અધ્યાય -૨૨ - સર્ભગા ભક્તિદેવીની શોભાનું વર્ણન અને શ્રીઘનશ્યામ મહારાજનો પાદુર્ભાવ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 5:59pm

અધ્યાય - ૨૨ - સર્ભગા ભક્તિદેવીની શોભાનું વર્ણન અને શ્રીઘનશ્યામ મહારાજનો પાદુર્ભાવ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મંગલમય ભગવાનને ઉદરમાં ધારી રહેલાં ભક્તિદેવી દેવમાતા અદિતિની જેમ આ પૃથ્વી ઉપર સમગ્ર નારીઓને પૂજનીય થયા.૧

અખિલ વિશ્વાધાર અને ઇશ્વરોના પણ ઇશ્વર તથા સર્વાંતર્યામી એવા ભગવાન શ્રીનારાયણને ઉદરમાં ધારણ કરવાથી ભક્તિદેવી એકાએક ચંદ્રમાની કાંતિ સમાન શોભવા લાગ્યાં.૨

સર્વેને વિસ્મય પમાડે એવાં ભક્તિદેવીના સૌંદર્યનું કારણ નહિ જાણનારા લોકો ચારે બાજુથી સંઘે સંઘમાં આવી, આંગણામાં બેઠેલાં ભક્તિદેવીને વિસ્મયપૂર્વક નિહાળવા લાગ્યા.૩

પોતાની અભૂતપૂર્વ કાંતિથી દિશાઓના અંધકારનો વિનાશ કરતાં અને સગર્ભા હોવાથી લજ્જા પામતાં ભક્તિદેવી પોતાનું દર્શન કરવાની ઇચ્છા ધરાવતા જનસમુદાયથી પીડા પામી ઘરમાંથી બહાર પણ નીકળતાં ન હતાં.૪

પતિ હરિપ્રસાદ વિપ્ર પણ વેદગર્ભા સાવિત્રી દેવીના સમાન શોભતાં પોતાનાં પત્ની ભક્તિદેવીને જોઇને અતિ આશ્ચર્ય પામ્યા અને અતિશય હરખાવા લાગ્યા.૫

પ્રસંશાયોગ્ય તેજસ્વીની, મંદમંદ હસતાં મુખવાળી, ક્યારેય પણ કોઇ જગ્યાએ નહિ જોયેલી, એક વીરલનારી એવાં ભક્તિદેવીને જોઇને નગરની અન્ય સ્ત્રીઓ આદરપૂર્વક પરસ્પર કહેવા લાગી, અહો !!! આપણે આ ધરતી ઉપર અનેક સગર્ભા સ્ત્રીઓ નિહાળી છે, પરંતુ આ ભક્તિદેવી સમાન સ્ત્રીને ક્યારેય જોઇ નથી, કે સાંભળી પણ નથી.૬-૭

ત્યારપછી હે રાજન્ ! દેવતાઓને પણ વંદન કરવા યોગ્ય અને સૌંદર્યનાં નિધિ એવાં ભક્તિદેવીએ દશમો માસ બેસતાં બ્રાહ્મણોએ બતાવેલા મુહૂર્તમાં સૂતિકાગૃહમાં પ્રવેશ કર્યો. ત્યારે ધર્મદેવે પણ સુખપૂર્વક પ્રસવ થાય તે માટે સોષ્યન્તી હોમ હવન કરવાની સામગ્રી તૈયાર કરી અને પ્રસૂતિ કર્મ કરાવવામાં નિપૂણ એવી સાવિકા સ્ત્રીઓ પણ ત્યાં હાજર થઇ.૮-૯

ત્યારપછી સર્વનું મંગળ કરનારા ભગવાનના પ્રાગટયનો અતિશય શુભ સમય પ્રાપ્ત થતાં સર્વે મનુષ્યો વિસ્મય પામવા લાગ્યા. સુખના સાગર સાક્ષાત્ ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવના સમયે સમગ્ર ત્રિલોકીમાં આનંદ આનંદ ને આનંદ જ વર્તવા લાગ્યો.૧૦-૧૧

આનંદનિધિ પુરુષોત્તમનારાયણ ભગવાન ટૂંક સમયમાંજ પ્રગટ થશે એમ સર્વજ્ઞાપણે જાણી બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્રાદિ દેવો અને દશે દિગ્પાળો ભગવાનનાં દર્શન માટે ધર્મદેવના ભવન પ્રત્યે આવવા લાગ્યા.૧૨

પોતપોતાની પત્નીઓએ સહિત પોતાના વિમાનમાં બેસીને આવેલા દેવતાઓ ધર્મદેવના ભવન ઉપર જ નેત્રોને સ્થિર કરી પોતાના સ્વામી અને સર્વના અંતર્યામી સર્વાત્મા ભગવાન શ્રીહરિના પ્રાગટયની પ્રતીક્ષા કરવા લાગ્યા.૧૩

ભક્તિદેવીના ઉદરમાંથી મહાતેજરૂપે થયેલું ભગવાનનું પ્રાગટયઃ- હે રાજન્ ! ભગવાનના પાદુર્ભાવ સમયે ભક્તિદેવીના અંગોમાંથી અચાનક મહાતેજ પ્રગટ થયું. આ તેજ સમગ્ર જીવપ્રાણીમાત્રના આંતર અને બાહ્ય અનાદિ અજ્ઞાનરૂપ અંધકારને વિનાશ કરવામાં સમર્થ હતું, તથા અતિશય ઉજ્જવલ નિર્મળ અને ઘાટું હતું, તેમજ અતિશય આનંદરૂપ એવું આ તેજ હતું. આવું આ તેજ પ્રથમ ધર્મદેવના ભવનમાં વ્યાપી ત્યારબાદ સમસ્ત દેવો અને મનુષ્યોને વિસ્મય પમાડતું બ્રહ્માના સત્યલોક સુધી વ્યાપી ગયું.૧૪

તે તેજ કોટિકોટિ અગ્નિ, સૂર્ય અને ચંદ્રમાના સામૂહિક તેજ કરતાં પણ અતિશય પ્રકાશમાન હતું. આવું આ તેજ વૃદ્ધિ પામતાં પામતાં બ્રહ્મના લોકથી પણ આગળ પ્રસરતાં અષ્ટ આવરણે યુક્ત આ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી ગયું.૧૫

સર્વે દેવતાઓ ચારે તરફ પ્રસરેલા આ સચ્ચિદાનંદરૂપ મહાતેજને જ જોતા હતા. બીજું કાંઇ જોઇ શકતા ન હતા. ઉપરના, નીચેના કે મધ્યના લોકમાં કાંઇ પણ જોઇ શકતા ન હતા. અરે ! સ્વર્ગલોક અને આ પૃથ્વીલોક પણ દેખાતો ન હતો. દશે દિશાઓ પણ દેખાતી ન હતી. પરંતુ કેવળ એક આ મહાતેજ જ દેખાતું હતું.૧૬

ભગવાનના ધ્યાનના બળે પહેલેથી જ પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિના પ્રાગટયને જાણીને પોતપોતાની પત્નીઓએ સહિત અહીં પધારેલા બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિ દેવતાઓ આવા અલૌકિક મહાતેજનાં દર્શન કરીને વિસ્મય પામી ગયા.૧૭

જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત હોવા છતાં તે બ્રહ્માદિ દેવતાઓ તથા અન્ય ઇન્દ્રાદિ દેવતાઓ અને તેની પત્નીઓએ સહિત સર્વેનાં નેત્રો આ મહાતેજના કારણે અંજાઇ ગયાં અને ભગવાન શ્રીહરિનું પ્રાગટય થઇ ગયું છે, એમ જાણીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.૧૮

દેવતાઓએ કરેલી તેજોમય પરમાત્માની સ્તુતિઃ- દેવતાઓ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે, હે ભગવન્ ! સૂર્ય આદિક સર્વેના તેજના પ્રકાશક, તેજસ્વરૂપ તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમે અક્ષરાદિક સર્વના તેજ કરતાં પણ અધિક તેજસ્વી છો, એટલા માટે જ માયાના અંધકારથી સદાય પર રહેલા આપને નમસ્કાર કરીએ છીએ. હે પરમપુરુષ ! તમારું દિવ્ય સ્વરૂપ છે તે મૂળપ્રકૃતિ એવી માયા અને માયાથી પર રહેલા અક્ષરાત્મક મૂળ પુરુષ દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય થાય છે. એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ, હે અનંતગુણના મહાસાગર ! તમે અનંતકોટી બ્રહ્માંડોના નિયમનને અર્થે પ્રત્યેક ભૂતોમાં અંતર્યામી શક્તિથી પ્રવેશ કરીને રહેલા છો. એવા તમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ.૧૯

હે ભગવન્ ! તમારા શરીરના એક રોમમાં જેટલું તેજ રહેલું છે, માત્ર તેટલું પણ તેજ જો તમે અહીં પ્રગટ કરો તો તે તેજથી અંજાઇને માયાથીપર રહેલા અક્ષરાત્મક પુરુષો પણ તે તેજ સિવાય બીજું કંઇ પણ જોવા સમર્થ થઇ શકે નહિ. તો પછી તેમના થકી ઉત્પન્ન થયેલા પ્રધાનપુરુષ, અને પ્રધાનપુરુષથી ઉત્પન્ન થયેલા વૈરાજપુરુષ અને તેથી ઉત્પન્ન થયેલા અને આલોકમાં રહેલા ત્રિગુણ મતિવાળા અમે બ્રહ્માદિ દેવતાઓ પુરુષોત્તમનારાયણ એવા આપના ઐશ્વર્યને યથાર્થ જાણવા કેવી રીતે સમર્થ થઇએ ? ન જ થઇએ.૨૦

હે શ્રીહરિ ! આ તેજના મહાસમુદ્રમાં ડૂબેલા આ બ્રહ્માંડને વિષે રહેલા અમે સર્વે દૂર કે નજીકની કોઇ પણ વસ્તુને જોઇ શકતા નથી. પરને કે પોતાને અને પોતાના શરીરને પણ અમે જોઇ શકતા નથી. તો અન્ય જગતને તો અમે ક્યાંથી જોઇ શકીએ ? અમારી દૃષ્ટિમાં કેવળ તમારું અતિ ઘાટું તેજ જ દેખાય છે.૨૧

એથી હે હરિ ! અનંત અપાર આ તમારા દિવ્ય મહાતેજને જોવા અમે સમર્થ નથી. કદાચ તમે કહેશો કે આંખો મીંચી દો તો હે ભગવન્ ! અમે અમારાં નેત્રો બંધ કરીએ છીએ છતાં પણ અંતરમાં ચારે તરફ પ્રસરેલા આપના આ મહાતેજને જ નિહાળીએ છીએ. આ તેજને સહન નહિ કરી શકવાથી અમે આકુળ વ્યાકુળ થયા છીએ, હવે તો તમે જ એક અમારી ગતિરૂપ છો.૨૨

હે વિભુસ્વરૂપ ! હે પરમાત્મા ! તમારા આ પરમતેજને કારણે અમારાં મન આકુળ વ્યાકુળ થઇ જવાથી આપની સ્તુતિ કેમ કરવી, એ અમને સૂજતું નથી. એથી અમે તમારા શરણે આવ્યા છીએ. તેથી હે દયાના સાગર ! અમારી ઉપર દયા કરી તમારાં આ સમગ્ર મહાતેજનો ઉપસંહાર કરો અને તમારી મનોહર રમણીય મૂર્તિનું દર્શન કરાવો.૨૩

મહાતેજના મધ્યે વિરાજિત પરમાત્માનું દર્શનઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! દેવતાઓએ આ પ્રમાણે જ્યારે સ્તુતિ કરી, ત્યારે વૃંદાવનને વિષે ધર્મદેવને પુત્રરૂપે પ્રગટ થવાનું વરદાન આપનારા અને પોતાનું સેવન કરનારા ભક્તજનોનું સદાય હિત કરનારા સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણે આપેલી દિવ્ય દૃષ્ટિથી તે દેવતાઓને તે મહાતેજના મધ્યે તેમનું પ્રત્યક્ષ દર્શન થયું.૨૪

ત્યારપછી સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું મહાતેજ પોતાની મૂર્તિમાં સંકેલ્યું અને બ્રહ્મા, શિવ આદિ દેવતાઓ તથા તેમની પત્નીઓ તથા પધારેલા સર્વે મુનિઓને સુખેથી દર્શન થાય તેવા થયા.૨૫

સુંદર ગોલોકના મધ્યે રહેલા અનંત અપાર અને દિવ્ય એવા અક્ષરધામને વિષે જેવા સ્વરૂપે તે સદાય વિરાજમાન છે, તેવાને તેવા જ દ્વિભુજ સ્વરૂપે મોરલી વગાડતા મુકુંદ ભગવાનનાં તે બ્રહ્માદિ દેવતાઓને દર્શન થયાં.૨૬

દેવતાઓની પ્રાર્થનાથી જ્યારે ચારે તરફ પ્રસરેલું તેજ સંકેલાયું ત્યારે સર્વદા ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરનાર ધર્મદેવ અને ભક્તિદેવી પણ પોતાના પુત્રરૂપે પ્રગટ થયેલા પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનું સાક્ષાત્ દર્શન કરી પરમ વિસ્મય પામ્યાં, અને આવી અલૌકિક પ્રાપ્તિનો કોઇ ગર્વ પણ તેમને સ્પર્શી શક્યો નહિ.૨૭

પૂર્વે વૃંદાવનને વિષે આરાધના કરી ત્યારે પરિવારે યુક્ત જેવા ભગવાનનાં દર્શન થયાં હતાં તેવાં જ સ્વરૂપના અત્યારે દર્શન કરી ધર્મદેવ અને ભક્તિદેવીએ આ એ જ ભગવાન શ્રીકૃષ્ણ આપણા પુત્રરૂપે પ્રગટ થયા છે, એમ મનમાં નિશ્ચય કર્યો.૨૮

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અધર્મસર્ગ અને અસુરોથકી સાધુપુરુષોનું અને ધર્મનું રક્ષણ કરવા પ્રાદુર્ભાવ પામેલા ભક્તિ ધર્મના પુત્રને બ્રહ્માદિ દેવતાઓએ અનંત કોટી બ્રહ્માંડના નાયક પ્રત્યક્ષ શ્રીપુરુષોત્તમનારાયણ જાણી ભક્તિ ભાવ પૂર્વક દંડવત્ પ્રણામ કર્યા અને સમીપમાં આવી વિનય પૂર્વક બે હાથ જોડી દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા.૨૯-૩૦

દેવતાઓએ કરેલી પ્રત્યક્ષ પરમાત્માની સ્તુતિઃ- હે સ્વામિન્ ! તમને ભક્તજનો અતિશય વ્હાલા છે. તમે સર્વના આદિ મૂળકારણ છો. તમે માયાથી પર છો. અર્થાત્ ત્રણ કાળમાં તમને માયા કે માયાના કાર્યનો સંસર્ગ સ્પર્શી શકતો નથી. મંગલમૂર્તિ આપનું સ્વરૂપ સર્વને શ્રેય આપનારું છે. તમને સકલ જગતના સ્વામી છો. અધર્મસર્ગ અને અસુરોનો વિનાશ કરવા માટે જ ધર્મદેવના ઘેર પ્રગટ થયા છો, એવા હે પ્રગટ થયેલા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ ! તમને અમે સર્વે દેવતાઓ પ્રેમપૂર્વક પ્રણામ કરીએ છીએ.૩૧

હે નાથ ! જગતની સૃષ્ટિ પહેલાં વિશુદ્ધ અક્ષરાત્મક પુરુષસ્વરૂપે તમે અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાના સંકલ્પથી પોતાની મૂળપ્રકૃતિ એવી મહામાયાની સામે દૃષ્ટિ કરો છો. ત્યારે તેમના થકી હજારો પ્રધાનપુરુષોએ સહિત અગણિત બ્રહ્માંડોનું સર્જન થાય છે, આવા સામર્થીવાળા હોવાથી તમે જ એક જગદીશ છો. અર્થાત્ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવારૂપ સામર્થ્ય એક તમારું જ છે પણ અમારા જેવા દેવતાઓને ઉત્પત્તિ આદિનું આપેલું સામર્થ્ય એક લેશમાત્ર છે.૩૨

હે નાથ ! અનંતકોટિ બ્રહ્મોંડોના આધારરૂપ એવું ગર્ભાદિક જળ નર સંજ્ઞાવાળા અક્ષરપુરુષ રૂપ એક આપના થકી જ ઉત્પન્ન થયું તેથી જ તે નાર એવા નામને પામ્યું છે માટે તમે વિશ્વાધાર છો. આવા પુરુષોત્તમનારાયણ તમે પોતાના આશ્રિત ભક્તજનોનું રક્ષણ કરવાને અર્થે આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે અત્યારે પ્રગટયા છો.૩૩

સૃષ્ટિના આદિકાળમાં ''નાર'' નામવાળા અને પોતાના જ પરસેવામાંથી ઉત્પન્ન થયેલા એવા ગર્ભોદક જળને વિષે જે ''નર'' નામવાળા અક્ષરપુરુષે શયન કર્યું તેથી તે પુરુષ વેદમાં ''નારાયણ'' એવા નામથી વિખ્યાત થયા, અક્ષરધામને વિષે પોતાના અનંતકોટિ અક્ષરમુક્તો સાથે આનંદકરી રહેલા હે દેવ ! તે નારાયણ સ્વરૂપ આપનું એક અંગ છે. અર્થાત્ જેમ ચક્રવર્તી મહારાજા આગળ ઊભેલા એક આજ્ઞાકારી પ્રધાનની પાસે પોતાના સમસ્ત કાર્યભારનું નિયમન કરાવે, તેમ અંતર્યામીપણે આપ જ તે વેદપુરુષ નારાયણની અંદર રહીને સર્વનું નિયમન કરો છો. આવા સર્વના અંતર્યામી આપનાં પ્રત્યક્ષ દર્શન કરીને આજે અમે બહુજ આનંદિત થયા છીએ.૩૪

હે ઇશ્વર ! ''સંકર્ષણ'' એવા નામને ધારણ કરનારા તમે હજારો મસ્તક વાળા શેષનારાયણ સ્વરૂપે થઇને એક એક બ્રહ્માંડને એક એક ફણા ઉપર અણુની જેમ ધારણ કરો છો, આવા તમે અનેક સિદ્ધ પુરુષો તથા સર્પોના સ્વામી એવા વાસુકિનાગથી સેવાયેલા થકા પાતાળમાં પણ નિવાસ કરીને સનકાદિક અનંત સિદ્ધ પુરુષોને પોતાના સ્વરૂપના જ્ઞાનનો બોધ આપો છો.૩૫

સદાય પ્રકાશતા સૂર્યના તેજોમય મંડળના મધ્યભાગમાં રહેલા કમળના આસન ઉપર નિરંતર વિરાજમાન એવા હિરણ્યમય પુરુષ સ્વરૂપે રહીને તમે કર્મ કરનારા મનુષ્યોના કર્મસાક્ષી થઇ તે તે કર્મનું ફળ પણ તમે જ આપો છો. આવી રીતે સર્વના નિયંતા તમેજ તે સ્વરૂપે અર્ચિમાર્ગના અધિષ્ઠાતા આતિવાહિક દેવતાઓ દ્વારા તમારા અનન્ય મુક્તાત્માઓને તમે પોતાના બ્રહ્મધામની પ્રાપ્તિ કરાવો છો.૩૬

હે ઇશ્વર ! જન્મમરણરૂપ સંસારના બંધનોથી પોતાના આત્માને મુક્ત કરવાને અર્થે અને તમારી પ્રાપ્તિને અર્થે બાર પાંખડીવાળા હૃદયકમળમાં યોગીપુરુષો નિરંતર સ્નેહપૂર્વક તમારા નિર્ભય ચરણકમળનું ધ્યાન કરે છે. અને તમે ધ્યાન કરનારા પુરુષોના અંતરના અંધકારને જે ચરણકમળના નખમણિઓની કાંતિથી હરો છો. તે તમારા ચરણકમળમાં અમે વંદન કરીએ છીએ.૩૭

ધર્મદેવે કરેલી પ્રગટ પરમાત્માની સ્તુતિઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પ્રસન્નમુખ અને પ્રસન્ન નેત્રોવાળા બ્રહ્માદિ દેવતાઓ આ પ્રમાણે પ્રગટ થયેલા પરમાત્માની સ્તુતિ કરી તેમજ પ્રણામ કરીને દૂર ઊભા રહીને પ્રગટ ભગવાનનાં દર્શન કરવા લાગ્યા.૩૮

ત્યારપછી ભાર્યા ભક્તિદેવીએ સહિત સદ્બુદ્ધિમાન ધર્મદેવ વૃંદાવનવિહારી અને પોતાના પુત્રરૂપે પ્રગટ થવાની પ્રતિજ્ઞા સત્ય કરનારા પરમાત્માની બે હાથજોડી સ્તુતિ કરવા લાગ્યા.૩૯

દેવશર્મા કહે છે, હે મોરલીધર ! હે અચ્યુત ભગવાન્ ! આપનો વિજય થાઓ, હે મુકુન્દ ! હે દયાના સાગર ! હે પોતાને શરણે આવેલા સમસ્ત જીવાત્માઓને ઇચ્છિત વરદાનને આપવામાં સમર્થ ! હે સમસ્ત કલ્યાણકારી સદ્ગુણોના ધામસ્વરૂપ ! હે કરુણારસથી ભરેલાં નેત્રોવાળા ! હે વિશ્વનાપતિ ! હે હરિ ! તમારે શરણે આવેલો હું ધર્મ, તમારાં ચરણકમળમાં વંદન કરું છું.૪૦

હે મહાપુરુષ ! સમસ્ત મુમુક્ષુઓ સંસારના જન્મ-મરણરૂપ ભય થકી મુક્ત થવાને અર્થે પોતાના હૃદયમાં જેનું સતત ધ્યાન કરે છે. તથા જે ભક્તજનોનાં અનેકવિધ દુઃખોને દૂર કરનાર છે, તથા પોતાનું ધ્યાન કરનારનાં પાપો ધોઇને જે પવિત્ર કરે છે, અથવા સર્વપાપીજનોને પણ પવિત્ર કરનાર ગંગાજી પણ જેના સ્પર્શથી આવા મહિમાવાળાં થયાં છે. તથા બ્રહ્માદિદેવતાઓ પણ જેનાં એક એક ચિહ્નનો મહિમા ગાતાં ગાતાં સ્તુતિ કરે છે. એવા આપનાં આ બન્ને ચરણકમળનું હું મારા હૃદયમાં નિરંતર ધ્યાન કરું છું.૪૧

પોતાના પ્રાણ અને ઇંદ્રિયોને જીતીને વશ કરનાર યોગીપુરુષો પોતાના નિર્મળ હૃદયકમળમાં આંતરિક નિર્મળ નેત્રોદ્વારા જેનું ધ્યાન કરે છે. તથા એક સાથે ઉદય પામેલા અનેક સૂર્યનાં કિરણો સમાન કાંતિવાળા નખમંડળ જેના શોભી રહ્યા છે, તેમજ પદ વિભાગથી તથા ક્રમ વિભાગથી તથા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત આ છ અંગોના વિભાગે સહિત ચારે વેદો જે ચરણકમળની અહર્નિશ સ્તુતિ કરે છે, તે આ પ્રગટ દર્શનીય આપના ચરણકમળને શરણે હું આવેલો છું.૪૨

હે ઇશ ! દેવતાઓમાં શ્રેષ્ઠ એવા બ્રહ્માદિ દેવો પણ પોતાની પ્રબળ બુદ્ધિના બળથી પણ આપના સ્વરૂપને જાણવા સમર્થ થતા નથી, એવા આપના સ્વરૂપનું જ્ઞાન કાં આપ સ્વયં મનુષ્યરૂપે પ્રગટ થઇને જીવને બોધ કરાવો, કે મારું સ્વરૂપ આવું છે તો થાય. અથવા આપના સ્વરૂપનો જેને પ્રત્યક્ષ અનુભવ થયો છે એવા સત્પુરુષો દ્વારા જો તમે તમારું સ્વરૂપ ઓળખાવો તો જ જીવને તેનો બોધ થાય છે, નહિ તો કદાપિ થતો નથી. માટે સર્વ જગતના તમે જ એક સાચા સદ્ગુરુ છો.૪૩

પ્રાણધારી જીવાત્માઓનાં અનાદિ માયાનાં જે બંધન છે, તેને તોડવામાં એક તમેજ સમર્થ છો. તેથી સર્વ જીવપ્રાણીમાત્રને આશ્રય કરવા યોગ્ય તમે જ છો. આવા તમારા માયાનું બંધન તોડવારૂપ ઉપકારનો બદલો આપવા કોઇ જીવપ્રાણી માત્ર સમર્થ નથી. એજ કારણથી અત્યારે હું આપનાં ચરણકમળના શરણે આવ્યો છું, આપનું મન, કર્મ વચને હું ભજન કરું છું. મારા દ્વારા કરાયેલું ભજન જ તમારા ઋણમાંથી મને મુક્ત કરનારું થાય, એવો મારો ભાવ છે.૪૪

હે દેવ ! દેવતાઓ કે મનુષ્યો તથા તેઓના ગુરુ એવા બૃહસ્પતિ આદિ આચાર્યો તથા ઇંદ્રાદિ દેવતાઓ તથા બ્રહ્માદિ ઇશ્વરો પણ તમારી પ્રસન્નતાથી મળતા ફળના કોટીમા ભાગનું પણ ફળ આપવા સમર્થ થતા નથી. તે કારણથી તે સર્વેના અધીશ્વર અને સર્વ દુઃખોનો વિનાશ કરનારા તથા ઇચ્છિત ફળને આપનારા એવા એક આપના ચરણકમળનાં આશરે હું આવ્યો છું.૪૫

હે હરિ ! દેવતાઓના અધિપતિ દેવેન્દ્ર કે બ્રહ્માજી પણ જ્યાં સુધી તમારા ચરણકમળનો ભક્તિભાવપૂર્વક આશ્રય કરતા નથી ત્યાં સુધી તેમના માથેથી પણ કાળનો ભય દૂર થતો નથી. જે એક તમારા આશરાથી થાય છે. તે કારણથી જે પુરુષ આ પ્રમાણે વિવેકબુદ્ધિથી વિચારીને દુઃખોથી ભરપૂર અન્ય દુરાશાઓનો ત્યાગ કરી એક તમારા ચરણકમળનું નિરંતર સેવન કરે છે, તેજ પુરુષ ધન્ય છે. કારણ કે કાળનો ભય છોડી તમારો પાર્ષદ થાય તેનાથી વધુ બીજી ધન્યતા કઇ હોઇ શકે ?.૪૬

હે ભગવન્ ! અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના પણ કારણ તમે જ છો, કારણ કે પ્રકૃતિ પુરુષ આદિ સર્વના કારણ તત્ત્વોના પણ તમે મૂળ કારણ સ્વરુપ છો. સર્વેના આશ્રયરુપ એક તમે જ છો. સર્વેના સ્વામી પણ તમે જ છો, અને વૃંદાવનમાં વરદાન આપનારા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પણ તમે જ છો.૪૭

હે ઇશ્વર ! યુગ યુગને વિષે અનંત અવતારો ધારણ કરી ધર્મમર્યાદાનું પાલન પણ તમે જ કરો છો. સત્પુરુષોનું રક્ષણ અને ધર્મના દ્વેષીઓનો સંહાર પણ તમે જ કરો છો. અને તમારા સ્વરૂપનું જ્ઞાન પણ તમેજ આપો છો.૪૮

એવા સાક્ષાત્ ભગવાન તમે અત્યારે કળિયુગનું બળ લઇ વૃદ્ધિ પામેલા અને મનુષ્યરૂપે જન્મેલા અસુરગુરુઓ અને અસુર રાજાઓમાં સ્થિર થઇ ગયેલા અધર્મસર્ગનો વિનાશ કરીને તમારા શ્રીચરણોના શરણે આવેલા જીવાત્માઓનું રક્ષણ કરવા માટે આ મારા ઘેર પ્રગટ થયા છો. એવા આપશ્રીને મારા કોટિ કોટિ પ્રણામ છે.૪૯

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વિપ્રવર્ય ધર્મદેવ આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી ત્યારે બહુ પ્રકારે મનુષ્ય ચેષ્ટા કરવા ઇચ્છતા અને સર્વ જીવોનું હિત કરવાને અર્થે જેમણે અવતાર લીધો છે એવા ભક્તપ્રિય ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમરસથી રસબસ ભાવવાળા થઇ ગયેલા ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા.૫૦

ધર્મ-ભક્તિને ભગવાને પૂર્વઘટનાનું તાજું કરાવેલું સ્મરણઃ- ભગવાન કહે છે, હે દ્વિજોત્તમ ધર્મ ! તમે પૂર્વજન્મમાં સાક્ષાત્ ''ધર્મપ્રજાપતિ'' હતા, અને આ ભક્તિ નિરંતર તમારી અનુવૃત્તિમાં રહેનારાં તમારાં પત્ની મૂર્તિદેવી હતાં.૫૧

દુર્વાસામુનિના શાપને કારણે તમે બન્ને આ ભરતખંડમાં મનુષ્ય જન્મને પામ્યાં છો. તેમજ કળિયુગ તથા અધર્મનો આશ્રય કરનારા દુષ્ટ મનુષ્યોથી વારંવાર પીડાને પણ પામ્યાં છો.૫૨

ધાર્મિક એવા તમે બન્ને પૃથ્વીલોકમાં રહેલાં તીર્થક્ષેત્રોમાં પરિભ્રમણ કરતાં કરતાં મારા અનન્ય આશ્રિત એવા ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામી પાસેથી મારી વૈષ્ણવી દીક્ષાને પણ પામ્યાં છો.૫૩

ત્યારપછી વૃંદાવનમાં આવી અને એકાગ્રમનથી મહાવિષ્ણુયાગના માધ્યમથી તમે બંને એ મારી આરાધના કરી. કારણ કે નિષ્કપટક્રિયાવાળાં તમે બન્ને વૈરીઓએ સર્જેલી દરિદ્રતાની અતિ પીડાનો નાશ તથા આત્મરક્ષણ એક મારા થકી જ ઇચ્છતાં હતાં.૫૪-૫૫

જીવનમાં તમે બન્નેએ આહારને જીતીને વશ કર્યો, મિતાહાર કરતાં રહ્યાં, બ્રહ્મચર્યવ્રતનું દૃઢપણે પાલન કરતાં થકાં નિદ્રાને પણ તમે જીતી લીધી અને એક મારે વિષે જ દૃઢ ભક્તિભાવ રાખી, મારી આરાધના કરતાં કરતાં તપથી શરીરને પણ કૃશ કરી નાખ્યાં, તમારો મારે વિષે આવો દૃઢ ભક્તિભાવ જોઇને હું અલ્પકાળમાં જ પ્રસન્ન થઇને અત્યારે તમે જે મારા સ્વરૂપને નિહાળી રહ્યાં છો તે જ સ્વરૂપે તમોને મેં મારું પ્રત્યક્ષ દર્શન આપ્યું.૫૬-૫૭

ત્યારપછી પ્રસન્ન થયેલા મેં તમને ઇચ્છિત વરદાન આપ્યું અને કહ્યું કે, હે વિપ્ર ! હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થઇને તમારું રક્ષણ કરીશ.૫૮

આ રીતે તમને વરદાન આપી હું અંતર્ધાન થયો, અને તમે બન્ને તમારે ઘેર આવ્યાં. ત્યારથી આરંભીને તમારે શત્રુઓનો ભય અને દરિદ્રતા નષ્ટ પામ્યાં.૫૯

હે બ્રાહ્મણશ્રેષ્ઠ ધર્મદેવ ! પૂર્વે ઘટેલી આ સમગ્ર ઘટનાનું સ્મરણ તાજું થાય તે માટે મેં અત્યારે તમને મારા દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે, બાકી હું તમારે ત્યાં હવે પુત્રરૂપે પ્રગટ થયો છું તેથી તમે સ્વસ્થ થાઓ.૬૦

ભગવાન થયા બાળકરૂપઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અખિલ જગતના સ્વામી ભગવાને ધર્મદેવને આ પ્રમાણે કહ્યું અને તેજ ક્ષણે દિવ્ય અલૌકિક બાળક જેવું માનવ શરીર ધારણ કરી લીધું, અને ભક્તિમાતાની ગોદમાં રમવા લાગ્યા. પૂર્ણિમાના ચંદ્રની કાંતિ સમાન ઉજ્જવળ કાંતિવાળા અને મનોહર અંગવાળા બાલપ્રભુ બહુ શોભી રહ્યા હતા.૬૧

ભગવાન શ્રીકૃષ્ણની ઇચ્છાથી ધર્મદેવ તથા ભક્તિદેવીને ભગવાનના દિવ્યપણાના જ્ઞાનની વિસ્મૃતિ થઇ ગઇ અને પોતાને ત્યાં મનોહર પુત્રરત્નનો જન્મ થયો છે એમ જાણી બન્ને હૃદયમાં બહુજ હર્ષ પામવા લાગ્યાં.૬૨

જેમ નટવિદ્યામાં નિપુણ નટ અનેક પ્રકારના વેષને ધારણ કરે તેમ સ્વતંત્રપણે મનુષ્યસ્વરૂપને ધારણ કરી રહેલા ભગવાન શ્રીહરિનાં દર્શન ત્યાં આવેલા બ્રહ્માદિ દેવતાઓ, તેની પત્નીઓ, ઋષિમુનિઓ તથા ભક્તિએ સહિત ધર્મદેવ પણ હર્ષપૂર્વક કરવા લાગ્યા.૬૩

બાલ શ્રીહરિનો જમણો ચરણ સ્વસ્તિક આદિ નવ ચિહ્નોથી શોભી રહ્યો છે. અને ડાબો ચરણ મત્સ્ય આદિ સાત ચિહ્નોથી શોભી રહ્યો છે, આ બન્ને ચરણકમળ લાલ રંગના નવા ફુટેલાં પાંદડાંના જેવી સુંદર લાલ આંગળીઓની પંક્તિથી વિરાજીત કોમળ, સ્નિગ્ધ અને અતિમનોહર લાગે છે.૬૪

દરેક આંગળીઓના ઉપડતા લાલ નખમાંથી નીકળતાં સુંદર કિરણો સૂર્ય, ચંદ્ર અને અગ્નિની સમગ્ર કાંતિને પણ જાણે ઝાંખી પાડી રહ્યા છે. લગારેક ઉપડતી, સુંદર અને ગોળ ઘુંટી શોભી રહી છે. મનોહર બે પીંડી, સુંદર બે ગોઠણ, અને કરભની સમાન સુંવાળા બન્ને સાથળથી બાલ શ્રીહરિ અતિશય શોભી રહ્યા છે.૬૫

વિશાળ કટિપ્રદેશ જેનો શોભી રહ્યો છે, તેમજ સુવર્ણ સરખા ચળકતા અતિ સૂક્ષ્મ અને પાંખા ઉગેલા શરીર ઉપરના રોમથી શ્રીહરિ શોભી રહ્યા છે. તથા પીપળના પાન સરીખા ઉદરમાં સુંદર ત્રિવળી પડે છે, તેના મધ્યે ગોળ ગંભીર ઊંડી નાભિ શોભી રહી છે.૬૬

મંદમંદ મુખહાસ્યની ઉજ્જવલ કાંતિની આભાથી લાલ અધરોષ્ઠ જેના શોભી રહ્યા છે, વિશાળ અને ઉપડતું એવું વક્ષસ્થળ શ્રીવત્સના ચિહ્નથી શોભી રહ્યું છે, જાનુ પર્યંત લાંબા રુષ્ટપુષ્ટ બે ભુજદંડ જેના શોભી રહ્યા છે, હાથની આંગળીઓના ઉપડતા અને લાલ નખની કાંતિવડે શ્રીહરિ અતિશય શોભી રહ્યા છે.૬૭

શ્રીહરિના પાતળી અને લાંબી આંગળીઓથી વિરાજીત અને મજબૂત મણિબંધથી સુશોભિત લાલ કમળની સમાન સહજ સુંદર બન્ને હસ્તકમળ શોભી રહ્યા છે, શોભાયમાન દીર્ઘ ચિબુક અને ત્રણ રેખાવાળો તેજસ્વી શંખ સરીખો કંઠ પણ શોભી રહ્યો છે. અગ્રભાગે કાંઇક નમતી અને ઉપડતી તેમજ તલના પુષ્પ તુલ્ય સુંદર નાસિકા શોભી રહી છે.૬૮

શ્રીહરિના જમણા ગાલ ઉપર નાસિકાની સમીપે તથા ડાબા કાનના મધ્યે અંદરના ભાગે એક એક સૂક્ષ્મ કાળા તલ શોભી રહ્યો છે. શરદપૂર્ણિમાના ચંદ્રમાની સમાન મંદમંદ હાસ્ય કરતું મુખારવિંદ શોભી રહ્યું છે. આવા બાલ શ્રીહરિ ખૂણાના ભાગે કાંઇક રક્ત હોવાથી રમણીય જણાતાં અને શરદઋતુમાં વિક્સેલાં નવીન શ્વેત કમળના પત્ર સરખાં વિશાળ તેમજ અતિ ચંચળ એવાં નેત્રોની ચપળ દૃષ્ટિથી પોતાનું દર્શન કરતા ભક્તજનોને પ્રેમથી નિહાળી રહ્યા છે.૬૯

વળી ભગવાન શ્રીહરિ ઉપડતા, ઉત્તમ વિશાળ ભાલની શોભાથી વિરાજિત બન્ને ગાલથી અને સુંદર વાંકડી ભૂ્રકુટિથી અતિ શોભી રહ્યા છે. વળી મંદમંદ હાસ્યથી વિલસી રહેલા બન્ને કોમળ ગાલથી તથા સરખા અને સુંદર બન્ને કર્ણથી પણ શોભી રહ્યા છે. તેમજ મસ્તક ઉપર સુંવાળા, સૂક્ષ્મ, વાંકડિયા, કાળા અને સુંદર કેશ શોભી રહ્યા છે.૭૦

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પગના તળામાં રહેલાં ધ્વજ, વજ્ર આદિ સોળ ચિહ્નો આદિ અનંત શરીરમાં રહેલાં લક્ષણો દ્વારા આ સ્વયં ભગવાન છે. એવો બોધ કરાવતા અને માતાની ગોદમાં બેસી સ્તનપાન કરી રહેલા આવા બાલ શ્રીહરિનાં દર્શન કરી બ્રહ્માદિ દેવો ખૂબજ રાજી થયા અને ત્યાર પછી મહા આદર સાથે બાલ શ્રીહરિને નમસ્કાર કરી તેમની જ ઇચ્છાથી પોતપોતાના ધામમાં ગયા.૭૧

શ્રી હરિની જન્મકુંડલીઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સર્વ વિશ્વના આત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન વિપ્રવર્ય ધર્મદેવના ભવનમાં જે સમયે પ્રગટ થયા તે સમય સમસ્ત મનુષ્યોના મનને હરનારો શુભ સમય હતો, વિક્રમ સંવત્ ૧૮૩૭ ના ચૈત્ર સુદી નવમીની પવિત્ર તિથિ હતી, વિરોધી નામનું સંવત્સર હતું. સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશ્યા હતા. સોહામણી વસંત ઋતુ હતી. સોમવાર અને પુષ્યનક્ષત્ર હતું. સુકર્મ નામનો યોગ હતો. કૌલવ નામનું કરણ હતું. વૃશ્ચિક નામના લગ્નમાં ગુરુની સાથે શનિનો યોગ પ્રાપ્ત થયો હતો. શુક્ર ઉચ્ચસ્થાન મીન રાશિને પામ્યા હતા. ચંદ્ર પોતાની કર્ક રાશિને પામ્યો હતો, રાહુ જન્મ લગ્નથી છઠ્ઠા રિપુસ્થાનને પામ્યો હતો. બુધ જન્મથી પાંચમા બુદ્ધિ સ્થાનને પામ્યો હતો. મંગળ જન્મથી બીજા ભવન ધન સ્થાનને પામ્યો હતો. સૂર્ય પાંચમા ભવન સૂત સ્થાનને પામ્યો હતો. આવા શુભ સમયને વિષે વિશ્વાત્મા ભગવાન શ્રીહરિનું પ્રાગટય થયું.૭૨-૭૬

જન્મોત્સવની ઉજવણીઃ- શ્રીહરિના જન્મ સમયે ભૂમિપર, સ્વર્ગલોકમાં તથા અન્ય સર્વત્ર જગ્યાએ તથા ઉદાર મનના મહાપુરુષોને ત્યાં મહાન જન્મ- સંબંધી ઉત્સવો ઉજવાયા. શ્રીહરિના પ્રાગટયના હર્ષથી ભાવવિભોર બનેલા સર્વે નરનારીઓ અન્ય સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી એક માત્ર ભગવાનનો જન્મોત્સવ ઉજવવા લાગ્યા. આનંદિત થયેલા સો યજ્ઞા કરનારા ઇંદ્રાદિ દેવતાઓ પણ અંતરના અનેરા ઉત્સાહની સાથે નંદનવનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ઇંદ્રના ગાયકવૃંદમાં ચિત્રરથ આદિ ગાંધર્વો બાલ શ્રીહરિના ગુણાનુવાદનું ગાયન કરવા લાગ્યા. ઉર્વશી આદિ અપ્સરાઓના ગણો પોતાની સર્વે કળાઓમાં અભિનય કરી સુંદર નૃત્ય કરવા લાગી.૭૭-૭૮

હોમ કરનારા દ્વિજોના અગ્નિકુંડોના અગ્નિ પણ ભસ્મથી આવૃત હોવા છતાં અચાનક પ્રજવલિત થઇ દીપવા લાગ્યા. સત્પુરુષોનાં મન કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓથી રહિત થઇ નિર્મળ થઇ આનંદ અનુભવવા લાગ્યાં.૭૯

કૌલપંથ અને નાસ્તિક પંથના ગુરુ સ્થાને ચડી બેઠેલા આચાર્યોના પાપી પુરુષોના અને મનુષ્યયોનીમાં જન્મેલા દૈત્યો અને રાક્ષસોના મનમાં એકાએક પોતાના ભવિષ્યના વિનાશને સૂચવતો મહાત્રાસ પેદા થયો.૮૦

તેમજ શ્રીહરિના જન્મ સમયે રાજાઓના બંદીખાનાઓમાં બેડિયુંના બંધનથી બંધાયેલા બંધીજનોનાં બંધનો આપોઆપ છૂટી ગયાં, પરસ્પર સહજ વૈરવૃત્તિવાળાં પ્રાણીઓ પણ શ્રીહરિના જન્મ સમયે પોતાની વૈરવૃત્તિનો તત્કાળ ત્યાગ કરી દીધો.૮૧

હે રાજન્ ! અજન્મા એવા ભગવાનના પ્રાદુર્ભાવના સમયે ધર્મદેવના ભવનમાં દેવતાઓના દુંદુભિઓના નાદની સાથે મિશ્રિત થઇ મનુષ્યોએ બજાવેલ દુંદુભિઓનો નાદ અહર્નિશ થવા લાગ્યો.૮૨

નગરની નારીઓ પણ સંઘમાં સાથે મળીને ધર્મદેવના ભવનમાં આવી અદ્ભૂત બાળકને આશીર્વાદ આપતી સતી મંગળગીતોનું ગાયન કરવા લાગી અને પરસ્પર કુંકુમ, હળદર, દહીં, માખણ આદિનું બહુ પ્રકારે લેપન કરતી ઉત્સવ મનાવા લાગી.૮૩

ભગવાનના પ્રાગટય સમયે મંદ, શીતળ અને સુગંધીમાન વાયુ વાવા લાગ્યો. તારામંડળની સાથે આકાશ અતિ સ્વચ્છ થયું, સિદ્ધો અને ચારણો ભગવાનના નામનો જયઘોષ કરવા લાગ્યા, સપ્તર્ષિઓ રૂડા આશીર્વાદ આપતાં કહેવા લાગ્યા કે, હે ભગવન્ ! તમારી વાણી મનુષ્યોનું કલ્યાણ કરનાર મંગળરૂપ છે, તમારું હસવું મંગળરૂપ છે, તમારાં બન્ને નેત્રો સર્વનું મંગળ કરનારાં છે, તમારી ભૂજાઓનો વિલાસ મંગળકારી છે, તમારું મુખકમળ મંગળકારી છે, તમારા ચરણની ચાલ પણ મંગળકારી છે, વર્ણન કર્યું તે સિવાયનું પણ તમારું સર્વસ્વ મનુષ્યને માટે મંગળકારી છે, આવી મંગળકારી મૂર્તિ આપ આખા વિશ્વનું શીઘ્રતાતિ શીઘ્ર મંગળકરો.૮૪-૮૫

જાતકર્મ સંસ્કારઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સપ્તર્ષિઓએ સર્વને આનંદ આપનારા પરમાત્માની મંગળ પ્રાર્થના વર્ણવી તેને સાંભળીને અતિશય પ્રસન્ન થયેલા વિપ્ર હરિપ્રસાદે વેદોક્ત વિધિથી જાતકર્મ સંસ્કાર કરાવ્યો.૮૬

પ્રથમ ધર્મદેવે પોતાના ભવનમાં સુવર્ણ યુક્ત શીતળ જળથી વસ્ત્રે સહિત સ્નાન કર્યું, વૈદિકમંત્રોથી પિતૃતર્પણ કર્યું. ત્યાર પછી બ્રાહ્મણો પાસે પુત્રનું પુણ્યાહ વાચન કર્મ કરાવ્યું, ત્યાર પછી રસનામાર્જન સંસ્કાર કરાવ્યો, તે સમયે ગુહ્યસૂત્રની રીત મુજબ સમયને ઉચિત મેધાજન નામનો કર્મવિધિ કરાવી જાતકર્મ સંસ્કારના અંગભૂત અનેક પ્રકારનાં દાન કર્યાં.૮૭-૮૮

તે સમયે વિપ્રવર્ય ધર્મદેવના ભવનમાં ભેળાં થયેલાં સંબંધી જનોએ અતિશય આનંદમાં આવી બાલ શ્રીહરિને રૂડા આશીર્વાદ આપ્યા, તે સમયે છપૈયાપુરમાં ઘેર ઘેર મંગળગીતો ગવાતાં હતાં, અને અનેક પ્રકારના વાજિંત્રોના નાદ થતા હતા, અને સર્વે નરનારીઓના અંતરમાં અનેરો આનંદ ઉભરાતો હતો.૮૯-૯૦

પુત્રના જન્મથી અતિશય હર્ષિત થયેલા બ્રાહ્મણશ્રેષ્ઠ ધર્મદેવે બ્રાહ્મણોને બહુ પ્રકારનાં દાન આપ્યાં અને અન્ય જનોને પણ યથાયોગ્ય ખૂબ દાન આપ્યાં.૯૧

બ્રાહ્મણોને હાથી, ઘોડા તથા અસંખ્યાત દૂઝણી ગાયોનાં દાન આપ્યાં, તથા અન્ન, વસ્ત્રો, વાસણ આદિ અનંત સામગ્રીઓની સાથે ઘરનાં પણ દાન આપ્યાં.૯૨

ધર્મદેવે એવા ઉદારમનથી દાન આપ્યાં કે તે દાનને સાંભળીને પૃથ્વીપરના મોટા મોટા રાજાઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા, અને તેમને અખૂટ ધનના માલિક ધનકુબેર માનવા લાગ્યા.૯૩

મનુષ્યલીલાનો વિસ્તાર કરવાની ઇચ્છા ધરાવતા શ્રીપતિ ભગવાન શ્રીહરિની માયાથી બુદ્ધિ આચ્છાદિત થતાં આ બાળક ભગવાન છે એમ તે શ્રીહરિને કોઇ જાણતું ન હતું.૯૪

ધર્મદેવ અને ભક્તિદેવીને પણ શ્રીહરિમાં પુત્ર ભાવજ પ્રગટ થતો હતો, કારણ કે બાળલીલાનો વિસ્તાર કરી બન્નેને ખૂબજ સુખ પમાડવાની ભગવાનને ઇચ્છા હતી.૯૫

જો મને સર્વનો ઇશ્વર માનશે તો માતા-પિતા અલભ્ય પુત્રભાવથી મારું લાલન પાલન નહિ કરી શકે. આવું વિચારીને ભગવાને માતાપિતાને પોતાના દિવ્યભાવની વિસ્મૃતિ કરાવી દીધી.૯૬

પોતાના મનનો મનોરથ પૂર્ણ થયો હોવાથી ધર્મ અને ભક્તિદેવી બન્ને અતિશય પ્રસન્ન થયાં અને મનુષ્યસ્વરૂપે વિરાજતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવને વિષે પુત્રભાવે અત્યંત ગાઢ સ્નેહ કરવા લાગ્યાં.૯૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મેં તમને આ ભગવાનના પ્રાદુર્ભાવની અદ્ભૂત કથા પ્રેમથી સંભળાવી. આ ધરતી ઉપર અનેક પ્રકારની માનુષિક લીલાનો પ્રેમપૂર્વક વિસ્તાર કરવા ઇચ્છતા કાળમાયાના નિયંતા અને રાધાના સ્વામી એવા ભગવાન શ્રીહરિની આ પાવનકારી કથા જે કોઇ પુરુષ નિરંતર ગાઢ અનુરાગથી ગાશે અથવા સાંભળશે તે બન્ને પ્રકારના પુરુષો સમગ્ર ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.૯૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભગવાન શ્રીપુરુષોત્તમનારાયણના પ્રાદુર્ભાવ ઉત્સવનું નિરૂપણ કર્યું એ નામે બાવીસમો અધ્યાય પૂર્ણ થયો. - ૨૨