૧૬ ભુજ પધાર્યા, લાધીબાઈની વાત, તેમણે યોજેલ અન્નકૂટની કંકોતરીઓ લખી.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:53pm

અધ્યાય-૧૬

એવી રીતે શ્રીજીમહારાજ કચ્છ દેશમાં ફરીને ભુજનગર પધાર્યા ત્યારે નગરના સર્વે હરિભક્તો વાજીંત્ર વગડાવતા ને કીર્તન બોલતા થકા સન્મુખ આવ્યા. ને શ્રીહરિને દૂરથી માર્ગમાં આવતા જોઈને દંડવત્‌ પ્રણામ કર્યા ત્યારે શ્રીહરિએ હરિભક્તોનું જેમ સન્માન કરવું ઘટે તેમ કર્યું. તે કેટલાકને રૂડે વચને કરીને બોલાવ્યા, ને કેટલાકને પોતાનાં ચરણારવિંદ છાતીમાં આપીને ત્રણ પ્રકારના તાપને ટાળ્યા, ને કેટલાકને પોતાની પ્રસાદીના પુષ્પના હાર આપીને સુખ પમાડ્યા. એવી રીતે હરિભક્તોને આનંદ પમાડીને વાજતે ગાજતે હરિભક્તોની સાથે ભુજનગરમાં પધાર્યા ને સર્વ જનોને પોતાનાં દર્શન આપીને આત્યંતિક મોક્ષના અધિકારી કર્યા. પછી ભુજ શહેરમાં ફરીને લાધીબાઇને ઘેર પધાર્યા. પછી લાધીબાઇએ શ્રીહરિનો પોતાના ભાઇના ઘરની મેડી ઉપર ઉતારો કરાવ્યો, ને બીજા સંતો હરિભક્તોને પણ જેમ ઘટે તેમ ઉતારો કરાવ્યો. ને શ્રીજીને લાધીબાઇએ સુંદર ભોજન કરીને જમાડ્યા ને સંતો તથા હરિભક્તોને પણ જમાડ્યા.

પછી સભાને વિષે વિરાજમાન એવા જે શ્રીજીમહારાજ તેમની સમીપે લાધીબા આવીને દૂર ઊભાં રહ્યાં. ને મર્યાદાપૂર્વક હાથ જોડીને પ્રાર્થના કરતાં કહેવા લાગ્યાં જે, હે મહારાજ ! તમો મારે ઘેર અન્નકૂટનો મહોત્સવ કરો ને કચ્છ દેશના સર્વે અવાંતર દેશો તથા ગુજરાત, સોરઠ, ઝાલાવાડ આદિ દેશોના ભક્તોને બોલાવીને અમને તેમનાં દર્શન કરાવો. પછી શ્રીજીમહારાજે પોતાનું કર્તવ્ય જે અનંત જીવોનું કલ્યાણ કરવું તેને અનુસરતી એવી લાધીબાની પ્રાર્થના સાંભળીને કહ્યું જે, તમો તો સાંખ્ય-યોગી છો. માટે તમારા ભાઇ શિવરામ મહેતા તથા હરજીવન મહેતા તેમને પૂછો. તેમનો રાજીપો હોય તેમ તમારે કરવું એ ઠીક છે.

પછી લાધીબા પોતાના બન્ને ભાઇની સમીપે ગયાં. ત્યારે બન્ને ભાઇ તેમના પ્રત્યે બોલ્યા જે, હે બેન ! આ વખતે મહારાજનાં દર્શન કરવાં તથા વાર્તા સાંભળવી મૂકીને અહીં અમારી પાસે કેમ આવ્યાં છો ? ત્યારે લાધીબાઇએ કહ્યું જે, આગળ કેટલાક ભગવાનના ભક્ત ત્યાગીમાં તથા ગૃહસ્થાશ્રમમાં થઇ ગયા છે તેમનાં ચરિત્ર શાસ્ત્રોમાં લખ્યાં છે. તથા તેમને જેનો જેનો સમાગમ થયો તેમનાં પણ ચરિત્ર લખ્યાં છે. તે આ વખતે હજારો ઠેકાણે વંચાય છે, ને તેમનાં નામ લેવાય છે. તેને સાંભળીને સાંભળનારા સર્વે જનો પોતાને ધન્યભાગ્યવાળા માને છે, તેનું કારણ તો ભગવાનનો આશ્રય તથા તેમના ભક્તનો સમાગમ છે. ને આજ આપણને તો પૂર્વે થઇ ગયા જે રામકૃષ્ણાદિક અનંત અવતાર તેના ધરનારા ને સર્વે યોગકળાના નિધિ ને સર્વાંતર્યામી એવા જે શ્રીહરિ સહજાનંદ સ્વામી તે મળ્યા છે. ને અક્ષરધામ, શ્વેતદ્વીપ, ગોલોક, બદરિકાશ્રમ, વૈકુંઠ આદિક અનંત ધામના મુક્ત તે પણ મનુષ્યસ્વરૂપ ધારણ કરીને શ્રીહરિ સંગાથે વિચરે છે, તેનાં દર્શન કરવાં તથા વાર્તા સાંભળવી એવો જોગ મળ્યો છે. માટે આપણા જેવાં તો કોઇનાં મોટાં ભાગ્ય ન જ કહેવાય, કેમ જે પરોક્ષમાં કેટલાક ભક્ત ભગવાનને રાજી કરવા માટે અને પોતાનું કલ્યાણ થાય તે સારુ લાખો રૂપિયા તથા ગામ, ગરાસ, ઘરબાર તેનાં દાન કરે છે, ને શરીરે કરીને પણ ઘણાંક કષ્ટ સહન કરે છે. પણ તેને પોતાના કલ્યાણનો નિશ્ચય થાતો નથી, ને કૃતાર્થપણું પણ મનાતું નથી, તો આત્યંતિક મોક્ષની તો શી વાત કહેવી ? ને આપણને તો ઘેર બેઠાં પુરુષોત્તમ નારાયણ મલ્યા છે. ને આપણે તો છતે દેહે જ અક્ષરધામમાં બેઠા છીએ એવો નિશ્ચય થયો છે. માટે આજે સર્વોપરી સહજાનંદ સ્વામી તેમને અર્થે શું ન થાય ? જેટલું થાય તેટલું ઓછું છે માટે ચાલો, મહારાજ પાસે અન્નકૂટનો મહોત્સવ કરવાની પ્રાર્થના કરીએ. એવી રીતે બે ભાઇ ને બહેન વિચારીને શ્રીહરિ પાસે આવ્યા, ને નમસ્કાર કરીને મહારાજ પાસે હાથ જોડીને બેઠા.

ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, શા માટે આવ્યા છો ? ત્યારે શિવરામ મહેતા તથા હરજીવન મહેતા તથા લાધીબાઇ બોલ્યાં જે, હે મહારાજ ! અમારે અહીં તમો અન્નકૂટનો મહોત્સવ કરો ને દેશદેશાંતરના હરિભક્તોને બોલાવીને તેમનાં અમોને દર્શન કરાવો. એવી પ્રાર્થના છે. આવું તેઓનું વચન સાંભળીને શ્રીહરિ કહે, બહુ સારું, અન્નકૂટને એક માસ બાકી છે. તે પાત્રો સીધું-સામાન, જે જે ઉપયોગી પદાર્થ તે સર્વે મંગાવો ને અમે દેશાંતરના હરિભક્તો ઉપર કંકોત્રીઓ લખાવીએ છીએ. પછી બે ભાઇ તથા બહેન પોતાને ઘેર ગયાં ને સામગ્રી મંગાવવાના ઉદ્યમમાં તૈયાર થયાં. તે સમયે ત્રણેના મનમાં એમ વિચાર થયો જે, આટલી બધી સામગ્રી આપણે થોડા મનુષ્યથી શી રીતે ભેગી થાશે ? એવો એમનો સંકલ્પ જાણીને શ્રીહરિ ભુજનગરના સર્વે હરિભક્તોના અંતઃકરણને વિષે અંતર્યામીપણે કરીને પ્રેરણા કરી જે લાધીબા, શિવરામ મહેતા તથા હરજીવન મહેતા શ્રીજીની આજ્ઞા લઇને અન્નકૂટનો ઉત્સવ કરાવે છે.

માટે આપણને પણ સેવા કરવાનો અલૌકિક લાભ મળશે. માટે આપણાથી બને તેટલી દેહે કરીને તથા દ્રવ્યે કરીને તથા વચને કરીને સેવા કરવી. એમ વિચારીને સર્વે હરિભક્તો ને બાઇઓ લાધીબાની પાસે આવ્યાં ને લાધીબા તથા બન્ને ભાઇ પ્રત્યે સર્વે હરિભક્તો તથા બાઇઓ કહેવા લાગ્યાં જે, તમો અન્નકૂટનો ઉત્સવ કરાવો છો માટે અમે પણ ઉત્સવમાં કામકાજ કરવા આવ્યા છીએ. તે વાત સાંભળીને લાધીબા તથા બન્ને ભાઇ બહુ રાજી થયાં ને સર્વે પાસે મોટાં મોટાં પતરાં તથા દેગડાં, થાળ તથા તપેલાં, કડાયાં, ઝારા, તાવેથા આદિક અનેક પ્રકારનાં નાનાં મોટાં પાત્ર મંગાવ્યાં. ને ઘઉં, ચણા, ચોખા, દાળ વિગેરે ઘણાક પ્રકારનાં અન્ન પણ મંગાવ્યાં. તેમજ ઘી, ગોળ, સાકર, ખાંડ આદિક અનેક પ્રકારના રસને મંગાવ્યાં ને ધાણા-જીરૂ, આદુ, મરચાં, મરી, તજ, તમાલપત્ર, રાઇ, મેથી આદિક અનેક પ્રકારના મસાલા પણ મંગાવ્યાં ને જરિયાની તથા રેશમી અને સુતરાઉ આદિક અનેક પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. આ પ્રમાણે શ્રીહરિએ જે જે સામગ્રી કહી હતી તે સર્વ સામગ્રી મંગાવી લીધી.

પછી શિવરામ મહેતાએ તથા મહેતા હરજીવને જેઠી ગંગારામ તથા જેઠી ખીમજી, જેઠી વાલજી, મુળજી, સંગજી, લુહાણા ઉકા, સેજપાલ, વલ્લભજી, ભગવાનજી, મનજી, રામદાસ, મોરાર, રતનશી, ડોસાભાઇ આદિક હરિભક્તો પાસે સુંદર બે પાકશાળાઓ કરાવીને લાધીબાએ પોતાનાં બહેન ભાગબાઇ તથા સુતાર સેજીબાઇ, હરબાઇ, પુંજીબાઇ, સેજુબાઇ, જમુનાબાઇ, ક્ષત્રી દેવબાઇ આદિક બાઇઓને ઘઉં દળાવવા, ડાંગર ખંડાવવી, ચણાની દાળ કરાવવી ઇત્યાદિક ક્રિયાને કરાવવામાં પ્રેરણા કરી, તેમાં સુતાર અમરબાઇ ને સુરજબાઇ દેખરેખમાં મુખ્ય કર્યાં હતાં. ને તે પાકશાળામાં શાક, અન્ન, જળ, ઇંધણાં આદિક જે જે સામગ્રી જોઇએ તે લાવી આપવી, તેમાં સોની ગોમતીબાઇ તથા મોટીબાઇ તથા મુળીબાઇ તથા લુહાણા જેઠીબાઇ તથા ગંગાબાઇ એ પાંચ બાઇઓને મુખ્ય કર્યાં હતાં. ને બીજાં કેટલાંક બાઇઓને સેવો, પાપડ, વડીઓ આદિક કરવા-કરાવવામાં પ્રેરણા કરી, ને કેટલીક બાઇઓને પાણી ભરવું તેમાં પ્રેર્યાં. ને બન્ને ભાઇઓએ વલ્લભજી તથા માધવજી તથા મહીદાસ ને વિશ્વેશ્વર તથા કામેશ્વર ને મહેતા ગણપતરામ ને હરિરામ તથા ગોર ભવાનીદાસ તથા દવે ઇશ્વર તથા નરસિંહ તથા ભાણજી આદિ બ્રાહ્મણોને પાક કરવામાં પ્રેરણા કરી. તેમાં પ્રાગજી પુરાણી તથા સુતાર હીરજીભાઇને દેખરેખમાં મુખ્ય કર્યા હતા. તે પાકશાળામાં શાક, અન્ન, જળ, ઇંધણાં આદિક જે જે સામગ્રી માગે તે લાવી આપવી, તેમાં જેઠી ખીમજી તથા વાલજી ને ઠક્કર ઉકા તથા સેજપાલ ને વલ્લભજી એ પાંચ હરિભક્તોને મુખ્ય કર્યા હતા. એવી રીતે જ્યારે સર્વે બાઇ-ભાઇને અન્નકૂટના કાર્યમાં નિર્માણ કર્યા ત્યારે સહુ શ્રીજી મહારાજને સંભારીને પોતપોતાની ક્રિયામાં પ્રવર્તી ગયાં ને પોતાના કાર્યમાં સ્ફૂરાયમાન થયા જે શ્રીહરિ તેને જોઇને અતિશય આનંદ પામીને ચારે પ્રકારનાં ભોજન કરવા લાગ્યાં. ડાંગરને ખાંડતી જે બાઇઓ તે ઊંચે સ્વરે કરીને કીર્તન બોલવા લાગી.

કીર્તનને બોલતી એવી કેટલીક બાઇઓ તો ખાંડણીને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખતી હતી. તેણે કરીને સાંબેલાં સહિત ઊંચા કરેલા હાથવાળી તે જેમ હતી તેમ જ સ્થિર થઇ ગઇ, ને કેટલીકને તો શ્રીહરિનાં દર્શને કરીને અલૌકિક દિવ્ય આશ્ચર્ય દેખાવા લાગ્યાં. ને પાપડને વણતી એવી કેટલીક બાઇઓ ભક્તિ-ધર્મના પુત્ર શ્રીહરિને સંભાળતી હતી. તે સંભાળતાં જ ભક્તિધર્મ સહિત દેખાણા એવા બાલસ્વરૂપ જે ઘનશ્યામ મહારાજ તેની મૂર્તિને જોઇને હસ્તમાં છે વેલણો જેનાં એવી સ્થિર થઇ ગઇ.

અને પાણી ભરતી એવી કેટલીક બાઇઓ જે તે શ્રીજી મહારાજની મૂર્તિનાં કીર્તન ગાન કરતી હતી. ને ગાતે ગાતે અતિ સ્નેહે કરીને તણાઇ ગયાં છે નાડી પ્રાણ જેમનાં, અને માથે પાણીનાં બેડાં છે જેમને એવી એમ જ સ્થિર થઇ ગઇ. ને ડાંગરને ખાંડવી એ આદિક ક્રિયાને વિષે કીર્તનને બોલતી એવી બાઇઓના કીર્તનનો શબ્દ, અને પાણી ભરતી એવી બાઇઓના કીર્તનનો શબ્દ, ને દહીં મંથન કરતી એવી જે બાઇઓના કીર્તનનો શબ્દ જે, હે મહારાજ ! તમે જયકારી પ્રવર્તો, જયકારી પ્રવર્તો, તથા નમો નમો, આ પ્રમાણે જય શબ્દ અને નમઃશબ્દ તથા સાધુ શબ્દ સર્વે દિશાઓમાં વ્યાપી ગયો, અને સર્વે દિશાઓને મંગળમય કરી દીધી.

તે શબ્દને સાંભળીને સર્વે દેવો વિમાનમાં બેસીને આકાશમાં આવીને સ્થિર થઇ ગયા. ને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ને શ્રીહરિએ પણ કચ્છ દેશમાં તથા ગુજરાત તથા સૌરાષ્ટ્ર તથા ઝાલાવાડ તથા હાલાર આદિક દેશોમાં તથા ખેટ, ખર્વેટ, પુરી, પ્રાંત આદિક સર્વે સ્થળે હરિભક્તો ઉપર કંકોતરીઓ લખાવી. કંકોત્રીઓમાં એમ લખાવ્યું જે, લિખાવીતં સ્વામી શ્રી ૧૦૮ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. સર્વે બાઇ - ભાઇઓ અમારા જય શ્રી સ્વામિનારાયણ વાંચજ્યો. વિશેષ લખવાનું કે, સંવત્‌ ૧૮૬૨ના કાર્તિક શુદ-૧ ને દિવસે ભુજનગરને વિષે અન્નકૂટનો ઉત્સવ છે. માટે તમો સર્વે બાઇ-ભાઇ, બાલ-વૃધ્ધ મળીને ઉત્સવ ઉપર આવજો. એવી રીતે લખાવીને દેશાંતરના હરિભક્તો ઉપર મોકલાવી, અને પોતે શ્રીહરિ પણ ભુજનગરને વિષે રહીને દિવસ દિવસ પ્રત્યે હરિભક્તોને અતિ આનંદ પમાડવા લાગ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજમાં મહારાજને લાધીબાઇએ અન્નકૂટ કરવાની પ્રાર્થના કરી ને શ્રીજીએ હરિભક્તોને કંકોત્રીઓ લખી એ નામે સોળમો અધ્યાય. ૧૬