સદ્‌ગરુ સ્વામીશ્રી અચ્યુતદાસજીનું જીવન ચરિત્ર

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 2:42pm

સ્વામીશ્રી અચ્યુતદાસજીનો જન્મ કચ્છદેશના અબડાસા તાલુકાના ગામ ધુફીમાં થયો હતો. તેમનાં માતા-પિતા હમેશાં સનાતન ધર્મનું પાલન કરતાં થકાં ભગવાનની ભક્તિ કરતાં અને અતિ ઉદાર દીલવાળાં હતાં. તે દંપતિને ભગવદ્‌ ઈચ્છાથી આ મહાન સ્વામીરૂપ પુત્રરત્ન પ્રાપ્ત થયું. સ્વામીશ્રી જન્મથી આરંભી ચન્દ્રકલાની પેઠે વૃદ્ધિ પામ્યા. અને પોતાનાં માતા-પિતાને હર્ષ ઉપજાવતા થકા કુમાર અવસ્થા વ્યતીત કરીને તેઓશ્રીની જ્યારે આઠેક વર્ષની ઉંમર થઈ ત્યારે એક સમયે તેમનાં માતા-પિતા બહાર ગયેલાં હોવાથી તેઓશ્રી એકલાજ ઘેર હતા તે સમયે શ્રી સહજાનંદ સ્વામીના પરમ એકાંતિક સંત શ્રી શતાનંદ મુનિ તે ગામમાં આવ્યા તથા તેમની સાથે વ્યાપકાનંદ સ્વામી તેમજ સ્વરૂપાનંદ મુનિ પણ હતા. તે મુનિઓની માગણીથી આ આઠ વર્ષના તે બાળકે ભાવથી ભોજન કરાવ્યું અને સંતોષ પમાડ્યા. સંતુષ્ટ થતાં તે મુનિઓએ તેમને કંઈ વરદાન માગવાનું કહેતાં તેઓશ્રીએ કહ્યું કે જે તમોને વહાલું હોય તે આપો. એમ કહ્યું એટલે મુનિઓએ પરસ્પર વિચાર કરતાં કહ્યું કે અમોને વહાલા તો ભગવાન શ્રીસ્વામિનારાયણ છે. અને તેમની કૃપાથી નિર્વિકલ્પ થતાં તે શ્રીહરિને અહર્નિશ અંદર, બહાર દેખીએ છીએ. માટે તમોને પણ અમારા જેવી સ્થિતિ થાઓ. આ પ્રમાણે વરદાન આપ્યું.

આ વરદાન રૂપી આશીર્વાદથી તેજ સમયથી આરંભી તેઓશ્રી મનહર મૂર્તિ શ્રી સહજાનંદ સ્વામીને અખંડ દેખવા લાગ્યા. માતા-પિતા ઘેર આવ્યાં. પુત્ર થકી ઉપરોકત વૃતાન્ત સાંભળી બહુજ હર્ષવત્‌ થયાં. થોડા સમય બાદ તેમના માતા-પિતાએ ગઢડે શ્રીજી મહારાજનાં દર્શન કરવા માટે તૈયાર કરી. તે વખતે તેઓશ્રી પણ તેમની સાથે રવાના થયા. પરંતુ પંદરેક ગાઉ ચાલ્યા પછી આ બાળક લાંબો પંથ ચાલી શકશે નહી. એમ જણાવાથી પોતાના પુત્રને સમજાવીને રસ્તામાં તેના મામાને ત્યાં મૂકીને ગઢડે ગયાં. ત્યાં પચીશેક દિવસ રહી શ્રીજી મહારાજનાં દર્શન તથા સેવાનો લાભ લઈ પાછાં ઘેર આવ્યાં. પોતાના પુત્રને સાજો સારો જોઈ રાજી થયાં. તેઓશ્રી પછી ગઢડે જે હકીકત બની છે તે સવિસ્તાર જણાવી. તે સાંભળી માતા-પિતા અતિશય આનંદ અને આશ્ચર્ય પામ્યાં. અને પૂછ્યું જે આ બધું તમને કોને કહ્યું ? ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે, પેલા બે સંતો આપણે ઘેર આવ્યા હતા અને તેમના આશીર્વાદથી આવરણ દૃષ્ટિ દૂર થતાં મને આ બધું દેખાય છે. ત્યાર પછી કેટલોક સમય વિત્યા બાદ તેમનાં માતા-પિતા દેહ ત્યાગ કરી શ્રીજી મહારાજનાં અક્ષરધામમાં ગયાં. ત્યાર પછી જીવનચરિત્રના નાયક તેઓશ્રી ભુજ આવીને આનંદાનંદ સ્વામી મારફત આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસેથી ભાગવતી દીક્ષા લઈને સાધુ થયા.

દીક્ષામાં તેમને અચ્યુતદાસજી એવું નામ પ્રાપ્ત થયું. સ્વામીશ્રી મંદિરમાં રહી અનેક પ્રકારની સેવાઓ કરી શ્રીજી મહારાજ તથા સંતોને પ્રસન્ન કરવા લાગ્યા. અખંડ મૂર્તિ દેખાવાથી તેઓશ્રી હંમેશાં ઉપશમ સ્થિતિમાં રહેતા. જ્યારે પાટવાડી નાકા બહાર આવેલા મંદિરના નારાયણ બાગની વંડીનું (ફુલવાડી) કામ ચાલતું હતું ત્યારે સ્વામીશ્રી હમેશાં ત્યાં કામ કરવા જતા. એક વખત મંદિરમાં દેવની સેવા કરનાર બ્રહ્મચારી બગીચે નાહ્વા માટે ગયા ત્યારે તેમણે ત્યાં સ્વામીશ્રીને કામ કરતા જોયા અને એક પથ્થર બંધ બેસતો થયો ન હતો. તેને બતાવીને તેમણે સ્વામીશ્રીને કહ્યું કે, આ પથ્થર બંધ બેસતો નથી બેઠો. વિશેષમાં ઉમેર્યું કે તમે તો શણગાર આરતીનાં દર્શન પણ કરો નહીં અને આખો દિવસ કામ કર્યા કરો છો. થોડા મોડા આવતા હો તો ? આ સાંભળીને સ્વામીશ્રીએ જણાવ્યું કે આ પથ્થરો તો અમો સરખા કરી લેશું પણ તમોએ ઠાકોરજીના શણગાર કરતી વેળા વાઘા અવળા ધારણ કરાવ્યા છે તે તુરત જાઓ અને સવળા કરો.

ત્યારે તે બ્રહ્મચારીએ કહ્યું જે તમો તો મંગળા આરતીનાં દર્શન કરીને અહીં આવ્યા છો છતાં પણ વાઘા અવળા છે તે તમોએ શી રીતે જાણ્યું ? ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું કે અમોને શ્રીજી મહારાજની કૃપાથી અહીં રહ્યાં છતાં સર્વત્ર દેખાય છે. એક વખત રસોડામાં બાજરાનો રોટલો કરી તાવડીમાં ચડાવવા માટે રોટલાને મુકતાંજ લક્ષ્ય થઈ જવાથી હાથ તાવડી ઉપરજ રહી ગયો. પછી બીજા સંતે તેમને બાજુપર બેસાડી રસોઈ કરી.

સંવત્‌ ૧૯ર૯ ની સાલમાં સ્વામીશ્રી કેટલાક સંતોને સાથે લઈ અમદાવાદ દર્શન કરવા ગયા. ત્યાં જઈ દેવનાં દર્શન કરી આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજને મળીને નિર્ગુણદાસસ્વામીને આસને આવ્યા. સ્વામીશ્રીએ મને પૂછ્યું જે કેટલાં વર્ષે તમો અહીં દર્શને આવ્યા છો ? ત્યારે તેમણે કહ્યું જે સ્વામી ! આ ફેરે તો તેરમે વર્ષે દર્શને આવ્યો છું. આમ કેટલીક પ્રસંગોપાત વાતચીત કરી અચ્યુતદાસજી સ્વામી પોતાના ઉતારે આવ્યા. સ્વામીશ્રી ત્યાં રહ્યા તેટલા દિવસ બીજા સાધુ કથા પ્રસંગમાં જતા પણ પોતે ઉતારે જ બેસી રહેતા. ત્યારે નિર્ગુણદાસજીએ પૂછ્યું જે તમો કથામાં કેમ નથી આવતા ? ત્યારે અચ્યુતદાસજી સ્વામીએ કહ્યું જે મહારાજની કૃપાથી તેમજ આપના આશીર્વાદથી મને આસને બેઠાંજ કથા સંભળાય છે. અને નિત્ય નવા નવા શણગારોનાં દર્શન થાય છે તે પણ આસને બેઠાંજ. એમ કહી તેર વર્ષ સુધીમાં થયેલા સમૈયા, શણગારો કથા વાર્તા વગેરેની સવિસ્તર હકિકત કહી સંભળાવી. આ સાંભળી સ્વામી નિર્ગુણદાસજી તેમજ બીજા સંતો બહુજ આશ્ચર્ય પામ્યા, અને ઘણાજ ખુશી થયા. સ્વામીશ્રી આવા સમર્થ હોવા છતાં ભુજ મંદિરમાં વાળવું, લીપવું, દાણાવીણવા, રસોઈ કરવી વગેરે કાર્યો જાતેજ કરતા.

એક સમયે સદ્‌ગુરુ સ્વામીશ્રી અચ્યુતદાસજી શ્રી નરનારાયણદેવના મંદિરના દરવાજાની આગળ ઉભા હતા. જાળીએ તાળું વાસેલું હતું. તે સમયે સ્વામી શ્રીહરિકૃષ્ણ મહારાજનાં એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરતા હતા. હરિકૃષ્ણ મહારાજે પોતાના કંઠમાં જે પુષ્પનો હારધારણ કરેલો હતો તે હાર સુગંધીમાન હતો તેમજ રૂપવાન હતો. તે હારની પ્રશંસા કરતા કરતા સ્વામીશ્રી પોતાના મનમાં ને મનમાં કહેવા લાગ્યા જે હરિકૃષ્ણ મહારાજને આ હાર બહુજ શોભી રહ્યો છે. તેમનું આ હાર્દિક પ્રસંશન જાણીને શ્રીહરિકૃષ્ણ મહારાજ તેમના પ્રતિ બોલ્યા જે, લ્યો આ હાર, હું રાજી થઈને તમને આપું છું. એમ કહી તે હાર ઉછાળ્યો એટલે તે એક બાજુથી શ્રીહરિકૃષ્ણ મહારાજના કંઠમાં રહ્યો અને બીજી બાજુનો હાર અચ્યુતદાસજી સ્વામીના કંઠમાં રહ્યો. એટલે સ્વામી ત્યાંને ત્યાં ઉભા થઈ રહ્યા. પછી વિચાર કરવા લાગ્યા જે અહીંથી જવાસે કેમ ? ત્યારે હરિકૃષ્ણ મહારાજે પોતાના કંઠમાંથી તે હાર કાઢી નાખ્યો. એટલે હાર જે લાંબો થયો હતો તે ટુંકો થઈને સ્વામીનાં કંઠમાંજ રહ્યો. પછીથી સ્વામી સભામાં આવ્યા.

આ પ્રમાણે આ ગ્રંથ કર્તા સ્વામીશ્રી અચ્યુતદાસજી આવા પ્રકારના મહાન્‌ પ્રાતઃસ્મરણીય સંત હતા. તેમની હકિકત વાચકવૃંદને જાણવામાં આવે એટલા માટે તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર યથોપલબ્ધ લખી જણાવ્યું છે.

લી. મહંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ-કચ્છ.