મારે મંદિર આવ્યા માવજી રે, જમવા જીવનપ્રાણ (૧)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 10:05pm

 

મારે મંદિર આવ્યા માવજી રે, જમવા જીવનપ્રાણ;

મેં તો પ્રેમ ઘણે પધરાવિયા રે, સુંદર શ્યામ સુજાણ. ૧

પૂજા કીધી મેં પ્રેમશું રે અંગે ઘણો ઉમંગ;

જોતાં રસિયાજીના રૂપને રે, રાચી એને રંગ. ર

મેં તો ભોજનીયાં બહુ ભાતના રે, પીરસ્યો પૂરણ થાળ;

ધર્યો શ્યામ સલૂણા આગળે રે, હસિયા દીન દયાળ. ૩

મને ભુખ ઘણી છે ભામની રે, તે માટે તતકાળ;

તમે પ્રેમ ઘણે કરી પ્રમદારે, લાવ્યાં અન્ન રસાળ. ૪

આજ તો ભાવ વધ્યો છે ભામની રે, જમવા તારે હાથ;

એવું કહીને આનંદ પામીયા રે, જાણ ઘણા જદુનાથ. પ

ભાવે ભોજન ચાર પ્રકારના રે, શાક પાક બહુ અન્ન;

મારે હાથ જમ્યા છે માવજી રે, ટાઢું થયું તન. ૬

મેં તો છપ્પન ભોજન સૂચવી રે, જમાડ્યા જદુરાય;

પ્રેમે પાન બીડી દઇ મુખમાં રે, લાગી હરિને પાય. ૭

વાલે હાસ કરી હસાવિયા રે, સુંદર કરી સંવાદ;

આપ્યો મુક્તાનંદને પ્રેમશું રે, થાળ ભરી પ્રસાદ. ૮

Facebook Comments