પ્રતિદિન ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરીને પૂર્વે કહેલા વિધિ પ્રમાણે કૃચ્છ્રવ્રતો કરવાં. આ પ્રમાણે બ્રહ્માજીએ નારદજીને બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેલું છે.૨૫

જે મનુષ્ય કાર્તિકમાસમાં કરવાનાં કહેલાં કૃચ્છ્રવ્રતો કરવા સમર્થ ન હોય તેવા પુરુષે બીજાં વ્રતો પણ નિયમપૂર્વક પોતાની શક્તિને અનુસારે કરવાં.૨૬

વ્રત દરમ્યાન પલંગ તથા ખાટલા ઉપર શયન ન કરવું, પંડોળાનાં ફળ, મૂળા, મધ, રીંગણા, કાળીંગડાં (તરબૂચ ન સમજવું) તથા બહુબીજવાળાં ફળોનું ભક્ષણ નહીં કરવાના નિયમ ગ્રહણ કરવાં. સર્વેમાંથી કોઇ એકના ત્યાગનું નિયમ પણ લઇ શકાય છે.૨૭

હે ભક્તજનો ! વ્રત કરનાર સર્વે કોઇ પ્રાતઃકાળે સ્નાનવિધિ કરી, આસન ઉપર બેસી પોતાની શક્તિને અનુસારે ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું, તેમજ માનસીપૂજા પણ પ્રતિદિન નિયમપૂર્વક કરવી.૨૮

એક વખત જમવાનું વ્રત, મીઠા (નમક) વગરનું ભોજન જમવાનું વ્રત, માગ્યાવિના મળે તે જમવાનું વ્રત, ફળ માત્ર નહિ જમવાનું વ્રત, રાંધ્યા વિનાનું જમવાનું વ્રત, શાકમાત્ર નહિ જમવાનું વ્રત, છ રસોનું ત્યાગ કરવાનું વ્રત, પાનબીડાં નહીં જમવાનું વ્રત, અંગે તેલમર્દન નહિ કરવાનું વ્રત. દૂધ, દહીં, સાકર, ગોળ, ઘી તથા તેલનું ભક્ષણ ન કરવું. આ વ્રત પણ લઇ શકાય છે.૨૯-૩૦

હે ભક્તજનો ! ભૂમિપર પાથર્યા વિના જ શયન કરવું. ભૂમિ પર જ ભોજન કરવું, માસ પર્યંત મૌન રહેવું, ભોજન વખતે મૌન રહેવું, કેવળ શિલા ઉપર સૂઇ જવું, સૂર્યોદય પહેલાં તીર્થમાં જઇને જ સ્નાન કરવું, ગાયને ચારો નાખવો, સાધુ બ્રાહ્મણને જમાડવા, દેવતાઓનું પૂજન કરવું, પત્રાવલીમાં જ ભોજન કરવું. તપેલીમાં રાંધેલ અન્નને નહિ જમવું. ઇત્યાદિ વ્રતો પણ લઇ શકાય છે.૩૧-૩૨

પ્રતિદિન અન્નદાન કરવું, ગોદાન કરવું, સુવર્ણદાન કરવું, તલનું દાન અને દીપનુંદાન કરવું આવાં પણ ઘણાંક વ્રતો કાર્તિક માસમાં રાખવાનાં કહેલાં છે.૩૩

તુલા, મકર અને મેષ રાશિમાં પ્રાતઃસ્નાન કરવાનું અર્થાત્ કાર્તિકી સ્નાન, માઘસ્નાન અને વૈશાખી સ્નાન કરવાનાં નિયમો પણ લેવાં. હવિષ્યાન્ન ધાન્યનું જ ભક્ષણ કરવું, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું, આ સ્નાનાદિ ત્રણ વ્રતો મહાપાતકને નાશ કરનારાં વ્રતો કહેલાં છે.૩૪

હે ભક્તજનો ! કાર્તિકમાસમાં મનુષ્યે કેવળ નદીમાં જ સ્નાન કરવું, નદી ન હોય તો તળાવમાં સ્નાન કરવું, અથવા કૂવામાંથી સિંચીને સ્નાન કરવું આવી રીતે ત્યાં જઇને સ્નાન કરવા સમર્થ ન હોય તેવા મનુષ્યોએ પોતાને ઘેર ઘડામાં ભરી રાખેલાં શીતળ જળથી સ્નાન કરવું.૩૫

વ્રત કરનારા જનોએ સૂર્ય ઉગ્યા પહેલાં જ સ્નાન કરી લેવું. આ પ્રમાણે જે સ્નાન કરે છે તેને સૂર્યપુત્ર યમનો ભય રહેતો નથી. તેમજ મૌન વ્રત ધારણ કરી નીચેના મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં સ્નાન કરવું.૩૬

હે જનાર્દન ! હે દેવોના દેવ ! હે દામોદર ! લક્ષ્મીદેવીએ સહિત આપની પ્રસન્નતા માટે હું પ્રાતઃકાળનું કાર્તિકી સ્નાન કરું છું. મારા પર રાજી રહેજો. આ પ્રમાણે મંત્ર બોલી સ્નાન કરવું.૩૭

હે ભક્તજનો ! કેતકીના, માલતીના અને મુનિ પુષ્પો અથવા અગથિયાનાં અને કમળનાં પુષ્પોથી અવિનાશી ભગવાન શ્રીકૃષ્ણનું કાર્તિક માસમાં પ્રયત્નપૂર્વક વિશેષ પૂજન કરવું.૩૮

જે મનુષ્ય કાર્તિકમાસમાં કમળનયન ભગવાન શ્રીકૃષ્ણનું કમળથી પૂજન નથી કરતો તેના ઘરમાં કોટિ જન્મે પણ કમલા (લક્ષ્મી) નો નિવાસ થતો નથી.૩૯

કાર્તિકમાસમાં જે મનુષ્ય તુલસીદળથી ભગવાનનું પૂજન કરે છે તે મનુષ્ય પત્રે પત્રે અશ્વમેઘ યજ્ઞાનું ફળ પ્રાપ્ત કરે છે.૪૦

આમળાંનો મહિમા :-- હે ભક્તજનો ! આમળાંના ફળના રસથી જે મનુષ્ય સ્નાન કરે અર્થાત્ પોતાને શરીરે આમળાંના રસનું મર્દન કરે, અને આમળાંના ફળનું ભક્ષણ કરે આવું કાર્તિક માસમાં વ્રત રાખનારા મનુષ્યો સંસારના બંધનોમાંથી મુક્ત થાય છે.૪૧

જે કાર્તિકી વ્રત ધારણ કરનારો પુરુષ આમળાંના વૃક્ષ નીચે બેસીને ચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે. તે પુષ્પે પુષ્પે રાજસૂય યજ્ઞાનું ફળ પ્રાપ્ત કરે છે.૪૨

જે પુરુષ આમળાંના વૃક્ષોના વનમાં દામોદર ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરી પકવાન્નવડે બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તે મનુષ્ય વિષ્ણુના લોકને નક્કી પ્રાપ્ત કરે છે.૪૩

હે ભક્તજનો ! કાર્તિક માસમાં રાઇ, મદ ઉત્પન્ન કરનાર જામફળ, મધ, કાંસાના પાત્રમાં ભોજન અને તેલ એટલાનો ત્યાગ કરવો, અને આગળ કહું એવા દ્વિદળનો પણ ત્યાગ કરવો. અડદ, મગ, મસુર, ચણા, કળથી, વાલ, ચોળા, તુવેર અને મઠ આદિ કઠોળને દ્વિદળ કહેવામાં આવે છે.૪૪-૪૫

હે ભક્તજનો ! કાર્તિક માસમાં વ્રત કરનારા જનોએ વાસી અન્ન ન ખાવું. શાકમાં મીઠું ન ખાવું. બુદ્ધિ દૂષિત કરનાર અન્ન, સુરણ અને કોઇએ કચવાઇને આપેલું અન્ન પણ ભક્ષણ ન કરવું. દિવસે નિદ્રા ન કરવી, ખોટું ન બોલવું, તેમજ કાર્તિકી વ્રત કરનારે પ્રાતઃકાળે અને સાયંકાળે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો અને સાયંકાળે હરિમંદિરમાં આકાશદીપ અર્પણ કરવો આદિ નિયમો લઇ શકાય છે.૪૬-૪૭

હે ભક્તજનો ! કાર્તિક માસમાં સામો, નિવાર આદિક ઋષિધાન્યનું ભણક્ષ કરવું તે શુભ મનાયેલું છે. વ્રત કરનારા પુરુષે ક્યારેય પણ કાર્તિક માસ વંધ્ય જવા દેવો નહિ, કોઇને કોઇ વ્રતનું નિયમ લેવું.૪૮

જે પુરુષ કાર્તિક માસમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે તે સંસારના જન્મ-મરણરૂપ બંધનોથી મુકાઇ જાય છે.૪૯

વળી કાર્તિક માસમાં શ્રીકૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરેલી તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા, કંઠી, ભગવાનના વૈષ્ણભક્તોએ નિત્ય ધારવી.૫૦

હે તુલસીના કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલી ! હે કૃષ્ણ ભક્તોને પ્રિય ! હે તુલસીની માળા ! તને હું મારા કંઠમાં ધારણ કરું છું. મને ભગવાનને વહાલો કરજે.૫૧

આ પ્રમાણે મંત્રથી કંઠીની પ્રાર્થના કરી ભક્તિભાવ પૂર્વક માળા, કંઠી કંઠમાં ધારણ કરવી, આ રીતે અનેક પ્રકારનાં વ્રતો છે તે વ્રતને કરનારા મનુષ્યોએ કાર્તિકમાસમાં વિશેષપણે નિયમ ધારણ કરવાં.૫૨

હે ભક્તજનો ! કાર્તિકમાસમાં પૂર્વોક્ત વ્રતોની મધ્યે કોઇ પણ એક વ્રતને કરે તો તેને આખા ચાતુર્માસનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી મનુષ્યોએ શ્રીવાસુદેવ ભગવાનની પ્રસન્નતાર્થે પોતાની શક્તિ પ્રમાણે પ્રયત્નપૂર્વક વ્રત ઉપવાસાદિ પૂર્વે કહેલા નિયમો ગ્રહણ કરવાં.૫૩-૫૪

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રી નારાયણમુનિ ભક્તજનોને સુંદર સદ્બોધ આપી વિરામ પામ્યા. ત્યારે તે સર્વે ભક્તો પણ શ્રીહરિનો ઉપદેશ સાંભળી પરમ આનંદ પામ્યા ને કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! અમે સર્વે ભક્તજનો તમે કહી દેખાડેલાં સર્વ વ્રતોનું ચાતુર્માસ પર્યંત અવશ્ય અનુષ્ઠાન કરીશું. તે સમયે ભક્તજનોની વાત સાંભળીને સમર્થ ભગવાન શ્રીહરિ વિસનગર અને વડનગર આ બન્ને પુરના ભક્તો ઉપર અતિશય પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા.૫૫-૫૬

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં વિસનગરને વિષે કાર્તિક માસમાં વિશેષ પણે પાલન કરવા યોગ્ય કૃચ્છ્રાદિ વ્રતોનું નિરૂપણ કર્યું એ નામે તેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૩--