૨૩ માંડવીમાં ખૈયાને જલેબી આપી તથા ચમત્કાર બતાવ્યા ને બે માસ રહ્યા અને જોડીયે પધાર્યા.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:03pm

અધ્યાય-૨૩

એક દિવસ ખૈયો પોતાને ઘેરથી શ્રીજીમહારાજને દર્શને આવતો હતો તેણે માર્ગમાં ચાલતાં મનમાં એવો સંકલ્પ કર્યો જે, દોઢ શેર જલેબી માગ્યા વિના મહારાજ મને આપે, તો તે ભગવાન ખરા. પછી શ્રીજીમહારાજને સમીપે આવીને પગે લાગીને બેઠો. ત્યારે શ્રીહરિએ પૂછ્યું જે, ખૈયા ભક્ત ! જલેબી જમશો ? ત્યારે કહ્યું જે, તમે જમાડો તો જમીએ. ત્યારે તે વખતે શ્રીહરિને દર્શને કોઇક હરિભક્ત આવ્યા. તેમણે મહારાજ આગળ જલેબીની માટલી મૂકીને પગે લાગ્યા. ત્યારે શ્રીહરિએ તે માટલીમાંથી જલેબી આપી, તે જમ્યા. વળી શ્રીજીમહારાજે પૂછ્યું જે, હજી જમશો ? ત્યારે કહે જે, મહારાજ ! આપો તો જમું. તે મહારાજે શેર અર્ધાને આશરે આપી. વળી મહારાજે કહ્યું જે, હવે કાંઇ જોઇએ ? ત્યારે કહ્યું જે, મહારાજ ! આપો તો જમીએ. ત્યારે મહારાજે કહ્યું જે, તમે જ્યારે ઘેરથી ચાલ્યા ત્યારે કેવો મનમાં સંકલ્પ કરીને ચાલ્યા હતા ? ત્યારે ખૈયે કહ્યું જે, મેં મનમાં દોઢ શેર જલેબીનો સંકલ્પ કર્યો હતો. ત્યારે મહારાજે કહ્યું જે, હવે નહીં મળે. ત્યારે ખૈયે કહ્યું જે, તમે ભગવાન ખરા જે, મારા મનના સંકલ્પને જાણ્યા.

એક દિવસ શ્રીજીમહારાજ ખૈયાના કારખાનામાં ઉતર્યા. ત્યાં એક ખત્રીને શ્રીહરિ વાતું કરતા હતા. ત્યારે તે ખત્રી એમ બોલ્યો જે, તમે જાણો જે એ અમારા થાય પણ અમે તો વાઘ જેવા છીએ તેથી તમારા વાડામાં ન આવીએ, ને બકરાં હોય તે તમારા વાડામાં આવે. ત્રીજે દિવસ શ્રીજીમહારાજ ખૈયાને લઇને, તેને ઘેર ગયા. બીજા પણ પાંચ સાત ભેળા હતા. તે ક્ષત્રી એકલો તેને ઘેર હતો. અને મહારાજ તેના ઘરના આંગણામાં એક ઢાળિયું હતું ત્યાં જઇને બેઠા. તે ભક્તને ઘરમાંથી બહાર બોલાવ્યો ત્યારે તે આવીને બેઠો. ત્યારે મહારાજે તેના અંતરમાં પ્રવેશ કર્યો. પછી તેને પૂછ્યું જે, અમારું કહ્યું કરશો ? ત્યારે તે ભક્તે કહ્યું જે, મહારાજ કહે તેમ કરૂં. ત્યારે શ્રીહરિ ભેળા પાંચ સાધુ પણ હતા. મહારાજે તે સાધુ પાસેથી ભગવાં વસ્ત્ર માગી લીધાં, ને તે ભક્તને શ્રીજી મહારાજે કહ્યું જે, તમારાં વસ્ત્ર ઉતારો ને આ ભગવાં વસ્ત્ર પહેરો. પછી ભગવાં વસ્ત્ર પહેર્યાં. અને મહારાજે કહ્યું જે, તારા ઘરમાંથી ગાદલાં ગોદડાં ને વસ્ત્ર જે કંઇ હોય તે લાવીને ચોક વચ્ચે રાખ. પછી તેણે તે સર્વ લાવીને ચોક વચ્ચે મૂક્યાં, ત્યારે મહારાજે કહ્યું જે, હવે દિવાસળી લાવીને આને સળગાવી દે. ત્યારે ભક્ત દિવાસળી મૂકવા તૈયાર થયો. તે વખતે ખૈયો બોલ્યો જે, મહારાજ ! આ સર્વે બાળી દેશે, ને ગામમાં સારું નહિ લાગે, અને ગામમાં હાહાકાર થાશે. હે મહારાજ ! તમારા સાથે વાદ કરે, તેતો મૂર્ખો હોય તે વાદ કરે. અને તમે તો ભગવાન છો. તે હવે એને મેલો. પછી મહારાજે પોતાનો પ્રવેશ હતો તે ખેંચી લીધો. ત્યારે મહારાજે તેને કહ્યું જે, ભક્ત ! અમારું કહ્યું માનશો ? ત્યારે તે કહે જે, અમે તો વાઘનાં બચ્ચાં, તે તમારા વાડામાં ન પડીએ.

તે વખતે મહારાજે તેને કહ્યું જે, તારાં લુગડાં સામું તો જો ! ત્યારે તેણે પોતાનાં લુગડાં સામું જોયું. ત્યાં તો તેણે ભગવાં લુગડાં દેખ્યાં. એટલે તે બોલ્યો જે, મેં પણ જાણ્યું હતું જે, મુને કાંઇક થાય છે ખરું. તે વખતે ખૈયો ખત્રી બોલ્યો જે, હવે ભગવાં લૂગડાં ઉતારીને આ તારાં લુગડાં પહેર. અને સ્વામિનારાયણ તો કેવા છે તો જે અનંત વિશ્વનાં નાડી-પ્રાણ તેના હાથમાં છે. તે સાથે વાદ કરીને કોણ જીતે ? કોઇ ન જીતે; પછી ભગવાં કપડાં ઉતારીને પોતાનાં કપડાં પહેર્યાં, ને એના લોચા સંભાળવા લાગ્યો. ને શ્રીહરિ ખૈયા ખત્રીને કારખાને પધાર્યા.

એક દિવસ મહારાજ ખૈયાના કારખાનામાં વિરાજમાન હતા. ત્યાં બીજાં પણ મનુષ્ય દશ બાર બેઠાં હતાં. ત્યારે ખૈયા ભક્તે મહારાજને કહ્યું જે, આ માણસ બેઠાં છે તેને તમે કૃપા કરીને કાંઇક પરચો આપો, તો જુવે તો ખરાં ! ત્યાં કોઇકે બાજરી નાખી હતી તે ચકલાં ચણતાં હતાં, તે ચકલાં પચાસ સાઠને આશરે હતાં. શ્રીજીમહારાજે તેનાં નાડી-પ્રાણ ખેંચી લીધા. તેથી સર્વેને સમાધિ થઇ. ત્યારે શ્રીહરિએ તે મનુષ્યને કહ્યું જે, વીણીને તે ચકલાંનો ટોપલો ભરીને અહીં લાવો. પછી ટોપલો ભરીને લાવ્યા. અને તે માણસો તે ચકલાંને હાથમાં લઇને ફેરવે અને જુએ. પછી મહારાજે તેને કહ્યું જે, ચકલાંને ટોપલામાં મૂકો. એમ કહીને સર્વેને ટોપલામાં મૂકાવ્યાં. ને મહારાજે કહ્યું જે, પહેલાં ચણતાં હતાં ત્યાં મૂકી આવો. ને ત્યાં મૂકી આવ્યા. મહારાજે તે ચકલાં સામે જોયું તે ચકલાં સર્વે જેમ પ્રથમ ચણતાં હતાં તેમ ચણવા લાગ્યાં. ત્યારે તે માણસો એમ કહેવા લાગ્યાં જે, આટલાં ચકલાંના નાડી-પ્રાણ તાણીને સમાધિ કરાવીને ફરી દેહમાં લાવવાં તે મોટા દેવતાઓથી પણ થાય નહીં ! માટે સ્વામિનારાયણ ભગવાન તો ખરા. આપણે પરચો માગ્યો તે તેમણે આપ્યો. એમ કહીને ચાલ્યા ગયા.

પછી બીજે દિવસે ખૈયા ખત્રીના કારખાનામાં શ્રીહરિ વિરાજમાન હતા. ત્યાં શીશાગઢના ગરાશિયા મોડજી આવીને બેઠા અને બીજાં પણ માણસ પાંચ સાત બેઠાં હતાં. ત્યારે ખૈયા ખત્રીએ શ્રીહરિને કહ્યું જે, હે મહારાજ ! કાંઇક પરચો આપો તો ઠીક. ત્યારે મોડજી ગરાસિયે કહ્યું જે, ખૈયા ભક્ત ! મોટા પુરુષ પાસે તો જીવનું કલ્યાણ થાય તેવું પૂછીએ, પણ બીજું ન પૂછીએ. તો પણ ખૈયા ભક્તે ન માન્યું.

અને મહારાજને ફરી પૂછ્યું. ત્યાં કોઇકે જારના દાણા નાખ્યા. તે ઠેકાણે ચાલીસ પચાસ કબૂતર ચણતાં હતાં. તેનાં નાડી-પ્રાણ શ્રીહરિએ તાણી લીધાં. ત્યારે તે કબૂતર પૃથ્વી ઉપર સર્વે પડી ગયાં. ત્યારે મોડજીએ ખૈયા ભક્તને કહ્યું જે, શ્રીજીમહારાજ તો અગ્નિરૂપ છે. તમે મહારાજને કહ્યું ને મહારાજે કબુતર સામું જોયું; ત્યારે તે કબુતર સર્વે પૃથ્વી ઉપર પડી ગયાં. તે મરી જાશે તેનું પાપ તમને લાગશે. ત્યારે ખૈયા ભક્તે કહ્યું જે, જુઓ તો ખરા. જેને નાડી-પ્રાણ ખેંચતાં આવડે છે, તેને જીવાડતાં પણ આવડે છે. એ પરચો જુઓ તો ખરા. પછી ઘડીકવાર તો તે કબુતર પડ્યાં રહ્યાં, પણ પછી મહારાજે તેના સામું જોયું, ત્યારે તે કબૂતર પાછાં ઊઠીને જાર ચણવા મંડ્યાં. ત્યારે તે માણસે કહ્યું જે, આવું કામ મનુષ્યથી ન થાય. સ્વામિનારાયણ તો પ્રગટ શ્રી પુરુષોત્તમ નારાયણ છે. તે કાને સાંભળેલી વાતને તો કોઇ ખોટી કરે પણ આ તો આંખે દેખીએ છીએ. માટે ખોટી કેમ કહેવાય ? આવી રીતે સર્વે મનુષ્ય બોલવા લાગ્યાં. અને એક દિવસ ખૈયાને કારખાનેથી શ્રીજીમહારાજ લક્ષ્મીનારાયણના મંદિરમાં પધાર્યા. ત્યારે ત્યાં બહુ મનુષ્યો દર્શને આવ્યાં હતાં. તે સર્વે મનુષ્યને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન થયાં. તે ચમત્કાર જોઇને ઘણાંક દૈવીજનો હતાં તે મહારાજના આશ્રિત થયો. અને ત્યાંથી ચાલ્યા તે તળાવની દક્ષિણ બાજુની પાળે વાવ છે તેમાં સ્નાન કરીને ખૈયાના કારખાને પધાર્યા. એવી રીતે મહારાજ માંડવીમાં બે માસ રહીને વહાણમાં બેસીને જોડીયે પધાર્યા. પછી ગુજરાતમાં ગયા.

ઇતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે માંડવીમાં ખૈયાને જલેબી આપી તથા ચમત્કાર બતાવ્યા અને ત્યાં બે માસ રહીને પધાર્યા, એ નામે ત્રેવીસમો અધ્યાય. ૨૩