અધ્યાય -૩૪ - ભક્તિના અંગભૂત જ્ઞાનનું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 6:14pm

અધ્યાય - ૩૪ - ભક્તિના અંગભૂત જ્ઞાનનું નિરૂપણ.

શ્રીહરિ કહે છે, હે મા! જે વસ્તુ જેવા પ્રકારની હોય તે વસ્તુને પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ કે શબ્દ પ્રમાણથી તેવા પ્રકારે જ સંપૂર્ણ જાણી લેવી તેનું નામ ''જ્ઞાન'' કહેવાય છે. તે જ્ઞાન શાસ્ત્રોમાં બે પ્રકારનું કહેલું છે. એક આત્માના સ્વરૂપસંબંધી જ્ઞાન અને બીજું પરમાત્માના સ્વરૂપ સંબંધી જ્ઞાન. ૧-૨

આત્મસ્વરૂપનું જ્ઞાનનિરૂપણ :- હે મા! અહીં જ્ઞાનના પ્રકરણમાં આત્મા શબ્દથી શરીરમાં રહેલા જીવને કહેલો છે, જે જીવાત્મા જ્ઞાનશક્તિથી નખથી શિખા પર્યંત આખા શરીરમાં વ્યાપીને રહેલો છે. અને તે શરીરમાં રહેલા આંખ- કાન વગેરે બાહ્ય ઇન્દ્રિયો તથા મન બુદ્ધિ વગેરે આંતર ઈન્દ્રિયો તથા તે સર્વેના સૂર્યાદિ દેવતાઓનો આ જીવાત્મા પ્રકાશક છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરમાં આ જીવ તાદાત્મ્ય સંબંધથી અર્થાત્ તેની સાથે એકરસ થઈ જવારૂપ સંબંધથી ''બધ્ધ'' થયો છે. પણ વસ્તુતાએ અવસ્થા અને શરીરથી તદ્દન જુદો છે. ૩-૪

હે મા! જેવી રીતે અગ્નિ લોખંડના ગોળામાં એકરસ થઈને વ્યાપી જવાથી એકરૂપ થઈ જાય છે પરંતુ વસ્તુતાએ લોખંડના ગુણધર્મોથી તે અગ્નિ તદ્દન જુદો જ છે. તેમ જીવાત્મા પણ આ શરીર તથા અવસ્થારૂપ જડ વસ્તુથી તદ્દન જુદો જ છે. શરીરમાં બાલ-યૌવન-વૃદ્ધ આદિ વિકૃતિઓ પ્રાપ્ત થાય છતાં તેમાં રહેલા જીવાત્માના સ્વરૂપમાં કોઈ વિકૃતિ પેદા થતી નથી. તેમજ દેહ નાશ પામે છતાં જીવ નાશ પામતો નથી. આ જીવ સત્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ છે. છેદાવું- કપાવું આદિ ક્ષર ધર્મોથી રહિત અક્ષર છે. અણુ સરખા સૂક્ષ્મ હોવાથી આ સ્થૂલ દૃષ્ટિથી જોઇ શકાતો નથી. ભગવદ્કૃપા વિના તે દુર્જ્ઞોય છે. અર્થાત્ તેના સ્વરૂપને ભગવાનના ભક્તો સિવાય સાચી રીતે કોઇ જાણી શક્તું નથી. સાચી રીતના આ જીવાત્માના સ્વરૂપને જાણવું તેનું નામ આત્મજ્ઞાન કહેવાય છે. ૫-૭

પરમાત્મસ્વરૂપનું જ્ઞાનનિરૂપણ :- હે મા ! હવે તમને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું, સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને વિભૂતિ આદિકથી અક્ષર બ્રહ્મ થકી પણ ઉત્કૃષ્ટ હોવાથી જેને 'પરબ્રહ્મ' કહેવાય છે એવા શ્રીકૃષ્ણ ભગવાન છે, તે જ પરમાત્મા છે. તે સત્ત્વ, રજ અને તમ આ પ્રાકૃત ગુણોથી રહિત છે તેથી 'નિર્ગુણ' કહ્યા છે. તથા તે જડ ચિદાત્મક આ સમગ્ર સૃષ્ટિમાં અંતર્યામીપણે અખંડ નિવાસ કરીને રહેલા હોવાથી તેને 'વિષ્ણુ' કહ્યા છે. તે પ્રધાન પુરુષાદિક ઈશ્વરોના પણ ઈશ્વર હોવાથી 'પરમેશ્વર' કહ્યા છે, તેવીજ રીતે બધ્ધ કે મુક્ત જીવોના સમૂહની અંદર કે બહાર રહીને તેનું નિયમન કરે છે તેથી તેને 'નારાયણ' કહ્યા છે. ઐશ્વર્ય આદિ છ ભગના નિધિ હોવાથી તેને 'ભગવાન' કહેવાય છે. તથા જેનું અંતઃકરણ શુધ્ધ હોય ત્યાંજ પ્રગટ થતા હોવાથી તેને 'વાસુદેવ' કહ્યા છે. ૮-૯

હે મા ! આ પરમાત્માનો સાક્ષાત્ સંબંધ કેટલો મહાન છે. આ લોકમાં ક્રિયાનો કરનાર પુરુષ શ્રદ્ધા, સુખ, જ્ઞાન, સ્થાન તથા દ્રવ્યો આ સર્વે માયાના ત્રણ ગુણથી યુક્ત હોવા છતાં તેને પરમાત્માનો સાક્ષાત્ સંબંધ જો પ્રાપ્ત થાય તો તરતજ તે સર્વે નિર્ગુણ થઈ જાય છે. કારણ કે પરમાત્મા સદાય નિર્ગુણ છે. તે સદાય સ્વતંત્ર છે, સ્વતઃસિધ્ધ અખંડ પ્રકાશમાન છે. જગતનું મૂળ કારણ, મૂળ પ્રકૃતિ અને મૂળ પુરુષ, તેના પણ તે કારણ છે. બ્રહ્મભાવને પામેલા મહામુક્તો પણ તેની અખંડ ઉપાસના કરે છે. તથા તે કરોડો સૂર્યના પ્રકાશથી પણ વધુ પ્રકાશમાન છે.૧૦-૧૧

હે મા ! પ્રધાન આદિ અષ્ટ આવરણે યુક્ત અનંતકોટી બ્રહ્માંડોના સમૂહો જે અક્ષરબ્રહ્મમાં અણુની જેમ ઊડતા ફરે છે, તે અક્ષરબ્રહ્મ આ પરમાત્માનું ધામ છે, આ પરમાત્મા સદાય સાકાર દિવ્યસ્વરૂપે અહીં વિરાજે છે. તે અક્ષરના આત્મા છે. તેથી તે અક્ષરબ્રહ્મથી પણ પર શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે. સર્વે જીવપ્રાણી માત્રના અને વૈરાટાદિ ઇશ્વરોના પણ તે અંતર્યામી છે. તે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને ઐશ્વર્ય થકી ક્યારેય ચ્યુત થતા નથી તેથી 'અચ્યુત' કહેલા છે. ૧૨-૧૩

હે મા ! તે પરમાત્મા એક જ છે. અદ્વિતીય છે, અર્થાત્ તેની સમાન કે તેનાથી ચડિયાતું આ વિશ્વમાં કોઈ નથી, અને કાળ, માયા, પુરુષ અને મહત્તત્ત્વ આદિક જે છે, તે તો તેની શક્તિઓ છે અને પોતે તો તેનું નિયમન કરનારા પ્રભુ છે. તેજ પરમાત્મા ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પોતાનો વિરહ સહન નહીં કરી શકનારા પોતાના એકાંતિક ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે તથા અનંત જીવોનાં કલ્યાણને અર્થે અને અસુરોનો વિનાશ કરવાને અર્થે રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરનારા છે. આ પરમાત્મા સત્ય, શૌચ, દયા આદિ અનંત કલ્યાણકારી ગુણોના ધામ છે. ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ હોવાથી તેને પુરુષોત્તમ કહેલા છે. ૧૪-૧૫

બ્રહ્માંડોનો ઉત્પત્તિ ક્રમ :- હે મા ! આજ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીકૃષ્ણ અનંતકોટિ બ્રહ્માડોનું સર્જન કરવાની ઈચ્છાથી અક્ષરપુરુષ દ્વારા પોતાની શક્તિ એવી મૂળપ્રકૃતિની સામે દ્રષ્ટિ કરે છે. ત્યારે તે મૂળ પ્રકૃતિ ભગવાનના દ્રષ્ટિરૂપ ગર્ભને ધારણ કરે છે. ત્યારપછી તે મૂળ પ્રકૃતિ કરોડે કરોડ પુરુષોની સાથે પ્રધાન નામની પ્રકૃતિઓને જન્મ આપે છે. તે પ્રધાન નામની કરોડે કરોડ શક્તિઓ તે પુરુષો સાથે જોડાઈને તેની દ્રષ્ટિ પામીને ગર્ભધારણ કર્યા પછી જગતની ઉત્પત્તિના કારણભૂત મહત્તત્ત્વાદિક તત્ત્વોને ઉત્પન્ન કરે છે.૧૬-૧૭

હે મા ! આ પ્રમાણે ભગવાનની ઈચ્છાથી અનંત કોટિ બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, તેમાં એક બ્રહ્માંડની ઉત્પત્તિનો ક્રમ તમને જણાવું છું, જોકે એક બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન પણ વિસ્તાર પૂર્વક સંપૂર્ણ કરવું શકય નથી તેથી, એક બ્રહ્માંડની ઉત્પત્તિ પણ હું તમને સંક્ષેપમાં જણાવું છું.૧૮-૧૯

હે મા ! તે પરમાત્મક પુરુષની દ્રષ્ટિ પામેલી ત્રિગુણમયી પ્રધાન નામની શક્તિ થકી જગતના અંકુરરૂપ મહતત્ત્વની ઉત્પત્તિ થાય છે. હે સતી ! હે મા ! ત્યારપછી ભગવાન શ્રી વાસુદેવની ઈચ્છાથી પ્રધાનતત્ત્વના અન્વયે યુક્ત એ મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે. સાત્ત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનો અહંકાર પણ હમેશાં મહત્તત્ત્વના અન્વયે યુક્ત રહેલો હોય છે, જેવી રીતે મહત્તત્ત્વ છે, તે પ્રધાન તત્ત્વના અન્વયે સદા યુક્ત હોય છે.૨૦-૨૨

ત્યારપછી હે મા ! ભગવાન શ્રીવાસુદેવની ઈચ્છાથી તે ત્રણમાંના એક તામસ અહંકારમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે, તે શબ્દ થકી શબ્દ જેની તન્માત્રા, છે એવો આકાશ ઉત્પન્ન થાય છે. હવે તામસ અહંકાર જેનું મૂળ કારણ છે અને શબ્દજેની તન્માત્રા છે એવા આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થાય છે. એ સ્પર્શ થકી સ્પર્શ જેની તન્માત્રા છે એવો વાયુ ઉત્પન્ન થાય છે. આકાશ આવૃત્ત તે વાયુ થકી રૂપ ઉત્પન્ન થાય છે. વાયુ આવૃત્ત તે રૂપ થકી રૂપ જેની તન્માત્રા છે એવું તેજ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે તેજમાંથી રસ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તેજ આવૃત્ત તે રસ થકી રસજેની તન્માત્રા છે એવું જળ ઉત્પન્ન થાય છે. તે જળમાંથી ગંધ ઉત્પન્ન થાય છે. ગંધ થકી ગંધ જેની તન્માત્રા છે એવી પૃથ્વી ઉત્પન્ન થાય છે. અને તે પૃથ્વીને વિશેષ એવા નામથી પણ કહેવામાં આવે છે. ૨૩-૨૭

હે મા ! ઉપરોક્ત આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પાંચ તત્વોને પંચમહાભૂત કહેવામાં આવે છે. અને તેના કારણભૂત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને પંચતન્માત્રા કહેવામાં આવેછે. ૨૮

રાજસાહંકાર થકી ઉત્પત્તિ :- હે મા ! બીજા રાજસ અહંકારમાંથી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો. પાંચ કર્મ-ઈન્દ્રિયો, પંચપ્રાણ અને બુધ્ધિ ઉત્પન્ન થાયછે, શ્રોત્ર (કાન), ત્વક્ (ચામડી), ચક્ષુ (આંખ), જીહ્વા (જીભ) અને ઘ્રાણ (નાક) આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. તેમજ વાક્ (વાણી) પાણી (હાથ), પાદ (પગ), વાયુ (ગુદા) અને ઉપસ્થ (શિશ્ન) આ પાંચ કર્મેન્દ્રિયો છે, ૨૯.૩૦

હે મા ! ત્રીજા સાત્ત્વિક અહંકાર થકી બ્રાહ્ય અને આંતર ઈન્દ્રિયોના દેવતા અને મન ઉત્પન્ન થાય છે. દિગ્પાળ શ્રોત્ર ઈન્દ્રિયના દેવતા છે. વાયુદેવ ત્વક્ ઈન્દ્રિયના, સૂર્ય ચક્ષુ ઈન્દ્રિયના, પ્રચેતા એટલે વરુણદેવ જીહ્વા ઈન્દ્રિયના, અશ્વિનીકુમાર ઘ્રાણ ઈન્દ્રિયના, અગ્નિદેવ વાક્ ઈન્દ્રિયના, ઇન્દ્રદેવ હાથ ઈન્દ્રિયના, ઉપેન્દ્ર વિષ્ણુ પાદ ઈન્દ્રિયના, મિત્રદેવ ગુદા ઈન્દ્રિયના અને કશ્યપ શિશ્ન ઈન્દ્રિયના, દેવતા છે તેવીજ રીતે ચંદ્રમા મનના, બ્રહ્મા બુદ્ધિના, વાસુદેવ ચિત્તના અને રુદ્ર અહંકારના દેવતા છે. આ પ્રમાણે એ દશ ઈન્દ્રિયો અને ચાર અંતઃકરણના અધિપતિ દેવતાઓ સાત્ત્વિક અહંકાર થકી ઉત્પન્ન થાયછે.૩૧-૩૨

શ્રી વૈરાટપુરુષની ઉત્પત્તિ :- ત્યારપછી હે મા ! ભગવાનના સંકલ્પથી તે દેવતાઓએ સહિત મહદાદિ ચોવીસ તત્ત્વો ભેળાં મળીને પોતપોતાના અંશના ઐશ્વર્યે યુક્ત 'વિરાટ' પુરુષનું સર્જન કરે છે. તે વિરાટના શરીરમાં રહેલા આત્મા એવા વૈરાજપુરુષને 'ઇશ્વર' એવા નામથી કહેવામાં આવે છે. તે વિરાટે પોતાના અંગમાંથી ઉત્પન્ન થયેલા 'નાર' નામના ગર્ભોદક જળમાં શયન કર્યું તેથી તેને 'નારાયણ' પણ કહે છે. (૩૩-૩૪)

હે મા ! તે વિરાટનારાયણના નાભિકમળમાંથી રજોગુણપ્રધાન બ્રહ્મા ઉત્પન્ન થાય છે. પરમાત્મા સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન બ્રહ્મા દ્વારા આ સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન કરે છે. તે સમગ્ર સૃષ્ટિમાં પ્રજાપતિઓ, ચારણો, દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો, ચારણો, સિદ્ધો, યક્ષો, વિદ્યાધરો, અસુરો, કિંપુરુષો, અપ્સરાઓ, કિન્નરો, સર્પો, માતૃગણો, પિશાચો, રાક્ષસો, ભુત, પ્રેતો, વિનાયકો, વૈતાલો, ઉન્માદો, વૃદ્ધગ્રહો તથા બાળગ્રહો, પશુઓ, મૃગો, પક્ષીઓ, વૃક્ષો, પર્વતો, પેટ ઘસીને ચાલનારા સરીસૃપો, તેમજ સ્થાર જંગમ અનંત જીવો તથા પૃથ્વી, જળ અને આકાશમાં ગતિ કરનાર અગણિત જીવોનું પોતપોતાના ગુણ અને કર્મને અનુસાર સર્જન કરે છે. (૩૫-૩૯)

હે મા! બ્રહ્મા દ્વારા ભગવાને સર્જેલી સૃષ્ટિના શરીરધારીઓમાં કેટલાક જીવ શુદ્ધ સત્ત્વગુણપ્રધાન હોય છે. કેટલાક મિશ્ર સત્ત્વગુણપ્રધાન હોય છે. કેટલાક રાજસગુણપ્રધાન હોય છે. કેટલાક તમોગુણપ્રધાન હોય છે. અને કેટલાક મિશ્રગુણપ્રધાન જીવ હોય છે. તેમજ કેટલાક ત્રણે ગુણે રહિત નિર્ગુણ જીવો પણ હોય છે. ૪૦

હે મા ! તે સર્વે જીવાત્માઓ પોતાના ગુણ કર્મ અને સ્વભાવને અનુસારે પુણ્યકર્મ, પાપકર્મ તથા પુણ્યપાપ મિશ્રિત કર્મ કરે છે અને જે નિર્ગુણ જીવો છે તે ભગવાનની ભક્તિરૂપ સત્કર્મો જ કરે છે.૪૧

હે મા ! આ પ્રમાણે બ્રહ્મારૂપે રહીને ભગવાન પ્રજાનું સર્જન કરે છે, વિષ્ણુરૂપે રહીને ભગવાન પ્રજાનું પોષણ કરે છે અને શિવરૂપે રહીને ભગવાન આ સૃષ્ટિનો સંહાર પણ કરે છે, વળી એ પરમાત્મા અક્ષરપુરુષરૂપે કરીને સમસ્ત જીવસૃષ્ટિમાં પ્રવેશ કરીને તેમના કર્મોને અનુસારે સર્વ પ્રત્યે સમાન દૃષ્ટિ રાખીને તેના કર્મનું ફળ તેને આપે છે.૪૨-૪૩

સર્વના નિયંતા સમ્રાટ એક પરમાત્મા છે :- હે બુદ્ધિમાન મા ! જેવી રીતે ચક્રવર્તી સમ્રાટ અન્ય ખંડિયા રાજાઓના એક નિયંતા છે, તેવી જ રીતે ભગવાન પુરુષોત્તમનારાયણ શ્રીહરિ એક પોતે અક્ષરબ્રહ્મધામના નિયંતા છે, મૂળપુરુષના અને મૂળપ્રકૃતિના નિયંતા છે, અનંતકોટિ બ્રહ્માંડોના અનંતકોટિ પ્રધાન પુરુષોના પણ નિયંતા છે. તેવી જ રીતે અનંતકોટિ બ્રહ્માંડોના કારણરૂપ મહત્તત્ત્વાદિ તત્ત્વોના પણ નિયંતા છે, અને વળી સ્થૂલ એવા દિવસ, મહિના, વર્ષ આદિરૂપે તથા પરાર્ધ, દ્વિપરાર્ધ આદિ સૂક્ષ્મરૂપે આ અનંતકોટિ બ્રહ્માંડની અંદર અને બહાર વિચરતા, કાળના પણ તે પરમાત્મા નિયંતા છે, તે મહદાદિ તત્ત્વોથકી ઉત્પન્ન થયેલા વિરાટ પુરુષના નિયંતા છે. વિરાટમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પણ નિયંતા છે, તેમજ તે બ્રહ્માથકી ઉત્પન્ન થયેલા પ્રજાપતિ આદિ સમસ્ત દેવતાઓના તે એક જ નિયંતા છે.૪૪-૪૬

હે મા ! આ અક્ષરાદિકમાંથી જેને જેને આ જગતની સૃષ્ટિમાં જ્યાં જ્યાં જે જે અધિકાર આપીને ભગવાને જોડયા છે તે સર્વે તે પુરુષોત્તમનારાયણ થકી ભય પામીને સાવધાનીપૂર્વક તેમની આજ્ઞામાં નિરંતર વર્તે છે. એવી રીતે હે મા ! અક્ષરાદિક સર્વે પરતંત્ર છે પરંતુ એક પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ જ સ્વતંત્ર છે. તેથી તે જ એક અક્ષરાદિ સર્વેને સેવવા યોગ્ય અને ઉપાસના કરવા યોગ્ય છે.૪૭-૪૮

હે મા ! આ રીતનું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેં તમને કહ્યું, હે મા ! સદ્ગુરુના માધ્યમથી આ જ્ઞાન જેને પ્રાપ્ત થાય તેને બીજું કાંઇ જાણવાનું બાકી રહેતું નથી. હે મા ! આ પ્રમાણે પૂર્વોક્ત લક્ષણવાળા સત્પુરુષોના પ્રસંગથી જે પુરુષ આત્મા અને પરમાત્માના સ્વરૂપને યથાર્થ રીતે જાણી ભવબંધનને હરનારી ભગવાન શ્રીવાસુદેવની ભક્તિ કરે છે તે પુરુષને ''મુક્ત'' કહેવામાં આવે છે.૪૯-૫૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતાના તૃતીય અધ્યાયમાં જ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે ચોત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૪--