વચનવિધિ કડવું - ૪૩

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:43pm

ધકા બહુ ખાય છે ધર્મના હીણજી, વિષયસુખ સારુ રે’છે મન મીણજી
તેણે કરી મતિ અતિ થઈ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં પ્રવીણજી

પ્રવીણપણું એનું પ્રીછિયું, તે તો નથી જાતું કેને કહિયું ।।
ખાય છે ખલેલાં ખારેક તજી, એવું ટળી ગયું છે વળી હઇયું ।। ર ।।

કરી દીવો દિવસમાં, વળી મેલ્યું અવળું મોળિયું ।।
તે જાણે મેં કાંયે કર્યું નથી, પણ કુળ સમૂળું બોળિયું૯ ।। ૩ ।।

ઘોડું મૂકી દઈ ઘરનું, ચાલ્યો નર ખર પર ચડી ।।
તોય પોતા સરીખામાં પોરસી, મરડે છે મૂરખ મૂછડી ।। ૪ ।।

લૂંટાવી કસુંબી લૂગડાં, પંડે પે’ર્યા છે ગળિયલ ઘણાં ।।
તે દેખાડે છે દેશોદેશમાં, કે’છે જો જો મુમાં કાંઈ છે મણા ।। પ ।।

એમ મેલી રીત સતસંગની, વળી રે’છે કુસંગની રીતમાં ।।
દ્વિજ ધામ તજી વશ્યો ઢેઢમાં, તોય ફૂલ્યો ફરે છે ચિત્તમાં ।। ૬ ।।

નકટે નકટા ભેળા થયા, વન્ઠેલમાં વન્ઠેલ વળી ।।
એમ વિમુખ વિમુખ ભેળા વસ્યા, કરી હેત પરસ્પર મળી ।। ૭ ।।

તેમ મનમુખીને મોજ મનમુખીમાં, લાગે આજ્ઞાકારી અળખામણા ।।
નિષ્કુળાનંદ એવા નર જેવા, નથી ત્રિલોકે કોઈ લજામણા ।। ૮ ।।