૩૪ ડોણ થઈ રામપુર, માનકુવા, ભુજ, અંજાર, ગઢપુર થઈ ભાદરા પધાર્યા, ત્યાંથી ભુજ પધારી સુંદરજીભાઈને ઘેર હુતાસનીનો સમૈયો કર્યો.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:25pm

અધ્યાય-૩૪

પછી મહારાજે કહ્યું જે, અમારે ડોણ જાવું છે તે જાશું. ત્યારે ખૈયો ખત્રી કહે, બહુ સારું મહારાજ, પધારો. પછી ત્યાંથી મહારાજ ડોણને માર્ગે ચાલ્યા. તે ખેતરવા ચાલ્યા પછી મહારાજે કહ્યું જે, અમારે બહિર્ભૂમિ જાવું છે. એમ કહીને બહિર્ભૂમિ ગયા. અને સાધુ ઝાડ તળે બેઠા. મહારાજ બહિર્ભૂમિ જઇને આવ્યા ત્યારે કહેવા લાગ્યા જે, મારે તો પગમાં કાંટો વાગ્યો છે તે કોઇને કાઢતાં આવડે છે ? ત્યારે આત્માનંદ સ્વામી બોલ્યા જે, મને આવડે છે. પછી લીંબડાને ફરતો ઓટો હતો તે ઉપર પડખાભર થયા. પછી તેમણે કાંટો ખોતર્યો, ને તે કાંટો ઊંડો હતો તેથી લોહી આવી ગયું. ત્યારે મહારાજે કહ્યું જે, ખોતરો. પછી તેમણે કહ્યું જે, લોહી આવી ગયું છે, ત્યાં એક ફૂલબાગ હતો તેમાં ટોયો હતો. તેને આત્માનંદ સ્વામીએ કહ્યું જે, હે બાગવાન ! તારી પાસે ચીપિયો છે ? તેણે કહ્યું જે, છે. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, લાવ. પછી તે ચીપિયો લાવ્યો અને આત્માનંદ સ્વામીએ કાંટો કાઢ્યો. અને પછીથી મહારાજ ડોણને માર્ગે ચાલ્યા. તે ધોળો ખેસ પહેર્યો હતો. ને ચાદર કેડ સુધી લટકતી માથે બાંધી હતી તે બે હાથ છૂટા મૂક્યા હતા.

ચાલ્યા તે બહુ દૂર ગયા. ને આઘા જઇને ઊભા રહ્યા. અને આત્માનંદ સ્વામી ઉતાવળા ચાલ્યા તે મહારાજ ભેળા થયા ત્યારે મહારાજ બોલ્યા જે, અમારી તો આવી ઉતાવળી ચાલ છે પણ તમારા માટે ધીરા ચાલીએ છીએ. પછી શ્રીજીમહારાજ સંતો સહિત ડોણ પધાર્યા ને ત્યાં થોભણ સુતારને ઘેર નિવાસ કરીને પોતાના ભક્તોને આનંદ પમાડ્યા. ડોણથી ચાલ્યા તે રામપુર આવ્યા. ત્યાં ગંગાજીમાં સ્નાન કરીને રામપુરમાં થાળ જમીને ચાલ્યા તે ગામ માનકુવે આવ્યા. ત્યાંથી કોડકીની ગંગામાં સ્નાન કરીને માનકુવામાં થાળ જમીને ત્યાંથી ચાલ્યા તે ભુજનગર પધાર્યા, અને સુતાર હીરજીભાઇને ઘેર ઉતર્યા. અને હીરજીભાઇએ પોતાને ઘેર થાળ કરાવીને શ્રીજી મહારાજને પાર્ષદે સહિત સારી રીતે જમાડ્યા. ત્યાં વિરાજીને શ્રીહરિએ ત્યાગ વૈરાગ્યની વાતો કરી.

પછી સુંદરજીભાઇને કહ્યું જે, સુંદરજીભાઇ ! તમો સાધુ થાશો ? ત્યારે તે સાંભળીને હીરજીભાઇ બોલ્યા જે, હે મહારાજ ! તમે સુંદરજીભાઇ જેવા કેટલા સદ્‌ગૃહસ્થને સાધુ કર્યા છે ? તે એક તો કહી બતાવો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, સુંદરજીભાઇ જેવાને પણ સાધુ કરીને તમોને બતાવીશું. એમ વાત કરીને ભક્તજનોને આનંદ પમાડ્યા. અને કેટલાક દિવસ રહીને પછી ભુજનગરથી ચાલ્યા તે અંજાર થઇ ગઢપુર પધાર્યા. ને ગુજરાત આદિ દેશમાં વિચરીને ભાદરે આવ્યા. ત્યાંથી હરિભક્તો ઉપર પત્ર લખ્યો જે, સુરા ભક્ત, સોમલા ભક્ત, અલૈયા ભક્ત, માતરા ભક્ત, કમળશી, અજા ભક્ત આદિ સર્વે તમે અમારો કાગળ વાંચીને અમારે અર્થે ઘરબાર, ગામ, ગરાસ, સગા-સંબંધી ત્યાગ કરીને ચાલી નીકળજો. અને કોઇને પૂછવા કે પાણી પીવા પણ રોકાશો નહિ અને જેતલપુર જઇને રામદાસભાઇને હાથે સાધુ થઇને ભુજ આવજો.

પછી તે સર્વે હરિભક્તો કાગળ વાંચીને સર્વે ભેળા થઇને ચાલી નીકળ્યા. જેતલપુરમાં રામદાસભાઈને હાથે સાધુ થઇને શ્રીભુજનગરના માર્ગે ચાલતા થયા. તે શિકારપુરનું રણ ઉતરીને ભચાઉ, ધમકડા, ચાંદ્રાણી અને ધાણેટી તથા માધાપુર થઇને ભુજનગરને સમીપે આવ્યા. તે વાત કોઇક હરિભક્તે આવીને મહારાજને કહી જે, હે મહારાજ ! નવા પરમહંસોની મંડળી આવે છે. તેને સાંભળીને મહારાજ તત્કાળ હીરજીભાઇને ઘેરથી ઊઠીને સંત હરિભક્તો સાથે લઇને દેશલસર સરોવરની ઉત્તર બાજુની પાળ ઉપર થઇને ઉગમણી પાળ ઉપર ચાલ્યા તે તળાવના પૂર્વના ઓગનની આગળ ચાલ્યા. તે મકાનથી થોડેક છેટે ચાલીને ઊભા રહ્યા. ત્યાં નવા પરમહંસની મંડળી આવતી જોઇને મહારાજે સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. તેટલાકમાં તે નવા પરમહંસે તત્કાળ આવીને મહારાજને ઉપાડી લીધા. પછી મહારાજ તે સર્વેને અતિ હેતે કરીને મળ્યા, અને સંતોને સાથે લઇને ચાલ્યા તે સલાટના વાડામાં આવ્યા. ત્યાં હીરજીભાઇએ વસ્ત્ર પાથરી આપ્યું તે ઉપર બેઠા. અને સર્વે હરિભક્તો દર્શને આવ્યા, તેની આગળ મહારાજે વાત કરી જે, આ સ્થાનક વિષે અમે ઘણીક વાર બેઠા છીએ.

એમ કહીને પછી હીરજીભાઇને ઘેર આવ્યા. શ્રીજીમહારાજે તેમને તુલસી રાતના ઘરમાં ઉતારો આપ્યો. તે ઘર ભટ્ટ મહીદાસે વેચાતું લીધું હતું. ત્યાં ઉતર્યા અને મહારાજ પણ ત્યાં પધાર્યા અને મહારાજે હીરજીભાઇને કહ્યું, જુવો, આ સાધુ કેવા છે ? પછી હીરજીભાઇ તથા બીજા સત્સંગીઓ ઘણા રાજી થયા ને બોલ્યા જે, હે મહારાજ ! તમે કહેતા હતા તેવા જ સંત છે. પછી સાત આઠ દિવસ રહ્યા, અને એક દિવસ મહેતા ગણપતરામ શ્રીજીમહારાજને દર્શને આવ્યા. તેમણે મહારાજને પગે લાગીને હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! કાલે મારી રસોઇ છે તે સાકરની કરવી છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, કાચી રસોઇ કરાવો. ત્યારે મહેતા ગણપતરામે કહ્યું જે, અમે લોકવ્યવહારમાં મોટા કહેવાઇએ, તે માટે અમારે તો સાકરની રસોઇ કરાવવી જોઇએ. માટે મહારાજે ના કહેવી ન જોઇએ. પછી હા ના કહેતાં પાશેર ઘી ને પાશેર ગોળ એ રીતે ઠરાવ્યું અને રસોઇ કરાવી. ને સર્વે સંતોને મહારાજે જમાડ્યા. વળી તે સાધુને ઘણાક દિવસ રાખ્યા અને વળી પાછા ઘેર જાવાની સર્વેને આજ્ઞા આપી. ત્યારે તે કાઠી સાધુ હતા તેમણે કહ્યું જે, હવે અમને ભગવાં વસ્ત્રો પહેરાવ્યાં ને મૂછ ઉતરાવી તેથી હવે ઘેર પાછા નહિ જાઇએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમારા વચનમાં રહો તો અમે કહીએ તેમ કરો અને ધોળાં વસ્ત્ર પહેરો અને મૂછો ન રાખશો. ઘેર જઇને અમારું ભજન કરો. તમારું કલ્યાણ હું અનાદિ મુક્તના જેવું કરીશ. એમ કહીને પાછા તેમને પોતાના ઘેર મૂક્યા.

બીજે દિવસ શ્રીજીમહારાજ હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. તે આપણા જુના બાગ સોંસરા નવા બાગમાં વડ હેઠે સ્નાન કર્યું પાછા હીરજીભાઈને ઘેર પોતાને ઉતારે આવીને વિરાજમાન થયા. તે વખતે સુંદરજીભાઇએ બે હાથ જોડીને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમારા ઉપર કૃપા કરીને હુતાશનીનો રંગઉત્સવ અમારી વંડીમાં કરો. તે ઉત્સવ જોવાની અમારા કુટુંબી સૌને ઘણી જ ઇચ્છા છે. અને તમારે પ્રતાપે કરીને જે જે સામગ્રી જોઇશે તેની ખોટ નહિ રહે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, બહુ સારું. અમો તો સદાય રાજી છીએ અને અમારું કર્તવ્ય પણ એ જ છે જે, મોટા મોટા યજ્ઞો ઉત્સવો સમૈયા કરીને લક્ષાવિધિ જનોને દર્શન આપીને તથા જમાડીને તથા તેના થાળ જમીને તથા તેની પૂજા અંગીકાર કરીને તથા સ્પર્શ કરાવીને તથા વાર્તા સંભળાવીને એમ અનેક રીતે જીવોનું કલ્યાણ સારુ અમે પ્રગટ થયા છીએ. તો તમે રંગની સામગ્રી તથા અબીલ, ગુલાલ એ સર્વે મંગાવો અને અમે હરિભક્તો ઉપર કંકોતરિયો લખાવીને મોકલાવીશું. એવાં શ્રીહરિનાં વચન સાંભળીને સુંદરજીભાઇ અને તેમનાં સગાં-સંબંધી સર્વે રાજી થયાં.

સુંદરજીભાઇ પણ ઉત્સવની સામગ્રી મંગાવવી તેની જેમ જેને ઘટે તેમ ભલામણ કરીને મંગાવી. શ્રીહરિને તે સમયે મુળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા તેથી તેમના ભેળા જમવા પધાર્યા. સુંદરજીભાઇને ત્યાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ બાજોઠ ઉપર વિરાજમાન થયા. મુળજી બ્રહ્મચારીએ સુંદર કેસરીયો બીરંજ ને મેંદાની પૂરી ને સુરણનું શાક તથા અળવીનાં ભજીયાં ને કમોદનો ભાત, ને સુંદર દૂધ-સાકર ઇત્યાદિક અનેક ભોજનના થાળ ભરીને બાજોઠ ઉપર મહારાજ આગળ ધરાવ્યા. તેને શ્રીહરિ જમ્યા અને જમીને જળપાન કરીને મુખવાસ લીધો. તે પ્રસાદીનો થાળ સુંદરજીભાઇને આપ્યો.

શ્રીહરિએ કંકોતરિયો લખાવી જે, તમે સર્વે હુતાશની ઉપર ભુજનગર આવજો. એમ લખાવીને દેશોદેશમાં મોકલાવી. જળપાન કરીને ઢોલિયા ઉપર વિરાજ્યા. અને સુંદરજીભાઇ પણ કેસર, કેસુડાં, પતંગ, સોરંગના રંગ કરાવીને મોટી મોટી કોઠીઓ ભરાવી. શ્રીહરિને માટે રંગ રમવા સારુ સોનાની પીચકારીયો કરાવી. કેટલીક રૂપાની પિચકારીયો કરાવી. કેટલીક પિત્તળની ને કેટલીક વાંસની એવી રીતે અનેક તરેહની પિચકારીયો તૈયાર કરાવી રાખી ને અબીલ ગુલાલના કેટલાક કોથળા મંગાવ્યા. ત્યાં તો દેશાંતરના હરિભક્તો પણ આવ્યા. પછી પૂનમને દિવસે પ્રાતઃકાળમાં મહારાજ હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. ઉતારે આવીને નિત્યકર્મ કરીને આસન ઉપર વિરાજમાન થયા. ત્યાં સર્વે જનો નાહી ધોઇને પૂજા કરીને તૈયાર થયા. શ્રીજીમહારાજે સુંદર સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં. તે વખતે સુંદરજીભાઇ તથા હીરજીભાઇ આદિક હરિભક્તો રંગના મોટા મોટા દેગડા તથા ગાગરો તથા ઘડા ભરીને મહારાજની આગળ મૂક્યા. ને ગુલાલના મોટા ટોપલા ભરી ભરીને મૂક્યા. ને લક્ષાવધિ જનો તૈયાર થઇને આવ્યા અને સુંદરજીભાઇએ મહારાજના હાથમાં સુંદર સોનાની પિચકારી આપી. મહારાજે પાટ ઉપર ઊભા થઇને રંગની પિચકારી ભરીને સર્વે જનો ઉપર રંગ છાંટ્યો. પછી ગુલાલની ઝોળી ભરીને ગુલાલ નાખ્યો. ને સંત હરિભક્તો ને મહારાજ ઉપર રંગ નાખવો તથા પરસ્પર નાખવો તેવી છૂટ થઇ. પછી તો સુંદરજીભાઇ તથા હીરજીભાઇ તથા મલ્લ ગંગારામભાઇ તથા વાલજીભાઇ તથા અદોભાઇ આદિક કેટલાક હરિજનો મહારાજના પક્ષમાં રહ્યા. સંત તથા બીજા હરિજનોનો બીજો પક્ષ થયો. અને સંતો તથા હરિભક્તો સૌને સુંદરજીભાઇએ એક એક પિચકારી આપી. પછી સંતો તથા હરિભક્તોએ મહારાજ ઉપર રંગની ભરેલી પિચકારીઓ નાખી. તે જેમ અષાઢ માસનો વરસાદ વરસે તેમ ધારાઓ છૂટી. અને તેના ઉપર ગુલાલની ઝોળીયો ભરી ભરીને નાખે તેણે કરીને મહારાજની મૂર્તિ અતિશય શોભતી હતી. શ્રીહરિએ જે તે રંગના ઘડા ભરી ભરીને સંતો ઉપર ઢોળ્યા અને વળી તાંસળીઓ ભરી ભરીને રંગ છાંટવા લાગ્યા, ને ગુલાલના ટોપલા ભરેલા હતા તેમાંથી થાળીયો ભરીને સંતો તથા હરિભક્તો ઉપર નાખવા લાગ્યા. અને સંતો તથા હરિભક્તો પણ રંગે કરીને રસ બસ થયા. છતાં મહારાજ ઉપર પિચકારીઓ સહુ સંગાથે ભરી ભરીને નાખવા લાગ્યા. તે એક સાથે પાંચસો પિચકારીયો છૂટે તેણે કરીને રંગની છોળું આકાશમાં ઉડી. ને તે સ્થળમાં જે જે હવેલીઓ તથા વૃક્ષ હતાં તે સર્વે રંગે કરીને રંગાઇ ગયાં અને આકાશમાં પણ એકલો રંગ રંગ થઇ ગયો અને પૃથ્વી ઉપર તો રંગની નદી ચાલી. ને કોઇનું વસ્ત્ર પડ્યું હોય તે પણ તણાઇ જાય એટલો રંગ રેલાયો. પછી તો શ્રીજી મહારાજ તાળીઓ વગાડીને હોળીનાં પદ બોલ્યા ને સર્વે સંતો તથા હરિભક્તો તાળીઓ પાડીને ઝીલવા લાગ્યા. પદ બોલી રહ્યા પછી શ્રીજીમહારાજે સંતો અને હરિભક્તોને આજ્ઞા કરી જે, હવે બબેની જોડ કરીને પરસ્પર રંગે રમો. એવી રીતની શ્રીહરિની આજ્ઞા સાંભળીને સર્વે પરસ્પર બબે જણા રંગલીલા કરવા લાગ્યા. મુક્તાનંદમુનિ મહાનુભાવાનંદ-મુનિ સંગાથે રમવા લાગ્યા. વ્યાપકાનંદમુનિ સાથે સ્વરૂપાનંદ સ્વામી રમવા લાગ્યા. આનંદાનંદમુનિ સાથે પરમાનંદમુનિ રમવા લાગ્યા. નિષ્કુળાનંદમુનિ પૂર્ણાનંદમુનિ સાથે ક્રીડા કરવા લાગ્યા. આત્માનંદમુનિ દેવાનંદમુનિ સાથે રમવા લાગ્યા. નિત્યાનંદમુનિ બ્રહ્માનંદમુનિ સાથે રમવા લાગ્યા. ભૂમાનંદમુનિ ભજનાનંદમુનિ સાથે રમવા લાગ્યા. ચૈતન્યાનંદમુનિ નૃસિંહાનંદમુનિ સાથે રંગે રમવા લાગ્યા. સુરાભક્ત સાથે અદોભાઇ રમવા લાગ્યા. રાયધણજી ભક્ત સાથે રામસંગજી રમવા લાગ્યા. હીરજીભાઇ સાથે વાલજીભાઇ તથા ગંગારામભાઇ સંગાથે સુંદરજીભાઇ રંગક્રીડા કરવા લાગ્યા. નારાયણજીભાઇ ભગવાનજીભાઇ સંગાથે રંગે રમવા લાગ્યા. એવી રીતે બીજા કેટલાક સંતો તથા હરિજનો પોતપોતાની જોડ બાંધીને સાથે રંગ રમ્યા. એવી રીતે મધ્યાહન સુધી રંગે રમ્યા. અને શ્રીહરિ પોતાના ભક્તોની રમત જોઇને બહુ રાજી થયા. તે સમયે સૂર્યદેવ પણ સ્થિર થઇને તે લીલા જોવા લાગ્યા. અને દેવતાઓ પણ પોતપોતાના વિમાનમાં બેસીને તે રંગ તથા ગુલાલને ગ્રહણ કરીને પોતાનું ધન્યભાગ્ય માનવા લાગ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજે પોતાના ભક્તો તથા સંતોને રમવામાંથી નિવૃત્તિ પમાડવા માટે તાળી વગાડી એટલે સૌ વિરામ પામ્યા. પછી શ્રીહરિ પોતાના ભક્તે લાવીને તૈયાર કરી જે હરડી ઘોડી તેના ઉપર વિરાજમાન થયા. અને સર્વેને કહ્યું જે, હમીર સરોવરમાં સ્નાન કરવા ચાલો. પછી શ્રીહરિની આગળ સંતો કીર્તન ગાન કરતા ચાલ્યા અને હરિભક્તો મહારાજની બંને બાજુ ચાલ્યા. એવી રીતે શોભાએ યુક્ત શ્રીહરિ હમીર સરોવર પ્રત્યે જઇને ઘોડીથી નીચા ઉતરીને વસ્ત્ર સહિત જળમાં પ્રવેશ કર્યો. અને સંતો તથા હરિભક્તો સર્વેએ પણ જળમાં પ્રવેશ કર્યો. તેથી સરોવરનું જળ રંગે કરીને લાલ થઇ ગયું. પછી શ્રીહરિ સ્નાન કરીને બહાર નીકળ્યા. સર્વે રંગવાળાં વસ્ત્ર ઉતારીને સુંદરજીભાઇને આપ્યાં, અને બીજાં સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં. પછી સૌ તૈયાર થયા. મહારાજ પણ તે સર્વે હરિભક્તે વીંટાણા થકા વાજતે ગાજતે ભુજનગરને વિષે પાટવાડીને દરવાજે થઇને પ્રવેશ કર્યો. સુંદરજીભાઇને ઘેર જઇને ઉતર્યા ત્યાં તો દવે પ્રાગજી શ્રીજીમહારાજને તેડવા આવ્યા તે ભેળા મહારાજ જમવા પધાર્યા. સુંદર ભોજન જમીને સંતોની પંક્તિ કરાવીને પોતે પંક્તિમાં પાંચ વખત ફરીને સૌને મોતૈયા લાડુ જમાડ્યા અને હરિભક્તોની પંક્તિ કરાવીને તેમને પણ ઘણી મનુવાર કરીને જમાડ્યા. પછી શુધ્ધ જળે હસ્તકમળ તથા ચરણકમળ ધોઇને જળપાન કરીને ઢોલિયા ઉપર પોઢ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ માંડવીથી ડોણ થઇને ભુજ પધાર્યા અને ત્યાં સુંદરજીભાઇને ઘેર હુતાશનીનો સમૈયો કર્યો અને સંતોને જમાડ્યા. ને જળપાન કરીને પોઢી ગયા. એ નામે ચોત્રીસમો અધ્યાય. ૩૪