અધ્યાય -૫૩ - ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શન માટે અધીરા થયેલા શ્રીહરિ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 9:17pm

અધ્યાય - ૫૩ - ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શન માટે અધીરા થયેલા શ્રીહરિ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજેન્દ્ર ! ભગવાન શ્રીહરિ લોજપુરમાં સંતોના મંડળમાં નિવાસ કરીને રહેતા હતા. રામાનંદ સ્વામીનાં દર્શનની પ્રતીક્ષામાં ચૈત્રમાસ પણ વ્યતીત થયો, છતાં પણ સ્વામીનું લોજપુરમાં શુભ આગમન થયું નહિ.૧

તેથી શ્રીહરિ અતિશય ચિંતાતુર થયા અને ખેદ કરવા લાગ્યા. સ્વામીનાં દર્શનની તીવ્ર ઇચ્છાથી તેનું અંતર ખેંચાવા લાગ્યું. હવે નિરાશ થયેલા શ્રીહરિએ ભુજનગર જવાની ઇચ્છા કરી.૨

પછી દર્શનની અતિ ઉત્કંઠાવાળા થયેલા વર્ણીરાજ શ્રીહરિ સંતોમાં અગ્રેસર સંત શ્રી મુક્તમુનિને પ્રણામ કરી વિનંતીપૂર્વક કહેવા લાગ્યા.૩

હે મહામુનિ ! ભક્તવત્સલ રામાનંદ સ્વામી અહીં લોજપુરમાં હજુ સુધી કેમ પધાર્યા નહિ ? અને તમે આપેલો બે ત્રણ માસનો વાયદો તો ક્યારનોય પ્રસાર થઇ ચૂક્યો છે.૪

સ્વામીના આગમનમાં મારું પ્રારબ્ધ અવરોધરૂપ થતું હોય તેમ મને લાગે છે. નહિતર જગતના ગુરુ અને સ્વતંત્રપણે વિચરતા સ્વામી કેમ ન આવી શકે ?૫

હે મુનિ અત્યારે હું તેની સમીપે ભુજ જઇશ. તમે મને ભુજનગર જવાની આજ્ઞા આપો.૬

હે રાજન્ ! આ પ્રમાણે વર્ણીરાજનું વચન સાંભળી ભુજનગર જવા તત્પર થયેલા વર્ણીને બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી યથાર્થ સદ્વચનોથી સંતોષ પમાડતા કહેવા લાગ્યા.૭

હે વર્ણીરાજ ! ગુરુ રામાનંદ સ્વામી વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં જરૂર પધારવાના છે. ત્યારે તમે સ્વામીનું નિશ્ચય દર્શન કરજો.૮

હે તપસ્વીશ્રેષ્ઠ ! તપશ્ચર્યાથી તમારું શરીર અતિશય કૃશ થયું હોવાથી તમારાથી ચાલી શકાશે નહિ. તેથી અહીં જ સુખેથી રહો, ઉતાવળા ન થાઓ.૯

હે વર્ણી ! ભુજનગર અહીંથી ઘણું દૂર છે. એટલું જ નહિ વચ્ચે પાર ન કરી શકાય તેવી સમુદ્રની મોટી ખાડી આવે છે. તેથી અહીં જ સંતોના મંડળમાં સુખેથી રહો.૧૦

હું અત્યારે જ તમારું સદ્વૃત્તાંત લખીને સ્વામી ઉપર પત્રિકા મોકલું છું. તમે જરાય ચિંતા ન કરો.૧૧

હે મહામેધાવી વર્ણી ! સ્વામીનો પ્રત્યુત્તર આવે પછીથી જ ત્યાં જવાની વિચારણા કરજો. પરંતુ અત્યારે ઉતાવળા ન થાઓ.૧૨

હે નિષ્પાપ વર્ણી ! સ્વામીની આજ્ઞા વિના તમે જો તેમની સમીપે જશો તો તમને ઇચ્છિત સુખ પ્રાપ્ત નહીં થાય. તેથી અત્યારે ન જશો.૧૩

આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ આશ્વાસન આપ્યું તેથી વર્ણીરાટ્ શ્રીહરિ ત્યાંજ રોકાયા. ત્યારપછી એકાંત સ્થળમાં બેસીને મુક્તાનંદ સ્વામીએ પત્રિકા લખવાની શુભ શરૂઆત કરી.૧૪

મુક્તાનંદ સ્વામીનો પત્ર :- સ્વસ્તિશ્રી શુભ સ્થાન ભુજનગર નિવાસી સદ્ગુરુ સમર્થ શ્રીરામાનંદ સ્વામી, આપના શ્રીચરણોમાં શિષ્ય મુક્તાનંદના સાષ્ટાંગ પ્રણામ. કારણ કે આપના ચરણ કમળનું શાસ્ત્રસંમત અનેક સદ્ગુણોના સમૂહો તથા સદ્ગુણધારી સંતો તથા અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ તથા બલ, ઐશ્વર્યાદિ અનેક શક્તિઓ તથા એકાંતિક લાખો ભાગવતભક્તો નિત્યે સેવન કરે છે, અને વંદન કરે છે. આવા મહિમાવાળા આપશ્રી ઇષ્ટદેવનારાયણના સંકલ્પથી આ પૃથ્વીપર પ્રગટ થઇને સદ્ગુરુપણે સૌને ઉપદેશ આપતા ભુજનગરના ભક્તજનોને ખૂબજ આનંદ ઉપજાવી રહ્યા છો.૧૫

હે પ્રભુ ! અત્ર લોજપુરમાં આપનાં ચરણકમળમાં મન રાખીને રહેલા અમે સૌ સંતો ભક્તોને આપની કૃપાથી કુશળતા વર્તે છે, તમારી કુશળતાના સમાચાર અમને લખી જણાવશો. અમે સૌ સંતો ભક્તો આપની આજ્ઞામાં ખૂબજ આનંદથી વર્તીએ છીએ. બીજું આ પત્ર લખવાનું કારણ તમારી પાસે નિવેદન કરું છું તેને તમે આદરપૂર્વક સાંભળજો.૧૬

અહીં લોજપુરમાં ઉત્તર કૌશલદેશથી કોઇ એક શ્રેષ્ઠ મહામુનિ હરિઇચ્છાએ પધાર્યા છે. તેમના શરીરમાં નાડીઓનું સ્પષ્ટ દર્શન થાય છે. તેથી જાણે મૂર્તિમાન તપ જ એ વર્ણીનું રૂપ ધરીને અહીં આવ્યું હોય ને શું ? એવી આહ્લાદકારી ઉત્તમ તેમના શરીરની ક્રાંતિ છે.૧૭

તે નીલકંઠ એવા નામે વિખ્યાત છે. નીલકંઠ મહાદેવ જેવા વૈરાગ્યવાન છે. નીલકંઠ એવા મોરના મિત્ર મેઘ જેવા સહુના સુખધામ છે, અને તે દર્શન માત્રથી નીલકંઠ મહાદેવના શત્રુ કામદેવના ગર્વને પણ હરનારા શ્યામસુંદર છે.૧૮

તેણે વર્ણીનો વેષ ધારણ કર્યો છે. તે કોઇ મોટા પુરુષ હોય તેમ જણાય છે. પોતાના સ્વરૂપની બ્રહ્મસ્થિતિમાં તે સદાય સ્થિર રહે છે. નિર્નિમેષદૃષ્ટિ રાખે છે. એમનાં અંગોમાં ક્યાંય ચંચળતા જણાતી નથી, તે કોઇ પદાર્થનો સંગ્રહ કરતા નથી અને બહુ ઉદારબુદ્ધિવાળા છે.૧૯

તે કિશોરઅવસ્થાને ઉતરી વીસમા વર્ષની યુવાન અવસ્થામાં પ્રવેશ્યા છે. ચતુર તે વર્ણીએ પુણ્યકારી પવિત્ર પુલહાશ્રમાદિ તીર્થોનું સેવન કર્યું છે. તેમના મસ્તક ઉપર સૂક્ષ્મ વાંકડિયાળા ઝીણા અને મંજુલ કેશ બહુ શોભે છે. તે સ્પષ્ટ અને મનોહર વાણી બોલે છે.૨૦

સ્ત્રીની ગંધમાત્રને તે સહન કરી શકતા નથી. તેમનું મન માન અને મત્સરથી રહિત છે. તે એક ભગવાન કૃષ્ણ સિવાયના કોઇ પણ પદાર્થની પોતાના હૃદયમાં સ્પૃહા કરતા નથી.૨૧

તે અંગ ઉપર ક્યારેક જીર્ણ વલ્કલ અને ક્યારેક મૃગચર્મને ધારણ કરે છે. હાથમાં તુલસીની માળા જપ માટે અખંડ ધારી રાખે છે. સ્વભાવે અત્યંત સરળ છે, અહીં લોજપુરમાં સર્વે સંતોને સંતોના ધર્મોનું ગુરુની જેમ શિક્ષણ આપે છે. છતાં સર્વે સંતોના શિષ્ય થઇને રહ્યા છે.૨૨

ક્યારેક રસે રહિત થોડા અન્નનો આહાર કરે છે, તો ક્યારેક ફળ કે દળનો આહાર કરે છે. ક્યારેક માત્ર જળપાન કરીને રહે છે. અને ક્યારેક માત્ર વાયુભક્ષણ કરીને દિવસ વીતાવે છે.૨૩

કોઇ સમયે તો બહુ દિવસ સુધી ભિક્ષામાં કાંઇ મળે તેનાથી જીવન નિર્વાહ કરે છે. તો ક્યારેક માગ્યા વિના જે કાંઇ મળે તેનાથી નિર્વાહ કરે છે. ક્યારેક માત્ર રાત્રીભોજન કરે છે. અને ક્યારેક ત્રણ ત્રણ દિવસ પછી ભોજન કરી દિવસો નિર્ગમન કરે છે. આ રીતે મનુષ્યોથી ન થઇ શકે તેવું દુષ્કર તપ કરે છે.૨૪

આ વર્ણીને છએ ઋતુમાં વનમાં વૃક્ષનીચે વસવું અતિશય વ્હાલું લાગે છે. અને રાજમહેલમાં વસવું તેને કારાગૃહ જેવું લાગે છે.૨૫

તે ઉનાળાના સમયમાં સંગવકાળથી આરંભી બપોરપછીના સમય સુધી ચારે બાજુ અગ્નિ અને ઉપર ધખતો સૂર્ય એમ પંચાગ્નિનું સેવન કરે છે. વર્ષા ઋતુમાં તે બહાર વેદિકા ઉપર શયન કરે છે. અને શિયાળામાં ઠંડા જળમાં બેસે છે. આ પ્રમાણે અવિરત પોતાનાં શરીરનું દમન કર્યા કરે છે.૨૬

બાલક્રિડાને ઉચિત આ વર્ણીની ઉમર ક્યાં ? અને દુર્લભ એવી એની સિદ્ધદશા ક્યાં ? આ બે સ્થિતિની તુલના કરતાં મારા મનમાં અનેક પ્રકારના સંશય ઉદ્ભવે છે.૨૭

આ વર્ણીની વિશુદ્ધ તપોમય તેજની કાંતિની આગળ અમારા તપની કાંતિ સૂર્યની કાંતિ આગળ દીવા જેવી ભાસે છે.૨૮

સકલ યોગકળાને જાણનારા યોગીપુરુષો પણ આ નીલકંઠ વર્ણીની આગળ હાથ જોડી તેના શિષ્ય થઇને રહે છે. વધુ શું કહું, સાંખ્યજ્ઞાન આદિ સકલ કળાને જાણનારા કોઇ પણ શાસ્ત્રવેત્તા પુરુષો આ વર્ણી આગળ પોતાનું કૌશલ્ય પ્રગટ કરવા સમર્થ થતા નથી.૨૯

સદ્ગુરુ થકી તેમણે કોણ જાણે કેટલાં સત્શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ? તેનો નિર્ણય કરવા આ લોજપુરમાં અમારાથી કોઇ પણ પુરુષ સમર્થ જણાતો નથી.૩૦

આ વર્ણી અલ્પ એવો કોઇ પ્રશ્ન કરે છે ત્યારે તેનો ઉત્તર દેવામાં વિદ્વાનોની બુદ્ધિ કુંઠિત થઇ જાય છે. તેના તર્કોની જાળ વિરામ પામી જાય છે, અને સભા પણ સૂનમૂન થઇ જાય છે.૩૧

અને બીજી બાજુ સકળ શાસ્ત્રના વેત્તા વિદ્વાનોનો કોઇ પણ જાતનો સંશય હોય, પૂછતાંની સાથે આપની જેમ જ બહુ પ્રકારના યુક્તિયુક્ત ઉત્તરો આપી તત્કાળ શમાવે છે. ત્યારે જાણે આ પ્રત્યક્ષ પરમાત્મા હોય એવો અમને ભાસ થાય છે.૩૨

અત્યંત સ્થિર આસને એકાગ્ર ચિત્તેથી ધ્યાનમાં બેઠેલા અમારા સર્વે મુનિઓનાં મન જો શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનને છોડી બહારના પદાર્થમાં ક્યાંય દોટ મૂકે તો આ વર્ણી અમારાં અંતરના જાણે સાક્ષી હોય તેમ જાણી જાય છે.૩૩

આ વર્ણીનું હૃદય દુર્જનનાં તીખાં વચન બાણોથી પણ ક્યારેય વ્યથા પામતું નથી. કારણ કે અતિશય દૃઢ ક્ષમારૂપી ઢાલથી રક્ષાયેલું તેનું હૃદય વજ્રસાર જેવું મજબૂત થઇ ગયું છે.૩૪

આટલું કઠણ હૃદય હોવા છતાં અન્યનું અલ્પ પણ દુઃખ જોવા માત્રથી તે જ ક્ષણે અત્યંત દ્રવીભૂત થયેલા તેમના હૃદયની કોમળતાનો એક માત્ર અંશપણ કમળના કોમળ તંતુને, માખણને અને સરસવના ફૂલની કોમળતાને શરમાવે છે.૩૫

અમે બુદ્ધિપૂર્વક સમીક્ષા કરીએ છીએ ત્યારે મુનિશ્રેષ્ઠ આ વર્ણીની જેવી સમગ્ર સાધુતા રહેલી છે તેવી સાધુતા જગતના ગુરુસ્થાનને શોભાવતા એક આપના સિવાય અન્ય કોઇ મુનિઓમાં રહેલી અમે જોઇ નથી, અને સાંભળી પણ નથી.૩૬

આ વર્ણીનું સમગ્ર વૃત્તાંત જોઇને મારા મનમાં એવો ભાસ થાય છે કે એકાંતિક ધર્મમાં અમારી બુદ્ધિની દૃઢતા જોવા કે પરીક્ષા કરવા તમે જ આ વર્ણીરૂપે અમારી પાસે આવ્યા છો કે શું ?૩૭

આ વર્ણીને તમારાં દર્શનની અતિ ઉત્કંઠા વર્તે છે. તેથી તમારી સમીપે આવવા તત્પર થયા છે. છતાં પણ મેં તેને રોકી રાખ્યા છે. હવે હું આ વર્ણીને તમારી પાસે મોકલું કે કેમ ? તમો પત્ર દ્વારા ઉત્તર લખજો.૩૮

આ પત્ર મેં નીલકંઠ વર્ણીનાં વૃત્તાંતને જણાવવા માટે મારી મતિ અનુસાર લખ્યો છે. તેને વાંચી વહેલાસર ઉત્તર વાળજો.૩૯

હે પ્રભુ ! આપના જેવા વિચક્ષણ પુરુષોને વધારે શું લખવાનું હોય ? તેથી આટલું લખી જણાવ્યું છે. આ દાસ ઉપર સદાય કૃપા વર્ષાવતા રહેજો.૪૦

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પત્ર લખી મુક્તાનંદ સ્વામી વર્ણીરાજને કહેવા લાગ્યા કે હે વર્ણી ! તમારી હક્કીકત જણાવવા મેં પત્ર લખ્યો હવે તમે પણ કાંઇક લખો.૪૧

તમારો પત્ર નિરખી સમર્થ સ્વામી જરૂરથી જલદી પધારશે. હે રાજન્ ! આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ કહ્યું તેથી શ્રીનીલકંઠ વર્ણીએ પણ પત્ર લખવાની શુભ શરૂઆત કરી.૪૨

એકાંત સ્થળમાં બેસી પોતાના બન્ને સાથળ ઉપર પાટી રાખી. તે પાટી ઉપર કાગળનો પત્ર રાખ્યો. જમણા કરમાં કલમ ગ્રહણ કરી મસ્તકને આગળ નમાવી સુંદર અક્ષરોવડે પત્ર લખવા લાગ્યા.૪૩

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી ઉપર ભુજનગરે પત્ર લખ્યાનું નિરૂપણ કર્યું એ નામે ત્રેપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૩--