સ્નેહગીતા કડવું - ૧૭

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:15pm

એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી ।
અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો કોઈ ન શકી કળીજી ।।૧।।

ઢાળ –

કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી ।
શું કહ્યું બાઈ શ્યામળે, કયારે આવશે વ્રજમાં વળી ।।૨।।

અચેત હતી સહુ આપણે, પ્રિછ પડી નહિ તેહ પળમાં ।
કાંઈક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।।

એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઈક છે સહિ ।
એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઈ નિરધાર નહિ ।।૪।।

બાઈ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ બોલ કુડા કર્યા ।  
નખશિખ લગી નાથ બાઈ, ઘણું છબિલોજી છળમાં ભર્યા ।।૫।।

હાથ ન આવે હવે હરિ, ખોઈ બેઠાં ખરી મીરાંથજી ।
મણિ ચોરાણી મળે નહિ બાઈ, પિયુ ગયા પરને હાથજી ।।૬।।

શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે ।  
પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે ।।૭।।

એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો કરે મનમાં ।  
એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઈ ભવનમાં ।।૮।।

તિયાં મહી માખણદુધદેખી, ઘણો શોક કરી રૂવે સુંદરી ।  
હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।।

અંતર પ્રીતને ઊપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં ।  
નિષ્કુલાનંદના નાથને બાઈ, કાંઈ મષ લઈને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।।