અધ્યાય ૭ - શાસ્ત્રના દાનવિઘિનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:52pm

અધ્યાય  ૭ - શાસ્ત્રના દાનવિઘિનું નિરૂપણ

હેમંતસિંહ રાજાની આ ગ્રંથ સાંભળવામાં અતિશય ઉત્સુકતા જોઇને અત્યંત રાજી થયેલા શતાનંદ સ્વામી કહે છે, હે રાજન્ ! જે મનુષ્યો આ સત્સંગિજીવન ગ્રંથનું દાન કરે છે, તેઓ પણ આલોક અને પરલોકમાં ઇચ્છિત ફળને પ્રાપ્ત કરે છે. ૧


ત્યારે હેમંતસિંહ રાજા કહે છે, હે મુનિ ! આ ગ્રંથનો દાનવિધિ હું તમારી પાસેથી સાંભળવા ઇચ્છુ છું. કારણ કે તમે બધુ એ જાણો છો, માટે મને કહો. ૨


ત્યારે શતાનંદ સ્વામી કહે છે, હે રાજન્ ! જે વિધિપૂર્વક આ સત્સંગિજીવન ગ્રંથનું દાન કરવાથી સંપૂર્ણ ફળ સિધ્ધ થાય છે તે વિધિ હું તમને કહું છું. ૩


ગ્રંથદાનનો વિધિ અને સમય :- ચૈત્ર સુદ નવમી, ચૈત્રસુદ એકાદશી અને કાર્તિકી પૂનમ, આ તિથિઓ સત્સંગિજીવન ગ્રંથના દાનમાં મુખ્ય તથા શ્રેષ્ઠ સમય કહેલો છે. તેમજ સર્વે પૂનમો, સર્વે એકાદશીઓ અને વ્રતોત્સવના દિવસો પણ આ ગ્રંથનું દાન કરવામાં શ્રેષ્ઠ મનાયેલા છે. ૪-૫

 

સૌ પ્રથમ દાતાએ સારા મજબૂત કાગળો લઇને સ્પષ્ટ અક્ષરોવાળા લેખક દ્વારા છૂટી છૂટી પંક્તિઓમાં આ સત્સંગિજીવન શાસ્ત્રનું લેખન કરાવવું. આ નવા લખાયેલા ગ્રંથને તેના અર્થને જાણનારા પંડિત પાસે સંશોધન કરાવી નવા પાટિયાથી અને ઉપર વીંટવાના નવા વસ્ત્રથી બાંધી તૈયાર કરવું. હે રાજન્ ! હવે હું તમને એ સત્સંગિજીવન શાસ્ત્રનું લક્ષણ કહું છું. ૬-૭


સત્સંગિજીવન શાસ્ત્રની ઓળખ :- જે આ સત્સંગિજીવન શાસ્ત્રમાં પાંચ પ્રકરણો છે. ત્રણસો ઓગણીશ અધ્યાયો છે. અનુષ્ટુપ સંખ્યાની દૃષ્ટિએ ગણના કરતાં સત્તર હજાર છસો ને સત્તાવીસ શ્લોકો છે. અને વળી જે ગ્રંથ આદિ, મધ્ય અને અંતરમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રધાન અનેક ઉપાખ્યાનોથી સમૃદ્ધ છે. તેમજ જે શ્રીહરિ સહજાનંદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય લીલા કથામૃતથી સત્પુરુષોને અને દેવતાઓને આનંદ ઉપજાવે છે, તે આ સત્સંગિજીવન શાસ્ત્ર છે. ૮-૧૧


ગ્રંથદાનનો પૂજાવિધિ :- હે નૃપ ! દાન આપવાના દિવસે આ સત્સંગિજીવન શાસ્ત્રને ચાર પાયાવાળા બાજોઠ પર બિછાવેલા મહાવસ્ત્ર ઉપર રચેલા આઠ પાંખડીવાળા સુવર્ણના કળશ ઉપર સ્થાપન કરવું. તે આઠ પાંખડીવાળું કમળ ત્રણ પળ પરિમિત સુવર્ણથી રચવું, અને અતિ ઓછા ધનવાળાએ તો એ કમળ અર્ધા પલ પરિમિત સુવર્ણથી રચવું. ત્યારબાદ ઉદાર બુધ્ધિમાન દાતાએ એ ગ્રંથની પૂર્વોક્ત મંત્રોથી ગીતવાજિંત્રો વગડાવવા પૂર્વક ચંદનાદિ વિવિધ ઉપચારોથી પૂજા કરવી. ૧૩-૧૪


દાન સ્વીકારનાર વિપ્રની પૂજા :- ત્યારબાદ દાન આપનાર દાતાએ જિતેન્દ્રિય સત્સંગિજીવન શાસ્ત્ર અને ભગવાનના ચરિત્રોમાં સ્નેહવાળા ભગવાનના ભક્ત એવા દાન સ્વીકારનાર બ્રાહ્મણનું નવીન રેશમી વસ્ત્રો, સુવર્ણ, મણિ અને મોતીના આભૂષણોથી તેમજ ચંદન પુષ્પાદિ ઉપચારોથી પૂજન કરવું, અને તેમને નમસ્કાર કરવા. ૧૫-૧૬


પછી દાતા પુરુષે પૂર્વાભિમુખે બેસવું અને દાન ગ્રહણ કરનાર વિપ્રે ઉત્તરાભિમુખે બેસવું, ને હાથમાં જળ લઇ સંકલ્પવિધિ કરાવી આગળ કહેવાતા મંત્રના ઉચ્ચારણની સાથે દાન કરવું. ૧૭


દાનના ત્રણ સંકલ્પ મંત્રો :- આ સત્સંગિજીવન શાસ્ત્રના દાનથી મારા અનંત કોટિ જન્મના પરંપરાથી ઉદ્ભવેલાં અને કૃષ્ણભક્તિમાં અંતરાય કરતાં સમસ્ત પાપો નાશ પામો. વેદની સમાન અને દિવ્ય એવા આ સત્સંગિજીવન શાસ્ત્રનું હું આ વિપ્રવર્યને પ્રદાન કરું છું, તેનાથી શ્રીહરિ મારા ઉપર પ્રસન્ન થાઓ. મારા આ જન્મમાં કે જન્માન્તરમાં પણ મને ભગવાન શ્રીકૃષ્ણનો વિયોગ ન થાઓ, અને તેમના ચરણના આશ્રિત સત્પુરુષોનો પણ ક્યારેય વિયોગ ન થાઓ. ૧૮-૨૦


આ પ્રમાણેના ત્રણ મંત્રોનો ઉચ્ચાર કરી આ ગ્રંથનું દાન કરી દક્ષિણા આપવી. શક્તિશાળી દાતાએ શ્રદ્ધાથી સો રૂપામુદ્રાની દક્ષિણા આપવી, અને અશક્ત દાતાએ શઠપણું કર્યા વિના ઉદારતાથી યથાશક્તિ દક્ષિણા આપવી. ત્યારબાદ દક્ષિણાને અનુરૂપ શક્તિ મુજબ બ્રાહ્મણને ભોજન પણ કરાવવું. ૨૧-૨૨


આ ગ્રંથના દાનનું ફળ :- જે પુરુષ ઉપરોક્તવિધિ પ્રમાણે આ સત્સંગિજીવન શાસ્ત્રનું દાન કરે છે તે પ્રકાશમાન વિમાનમાં બેસી ગોલોકધામને પામે છે. અને ત્યાં પરમાત્માનો અનુભવ અને પરિચરણાદિ રૂપ મનોવાંછિત દિવ્ય ભોગોને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેને અહિં કે ત્યાં કાંઇ અપ્રાપ્ય રહેતું નથી. આ શુભ શાસ્ત્રના દાનથી પુત્ર ન હોય તે પુત્રને પામે છે, નિર્ધન હોય તે ધનને પામે છે અને વિદ્યાર્થી ઇચ્છિત વિદ્યાને પ્રાપ્ત કરે છે. ૨૩-૨૫


હે નૃપતિ ! આ સર્વોત્તમ શાસ્ત્રનો દાનવિધિ શાસ્ત્રને અનુસાર મેં તમારી આગળ નિરૂપણ કર્યો. આ દાનવિધિનું આચરણ કરનારાઓને આલોકમાં કે પરલોકમાં પૂરી ન થાય એવી કોઇ ઇચ્છાઓ અધૂરી રહેતી નથી, સમગ્ર પૂર્ણ થાય છે. ૨૬


ઇતિ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદરૂપે આ શાસ્ત્રના દાનવિઘિનું નિરૂપણ કર્યું એ નામે સાતમો અધ્યાય પૂર્ણ થયો. ।। ૭ ।।