અધ્યાય - ૨૮ - પરિવારે સહિત અભયરાજાનું કારિયાણીમાં આગમન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:55am

અધ્યાય - ૨૮ - પરિવારે સહિત અભયરાજાનું કારિયાણીમાં આગમન.

પરિવારે સહિત અભયરાજાનું કારિયાણીમાં આગમન. સપરિવાર અભયરાજાએ કરેલી સ્તુતિ. કારિયાણીમાં મહાવિષ્ણુયાગ અને મહારુદ્રયાગની ઉજવણી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અભયરાજાને તે મંગલ પત્રિકા મળી કે તરતજ વાંચીને તે પત્રદ્વારા ભગવાન શ્રીહરિ કારિયાણીપુર પધાર્યા છે. એવા આનંદના સમાચાર પોતાના પુત્ર ઉત્તમ આદિ સર્વ સંબંધીઓને કહ્યા. શ્રીહરિના આગમનના સમાચાર જાણી તે સર્વે પરિવારજનો તેજ ક્ષણે અભયરાજાની સાથે કારિયાણી ગામ જવા તૈયાર થયા.૧

હે રાજન્ ! સંકટહર દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન શ્રીહરિની પ્રસન્નતા થતાં શત્રુઓનો ભય દૂર થયો. તેથી અતિશય ખુશ થયેલા અભયરાજા બીજા કેટલાક પદાતિઓની સાથે તથા સંબંધીઓની સાથે ઉતાવળી ગતિએ ચાલનારા રથ, અશ્વાદિ વાહનોમાં બેસી તેજ દિવસે કારિયાણી ગામે આવ્યા.૨

હે રાજન્ ! પોતાના અતિશય વિશ્વાસુ આત્મીય સખા અભયરાજા પરિવાર સાથે કારિયાણી પધાર્યા તેથી ખટ્વાંગ રાજા ખૂબજ પ્રસન્ન થયા અને તેઓનું સન્માન કરી યથાયોગ્ય સ્થાને ઉતારા કરાવ્યા, પછી પરિવારે સહિત અભયરાજાને ખટ્વાંગરાજા તરત જ શ્રીહરિની સમીપે લાવ્યા, તે સમયે પરિવારે સહિત અભયરાજા ભગવાન શ્રીહરિની પૂજા માટે હાથમાં અનેક પ્રકારની પૂજાસામગ્રી અને ભેટ સામગ્રીઓ ધારણ કરી હતી તે વડે ભગવાનની પૂજા કરી.૩-૪

ખટ્વાંગરાજાના મુખેથી મનુષ્યાકૃતિ શ્રીકૃષ્ણ ભગવાનનું જેવું વર્ણન સાંભળ્યું હતું, તેવા જ સ્વરૂપમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનાં દર્શન કરી પરિવારે સહિત અભયરાજાના અંતરમાં ખૂબજ આનંદ થયો. હજારો સંતો અને ભક્તજનોની વચ્ચે શોભતા ભગવાન શ્રીહરિને તેઓ પ્રેમથી પ્રણામ કરવા લાગ્યા. તે સમયે ભગવાન શ્રીહરિ સર્વ જીવપ્રાણી માત્રના અંતર્યામી છે અને ભક્તજનોના મનોરથો પૂર્ણ કરવામાં કલ્પતરુ સમાન છે. એમ જાણતા હોવા છતાં ખટ્વાંગ રાજાએ શ્રીહરિને અભયપરિવારના પ્રેમનો પરિચય આપ્યો અને ભગવાન શ્રીહરિએ પણ પરિવારે સહિત અભયરાજાનું યથાયોગ્ય સન્માન કર્યું.૫-૬

ત્યારપછી અભય પરિવારે સિંહાસન પર વિરાજમાન ભગવાન શ્રીહરિનું અમૂલ્ય વિવિધ આભૂષણો તથા નાના પ્રકારનાં વસ્ત્રો, ચંદન અને પુષ્પના હારોથી પૂજન કરીને આરતી ઉતારી, દંડવત્ પ્રણામ કરી, મૂર્તિ સમક્ષ નેત્રની વૃત્તિ સ્થિર કરીને બન્ને હાથ જોડી આદરપૂર્વક ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા.૭-૮

સપરિવાર અભયરાજાએ કરેલી સ્તુતિ :-- હે સદ્ધર્મનું રક્ષણ કરનારા અને મનુષ્ય શરીરને ધારણ કરનારા ! હે સંતોના સ્વામી ! હે સ્વપ્રતાપથી દૈત્યોના સમૂહને નિર્મૂળ કરનારા ! હે પાખંડ માર્ગથકી અનંત ભક્તોની રક્ષા કરનારા ! હે પ્રશાંત મૂર્તિ ! હે નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ જય થાઓ.૯

હે મનોહર મૂર્તિ ભગવાન શ્રીહરિ ! તમોએ આ કળિયુગની અંદર મનુષ્યોનાં આત્યંતિક કલ્યાણને માટે તેઓ સદાયને માટે, તમારી શુદ્ધ ઉપાસના કરી શકે તેવી મનોહર સુંદર મનુષ્ય મૂર્તિને ધારણ કરી છે. તમે અતિશય ક્ષમા અને દયાના સાગર છો. એવા હે પ્રશાંતમૂર્તિ ! શ્રી નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ.૧૦

હે પ્રભુ ! તમે તમારા એકાંતિક ભક્તજનોને ગોલોકધામ પ્રત્યે લઇ જાઓ છો. તમે સર્વે જીવપ્રાણી માત્રના અંતર્યામીરૂપ આત્મા છો. તમે નિરંતર એકાંતિક ધર્મને ધારણ કરનારા છો અને ભક્તજનોનું પોષણ કરનારા છો. આશ્રિતજનોમાં કલ્યાણકારી અને સેશ્વરવાદી સાંખ્ય અને યોગમાર્ગનું પ્રવર્તન કરો છો. એવા હે પ્રશાંતમૂર્તિ ! શ્રી નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ.૧૧

હે પ્રભુ ! તમારી નવ પ્રકારની ભક્તિ છે તે અધર્મ, માયા, કલિયુગ, મહાકાળ આદિ અનેક પ્રકારના દોષોનો તત્કાળ વિનાશ કરે છે. તમે ધર્મસંબંધી ક્રિયા કરવામાં સદાય તત્પર રહો છો. તમે સુંદર વર્ણિવેષને ધારી રહ્યા છો. એવા હે પ્રશાંતમૂર્તિ ! શ્રી નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ.૧૨

હે મહામુનિના વેષમાં વિરાજતા પ્રભુ ! તમે અત્યારે પૃથ્વીપર સમગ્ર અષ્ટાંગયોગકળાની પ્રવૃત્તિ કરી છે. તમે યોગેશ્વર છો અને અષ્ટાંગયોગની સાધના કરનારા યોગીજનોને પણ ઇચ્છવા યોગ્ય છો, તેમજ કારુણ્ય, સૌશીલ્ય આદિ અનંત મહાગુણો તથા મહા પ્રભાવને ધારણ કરી રહ્યા છો, તમે વિભુસ્વરૂપ છો, તમારી કરમુદ્રાથી હમેશાં ભક્તજનોને વર અને અભય આપો છો. તમે અપ્રાકૃત સુંદર દિવ્યમૂર્તિ છો. એવા હે પ્રશાંતમૂર્તિ ! શ્રી નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ.૧૩

હે સર્વના નિયામક પરમેશ્વર ! તમારું સ્મરણ માત્ર કામરૂપી શત્રુને મોટો ભય ઉપજાવે છે. તમારું નામ સ્મરણ પાપના પુંજને પણ બાળી દે છે. તમારા જ્ઞાન ઉપદેશનું સામર્થ્ય જીવોના અજ્ઞાનનો તત્કાળ વિનાશ કરે છે. એવા હે પ્રશાંતમૂર્તિ ! શ્રી નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ.૧૪

હે હરિપ્રસાદજીના પુત્ર ! હે હરિકૃષ્ણ ! હે કૃષ્ણ ! હે સર્વના માલિક ! હે હરિ ! હે નૈષ્ઠિક તપસ્વીઓના સ્વામી ! હે નારાયણ ! હે પ્રેમવતી પુત્ર ! હે પ્રશાંતમૂર્તિ ! શ્રી નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ.૧૫

હે સ્વતંત્રમૂર્તિ શ્રીહરિ ! તમે અતિશય મહાપ્રભાવશાળી દિવ્ય ચરિત્રોનો વિસ્તાર કરી રહ્યા છો. મોટા મોટા બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ પણ તમારા ચરણકમળનું સેવન કરે છે. તમે આચાર્યોના આચાર્ય, ગુરુઓના ગુરુ છો. ચમત્કારી શ્રીસ્વામિનારાયણ નામને ધારણ કરનારા. એવા હે પ્રશાંતમૂર્તિ ! શ્રી નીલકંઠ ! તમારો સદાય સર્વત્ર જય થાઓ.૧૬

હે નીલકંઠ ! અગણિત જીવાત્માઓને સંસારરૂપી સાગરમાં ડૂબતા જોઇને તમારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થઇ તેથી તમારું હૃદય આર્દ્ર થયું અને તેઓનો ઉદ્ધાર કરવા માટે તમે તમારી સ્વતંત્ર ઇચ્છાથી આ પૃથ્વી પર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધાર્યા છો. ખરેખર તમે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ છો.૧૭

હે પોતાના ભક્તોના જીવનપ્રાણ પ્રભુ ! તમારો જય થાઓ જય થાઓ. તમે તો દયાના દરિયાવ છો. પૂર્ણકામ છો. સાક્ષાત્ વિષ્ણુ છો. સમસ્ત દેવતાઓ અને રાજા મહારાજાઓ પણ તમારા ચરણ કમળનું સેવન કરે છે. તમે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવામાં અત્યંત ચતુર છો. તમે સર્વત્ર વિજય જ પ્રાપ્ત કરો છો.૧૮

હે મુકુન્દ ! તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના મૂળ કર્તા છો. તમે જ સમસ્ત સ્થાવર અને જંગમ જીવપ્રાણીમાત્રના આધાર છો. તમે માયાના ગાઢ અંધકારથી પર તેજોમય પોતાના અક્ષરબ્રહ્મધામને વિષે સદાય નિવાસ કરીને રહ્યા છો. આવા મહિમાવાળા આપની સ્તુતિ કરવા કોણ સમર્થ થઇ શકે ?.૧૯

હે દયાળુ ! તમે આ સંસારરૂપી દાવાનળથી બળતા જીવાત્માઓને શાંતિ આપો છો. સાચા સુખના ધામ છો. અમે તમારી પાસેથી યાચના કરીએ છીએ કે, નિરતિશય અપાર દયાના કારણે અત્યારે અમારી દૃષ્ટિની આગળ વિરાજમાન આપની આ મનુષ્યાકાર દિવ્યમૂર્તિમાં અમારું મન સદાય આસક્ત રહો.૨૦

હે દયાળુ ! તમારા અતિશય દયાળુ સ્વભાવને કારણે સ્વાભાવિક રીતે જ પ્રસરતા મંદ મંદ હાસ્યનાં કિરણોથી જે દેદીપ્યમાન છે. તથા કર્ણમાં ધારણ કરેલાં મકરાકાર કુંડળથી યુક્ત બન્ને ગાલ વડે જે શોભાયમાન છે. તથા પાઘમાં લટકતા અનેક પ્રકારના પુષ્પોના તોરાઓની પંક્તિથી જે શોભી રહ્યું છે એવા આ તમારા મુખારવિંદને વિષે અમારો મનરુપી ભમરો સદાય આસક્ત થઇને સ્થિર રહે.૨૧

હે પ્રભુ ! તમારું જે આ મુખ ચોખા ચોડેલા કુંકુમના ચાંદલાએ સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાથી અને વાંકડી ભૂ્રકુટિથી અત્યંત રમણીય લાગે છે કર્ણ સુધી લાંબા બન્ને વિશાળ નેત્રોથી જે શોભી રહ્યું છે. એવા આ મુખચંદ્રને વિષે અમારાં નેત્રોરૂપી ચકોર પક્ષીઓ સદાયને માટે રમણ કરો.૨૨

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અભયરાજાએ પોતાના પરિવારની સાથે આ પ્રમાણે સ્તુતિ કરી તેથી ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ અત્યંત રાજી થયા અને મુમુક્ષુઓ જેની સતત ઇચ્છા રાખતા હોય છે એવું અભયદાન તેઓને આપ્યું.૨૩

હે રાજન્ ! પછી અભયરાજા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને ફરી પ્રાર્થના કરવા પૂર્વક કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! હું તમારા ચરણ કમળનો સેવક છું. તમે મારો મનોરથ પૂર્ણ કરો. હે ભગવાન ! આપના સેવક સર્વ સંતો ભક્તોએ સહિત આપને મારા દુર્ગપુર પ્રત્યે લઇ જવા માટે હું મારા પરિવારની સાથે અહીં તમારી પાસે આવ્યો છું. તો આપ કૃપા કરીને મારું આમંત્રણ સ્વીકારો.૨૪-૨૫

હે રાજન્ ! અભયરાજાનાં ઉપરોક્ત વચનો સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે અભયનૃપતિ ! તમારા સર્વેના પ્રેમપૂર્ણ નિર્દોષભાવને હું સમજું છું. તેથી હું તમારાં દુર્ગપુર પ્રત્યે ચોક્કસ પધારીશ. તેમાં કોઇ જાતનો સંશય નથી.૨૬

પરંતુ અત્યારે મેં વસંતપંચમી સુધી કારિયાણી રોકાવાની ખટ્વાંગ રાજા પાસે પ્રતિજ્ઞા કરી છે. તેથી અત્યારે તો હું તમારે ત્યાં આવી શકું તેમ નથી.૨૭

તેથી હે મહીપતિ ! પછી હું મુનિમંડળે સહિત આપનાં દુર્ગપુર પ્રત્યે ચોક્કસ પધારીશ અને ત્યાં પુષ્પદોલોત્સવની ઉજવણી કરીશ. તેમાં કોઇ જાતનો સંશય નથી.૨૮

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી અભયરાજા કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! જ્યાં સુધી દુર્ગપુર નહિ પધારો ત્યાં સુધી મારા પરિવાર જનોની સાથે હું અહીં જ રહીશ અને તમો જ્યારે મારે ઘેર પધારશો ત્યારે તમારી સાથે જ મારે ઘેર દુર્ગપુર પ્રત્યે પધારીશ.૨૯

હે રાજન્ ! આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિની અનુમતિથી તેમને ગઢપુર લઇ જવાનો મનમાં દૃઢ સંકલ્પ કરીને પોતાની બન્ને સ્ત્રીઓ, પુત્ર અને ચારે પુત્રીઓની સાથે કારિયાણી ગામમાંજ નિવાસ કરીને રહ્યા.૩૦

ભગવાન શ્રીહરિનાં દર્શનની અવધિ સુધી લીધેલાં ધારણાં પારણાં આદિ વ્રતના નિયમોની અભયરાજાએ પરિવારની સાથે સમાપ્તિ કરી અને પોતાના આત્માને કૃતાર્થ તથા પૂર્ણકામ માનવા લાગ્યા.૩૧

હે રાજન્ ! અભયરાજાએ ગૃહકાર્ય ચલાવવા માટે પોતાના ગાલવ નામના સાળાને ગઢપુર મોકલ્યા અને સ્વયં પ્રતિદિન તત્પર થઇ ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૩૨

ખટ્વાંગરાજાનાં ઘેર કારિયાણીમાં નિવાસ દરમ્યાન શ્રીસ્વામિનારાયણ ભગવાને પાણીનું દુઃખ ટાળવા સર્વ જીવપ્રાણીમાત્રના સુખને માટે સુંદર તળાવ ગળાવ્યું.૩૩

તેના ખર્ચને પહોંચી વળવા ઉદાર બુદ્ધિવાળા ખટ્વાંગરાજાએ પોતાની પાસે રહેલી સુવર્ણ, રૂપું, રત્ન અને ધન આદિ સર્વે સંપત્તિનો શ્રીહરિના ચરણમાં ઢગલો કર્યો.૩૪

કારિયાણીમાં મહાવિષ્ણુયાગ અને મહારુદ્રયાગની ઉજવણી :-- હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ પિપલાણા ગામની પેઠે મનુષ્યોને વિસ્મય પમાડે તેવો મહા વિષ્ણુયાગ કારિયાણી ગામમાં ઉજવ્યો.૩૫

હે રાજન્ ! આ ઉત્સવમાં દેશાંતરોમાંથી હજારો ભક્તો અનેક પ્રકારની ભેટો સામગ્રી લઇને આવવા લાગ્યા. સૌ ભગવાન શ્રીહરિનાં દર્શન કરી પરમ આનંદને પામ્યા.૩૬

આ મહાવિષ્ણુયાગ ઉત્સવનું કાર્ય સફળ રીતે પૂર્ણ કરી શકાય તે માટે ભગવાન શ્રીહરિએ સોમલાખાચર, સુરાખાચર, માતરાધાધલ, અલૈયા ખાચર અને જીવાખાચર આ ઉત્તમ ક્ષત્રિયોની અગ્રેસર તરીકે નિમણૂક કરી.૩૭

હે વર્ણિરાજ ! આ વિષ્ણુયાગ મહોત્સવમાં ભગવાન શ્રીહરિએ લાડુ આદિ વિવિધ પ્રકારનાં ભોજનોથી અને સુવર્ણ આદિ અનેક પ્રકારની દક્ષિણાઓથી બ્રાહ્મણોને ખૂબજ સંતુષ્ટ કર્યા.૩૮

તેવી જ રીતે હે રાજન્ ! શ્રીહરિએ હજારો વૈદિક વિપ્રોને પ્રસન્ન કરી અનંત પ્રકારની મહાસામગ્રીથી ભરપુર મહારૂદ્ર યજ્ઞાની પણ કારિયાણીમાં ઉજવણી કરી.૩૯

આ રીતે કાળના વેગથી વિનાશ પામેલા ધર્મસેતુનું રક્ષણ કરનારા ભગવાન શ્રીહરિએ વસંત પંચમી (મહાસુદી પંચમી) ની તિથિએ મહારુદ્રયાગની સમાપ્તિ કરી.૪૦

હે રાજન્ ! મહા વિષ્ણુયાગ અને મહારુદ્રયાગમાં અનેક પ્રકારનાં ભોજન, દાન અને દક્ષિણાથી અત્યંત સંતુષ્ટ થયેલા વિપ્રો તથા યજ્ઞોનું દર્શન કરનારા ઇતર મનુષ્યો તથા ધનવાન મનુષ્યો ભગવાન શ્રીહરિના અનુપમ યશનું ગાન કરવા લાગ્યા, સર્વત્ર ફેંલાયેલું એ યશોગાન સાંભળીને પૃથ્વી પરના સર્વે રાજાઓ પણ અત્યંત વિસ્મય પામ્યા.૪૧

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં કારિયાણી ગામે ભગવાન શ્રીસ્વામિનારાયણ અને ગઢપુર પતિ અભયરાજાનું મિલન થયું અને રાજાએ પૂજન કરી સ્તુતિ કરી તેનું નિરૂપણ કર્યું એ નામે અઠયાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૮--