૬૭ ત્યાંથી ગઢડા, કારીયાણી, પંચાળા, માણાવદર, ગઢડા, મછીયાવ, વડતાલ, ગઢડા, ઉમરેઠ, નાગડકા, બોટાદ, ગઢડા ત્યાં સંતોને ખૂબ જમાડ્યા, ત્યાંથી વડતાલમાં અન્નકૂટનો ઉત્સવ કરી ગઢડા પધાર્યા.

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 10:00pm

અધ્યાય - ૬૭

શ્રીજીમહારાજ ત્યાંથી ગામ ગઢડે પધાર્યા અને દાદાખાચરના દરબારમાં છાના રહ્યા તે કોઇને દર્શન ન આપે અને એકાંતે રહે. ગામ બોટાદમાં દર્શન દેવા કોઇક દિવસ રાત્રિમાં પધારે તથા ઝીંઝાવદર પધારે અને પાછા ગઢડા પધારે અને દિવાળી ઉપર મુક્તાનંદ સ્વામી ગઢડા આવ્યા તેમને શ્રીજીમહારાજ ઉતારે દર્શન દેવા રાત્રિએ જતા. દેવ દિવાળી ઉપર શ્રીજીમહારાજે ગુજરાતમાં જે સાધુ હતા તેમના ઉપર કાગળ લખાવીને ખટ રસનાં વર્તમાન પાળવાની આજ્ઞા કરીને પછી હુતાશનીના સમૈયા ઉપર સર્વ સાધુઓને તથા સત્સંગીઓને તેડાવ્યા. તે સમૈયા ઉપર સાધુ આવ્યા ત્યારે શ્રીજીમહારાજ ગામ કુંડળ સુધી સામા ગયા. ત્યાં સંતો ભેળા થયા અને મામૈયા પટગરને ઘેર ઉતર્યા અને સાધુઓને જમવા સારુ મોળી ઘઉંની થૂલી કરાવી હતી તે અર્ધા સંતોને જમવા ઉઠાડ્યા.

તેવામાં કાઠી મોટા શ્રીજીમહારાજને દર્શને આવ્યા. ત્યારે તે સાધુ જમતા હતા. તેને જોઇને તથા ખટરસના વર્તમાને કરીને દેહે અતિ દુર્બળ થયેલા જોઇને શ્રીજીમહારાજ આગળ પાઘડીઓ ઉતારીને અરજ કરી જે, હે મહારાજ ! સાધુઓને ખટરસનાં વર્તમાન મુકાવો એવો વર માગીએ છીએ. ત્યારે મહારાજે કહ્યું જે. ઠીક, આજથી ખટરસનાં વર્તમાન સાધુને નહીં. ત્યારે મામૈયા પટગરે પંગતિમાં ગોળ ઘી લાવીને પીરસ્યાં.

તે દિવસ ત્યાં રહીને કારીઆણી પધાર્યા તે વસ્તાખાચરના દરબારમાં ઉતારો કર્યો અને થાળ થયો તે શ્રીજીમહારાજ જમ્યા અને સર્વે સંતોને જમાડ્યા. પછી સાયંકાળે સભા કરીને પોતે શ્રીજીમહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદ આગળ આવીને સર્વ સંતોની સભા ભરાઇને બેઠી. ત્યારે મહારાજે કહ્યું જે, સર્વે વહેલા કેમ આવ્યા ? તમે વહેલા આવ્યા તેથી પાછા જાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, કોઇ દેખતા હો તો મારો સતાર લાવો. ત્યારે મહારાજે કહ્યું જે, આમ કેમ બોલો છો ? ત્યારે સંતો બોલ્યા જે સાધુઓને રાસૂંદો થઇ ગયો છે તે દેખતા નથી. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા જે, એક અમારું મંડળ દેખે છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમારું મંડળ દેખે છે અને બીજા કેમ નથી દેખતા ? ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ ? એ સર્વ સાધુને રાસૂંદો થયો છે માટે રાત્રિમાં નથી દેખતા અને અમને તો ગામ ડભાણમાં હરિભક્તોએ બળેલાની ભાજી કરીને ખવરાવી હતી તેણે કરીને અમારું મંડળ દેખે છે. ત્યારે શ્રીજી મહારાજને દયા આવી તેથી સર્વે સંતોને રાખ્યા.

ત્યાંથી શ્રીજીમહારાજ સર્વ સંતોને સાથે લઇને શ્રી ગઢડા પધાર્યા. ત્યાં એક રસોઇ જીવા ખાચરની જમ્યા અને ફૂલડોલને દિવસે રસોઇ દાદાખાચરની જમ્યા અને તે દિવસે શ્રીજીમહારાજ રંગ રમ્યા અને સર્વે સંતો, હરિભક્તોને રંગે રમાડ્યા અને કીર્તન ગાતા ગાતા ઘેલા નદીમાં નહાવા ગયા. સ્નાન કરીને પાછા આવીને દાદા ખાચરના દરબારમાં વિરાજમાન થયા. ત્યાંથી સર્વ સંઘે સહિત ચાલ્યા તે ગામ કારીઆણી પધાર્યા અને ત્યાંથી કુંડળ ગયા. અને કુંડળથી ભાઇ રામદાસજી આદિ સર્વ સંતોને ગુજરાત જવાની આજ્ઞા કરી અને શ્રીજીમહારાજ પાછા ગઢડા પધાર્યા અને ત્યાં ઉનાળાના ચાર મહિના રહ્યા. ત્યાં સર્વે પોતાના ભક્તજનો આવ્યા.

તેવામાં ગુજરાતમાંથી મહાનુભાવાનંદ સ્વામી કાચી કેરીઓ લઇને શ્રીજીમહારાજ પાસે ગઢડા આવ્યા. શ્રીજી મહારાજ તે કેરીઓ જમ્યા અને સંતોને પ્રસાદી આપી. એ પ્રકારે લીલા કરતા થકા શ્રીજીમહારાજે ભક્તજનોને બહુ સુખ આપ્યું. પછી અમદાવાદના સત્સંગીઓએ કાગળ મોકલ્યો જે અમારા દેશમાં કેરીઓ બહુ પાકી છે પણ સાધુઓ તો કેરીઓ જમતા નથી. ત્યારે શ્રીજીમહારાજ સાધુઓને કેરીઓ જમવાનો કાગળ સંત મંડળ ઉપર મોકલ્યો અને પોતે ત્યાં જ વિરાજ્યા. ત્યાંથી ગામ પંચાળે પધાર્યા અને ભક્ત ઝીણાભાઇ આદિએ શ્રીજીમહારાજને પોતાના ઘેર પધરાવ્યા.

અને બહુ સેવા કરી. પછી ત્યાંથી ગામ માણાવદર પધાર્યા અને તે ગામના નવાબની સવારી પોતાને સામી આવી. શ્રીજીમહારાજને વાજતે ગાજતે ગામમાં પધરાવ્યા. ભક્તજનોએ શ્રીજીમહારાજની બહુ સેવા કરી. પછી ગામ બ્લેકમાં પધાર્યા ત્યાં પોતાના શરીરમાં મંદવાડ જેવું થયું તે પોતે કાંઇ પણ જમે નહીં અને પોતાના એકાંતિક ભક્તજનો જે ભગુજી આદિક તેમણે બહુ પ્રાર્થના કરી જે, હે મહારાજ ! તમે કંઇક જમો, ત્યારે પોતે કહ્યું જે, અમારે અર્થે તો લક્ષ્મીજી તથા શિવજી આદિ દેવો થાળ લઇને ઊભા છે પણ અમારે તેણે કરીને કાંઇ સુખ નથી. હું તો આત્માને સુખે કરીને સુખીઓ છું. એમ કહ્યું અને એક માસ સુધી ત્યાં રહ્યા અને ભક્તજનોને સુખ આપ્યાં. અને પછી ત્યાંથી ગઢડા પધાર્યા અને દાદાખાચરના દરબારમાં વિરાજમાન થયા. પછી ભાઇ રામદાસજી આદિ સંતો આવ્યા તેને પીપળાવાડીથી પાછા વાળ્યા અને દર્શન પણ આપ્યાં નહીં.

પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતો આવ્યા તેને દર્શન આપ્યાં અને પછી અભય ખાચરે દેહ મૂક્યો તે સમયે દેવનાં હજારો વિમાનો આકાશમાં દેખાણાં અને દેવનાં દુંદુભિવાજાં પણ વાગ્યાં. તે પછી તેમનાં પત્ની જે સુરબાઇ તેમણે શ્રીજી મહારાજને સર્વસ્વ આપીને એમ કહ્યું જે, હે સ્વામીન્‌ ! આ મારો પુત્ર તે પણ તમને અર્પણ કર્યો છે તે તમારે નજરમાં આવે તેમ કરો. પછી શ્રીજી મહારાજે દાદાખાચરને કહ્યું જે, સારું ખરચ કરો. ત્યારે દાદાખાચરે સાટા કરાવીને અતિ સારું ખરચ કર્યું. સર્વ પોતાની જ્ઞાતિને તથા સર્વ ગામને તથા જે કોઇ અન્નાર્થી આવ્યું હતું તે સર્વેને જમાડ્યા. અને સર્વ સંતોને જમાડ્યા.

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીને ચડોતરમાં મોકલ્યા. નિત્યાનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી આદિ સંત મંડળોને જયતલપુર મોકલ્યા અને ત્યાં કેટલાક દિવસ રહીને પછી ગામ મછીયાવ ગયા. પછી તે ગામના ઠાકોર દાદાભાઇએ દેહ મૂક્યો.

તે સમયે શ્રીજીમહારાજ પોતે હજારો મુક્તોએ સહિત વિમાનોથી વિંટળાએલા થકા ત્યાં આવ્યા તેને હજારો મનુષ્યોએ જોયા. તે જોઇને સર્વેને આશ્ચર્ય થયું અને અનહદ વાજાં વાગ્યાં અને ઠાકોર દાદાભાઇ દેહ મૂકીને ધામમાં ગયા. તેમના પુત્ર જે બાપુભાઇ તેમણે રૂપિયાનું શેર ઘી લઇને પકવાન કરાવ્યાં અને અતિ સારું ખર્ચ કર્યું તેમાંથી જે કોઇ અન્નાર્થી આવ્યા હતા તે સર્વને પણ જમાડ્યા હતા. પછી ત્યાંથી નિત્યાનંદ સ્વામી આદિ સંતનું મંડળ હતું તે ગઢડા ગયું અને શ્રીજીમહારાજનાં દર્શન કરીને ત્યાં રહ્યું. એ પછી સર્વ સંતોને વડતાલ જવાની આજ્ઞા કરી અને કહ્યું જે, અમે પણ ફૂલદોલ ઉપર આવશું. એમ કહીને પોતે ત્યાં રહીને ફૂલદોલનો ઉત્સવ કર્યો અને પછી ત્યાંથી “રંગ સાતમ‘’ ઉપર વડતાલ પધાર્યા. ત્યાં રંગ સાતમ જોબન વડતાલની મેડી ઉપર મુક્તાનંદ સ્વામી આદિ સંત મંડળ સાથે બહુ રમીને પછીથી મુક્તાનંદ આદિ સંતમંડળને સુરત, ધર્મપુર અને પુના દેશમાં જવાની આજ્ઞા આપી અને પોતે ગઢડા પધાર્યા.

પછી ત્યાં રામનવમીનો સમૈયો કરીને કેરીઓ પાકી ત્યારે સંતમંડળે સહિત ગામ ઉમરેઠ આદિ ગામોમાં ભક્તજનોને દર્શન આપતા થકા વિચરવા લાગ્યા. ત્યાંથી ગામ નાગડકા પધાર્યા અને સુરા ખાચરના દરબારમાં વિરાજમાન થયા અને છ દિવસ રહીને ગામ બોટાદ પધાર્યા અને માતરા ધાધલને ત્યાં જમ્યા. પછી ગઢડા પધાર્યા અને દાદા ખાચરના દરબારમાં વિરાજમાન થયા. ત્યાં કપીલા છઠ ઉપર મુક્તાનંદ સ્વામી આદિ ભણનારા સાધુઓને તેડાવ્યા તે સર્વે આવ્યા. મહારાજને મળીને ઉત્તરાદે બહાર ઓરડામાં ઊતર્યા. તે સંતોને જમાડવા માટે ગામના ભક્તજનો વારંવાર નોતરાં દેવા લાગ્યા. શ્રીજીમહારાજ જલેબી, મોતૈયા આદિક પકવાન કરાવીને નિત્ય પોતાને હાથે પીરસીને જમાડતા, અને ચંદન પુષ્પાદિકથી સાધુઓની પૂજા કરાવતા. એવી રીતે એક માસ પર્યન્ત લીલા કરી.

પછી એક દિવસ જમીને શ્રીજીમહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા. તે સમયે જુનાગઢથી પ્રેમીભક્ત મોટીબા આવ્યાં. તેમણે મહારાજને પગે લાગીને કહ્યું જે, મારે પરમહંસોને જમાડવા છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હમણાં જ સાધુઓ તો ગામમાંથી જમીને આવ્યા છે. પછી તે ભક્તે કહ્યું જે મારે તો આજે જ જમાડવા છે.

પછી શ્રીજીમહારાજ પ્રસન્ન થઇને બોલ્યા જે, “રસોઇ કરાવો” પછી તે ભક્તે બીરંજ તથા પૂરીની રસોઇ કરાવી અને સર્વ સંતોને જમવા તેડાવ્યા. પછી શ્રીજીમહારાજ પોતે કેડ બાંધીને પરમહંસોને પીરસવા લાગ્યા અને સંતોને ખૂબ તાણ કરીને જમાડ્યા અને જમતાં જમતાં પાણી માગે ત્યારે થોડું જળ પાય પણ વધારે ન પાય. એવી રીતે જમાડીને તૃપ્ત કર્યા અને પછી કહ્યું જે, જે જમ્યાનું માંગો તે આપું. “પછી એક ભક્તે બ્રહ્માનંદ સ્વામીને સૂચવ્યું જે, પૂરીયો નથી તે માગો.” પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! પૂરીઓ લાવો. શ્રીજીમહારાજ હસીને બોલ્યા જે, બિરંજ લ્યો પૂરીઓ તો નહીં આપીએ.

પછી મહાનુભાવાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, દૂધ છે ? પછી શ્રીજીમહારાજે એ વાત સાંભળીને કહ્યું જે દૂધ તો નથી અને ગાયો પણ આવી નથી. પછી ભગુજીએ ગાયો દોવરાવીને પ્રથમથી જ દૂધ ભેળું કરીને રાખ્યું હતું તેને લાડુબાઇ આદિ ભક્તોએ સાકર સહિત દૂધની તાંબડીઓ ભરીને મહારાજ આગળ મેલી. પછી મહારાજે દૂધ અને સાકર સારી પેઠે પાયાં, તે સંતો તો માંડ માંડ ઉતારે પહોંચ્યા.

પછી સંત મંડળે સહિત શ્રીહરિ દિવાળી ઉપર વડતાલ પધાર્યા. ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરીને ત્યાં દેવદિવાળી સુધી રહીને પછી ગઢડા પધાર્યા. ત્યાં સર્વે સંતોને તેડાવ્યા. તે સમયે દાદા ખાચરનો વિવાહ કર્યો. અને તેમાં પાંચ પકવાનો કરાવ્યાં. સંતોને પોતે જમાડ્યા અને વારંવાર ફરીને સારી પેઠે તૃપ્ત કર્યા.

પછી દહીં અને સાકર સારી પેઠે ફેરવી. તેમાં ફેરવતાં ફેરવતાં દહીં વધ્યું તે લઇને પોતે એમ બોલ્યા જે, આજ તો દાદા ખાચરનો વિવાહ છે માટે મહાનુભાવાનંદ સ્વામી માતરા ધાધલના ભાઇબંધ થાય છે તેથી વેવાઇ પક્ષવાળા છે માટે તેમને માથે લાવો દહીં માંગલિક છે તે નાખીએ. એમ કહીને પોતે દહીં ને સાકર સારી પેઠે મહાનુભાવાનંદ સ્વામી ઉપર નાખીને શરીર પર સારી પેઠે ચોળ્યું. તે જોઇને સર્વે સંતો તથા હરિભક્તો બહુ હસ્યા.

તે સમયે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી એ બે જણા ચેલા ખાચરને ભગવાનની વાત કરવા લાગ્યા હતા તેથી એમના દેખ્યામાં તે લીલા ન આવી. ત્યારે તેમણે કહ્યું જે, હે મહારાજ ! અમને એ લીલા દેખાડો. ત્યારે પોતે કહ્યું જે, દેખાડશું ? એમ કહીને બીજે દિવસે સંતની પંક્તિમાં જલેબી આદિ પકવાન ફેરવતાં એમ બોલ્યા જે, જેટલી જલેબી તમે જમો તેટલી અમે જમીએ. તે ભળીને સર્વે સંતોએ કહ્યું જે, સારું મહારાજ ! એમ કહીને પછી શ્રીજીમહારાજ એક જલેબી જમીને સંતને જમાડે. એમ કરતાં કરતાં દહીં, દૂધની ત્રાંબડીઓ સાંભરીને મહાનુભાવાનંદ સ્વામી માથે ઢોળીને પછી સર્વે અંગે લેપન કર્યું. તે જોઇને બ્રહ્માનંદ આદિ સંતો સર્વે હસ્યા. એમ લીળા કરતાં કરતાં અને પંક્તિમાં ફેરવતાં ફેરવતાં બ્રહ્માનંદ સ્વામી પાસે આવીને તેમના માથે દૂધનો ઘડો ઢોળીને સર્વ સંતોને હસાવ્યા.

એમ લીલા કરતાં ફુલડોલનો ઉત્સવ આવ્યો તે કરીને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીના મંડળને વાળાક દેશમાં ફરવા મોકલ્યા અને નિત્યાનંદ સ્વામીના મંડળને તથા ચૈતન્યાનંદ સ્વામીના મંડળને તળાજા અને ગોપનાથ મહાદેવ આદિ ગામોમાં મોકલ્યા. પછી રામનવમીના ઉત્સવ ઉપર તેડાવ્યા અને તે સંતોએ આવીને શ્રીજી મહારાજનાં દર્શન કર્યાં. પછી બ્રહ્માનંદ સ્વામી માંદા થયા તે દેહ પડી જાય એવા માંદા થયા. ત્યારે શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામીને દર્શન દેવા પધાર્યા. અને સર્વને કહ્યું જે, બ્રહ્માનંદ સ્વામીને આયુષ્ય આપો તો રહે, એમ કહીને બ્રહ્માનંદ સ્વામીને રાખ્યા અને બ્રહ્માનંદ સ્વામીને મળીને પોતે ઢોલિયા ઉપરથી હેઠા ઉતર્યા. પછી સર્વ સંતો શ્રીજીમહારાજને મળ્યા. તે કોઇ એક વાર મળ્યા. કોઇ પાંચ વાર મળ્યા અને કોઇક દશ વાર મળ્યા, એવી રીતે સર્વે સંતો મળ્યા. પછી શ્રીજીમહારાજે સર્વ સંતોને ગુજરાત દેશમાં ફરવાની આજ્ઞા આપી અને શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામી આદિક પોતાના સંતોને આનંદ ઉપજાવતા થકા ત્યાં રહ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ તોરણાથી ગઢડા પધાર્યા અને ત્યાંથી પંચાળા પધાર્યા અને સર્વે સંતોને મળ્યા એ નામે સડસઠમો અધ્યાય. ૬૭