સ્નેહગીતા કડવું - ૪૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:33pm

શ્રીહરિ કહે ઊદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે આરત છેજી ।
દેહ ગેહ સુખથી એહ વનિતા વિરકત છેજી, અચળ અડગ એની મુજ વિષે મત છેજી ।।૧।।

ઢાળ –

મત એની મુજમાંહિછે, તેણે કરી તનસુખ ત્યાગ છે ।
વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે ।।૨।।

કામ ક્રોધ ને લોભ મોહ, તેતો વિરહ વહ્નિએ બળિયા ।
આતુરતાના અનિલે કરીને, તન વિકાર તેહના ટળિયા ।।૩।।

એકાદશ ઈંદ્રિય એની, ઊદ્ધવ આવી એહને મનમાં ।
સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બુડી પ્રેમમાં ।।૪।।

પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી ।  
સ્નેહ મુજ સાથે કરતાં, તેણે બીજી વાસના ગઈ બળી ।।૫।।

ઈચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની ।
ચતુરધાની એણે ચાહના મૂકી, રાખી ભકિત એણે રોકની ।।૬।।

મુજ વિયોગે વિલખી વિલખી, તજયાં સુખ સર્વે તનથી ।  
ઊદ્ધવજી એવા જન જેવું, વા’લું તે મુજને કોઈ નથી ।।૭।।

હુંજ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમીજ મારૂં તન ।  
ઊદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।।૮।।

મને પ્યાર છે પ્રેમીનો, હુંતો પ્રેમીજનને પુંઠે ફરૂં ।  
સ્નેહસાંકળે સાંકળ્યો હું, જેજે જન કહે તેતે કરૂં ।।૯।।

પ્રેમીનું પણ પાળવાને, મારૂં પણ મેલ્યું પ્રેમી પાસળે ।  
નિષ્કુલાનંદનો નાથ કહેછે, એમ ઊદ્ધવની આગળે ।।૧૦।। કડવું ।।૪૧।।