સ્નેહગીતા કડવું - ૨૦ પ્રાણ મ રે’જો પ્રીતમ વિના, પદ-૫

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:18pm

એ દિન જાયે બહુ દિલદાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી ।
વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।।

ઢાળ –

અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા ।
જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા ।।૨।।

ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ ।
પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ ।।૩।।

કયાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી ।
જયારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।।

કહેઆજ વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા ।  
તેહજ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।।

જેમજેમ વન જુવે જુવતી, તેમતેમ કૃષ્ણ સાંભરે ।
વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ ઝરે ।।૬।।

સજજન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ ।
સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।।

એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે ।  
પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ, તે વનમાં જોતાં કેમ જડે ।।૮।।

એમ વન જોઈને જુવતી, વળી ભવનઆવી ભામિની ।
રાજ વિના કાંઈ કાજ ન સુઝે, જેને લાગી લગન શ્યામની ।।૯।।

પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો ।  
નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું ।।૨૦।।

 

પદ-૫
(રાગ : આશાવરી)
પ્રાણ મ રે’જો પ્રીતમ વિના,
વળી પિયું વિયોગે પે’લા જાજો રે;
મગન થઈને હું માગું છું મનમાં,
એવું બાઈ મારે થાજો રે...પ્રાણ૦ ।। ૧ ।।
સખી રે મણિ નિગમતાં મણિધર જીવે,
તેને તે સુખ સખી કિયું રે;
ધન હારી નિર્ધન નર રે’તા રે,
તેને સુખ રતી કયાં રહ્યું રે...પ્રાણ૦ ।। ૨ ।।
સખી રે જત ગયા પછી જતિ મરે જો,
સત ગયા પછી સતી રે;
પત ગયા પછી કોય મરે જો,
નગર ગયા પછી નરપતિ રે...પ્રાણ૦ ।। ૩ ।।
સખી રે ફળ રહિત રંભા જે કોયે રહે,
તે તો અર્થ શે આવે રે;
નિષ્કુળાનંદના નાથ વિયોગે,
માગ્યું મોત કયારે ન આવે રે...પ્રાણ૦ ।। ૪ ।।