અધ્યાય - ૨૭ - ભગવાન શ્રીહરિનું કારિયાણી ગામે આગમન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:54am

અધ્યાય - ૨૭ - ભગવાન શ્રીહરિનું કારિયાણી ગામે આગમન.

ભગવાન શ્રીહરિનું કારિયાણી ગામે આગમન. ખટ્વાંગાદિ ભક્તોને શ્રીહરિનું દિવ્ય દર્શન. ખટ્વાંગ રાજાએ કરેલી સ્તુતિ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિ સરધારપુરમાં પ્રબોધનીનો ઉત્સવ ઉજવી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માર્ગમાં આવતા ભક્તજનોને આનંદ આપતા આપતા કારિયાણી ગામે પધાર્યા. ખટ્વાંગ રાજા પ્રતિદિન પ્રતિક્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રીહરિના આગમનના સમાચાર સાંભળ્યા તેથી અતિશય ભાવવિભોર થયા અને તત્કાળ સ્વાગત કરવા માટે સન્મુખ ગયા. શ્રીહરિના સન્માનને માટે અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ કરી દશે દિશાઓને ગજવતા અનેક અસવારોની સાથે રહેલા ઘોડેસવાર ખટ્વાંગ રાજાએ માર્ગમાં પધારી રહેલા ભગવાન શ્રીહરિનાં દર્શન કર્યાં.૧-૩

હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિ અતિશય વેગવંતા અશ્વ ઉપર વિરાજમાન હતા. તેમની ચારેબાજુ મુકુન્દ બ્રહ્મચારી આદિક ત્યાગીઓનાં વૃંદ શોભતાં હતાં. માર્ગમાં ભક્તજનોએ કેસર, ચંદન તથા પુષ્પોની માળા ધારણ કરાવી પ્રેમથી પૂજન કર્યું હતું, તેથી ખૂબજ શોભી રહ્યા હતા. તેમ જ શ્રીહરિની સાથે ચાલતા મુક્તાનંદ સ્વામી આદિ સંતો તથા અનંત ગૃહસ્થ ભક્તજનો અશ્વ ઉપર વિરાજમાન શ્રીહરિની મૂર્તિનું દર્શન કરતા કરતા પાછળ ચાલ્યા આવતા હતા. આવા ભગવાન શ્રીહરિને ખટ્વાંગ રાજાએ પ્રણામ કર્યા તથા સાથે આવેલા સર્વે વર્ણી-સંતો અને ભક્તજનોને પણ પ્રણામ કર્યા. ત્યારપછી ગાજતે વાજતે પોતાના ભવનમાં પધરાવ્યા.૪

હે રાજન્ ! ખટ્વાંગ રાજાએ ભગવાન શ્રીહરિનો ઉતારો પોતાના રાજભવનમાં જ કરાવ્યો, અને સાથે આવેલા વર્ણી, સાધુ અને ભક્તજનોનો ઉતારો ગામમાં જુદી જગ્યાએ યથાયોગ્ય સ્થાને કરાવ્યો. પછી ખટ્વાંગરાજા નિર્માનીપણે દાસની જેમ વર્તી સાથે આવેલા સંતો ભક્તોની સાથે ભગવાન શ્રીહરિની સેવા પરમ પ્રીતિથી કરવા લાગ્યા અને અન્ય ગામવાસીજનો હતા તે પણ પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા.૫-૬

હે રાજન્ ! તે ભક્તજનોમાં રાઘવ, વૈકુંઠ આદિ ઉત્તમ વિપ્રભક્તજનો હતા. વસ્તો, રામજી, વેલજી, વિક્રમ આદિ ક્ષત્રિય ભક્તજનો હતા, તેમજ વીરદાસ, કામજી, રાઘવ, કર્ણ, દેવજી, ગોવર, પચાણ, હીરજી આદિ વૈશ્ય ભક્તજનો હતા. તે સર્વે ભગવાન શ્રીહરિની અતિ પ્રેમથી ખૂબજ સેવા કરવા લાગ્યા. અને દેવીકા આદિ સ્ત્રી ભક્તજનો હતાં તે પણ અત્યંત ભક્તિભાવથી ભગવાન શ્રીહરિની ખૂબજ સેવા કરવા લાગ્યાં. આ પ્રમાણે વિશુદ્ધ અંતરવાળા સર્વે ભક્તજનો પોતપોતાની શક્તિ અને સંપત્તિને અનુસારે ભગવાન શ્રીહરિની સેવાથી જીવન ધન્ય કરવા લાગ્યા.૭-૯

હે રાજન્ ! કારિયાણી ગામમાં ભગવાન શ્રીહરિનું જે દિવસે આગમન થયું તે કાર્તિકી પૂર્ણિમાનો મોટો દિવસ હોવાથી ખટ્વાંગ રાજા આદિક સર્વે ભક્તજનોએ શ્રીહરિનું પ્રેમથી પૂજન કર્યું. પ્રથમ ચંદન, પુષ્પોના હાર, તોરા, નૂતન વસ્ત્રો, ધન તેમજ સુવર્ણનાં તથા રૂપાનાં આભૂષણોથી ભગવાન શ્રીહરિની મહાપૂજા કરી સૌએ પ્રેમથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.૧૦-૧૧

ખટ્વાંગાદિ ભક્તોને શ્રીહરિનું દિવ્ય દર્શન :-- હે રાજન્ ! ખટ્વાંગરાજા આદિ સર્વે ભક્તજનો બે હાથ જોડી નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષમાં વિરાજતા ભગવાન શ્રીહરિનાં દર્શન કરી રહ્યા હતા. તેવામાં અચાનક મોરલીને વગાડતા શ્રીકૃષ્ણ ભગવાનનાં સ્વરૂપમાં શ્રીહરિનાં દર્શન થયાં. તે સમયે તત્કાળ ફરી સર્વે ભક્તજનોએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને ફરીવાર જ્યાં શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરે છે ત્યાં તે સ્વરૂપની જગ્યાએ પૂર્વની માફક નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષમાં ભગવાન શ્રીહરિનાં દર્શન થયાં. ત્યારે આ શ્રીહરિ છે તેજ સર્વે અવતારોને ધારણ કરનારા સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રીકૃષ્ણજ છે એમ જાણી ખટ્વાંગ રાજા બન્ને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા.૧૨-૧૪

ખટ્વાંગ રાજાએ કરેલી સ્તુતિ :-- ખટવાંગ રાજા કહે છે, હે નીલકંઠ ! તમારો સદાય વિજય થાઓ. તમે બદ્ધજીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી આ સંસારમાંથી મુક્ત કરો છો. તમે સદાય શુદ્ધ સ્વરૂપ જ્ઞાનના નિધિ છો. દૈત્યોને મોહ ઉપજાવવા ભક્તિ ધર્મથકી પ્રગટ થઇ આવું મનુષ્ય નાટક કરો છો. તમે શરણાગત મનુષ્યોના જીવનરૂપ છો. એવા હે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિકૃષ્ણ ! તમને હું નિરંતર વંદન કરું છું.૧૫

હે હરિ ! ''અક્ષરાત્ પરતઃ પરઃ'' એ વેદની શ્રુતિમાં વર્ણન કરાયેલા તમે દિવ્ય અક્ષર બ્રહ્મધામને વિષે સદાય પુરુષોત્તમ નારાયણ સ્વરૂપે વિરાજો છો. એવા આપને અત્યારે અહીં મારા ભવનમાં પ્રાપ્ત કરીને હું ખૂબજ કૃતાર્થ થયો છું.૧૬

સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિ અનંત સાધન સમૃદ્ધિથી પ્રતિદિન વૃદ્ધિ પમાડેલા સામર્થ્યથી માયાના સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોના કાર્યનો ત્યાગ કરી બ્રહ્મભાવને પામેલા જીવાત્માઓના પણ તમે પરબ્રહ્મ પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવ છો.૧૭

હે પ્રભુ ! તમે પુરુષોત્તમનારાયણ સ્વતંત્ર છો, છતાં પોતાની ઇચ્છાથી રજોગુણનો સ્વીકાર કરી બ્રહ્મા અને દક્ષ પ્રજાપતિ સ્વરૂપે વિશ્વનું સર્જન કરો છો. સત્ત્વગુણનો સ્વીકાર કરી વિષ્ણુ સ્વરૂપે તથા ધર્મપ્રજાપતિ સ્વરૂપે વિશ્વનું પોષણ કરો છો અને તમોગુણનો સ્વીકાર કરી શિવ અને શેષ સ્વરૂપે વિશ્વનો સંહાર કરો છો. છતાં પણ આપનું સ્વરૂપ સત્ત્વાદિ ત્રણ ગુણથી ન્યારું છે. તમે તેમાં બંધાતા નથી. કારણ કે તમે જ ત્રણે ગુણોના નિયામક રાજાધિરાજ છો. એમ વેદની શ્રુતિઓ વર્ણન કરે છે.૧૮

સર્વતંત્ર સ્વતંત્ર પરબ્રહ્મ પરમાત્મા આપ જ સ્વેચ્છાથી યુગયુગને વિષે દિવ્ય અવતારને ધારણ કરો છો. તે સમયે કાળના બળે નષ્ટ થયેલા વેદોક્ત વર્ણાશ્રમ ધર્મનું પ્રવર્તન કરી અધર્મ અને અસુરો થકી સાધુ પુરુષોનું રક્ષણ કરો છો.૧૯

વરાહ અવતાર :-- હે હરિ ! તમે વરાહ અવતાર ધારણ કરી મહાબળવાન દિતિપુત્ર હિરણ્યાક્ષ અસુરનો વધ કરી વન-પર્વતોથી યુક્ત અને પોતાની શક્તિરૂપ એવી પૃથ્વીને અસુરભવન એવા પાતાળમાંથી પોતાના દાંતના અગ્રભાગ ઉપર રાખીને બહાર લાવી જળરૂપ સમુદ્ર ઉપર પુનઃ સ્થાપન કરી હતી.૨૦

યજ્ઞાવતાર :-- હે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરનારા શ્રીહરિ ! તમે રુચિક પ્રજાપતિની બહુ પ્રાર્થનાથી પ્રસન્ન થઇ દક્ષિણાદેવીના નામે અવતરેલાં પત્ની લક્ષ્મીજીની સાથે યજ્ઞાનારાયણ સ્વરૂપે પ્રગટ થયા તથા ત્રિલોકીનું રક્ષણ કરનારા અને સર્વજનોના હિતકારી તમે તે સમયે સ્વાયંભુમનુના રક્ષણને માટે અસુરોના સમૂહનો વિનાશ કર્યો હતો.૨૧

શ્રીનરનારાયણાવતાર :-- હે હરિ ! આ પૃથ્વીપર ભારતદેશમાં જન્મલેનારા પુણ્ય બુદ્ધિવાળા, તમારું ભજન કરનારા અને તમને વહાલા એવા સત્પુરુષોના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્યાદિ ધર્મવંશની વૃદ્ધિ પમાડવા તમે નરનારાયણ અવતાર ધારણ કરેલો છે.૨૨

કપિલાવતાર :-- હે શ્રીહરિ ! તમે કર્દમઋષિના પુત્ર કપિલરૂપે પ્રગટ થઇ કાળે કરીને નષ્ટ થઇ ગયેલા સાંખ્યજ્ઞાનનો પ્રથમ બોધ માતા દેવહૂતિને આપ્યો અને પછી પોતાના શિષ્ય આસુરી નામના ઋષિને આપ્યો તથા પૂર્વના મહાસમુદ્રના બેટમાં બેસી તપશ્ચર્યા કરી હતી.૨૩

દત્તાત્રેયાવતાર :-- હે શ્રીહરિ ! તમે અત્રિનંદન દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થઇ ચારે વર્ણ અને ચારે આશ્રમના ધર્મોને પૃથ્વી પર પ્રથમ સારી રીતે સ્થાપન કર્યા અને સહસ્રાર્જુન રાજાને તથા યદુરાજાને અસાધારણ રાજવૈભવરૂપ ભુક્તિની સાથે પરમપુરુષાર્થરૂપ મુક્તિ પણ આપી હતી.૨૪

ધ્રુવાવતાર :-- હે શ્રીહરિ ! તમે નવીનમેઘની સમાન શ્યામ સુંદરરૂપ ધારી વાસુદેવરૂપે ધ્રુવજી આગળ પ્રગટ થયા અને વરદાનને આપનાર ચારે હસ્તમાં શંખ,ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ધ્રુવજીને અવિચળ પદનું વરદાન આપી મધુવનવાસી અન્ય જનોને પોતાનું દર્શન આપી ઉદ્ધાર કર્યો હતો.૨૫

પૃથુ અવતાર :-- હે શ્રીહરિ ! તમે વેનરાજાના પુત્ર પૃથુરૂપે પ્રગટ થઇ ઔષધીઓનું દોહન કરી આ ધરતીને સમતળ કરી હતી તથા મહાપાપી એવા પિતા વેનરાજાને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી તમે પૃથ્વીપરના પ્રથમ મહારાજાધિરાજ પણે પ્રસિદ્ધિ પામ્યા હતા.૨૬

ઋષભ અવતાર :-- હે શ્રીહરિ ! હે દેવ ! તમે નાભિરાજા અને મેરુદેવીને ત્યાં ઋષભદેવ નામથી પ્રગટ થઇ સો યજ્ઞો કર્યા અને પોતાના પુત્રો આદિ સર્વેજનોને પ્રવૃત્તિધર્મમાં રહેલા એકાંતિક ધર્મનો ઉપદેશ આપ્યો અને સ્વયં પરમહંસોના નિર્માની વિગેરે ધર્મોનું આચરણ કરી ત્યાગી એવા પરમહંસોના ધર્મનું શિક્ષણ આપ્યું હતું.૨૭

હયગ્રીવ અવતાર :-- હે ભક્તપતિ ! હે ભગવાન શ્રીહરિ ! તમે બ્રહ્માજીના દિવસને અંતે હયગ્રીવ અવતારને ધારણ કરી બ્રહ્માજીના ચારે મુખમાંથી સ્રવી ગયેલા ચારે વેદને ફરી લાવીને આપ્યા હતા. તથા તમે મત્સ્યાવતાર ધારણ કરી સત્યવ્રતરાજાને સમગ્ર વર્ણાશ્રમના સદાચારનો ઉપદેશ આપ્યો હતો.૨૮

કૂર્માવતાર :-- હે વિભુ ! હે શ્રીહરિ ! તમેજ કૂર્માવતાર ધારણ કરી દુર્વાસામુનિના શાપથી સમુદ્રમાં લીન પામેલી લક્ષ્મીને કારણે અતિદુઃખી થઇ ક્ષીરસાગરનું મંથન કરવા તત્પર થયેલા દેવતાઓનું રક્ષણ કર્યું હતું. મોહિનીરૂપ અવતાર :-- સમુદ્રમંથનના અંતે અમૃતને અસુરો હરી ગયા ત્યારે કપટથી અસુરોને મોહ ઉપજાવવા મોહિની અવતાર ધારણ કરી તેઓની પાસેથી અમૃતકુંભ લઇ દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું હતું.૨૯

નૃસિંહ અવતાર :-- હે શ્રીહરિ ! તમે પૂર્વે ભક્ત પ્રહ્લાદનું રક્ષણ કરવા માટે તથા અસુર હિરણ્યકશિપુનો વધ કરવા માટે પ્રચંડ વેગવાન, ન પૂર્ણ માનવ અને ન પૂર્ણ સિંહ એવી તથા કેસરી સિંહને પણ પાછળ રાખે એવી ભયંકર આકૃતિને ધારણ કરનારા અને ભયાનક અટહાસ્યના ધ્વનિથી આખા બ્રહ્માંડને તોડી નાખે તેવો શબ્દ કરી મદથી અતિ ઉદ્ધત થયેલા અસુર હિરણ્યકશિપુનો હાથના તીક્ષ્ણ નહોરથી ચીરીને વિનાશ કર્યો અને સકલ વિષયોમાંથી વિરક્ત હોવા છતાં બલાત્કારે ભક્ત પ્રહ્લાદજીને સર્વેનું શાસન કરવા પિતાની ગાદી ઉપર બેસાડયાહતા.૩૦

વામનાવતાર :-- હે શ્રીહરિ ! તમે વિનયથી નમ્ર એવા બ્રાહ્મણ બટુના વેષે કશ્યપપ્રજાપતિના પુત્રરૂપે વામનાવતાર ધારણ કરી ત્રણ ડગલાં ધરતી માગવાના મિષથી બલિરાજા પાસેથી વિશાળ ત્રિલોકીનું આધિપત્ય પડાવી ઇન્દ્ર મહારાજાને આપ્યું હતું. અને સુતલલોકનું આધિપત્ય મહારાજા બલિને અર્પણ કર્યું હતું.૩૧

શ્રીહરિ અવતાર :-- (રાજરાજ અવતાર) હે શ્રીહરિ ! તમે સ્વયંભુવાદિ મનુઓ, સપ્તર્ષિઓ, યજ્ઞાનો ભાગ ભોગવનારા દેવતાઓ તથા ઇન્દ્રાદિ સર્વેને નિરંતર પોતપોતાના અધિકારની પ્રવૃત્તિમાં સ્થિર રખાવવાના હેતુથી અને ત્રિલોકીનું નિરંતર રક્ષણ થાય તે માટે સમયે સમયે પ્રત્યેક મનવંતરમાં ''રાજરાજ'' અવતારને ધારણ કરો છો.૩૨

ધન્વંતરી અવતાર :-- હે શ્રીહરિ ! તમે આલોકમાં નામમાત્રથી સમગ્ર રોગની નિવૃત્તિ થઇ જાય તેવા ધન્વંતરી અવતારને ધારણ કરી આયુર્વેદ શાસ્ત્રનું પ્રવર્તન કર્યું અને દરેક યજ્ઞાને વિષે પ્રથમ અટકાવી રાખેલા અને પાછળથી નમ્ર થઇ સામેથી દેવતાઓએ અર્પણ કરેલા દરેક યજ્ઞાના ભાગને તમે તમારા સામર્થ્યથી પ્રાપ્ત કર્યા હતા.૩૩

પરશુરામ અવતાર :-- હે શ્રીહરિ ! તમે જમદગ્નિ ઋષિના પુત્ર રામરૂપે પરશુરામ અવતાર ધારણ કરી હાથમાં તીવ્ર પરશુ ધારણ કરી લાલચોળ નેત્રોવાળા થઇ એકલાજ સહસ્રાર્જુન રાજાએ સહિત અતિશય ક્રૂર સમસ્ત ક્ષત્રિયોનો ઘોર સંહાર કરી એકવીસ વાર આ પૃથ્વીને ક્ષત્રિય રહિત કરવા ફર્યા હતા.૩૪

રામાવતાર :-- હે શ્રીહરિ ! તમે આ પૃથ્વીપર દશરથપુત્ર શ્રીરામચંદ્રરૂપે અવતાર ધારણ કરી તાડકા રાક્ષસીનો તથા વિશ્વામિત્રના યજ્ઞામાં વિઘ્ન કરનારા સુબાહુ તથા મારીચ આદિ રાક્ષસોનો વિનાશ કર્યો, ત્યારપછી ગૌતમપત્ની અહલ્યાનો ઉધ્ધાર કરી જનકપુરીમાં જઇ શિવધનુષનો ભંગ કરી સીતાને પરણ્યા હતા. અને પિતાની આજ્ઞાથી અનુજ લક્ષ્મણ અને પત્ની સીતાજીની સાથે વનમાં પધાર્યા, ત્યારે પોતાને વરવા આવેલી રાક્ષસરાજ રાવણની બહેન સૂર્પણખાનાં લક્ષ્મણદ્વારા નાક-કાન કપાવી વિરૂપ બનાવી તથા ઋષિઓને પરેશાન કરતા ઘણાક રાક્ષસોને માર્યા હતા.૩૫

રાવણે અપહરણ કરેલાં પત્ની જાનકીજીનો શોક પણ કર્યો અને માર્ગમાં ગીધરાજ જટાયુ અને કબંધને દિવ્યગતિ આપી. ત્યાંથી અનન્ય ભક્ત ભીલ શબરીનો ઉધ્ધાર કરી, વાલીનો વધ કરવાથી નિર્ભય થયેલા સુગ્રીવ વાનરરાજના દૂત હનુમાનજી દ્વારા સીતાજીની શોધ કરાવી વિશાળ દક્ષિણ સમુદ્ર ઉપર સેતુબાંધીને લંકાપુરીમાં જઇ વાનર, રીંછ આદિ સૈન્યને સાથે રાખી યુદ્ધમાં રાવણનો નાશ કરી પવિત્ર સીતાજીને પુનઃ પ્રાપ્ત કરી અયોધ્યાપુરીમાં આવી રાજ્ય સિંહાસન ઉપર વિરાજમાન થઇ રાજાધિરાજ થયા હતા.૩૬

વ્યાસાવતાર :-- હે શ્રીહરિ ! તમે પરાશર પુત્ર વ્યાસ અવતાર ધારણ કરીને કલિયુગના માનવોની બુદ્ધિ અલ્પ થવાની છે એમ જાણી એક વેદના ચાર વિભાગ કરી પૈલાદિ મુનિઓને તેનો અભ્યાસ કરાવ્યો અને વેદોના દુર્ગમ અર્થનો સુગમ બોધ થાય તે માટે બ્રહ્મસૂત્રો, શ્રીમદ્ ભાગવત આદિ પુરાણો અને મહાભારત આદિ ઇતિહાસોની રચના કરી છે.૩૭

શ્રીકૃષ્ણાવતાર :-- હે શ્રીહરિ ! તમે ધરતીનો ભાર ઉતારવા શ્રીકૃષ્ણ અવતાર ધારણ કર્યો અને ગોકુળમાં પધારી ત્યાં પૂતનાનો વિનાશ કર્યો, તૃણાવર્તનો અને શકટાસુરનો વિનાશ કર્યો અને માતા યશોદાને પોતાના અલ્પ મુખમાં વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. બાલ્યાવસ્થાને ઉચિત અનેક બાળલીલાને કરતા દહીંની મટકી ફોડી, યમલાર્જુન નામનાં બન્ને વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ધરાશાયી કર્યાં, તેમજ વૃંદાવનમાં બકાસુર, વત્સાસુર, અઘાસુરનો વિનાશ કર્યો. વાછરડાં તથા ગોપબાળકોનાં સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજીને મોહ ઉપજાવ્યો, વળી કોઇ વખત ગિરિરાજ ગોવર્ધન, વૃંદાવનનાં વૃક્ષો અને તેના પર બેઠેલાં પક્ષીઓનાં મહાભાગ્યની મોટાભાઇ બલરામ પાસે પ્રશંસા કરી હતી. ગરુડના વેરી કાલિયનાગનું દમન કરી યમુનાના જળને નિર્વિષ કર્યું, નંદાદિને બાળવા તત્પર થયેલા દાવાનળનું પાન કર્યું. કાત્યાયની દેવીનું વ્રત કરતી વ્રજકુમારીકાઓને ઇચ્છિત વરદાન આપ્યું. યજ્ઞાનું અનુષ્ઠાન કરી રહેલા મથુરાવાસી બ્રાહ્મણપત્નીઓના થાળ જમી તેમને પ્રસન્ન કરી હતી. પોતાને અતિશય પ્રિય ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ટચલી આંગળી ઉપર ધારણ કરી વ્રજવાસીઓનું રક્ષણ કરીને ઇંદ્રનો ગર્વ ઉતાર્યો. નંદરાયને વરુણ પાસેથી પાછા લાવ્યા. પોતાને અતિપ્રિય નંદાદિ વ્રજવાસીઓને પોતાનાં ધામમાં લઇ જઇ પોતાનું દિવ્ય દર્શન કરાવ્યું, ગોપીઓની સાથે રાસ રમી રમણ કર્યું, રાધિકાજીને ગોપીઓના યૂથથી અલગ એકાંત સ્થળમાં લઇ જઇને બહુજ પ્રીતિ ઉપજાવી હતી. અજગરના મુખમાંથી નંદરાયજીને મુકાવ્યા, શંખચૂડ, અરિષ્ટાસુર, વ્યોમાસુર તથા કેશી આદિ અસુરોનો વિનાશ કર્યો. પિતાનું વચન પાળવા અક્રુરજીના કહેવાથી મથુરાપુરી પધાર્યા. રંગકાર ધોબીનો શિરછેદ કર્યો, દરજી, કુબ્જા તથા શ્રીદામા નામના માળી ઉપર અનુગ્રહ કર્યો. કંસે પૂજેલાં ધનુષનો ભંગ કર્યો, કુવલયાપીડ હાથીનો વિનાશ કર્યો, મલ્લોમાં મુખ્ય ચાણૂર, મુષ્ટિક આદિકનો અને મામા કંસનો પણ વધ કર્યો. સંયમીનીપુરી માંથી મૃતપુત્રને લાવી વિદ્યાગુરુ સાંદીપનિ ઋષિનો મનોરથ પૂર્ણ કર્યો. પોતાના એકાંતિક ભક્ત ઉદ્ધવજીને વ્રજમાં મોકલી પોતાના વિયોગમાં દુઃખી ગોપીજનોનાં મન શાંત કર્યાં. અક્રૂર, કુબ્જા તથા કુંતીને સંતોષ પમાડયો, દ્વારિકાપુરીનું નિર્માણ કર્યું, કાળયવન અને મગધરાજ જરાસંધના સૈન્યનો વિનાશ કર્યો. રાજાઓના સમૂહને જીતી સોળ હજાર એકસો કન્યાઓ સહિત અષ્ટપટરાણીઓની સાથે લગ્ન કર્યાં. વિપ્રના અપરાધથી કાકીંડાના શરીરને પામેલા નૃગરાજાનો ઉદ્ધાર કર્યો. બાણાસુરના હાથનું છેદન કર્યું, યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞાનું જરાસંધ આદિ રાજાઓને મારી રક્ષણ કર્યું. શિશુપાળ, શાલ્વ અને દંતવક્ર આદિનો વિનાશ કર્યો. પોતાના મિત્ર સુદામાવિપ્રની દરિદ્રતા દૂર કરી, કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ નિમિત્તે ઉત્સવ ઉજવ્યો. માતા દેવકીજીની પ્રાર્થનાથી કંસે મારી નાખેલા છ મોટાભાઇઓનાં દર્શન કરાવી તેમનો મનોરથ પૂર્ણ કર્યો. મિથિલાધિપતિ બહુલાશ્વ નામના રાજા, અર્જુન અને ઉધ્ધવજીને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ આપી માયામોહનું અજ્ઞાન દૂર કર્યું. હે શ્રીહરિ ! આ સર્વે ચરિત્રો આપે કૃષ્ણાવતાર ધારણ કરીને કર્યાં છે.૩૮

બુદ્ધાવતાર :-- હે શ્રીહરિ ! તમે પૃથ્વીપર બુદ્ધાવતારને ધારણ કરી વેદોક્ત વિધિનો કપટથી આશ્રય કરી પોતાને શરણે હોવા છતાં ત્રિલોકવાસી સર્વે મનુષ્યોને પીડા આપતા અસુરોના સમૂહોને મોહ ઉપજાવવા ઉપધર્મનો ઉપદેશ કર્યો હતો.૩૯

કલ્કી અવતાર :-- હે શ્રીહરિ ! તમે કલિયુગના અંતે વિષ્ણુયશ નામના વિપ્રના પુત્ર કલ્કીરૂપે અવતાર ધારણ કરી હાથમાં અતિશય તીવ્ર તલવાર ધારણ કરી દેવદત્ત નામના અશ્વ ઉપર વિરાજીને પૃથ્વીપર વિચરણ કરી મ્લેચ્છ પરાયણ થઇ ગયેલા કુબુદ્ધિ અને પાપી મનુષ્યોનો વિનાશ કરશો.૪૦

હે ભગવાન શ્રીહરિ ! તમે જ્યારે જ્યારે અસુરોએ વેદોક્ત વર્ણાશ્રમ ધર્મની હાની કરેલી જુઓ છો. ત્યારે ભારતભૂમિને વિષે અવતાર ધારણ કરો છો. તેમાં ક્યારેક માતાપિતાના સંબંધથી અવતાર ધારણ કરો છો. ક્યારેક માત્ર પિતા થકી જ અવતાર ધારણ કરો છો. અને ક્યારેક તો કલ્પના ન કરી શકાય તે રીતે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ગમે ત્યાં પ્રગટ થાઓ છો. હે પ્રભુ ! તમારે અવતાર ધારણ કરવાનો હેતુ કેવળ ધર્મમાર્ગનું રક્ષણ કરવાનો જ છે. એથી આ અવસરે પૃથ્વી પર દુર્જન એવા અસુરાંશ ગુરુઓ અને રાજાઓએ વિનાશ કરેલા ધર્મ માર્ગનું સારી રીતે રક્ષણ કરતા એવા સર્વ અવતારને ધારણ કરનારા પુરુષોત્તમનારાયણ તમે સર્વોત્કર્ષપણે શોભી રહ્યા છો.૪૧-૪૨

હે સ્વતંત્ર સર્વતંત્ર ભગવાન શ્રીહરિ ! તમે પૃથ્વી પર અવતાર ધારણ કરી જે જે ચરિત્રોને કરો છો તે તે સર્વ ચરિત્રો ત્રિવિધ તાપથી તપેલા જનોના હિતને કરનારાં છે. હે પુરુષોત્તમ ! તમારાં જન્મ અને કર્મ દિવ્ય છે અને એ જન્મો અને કર્મો અનંત હોવાથી કોઇ પણ પુરુષ તેની ગણના કરવા શક્તિમાન નથી.૪૩-૪૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભક્તરાજ ખટ્વાંગ રાજર્ષિ આ પ્રમાણે ભગવાન શ્રીહરિની સ્તુતિ કર્યા પછી મનમાં ભગવાન શ્રીહરિની સેવા કરવાની ઇચ્છા ધરાવતા તે બુદ્ધિમાન રાજા અતિશય સ્નેહપૂર્વક વિનયથી વંદન કરી ફરી પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવન્ ! મારું મન તમારા ચરણકમળમાં જ એક આસક્ત છે, હું તમારો ચરણ સેવક છું. તેથી હે સંતોના પતિ ! તમે મારા પર કરુણા કરી કેટલાક માસ પર્યંત મારા રાજ ભવનમાં શાંતિથી નિવાસ કરીને રહો.૪૫-૪૬

આ પ્રમાણે ખટ્વાંગ રાજાની યાચના સાંભળી ભગવાન શ્રીહરિ કહે છે. હે રાજર્ષિ ! તમે સદાય ધર્મમાં નિષ્ઠાવાળા છો તેથી તમને રાજી કરવા વસંતપંચમીના ઉત્સવ પર્યંત તમારા ભવનમાં હું નિવાસ કરીને રહીશ.૪૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી પોતાના ભક્તજનોને સુખ આપી રહેલા ભગવાન શ્રીહરિ કારિયાણી ગામમાં નિવાસ કરીને રહ્યા અને ખટ્વાંગ રાજા આદિ સર્વે ભક્તજનો આદરપૂર્વક અતિ ભાવથી સેવા કરવા લાગ્યા. હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિનું વસંતપંચમી સુધી રોકાવાનું નક્કી થયા પછી ખટ્વાંગ રાજાએ શ્રીહરિના આગમનના શુભ સમાચારને જણાવતી એક મંગલપત્રિકા લખીને કોઇ એક પોતાના દૂતને દુર્ગપુર પ્રત્યે મોકલ્યો. ઉતાવળી ગતિએ ચાલનારો તે દૂત તત્કાળ ગઢપુરમાં આવી અભયરાજાને મળીને તેમના હાથમાં તે પત્રિકા અર્પણ કરી.૪૮-૪૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિ કારિયાણી પધાર્યા અને સત્કાર કરી ખટ્વાંગ રાજાએ પૂજા કરીને સ્તુતિ કરી એ નામે સત્તાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૭--