અધ્યાય - ૪૦ - તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં ભગવાન શ્રીહરિનું આગમન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:03am

અધ્યાય - ૪૦ - તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં ભગવાન શ્રીહરિનું આગમન.

તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં ભગવાન શ્રીહરિનું આગમન. સિદ્ધપુરતીર્થનો મહિમા. તીર્થફળના અધિકારી. તીર્થવિધિ . તીર્થમાં સાવધાની. દેવવ્રત તીર્થમાં રહેલો ભય.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં બિન્દુ સરોવરને વિષે વિધિપૂર્વક સ્નાન કર્યું અને પોતાના આશ્રિત ગૃહસ્થ ભક્તજનો પાસે ત્યાં રહેલા તીર્થવાસી બ્રાહ્મણોને સોનું, ચાંદી, મોતી, વસ્ત્રો, આભૂષણો, અશ્વ, ત્રાંબાનાં પાત્રો આદિ અનેક પ્રકારનાં પદાર્થો દાનમાં અપાવ્યાં.૧-૨

તે ક્ષેત્રમાં રહેલા બ્રાહ્મણોને મનપ્રિય ચારપ્રકારનાં ભોજનો જમાડી તૃપ્ત કર્યા. અને અન્ય અન્નાર્થીજનોને પણ જમાડી સંતુષ્ટ કર્યા.૩

હે રાજન્ ! તે સિદ્ધપુર ક્ષેત્રમાં ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે મહાન ઉત્સવ ઉજવ્યો અને આ રામનવમીથી લઇ પૂર્ણિમા સુધીના મોટા ઉત્સવમાં હજારો નરનારીઓ ભેળાં થયાં.૪

તે સર્વે ભક્તજનોએ તીર્થક્ષેત્રમાં કરવા યોગ્ય સમસ્ત તીર્થવિધિનું અનુષ્ઠાન કર્યું. સરસ્વતી નદીને તીરે રાત્રીના સમયે મોટી સત્સંગ સભા ભરાઇ. તે સભામાં ભગવાન શ્રીહરિ વિરાજમાન થયા અને તેની ચારે તરફ યથાયોગ્ય સ્થાને સર્વે ભક્તજનો પણ આવીને બેઠા.૫

તે સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે વર્ણના મનુષ્યો તેમજ બ્રહ્મચારીઓ, ગૃહસ્થો અને સર્વે ત્યાગી સંતો ભગવાન શ્રીહરિના મુખકમળ ઉપર જ પોતાનાં નેત્રો સ્થિર કરીને બેઠા હતા.૬

ત્યારે તીર્થક્ષેત્રાદિ સ્થાનમાં ગુપ્ત પણે નિવાસ કરીને રહેતા અધર્મને જાણતા ભગવાન શ્રીહરિએ તેનો ઉચ્છેદ કરવાની મનમાં ઇચ્છા કરી, પછી ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા.૭

સિદ્ધપુરતીર્થનો મહિમા :-- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! હે સંતો ! હે વર્ણીઓ ! તમે સર્વે આદરપૂર્વક મારું વચન સાંભળો. અહીં તીર્થયાત્રા કરવા આવેલા તમે સર્વે તથા અન્ય તીર્થયાત્રા કરનારા સર્વે જનોના હિતની વાત કહું છું.૮

આ સિદ્ધપુર સર્વોત્તમ તીર્થક્ષેત્ર છે. અન્ય સર્વે તીર્થોમાં અત્યંત ઉત્તમ મનાયેલું છે. કારણ કે, આ બિન્દુસરોવરને કિનારે કર્દમઋષિએ તીવ્ર તપશ્ચર્યા કરી છે.૯

બ્રહ્માના માનસપુત્ર તે કર્દમઋષિ કમલાકાન્ત ભગવાન શ્રીનારાયણની તપની આરાધના અહીં કરી છે.૧૦

તેમની આરાધનાથી પ્રસન્ન થયેલા પરમાત્મા તેમને વરદાન આપવા આ ક્ષેત્રમાં પધાર્યા અને તપથી અત્યંત કૃશ થઇ ગયેલા તે કર્દમ પ્રજાપતિ પ્રત્યે પ્રેમભરી દૃષ્ટિથી નિહાળવા લાગ્યા.૧૧

અતિશય તપસ્વી કર્દમમહર્ષિનું તપ જોઇને શ્રીનારાયણ ભગવાનના નેત્રમાંથી હર્ષનાં અશ્રુઓનાં બિન્દુ આ સરોવરમાં પડયાં. તેથી આ સરોવર ''બિન્દુ સરોવર'' એવા નામથી પ્રસિદ્ધિને પામ્યું.૧૨

હે સંતો! હે ભક્તો ! મહામુનિ ભગવાન કપિલદેવજી પણ કર્દમમહર્ષિ અને દેવહૂતિ માતા થકી આ ક્ષેત્રમાં જ પ્રગટ થયા અને માતાને સાંખ્યજ્ઞાનનો બોધ આપ્યો.૧૩

હે ભક્તજનો ! સાંખ્યજ્ઞાનનું શ્રવણ કરવાથી માતા દેવહૂતિ આ ક્ષેત્રમાંજ સિદ્ધગતિને પામ્યાં હતાં. તેથી આ ક્ષેત્રને વ્યાસાદિ મહર્ષિઓએ ''સિધ્ધપુર'' નામ આપ્યું છે.૧૪

તીર્થફળના અધિકારી :-- હે ભક્તજનો ! આ પૃથ્વીપર જે જે તીર્થસ્થાનો છે તે સર્વેનું શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે સેવન કરવાથી યાત્રિક મનુષ્યોને શાસ્ત્રોક્ત યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે.૧૫

જેને તીર્થ સ્થળમાં શ્રદ્ધા ન હોય, પાપી હોય, નાસ્તિક હોય, આપણને તીર્થનું ફળ મળશે કે નહિ ? એવા શંકાશીલ સ્વભાવવાળો હોય અને હેતુનિષ્ઠ હોય, અર્થાત્ આમ કરવાનો શું હેતું ? તેનાથી આપણને શું ફાયદો ? આવા હેતુઓ પૂછનારો હોય તેઓને ક્યારેય પણ તીર્થનું ફળ પ્રાપ્ત થતું નથી.૧૬

માટે હે ભક્તજનો ! જે પુરુષ કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરીને તીર્થક્ષેત્રમાં પ્રવેશ કરે છે. તેને તીર્થભૂમિના પ્રવેશ પછી કોઇ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. અને સર્વે ફળની પ્રાપ્તિ થાય છે.૧૭

જે પુરુષના હાથ, પગ, જીભ, શિશ્ન અને મન સંયમમાં હોય, તથા તપ પણ સંયમવાળું હોય, અર્થાત્ તપમાં જરાય દંભ ન હોય, અને સાત્વિક હોય તેવા પુરુષને તીર્થયાત્રાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.૧૮

તીર્થવિધિ :-- હે ભક્તજનો ! જે પુરુષ તીર્થમાં ક્યારેય ક્રોધ નથી કરતો, બુદ્ધિ નિર્મળ રાખે છે, પોતાનો કે પારકાનો દ્રોહ ન થાય તેવું જ હમેશાં સત્ય બોલે છે. અહિંસા, બ્રહ્મચર્ય આદિ વ્રતોમાં દૃઢ નિષ્ઠાવાળો હોય, તથા સુખ દુઃખની અનુભૂતિ મારી જેમ સર્વ જીવપ્રાણી માત્રને થાય છે. માટે મારાથી કોઇને દુઃખ ન પહોંચવું જોઇએ, એવું સતત અનુસંધાન રાખતો હોય, એવા પુરુષોને જ તીર્થનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.૧૯

હે ભક્તજનો ! તીર્થમાં ઉપવાસ કરવો, મુંડન કરાવવું, પિંડદાન કરવા પૂર્વક શ્રાદ્ધ કરાવવું, સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવું ્ને પોતાની ધન સંપત્તિને અનુસારે દાન કરવું.૨૦

આ પાંચ કર્મોમાંથી મુંડન કરાવવાની બાબતે જરા વિવેક સમજી રાખવો. જેને ચાતુર્માસાદિકમાં કેશ ધારણ કરવાનાં વ્રત ચાલતાં હોય, બ્રહ્મચારી હોય, જેનાં માતા પિતા હજુ જીવંત હોય, તથા જેનો મુંડન કરવાનો સમય નિશ્ચિત હોય અને તે સમય પ્રાપ્ત થયો ન હોય તેવા સંન્યાસીઓએ કે સાધુઓએ તીર્થસ્થળમાં મુંડન કરાવવું નહિ. તેમજ પતિવ્રતા સધવા નારીઓએ પણ મુંડન કરાવવું નહિ. તથા દશ માસની અંદર જ ફરી તે તીર્થમાં આવવાનું થયું હોય તો પણ મુંડન કરાવવું જરૂર નથી.૨૧-૨૨

તીર્થ ક્ષેત્રમાં જે બ્રાહ્મણો રહેતા હોય તેમને ભોજન કરાવવું અને પૂજન કરવું. પરંતુ તે તીર્થક્ષેત્રમાં રહેલા બ્રાહ્મણોની પાત્ર અપાત્રપણાની પરીક્ષા ક્યારેય પણ કરવી નહિ.૨૩

જે તીર્થમાં જે દેવતા મુખ્ય હોય તેમનું પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, આભૂષણો, નૈવેદ્ય , પુષ્પ, ફળ, ઘી, સાકર આદિનું સીધું સામાન અર્પણ કરીને અથવા નાળિયેર મૂકીને અથવા સુવર્ણ, ચાંદી, ત્રાંબા આદિનાં પાત્રોનું દાન કરીને કે ધન અર્પણ કરીને અથવા ફૂલહાર અર્પણ કરીને પૂજન અવશ્ય કરવું.૨૪

હે ભક્તજનો ! જે પુરુષો દરિદ્ર હોય, જેમની પાસે પૈસાનો વેત ન હોય તેમણે તીર્થક્ષેત્રમાં વાળવું, લીંપવું, જળ છાંટવું, તથા સાધુ સંતોની જાતે સેવા પરિચર્યા કરવી.૨૫

જે કોઇ દરિદ્ર યાત્રિક આવી સેવા કરે છે, તેનાથી તેને ઉપરોક્ત પૂજન કર્યાનું કે, સર્વપ્રકારનું દાન પુણ્ય કર્યાનું કે, શ્રાદ્ધાદિક કર્મ કર્યાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેમાં કોઇ સંશય કરવો નહિ.૨૬

હે ભક્તજનો ! આવા પુણ્ય તીર્થોમાં જે કોઇ મનુષ્યો જે કાંઇ પણ સત્કર્મ કરે છે, તેનું તેને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. તેમાં સંશય જ કરવો નહિ.૨૭

તીર્થમાં સાવધાની :-- હે ભક્તજનો ! જેમ તીર્થક્ષેત્રમાં કરેલું અલ્પ સરખું પણ પુણ્ય કર્મ દિવસે દિવસે હજારગણું વધે છે. તેવી જ રીતે મનુષ્યોએ અલ્પ માત્ર કરેલું પાપ પણ દિવસે દિવસે હજાર ગણું વૃદ્ધિ પામે છે.૨૮

કારણ કે, બીજી જગ્યાએ કરેલું પાપ તીર્થક્ષેત્રનું સેવન કરવાથી વિનાશ પામે છે. પરંતુ તીર્થક્ષેત્રમાં રહીને કરેલું પાપ વજ્રલેપ થાય છે. તે પછી કોઇ પણ ઉપાયે નાશ પામતું નથી એ નક્કી છે.૨૯

હે ભક્તજનો ! તીર્થક્ષેત્રમાં જઇને જે પાપ કરવામાં આવે છે તે પાપની ધર્મગ્રંથોમાં કહેલાં પ્રાયશ્ચિત કરવાથી પણ શુદ્ધિ થતી નથી. તેથી આવાં તીર્થક્ષેત્રમાં કહેલા નિયમોમાં સાવધાન રહીને વર્તવું.૩૦

દેવવ્રત :-- હે ભક્તજનો ! પુરાતન બ્રાહ્મણ ઋષિઓએ શરીરથી સાધ્ય ઉપવાસાદિ વ્રતને માનુષવ્રત કહેલું છે. જ્યારે હવે જે તમને કહેવા જઇ રહ્યો છું. તે મનની વિશુદ્ધિને દેવવ્રત કહેલું છે. માટે તીર્થયાત્રા કરનારા મનુષ્યોએ આ બન્ને વ્રતનું યથાર્થ રક્ષણ કરવું.૩૧

જે યાત્રિક ધનમાં લોભ રાખે છે. ચાડી, ચુગલી કરી પોતાનું ખળપણું પ્રગટ કરે છે, ક્રૂરવર્તન કરે છે, મનુષ્યોને છેતરવા માટે દંભ કરે છે તથા જેનું મન વિષયાસક્તિમાં ચકચૂર હોય છે, તે મનુષ્ય સર્વે તીર્થોમાં સ્નાન કરે છતાં પણ પાપના મળથી રહિત થતો નથી.૩૨

હે ભક્તજનો ! તીર્થજળમાં સ્નાન કરી શરીરસંબંધી મળનો ત્યાગ કરવાથી કાંઇ મનનો મળ દૂર થતો નથી. માણસ જ્યારે મનમાં રહેલા દોષોનો ત્યાગ કરે છે, ત્યારે જ સાચો નિર્મળ પુરુષ કહેવાય છે.૩૩

પંચ વિષયોમાં અતિશય આસક્તિ એ જ મનનો મેલ છે. અને પંચવિષયોમાં અનાસક્તિ એજ મનની સાચી નિર્મળતા કહી છે.૩૪

તીર્થમાં રહેલો ભય :-- હે ભક્તજનો ! જે જે મનુષ્યો તીર્થક્ષેત્રોમાં પાપ કર્મ કર્યાં છે તે પુરુષો પિશાચ થયા છે. અને સ્ત્રીઓ ડાકિની અને શાકિનીના શરીરને પામી છે. તે પિશાચાદિકને પામેલાં સ્ત્રી પુરુષો તે તે તીર્થક્ષેત્રોમાં જ નિવાસ કરીને રહે છે.૩૫

અને તીર્થાટન કરવા આવતા જનોમાં રાત્રી દિવસ દોષોનાં છિદ્રો જોયા કરે છે. પછી જે યાત્રિકમાં એક અલ્પ સરખો પણ દોષ જોયામાં આવે કે દોષના માર્ગે તત્ક્ષણ તેનામાં પ્રવેશ કરી જાય છે.૩૬

પછી તે યાત્રિક પુરુષના મનમાં સ્ત્રી ઉપભોગની કામના જાગે છે. અને સ્ત્રીના મનમાં પુરુષ ઉપભોગની કામના જાગે છે. તેમજ ધનનો લાભ ક્યાંથી પ્રાપ્ત થશે એવી વૃત્તિ જન્મે છે. જેનાથી પર પીડારૂપ હિંસાની પ્રવૃત્તિપણ તીર્થયાત્રામાંથી જ પ્રાપ્ત થાય છે.૩૭

હે ભક્તજનો ! આ રીતનાં તીર્થક્ષેત્રમાં મોટાં મોટાં વિઘ્નો રહેલાં છે. માટે મારા આશ્રિત સર્વજનોએ આવાં તીર્થક્ષેત્રમાં આવ્યા પછી પાપકર્મ કરવાથી, અત્યંત ભય પામતા રહેવું.૩૮

તીર્થભૂમિમાં સ્ત્રીઓ પ્રત્યે કુદૃષ્ટિ કરવાથી, તેમનો સ્પર્શ કરવાથી, તેમની સાથે હાંસી મશ્કરી કરી વિનોદ કરવાથી, વિદ્વાન પુરુષોનાં પણ સુકૃત નાશ પામે છે.૩૯

તેમજ પુરુષો પ્રત્યે કામભાવે જોવું આદિ કુકર્મ કરવાથી સ્ત્રીઓનાં પણ સુકૃત નાશ પામે છે, તેથી સર્વે સ્ત્રી અને પુરુષોએ પોતાના આંખ આદિ સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખવી.૪૦

હે ભક્તજનો ! મારા આશ્રિત તમો સર્વેને ક્રોધ ઉપર તો સર્વદા વિજય મેળવવો પરંતુ તીર્થભૂમિમાં તો વિશેષપણે વિજય મેળવવો. જો ક્રોધને વશમાં ન કર્યો હોય તો તે ક્રોધ તીર્થયાત્રા કરનાર સ્ત્રી પુરુષનાં ઉત્તમ સુકૃતોને ભસ્મીભૂત કરી નાખે છે.૪૧

બ્રાહ્મણોએ આપત્કાળ પડયા વિના ક્યારેય પણ પ્રતિગ્રહ (દાનનો સ્વીકાર) ન કરવો. પરંતુ વિશેષે કરીને તીર્થક્ષેત્રને વિષે તો સ્વીકાર ન જ કરવો. કારણ કે પ્રતિગ્રહ છે તે બ્રાહ્મણના તપ અને તેજનો વિનાશ કરી નાખે છે. પરંતુ આપત્કાળ પડયો હોય ને પ્રતિગ્રહ કરવો પડે તેનો દોષ નથી.૪૨

વળી તીર્થક્ષેત્રમાં વિચરણ કરતા સ્ત્રી પુરુષે અસત્યવચન તો ક્યારેય બોલવું નહિ. પોતાનાથી પરને પીડા ઉપજે તેવાં કોઇ પણ જીવહિંસાનાં કર્મથી ભય પામવું તથા કોઇ પણ પ્રકારનાં પાપાચરણથી પણ સર્વ પ્રકારે ભય પામવું.૪૩

હે ભક્તજનો ! તીર્થયાત્રા કરતા સ્ત્રી-પુરુષે સ્નાનાદિ નિત્યકર્મ કરવું, ભગવાનની પૂજા કરવી, કથાનું શ્રવણ કરવું, ભગવાનના ગુણોનું સંકીર્તન કરવું, હમેશાં ભગવાનનું સ્મરણ કરવું, તથા સાધુ બ્રાહ્મણને ભોજન દાન આદિકથી સંતર્પણ કરવું, આવી અનેક શુભ ક્રિયાઓથી દિવસ નિર્ગમન કરવો પણ વ્યર્થકાળ ગુમાવવો નહિ.૪૪

હે ભક્તજનો ! આ લોકમાં મનુષ્યો મેં કહી આ ઉપરોક્ત રીત પ્રમાણે જે તીર્થયાત્રા કરે છે તેને જ તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. અન્યથા નહિ.૪૫

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ભક્તજનોને તીર્થયાત્રા વિષેનું ઉત્તમ શિક્ષણ આપ્યું. ત્યારે તે પ્રમાણે જ વર્તી રહેલા હોવા છતાં પણ સર્વે ભક્તજનોએ વિનમ્રભાવે ભગવાન શ્રીહરિને કહ્યું કે, હે પ્રભુ ! તમે જેમ કહો છે તે પ્રમાણે જ અમે સર્વે વર્તશું. આ પ્રમાણે કહી પ્રેમથી શ્રીહરિનાં વચનો તત્કાળ માથે ચડાવ્યાં.૪૬

હે રાજન્ ! તીર્થવિધિને જાણતા ભગવાન શ્રીહરિ ભક્તજનોની સાથે સિધ્ધપુર ક્ષેત્રમાં સમસ્ત તીર્થનો વિધિ કરીને આગળ ચાલ્યા, ત્યારે માર્ગમાં ભક્તજનોને આનંદ ઉપજાવતા વિસનગર પધાર્યા.૪૭

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શ્રીહરિ તીર્થક્ષેત્ર સિધ્ધપુરમાં પધાર્યા અને સર્વે ભક્તજનોને તીર્થવિધિનો ઉપદેશ કર્યો એ નામે ચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૦--