અધ્યાય - ૧૪ - સ્નેહદોષથી પરાભવ પામેલા ઋષભદેવજીના પુત્ર ભરત મહારાજાનું વૃત્તાંત.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:42am

અધ્યાય - ૧૪ - સ્નેહદોષથી પરાભવ પામેલા ઋષભદેવજીના પુત્ર ભરત મહારાજાનું વૃત્તાંત.

સ્નેહદોષથી પરાભવ પામેલા ઋષભદેવજીના પુત્ર ભરત મહારાજાનું વૃત્તાંત.

ભગવાન શ્રી નારાયણમુનિ કહે છે, હે મયારામ વિપ્ર ! પૂર્વે ભગવાન ઋષભદેવજીના પુત્ર ભરત નામે રાજા થયા. તે જંબુદ્વિપના નવે ખંડના અધિપતિ હતા.૧

હે વિપ્ર ! પૂર્વે આ ખંડ ''અજનાભખંડ'' નામે પ્રસિદ્ધ હતો. પરંતુ જ્યારથી ભરતરાજા રાજ્ય કર્યું ત્યારથી આ ખંડનું નામ તેના નામ ઉપરથી ''ભરતખંડ'' રાખવામાં આવ્યું, એમ ઇતિહાસકારો કહે છે.૨

તે ભરત મહારાજા રાજ્ય વ્યવહારની સાથે સાથે ધર્મમાર્ગનું પ્રવર્તન કરતા અને અનેક પ્રકારના યજ્ઞો દ્વારા ભગવાન શ્રીવાસુદેવનું યજન પણ કરતા હતા.૩

તે ભરતમહારાજાની ભગવાનને વિષે ભક્તિ પ્રતિદિન વધવા લાગી. તેથી પરમાત્મા ભગવાન શ્રીવાસુદેવ સિવાય રાજ્ય, સ્ત્રી, ધન આદિ સર્વે પદાર્થોમાંથી વૈરાગ્ય થયો.૪

ત્યારપછી ભરત મહારાજાએ પોતાના રાજ્યનો યથાયોગ્ય વિભાગ કરી પોતાના સુમતિ આદિ પાંચે પુત્રોને સોંપી, દેવતાઓ પણ જે વૈભવ મેળવવા પ્રાર્થના કરતા હોય તેવા રાજ્યલક્ષ્મી આદિથી સમૃધ્ધ વૈભવનો મળની પેઠે ત્યાગ કર્યો.૫

હે વિપ્રવર્ય ! બુદ્ધિમાન ભરત મહારાજા ભક્તિપૂર્વક એક ભગવાન શ્રીવાસુદેવની જ આરાધના કરવાની ઇચ્છાથી સ્ત્રી, પુત્ર, ધન તથા રાજ્યનો ત્યાગ કરી પુલહાશ્રમમાં પધાર્યા.૬

શાંત, મુમુક્ષુ અને પંચ વિષયોમાં વિરક્ત એવા ભરતજી માત્ર એકલાજ રહી ગંડકી નદીને કિનારે ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા.૭

ફળ, મૂળ, કંદ, જળ અને તુલસીપત્ર વગેરે ઉપહારોથી શ્રીહરિનું પૂજન કરતા ભરતજી ભગવાનમાં અતિશય પ્રેમઘેલા થવાથી પૂજાના ક્રમને પણ ભૂલી જતા હતા.૮

ભગવાનની ઉપાસનાના બળે જેની બુદ્ધિ અતિશય નિર્મળ થઇ છે એવા ભરતજી સૂર્યમંડળના મધ્યભાગમાં વિરાજતા તથા પ્રકૃતિ પુરુષથી પણ પર એવા હિરણ્યમય પુરુષ શ્રીસૂર્યનારાયણની વેદની ઋચાઓ વડે ઉપાસના કરતા હતા.૯

એક સમયે ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરી હૃદયમાં ઁકારનો જપ કરતા હતા. તે સમયે તરસી હરણી પાણીપીવાની ઇચ્છાથી તે ગંડકી નદીના કિનારે આવી. સગર્ભા એવી તે હરણી જ્યાં પાણી પી રહી હતી ત્યાં કોઇ કેસરી સિંહે સમસ્ત લોકોને ભય ઉપજાવે તેવી ભયંકર ગર્જના કરી. ત્યારે કેસરી સિંહની ભયંકર ગર્જના સાંભળી સામે કિનારે ટપી જવા માટે કૂદકો મારતી હરણીનો ગર્ભ ગંડકીના પ્રવાહમાં અકસ્માત્ સ્રવી ગયો, અને તે હરણી મૃત્યુ પામી.૧૦-૧૨

નદીના તરંગોમાં તણાઇ રહેલાં કોમળ અંગવાળાં મૃગબાળને રાજર્ષિ ભરતજીએ જોયું. તેને દયા આવવાથી તેમને પ્રવાહમાંથી ઉઠાવી આશ્રમમાં લાવ્યા.૧૩

હે વિપ્રવર્ય ! આશ્રમમાં આવ્યા પછી ભરતજીએ વિચાર કર્યો કે, અનાથ આ મૃગ બાળકનું મારા વિના કોણ રક્ષણ કરશે ? કોઇ નહિ. આ પ્રમાણે માત્ર દયાથી પરવશ થયેલા ભરતજીને પ્રતિદિન હરિના બદલે હરણમાં હેત વધવા લાગ્યું.૧૪

મૃગ બાળકનું લાલન પાલન કરતા ભરતજીના સ્નાન, સંધ્યાદિ નિયમો તથા અહિંસા આદિ યમો ધીરે ધીરે સંપૂર્ણ ભૂલાઇ ગયા.૧૫

સહજ ચંચળ સ્વભાવ યુક્ત તથા કોમળ અંગવાળાં મૃગબાળકનું અતિ હર્ષથી લાલન પાલન કરતા ભરતજીનું ચિત્ત તેમાં જ આસક્ત થતાં ભગવાનની પૂજા પણ ભૂલાઇ ગઇ.૧૬

હે વિપ્રવર્ય ! ભરતજીને મૃગબાળક ઉપર અતિશય સ્નેહ થયો હોવાથી બેસતાં, ઉઠતાં, સૂતાં, જાગતાં, હાલતાં, ચાલતાં તથા ભોજન આદિ સર્વ ક્રિયામાં એક ક્ષણવાર પણ મૃગબાળકને અળગું કરવા તે સમર્થ થતા નહિ. તે મૃગબાળક ક્યારેક સ્વેચ્છાએ એક ક્ષણવાર પણ બીજે સ્થળે જાય તો રાજર્ષિ ભરત જાણે હાથમાં આવેલું ધન નાશ પામ્યું હોય તેમ અતિશય વ્યાકુળ થતા હતા.૧૭-૧૮

કુણું કુણું ઘાસ ચરવા દૂર દૂર સુધી જંગલમાં ગયેલાં મૃગબાળકને આશ્રમમાં પાછાં ફરતાં જો ક્યારેક વિલંબ થતો તો ભરતજી તેના વિરહમાં વિલાપ કરતા. જેમ અત્યંત કામવાસનાવાળી સ્ત્રી કામી પુરુષનો વિરહ સહન ન કરી શકે તેમ રાજર્ષિ ભરત પણ અતિશય સ્નેહને કારણે મૃગ બાળકનો વિયોગ સહન કરી શકતા ન હતા.૧૯-૨૦

સમય જતાં મૃગબાળકને આકારે થઇ ગયેલા મનવાળા ભરતજીના શરીરનું પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયું. અને અંતકાળે પોતાના પુત્રની જેમ સમીપમાં રહેલાં મૃગબાળકનું જ ચિંતવન કરતાં કરતાં શરીરનો ત્યાગ કરી મૃગશરીરને પામ્યા.૨૧-૨૨

આ પ્રમાણે રાજ્ય, સ્ત્રી, પુત્ર અને વૈભવનો ત્યાગ કરનારા મહારાજા ભરતજી પણ એક મૃગબાળકમાં સ્નેહ કરવાથી સ્વયં પશુયોનિને પામ્યા.૨૩

હે વિપ્રવર્ય ! આજ રીતે બીજા અનેક મુનિઓ અને રાજાઓ પણ સ્નેહદોષથી પરાભવ પામી અત્યંત દુર્દશાને પામ્યા છે. માટે હે વિપ્રવર્ય ! જે હરિભક્ત દયા વડે કરીને પણ ભગવાન શ્રીહરિ સિવાય બીજા પદાર્થોમાં મનથી સ્નેહ કરે છે, તે ગમે તેવો દૃઢ ભગવાનનો ભક્ત હોય છતાં આ ભરતજીની જેમ બુદ્ધિહીન થઇ નક્કી જન્મ મરણરૂપ સંસૃતિમાં ભટકે છે.૨૪-૨૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સ્નેહદોષને કારણે મહારાજા ભરતજીનો પરાભવ થયો એ નામે ચૌદમો અધ્યાય પૂર્ણ થયો. --૧૪--